You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નૉન-વેજ ફૂડ વિવાદ : 'ઈંડાં ખાવાં પણ હવે લાગે છે કે બીજા રાજ્યમાં જવું પડશે' - સોશિયલ
ગુજરાત અને નૉન-વેજ... આ બે શબ્દની અત્યારે ગુજરાત સહિત આખા દેશમાં અનેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે.
અને તેનું કારણ છે વડોદરા, રાજકોટ, ભાવનગર બાદ અમદાવાદમાં ઈંડાં અને નૉન-વેજની લારીઓ હઠાવવાની પ્રક્રિયા.
કમિટી ચૅરમેન દેવાંગ દાનીએ કહ્યું છે કે નૉન-વેજ ખોરાકના સ્ટૉલ જાહેર રસ્તા પર ઊભા રાખવાની પરવાનગી આપવામાં નહીં આવે અને સાથે જ સ્કૂલ, કૉલેજ અને ધાર્મિક સ્થળના 100 મીટરના અંતર સુધી આ સ્ટૉલ ઊભા રાખી શકાશે નહીં.
આમ તો ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે મહાનગરપાલિકાઓના આ નિર્ણય વિશે કહ્યું હતું કે ભાજપના તેની સાથે કોઈ લેવા દેવા નથી.
આ તરફ મુખ્ય મંત્રી ભૂરેન્દ્ર પટેલે પણ કહ્યું છે કે જેને જે ખાવું હોય તે ખાઈ શકે છે. તેમણે કહ્યું હતું, "કોઈ વેજ ખાય, નૉન-વેજ ખાય એનાથી અમને કોઈ જ વાંધો નથી. પ્રશ્ન લારીમાં વેચાતા ખાદ્યપદાર્થ સ્વાસ્થ્યને હાનિકારક ન હોય તેટલા પૂરતો જ છે. ક્યાંક ટ્રાફિકને અડચણરૂપ હોય તેવી લારીને હઠાવવી પડે તો હઠાવવામાં આવે."
પરંતુ જે દેખાઈ રહ્યું છે તે એ છે કે ઘણી જગ્યાએથી લારીઓ હઠાવવામાં આવી છે.
ANI સાથેની વાતચીતમાં રાકેશ નામના એક સ્ટૉલના માલિકે કહ્યું, "રસ્તા પર લારી ચલાવતા લોકો AMCના રસ્તા પરથી નૉન-વેજ ફૂડ સ્ટૉલ હઠાવવાના નિર્ણય બાદ ડરેલા છે કે રોજીંદું જીવન કેવી રીતે ચાલશે. અમારા પર પ્રતિબંધ લગાવવાનો અને હોટલને પરવાનગી આપવાનો શો મતલબ છે. શું નૉન-વેજ ખોરાકની ત્યાંથી વાસ નથી આવવાની?"
સોશિયલ મીડિયામાં લોકોએ નૉન-વેજ અંગે શું કહ્યું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારથી મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી શરૂ કરાઈ છે ત્યારથી આ મામલે સોશિયલ મીડિયા પર પણ લોકોની અલગઅલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે.
જયદીપસિંહ રાઠોડ નામના ટ્વિટર યૂઝરે લખ્યું છે, "સરકાર હવે નક્કી કરશે કે નાગરિકો શું ખાઈ શકે અને શું ના ખાઈ શકે. હવે તો હદ થઈ ગઈ. ઈંડાં ખાવા માટે પણ બીજા રાજ્યોમાં જવું પડે એવું લાગી રહ્યું છે. ડરતાં ડરતાં ઈંડાં પણ બ્લૅકમાં લેવાનો વારો હવે આવી ગયો છે."
આર આર શર્મા નામના ટ્વિટર યૂઝરે લખ્યું છે, "ગુજરાતમાં નૉન-વેજ ફૂડ એ તમાકુ અને દારૂ જેવું બની ગયું છે. આ પ્રકારના નિર્ણયો પર રોક લગાવવા માટે PIL ફાઇલ થવી જોઈએ.”
પ્રશ બજાજ નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું છે, "ગુજરાતમાં નૉન-વેજ એ ભ્રષ્ટાચાર જેવું બની રહ્યું છે.... દબાવીને ખાઓ પણ છુપાવીને ખાઓ."
ડૉ. ઋષિકેશ ત્રિવેદી લખે છે, "અમદાવાદમાં નૉન-વેજની લારીઓ દૂર કરવાનો તર્ક કંઈ સમજાતો નથી. થોડા મહિના પહેલાં સરકારે મરઘા ઉછેર કેન્દ્રને સબસિડી આપી હતી, તે શાના માટે હતી? કોઈને તેનો તર્ક સમજાતો હોય તો મહેરબાની કરીને મને પણ સમજાવજો."
રૉબિન ઍન્થની લખે છે, "મુર્ખામીભર્યો કાયદો છે. તમને કોઈ દબાણ નથી કરતું કે તમે નૉનવેજ ખાઓ.. તો પછી આવી પરિસ્થિતિ શા માટે ઊભી કરવામાં આવી રહી છે. જે લોકોને નૉનવેજ પસંદ છે તે લોકો એ જ રીતે ખાશે જે રીતે શાકાહારી ભોજન પસંદ કરતા લોકો ખાય છે. આ પ્રકારની સ્થિતિમાં ગરીબ લોકો મુશ્કેલીમાં મુકાશે જેમની આજીવિકા તેનાથી ચાલે છે."
ઘણા લોકો છે જે આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક લોકો એવા પણ છે જેમણે મહાનગરપાલિકાઓના નિર્ણયને આવકાર્યો છે.
નુરાયનાના નામના ટ્વિટર યૂઝરે લખ્યું છે, "ભાજપ સરકારના શાસન હેઠળ આ ઐતિહાસિક નિર્ણય આવ્યો છે જે નથી ઇચ્છતું કે લોકો અસ્વસ્થ ખોરાક ખાય જેના પર રસ્તાનો કચરો પણ ઊડતો હોય. પહેલાં કાપેલાં અને છોલેલાં ફળ પર પ્રતિબંધ હતો. એટલે આવા નિર્ણયને આવકારવો જોઈએ અને નૉન-વેજ પસંદ કરતાં લોકોએ રેસ્ટોરાંમાં જઈને જ ખાવું જોઈએ."
તો વેંકટ ઇન્ડિયન નામના ટ્વિટર હેન્ડલ પરથી કહેવામાં આવ્યું છે, "નૉન-વેજ સ્વાસ્થ્ય માટે ખરાબ છે. તમે પશુને મારીને શા માટે ખાવા ઇચ્છો છો. તેમને પણ જીવવાનો અધિકાર છે."
આ મુદ્દે બીબીસીના ફેસબુક લાઇવ દરમિયાન પણ ઘણા લોકોએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
તેમાં કોઈએ મહાનગરપાલિકાનો સમર્થન કર્યો હતો તો કોઈએ નિર્ણયનો વિરોધ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો