મોરબી ડ્રગ્ઝ કેસ : અફઘાનિસ્તાનમાં વધતી અફીણની ખેતીને લીધે ગુજરાતનો દરિયાઈમાર્ગ હેરાફેરીનું કેન્દ્ર કેમ બની ગયો?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં મુંદ્રા અને દ્વારકા બાદ હવે મોરબીમાંથી ડ્રગ્ઝનો મોટો જથ્થો પકડાયો છે, આ અંગે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીએ ટ્વીટ કરીને માહિતી પણ આપી છે.

અહેવાલો પ્રમાણે મોરબીના ઝીંઝુડા પાસેથી ડ્રગ્ઝનો આ જથ્થો એટીએસની ટીમ ઝડપી પાડ્યો છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે એટીએસ દ્વારા 120 કિલો ડ્રગ્ઝનો જથ્થો પકડવામાં આવ્યો છે.

ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

અહેવાલો પ્રમાણે આ ડ્રગ્ઝની કિંમત અંદાજે 600 કરોડ રૂપિયા જેટલી છે.

યુનાઇટેડ નેશન્સ ઑફિસ ઑન ડ્રગ્સ ઍન્ડ ક્રાઇમના નવેમ્બર 2021ના છેલ્લા અહેવાલ પ્રમાણે 2020થી 2021 દરમિયાન અફઘાનિસ્તાનમાં અફીણની ખેતીમાં આઠ ટકા જેટલો વધારો થયો છે.

જુલાઈ 2021માં પૂર્ણ થયેલી ખેતીની સિઝન પ્રમાણે પાંચમા વર્ષે પણ આ દેશમાં અફીણનો મબલક પાક થયો હતો.

આ વર્ષે અફઘાનિસ્તાનમાં 6,000 ટન અફીણનો પાક થયો હતો, જેના થકી 320 ટન જેટલું શુદ્ધ હેરોઇન બની શકે છે અને દુનિયાભરના દેશોમાં તેને ગેરકાયદેસર રીતે પહોંચાડવામાં આવે છે.

આ રિપોર્ટ પ્રમાણે કાયદેસર રીતે અફઘાનિસ્તાનમાં લોકોની આવક 1.7 - 2.7 બિલિયન ડૉલરની (180થી 270 કરોડ યુ. એસ. ડૉલર) રહી હતી.

જોકે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઉપરાંત લોકો દ્વારા દેશની બહાર ગેરકાયદેસર રીતે ડ્રગને મોકલીને ખૂબ જ મોટી કમાણી કરવામાં આવે છે.

દુનિયાભરમાં વપરાતા હેરોઇન જેવા માદક પદાર્થનો 85 ટકા જેટલો જથ્થો માત્ર અફઘાનિસ્તાનથી આવે છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ રિપોર્ટ પ્રમાણે સાઉથ ઇસ્ટ એશિયા અને નૉર્થ અમેરિકા બે ડ્રગ્સના સૌથી મોટાં બજાર છે અને તેમાં વિવિધ ડ્રગ્સની માગ વધી રહી છે.

જો આ રિપોર્ટના તાર ગુજરાતના દરિયાકિનારા સાથે જોડવામાં આવે તો, ખ્યાલ આવે છે કે ગુજરાતના દરિયાઈ કાંઠામાં પાછલા એક વર્ષમાં ડ્રગ્સની હેરાફેરીમાં આટલો વધારો કેમ થયો છે.

રવિવારે રોજ ગુજરાત પોલીસે એક વાર ફરીથી આશરે 600 કરોડ રૂપિયાનો 120 કિલો જેટલો માદકપદાર્થનો જથ્થો રાજ્યના દરિયાઈ કાંઠાના વિસ્તારથી પકડી પાડ્યો છે.

આ ચાલુ વર્ષે રાજ્યના દરિયાઈ કાંઠાથી ડ્રગ્સ પકડી પાડવાની આ છઠ્ઠી ઘટના હતી.

રાજ્યમાંથી હજી સુધી આ વર્ષે આશરે 3,240 કિલો જેટલી માત્રામાં માદકદ્રવ્ય પકડાઈ ચૂક્યાં છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે.

જોકે ઘણા લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે પહેલાં ક્યારેય નહીં અને અત્યારે આ પ્રકારના મોટા જથ્થામાં કેમ રાજ્યના દરિયાકિનારેથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે.

સોમવારના રોજ જ્યારે રાજ્યના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ અને બીજા સિનિયર અધિકારીઓ હાલમાં જ પકડાયેલ 120 કિલો હેરોઇન વિશે માહિતી આપી રહ્યા હતા, ત્યારે બીબીસીએ આ અધિકારીઓ પાસેથી એ પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો કે ગુજરાતની દરિયાઈ સીમામાં હવે ડ્રગ્સને લગતી પ્રવૃત્તિઓ કેમ વધી ગઈ છે?

line

શું છે છેલ્લા કન્સાઇન્મેન્ટની આખી વાત?

વીડિયો કૅપ્શન, ભારતમાં ડ્ર્રગ્સનો કાયદો કેવો છે અને સજાની શું જોગવાઈ છે?

ગુજરાત પોલીસના ડેપ્યુટી સુપ્રરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ, કે. કે. પટેલને બાતમી મળી હતી કે મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બર જોડિયા અને ગુલામ બાગડ નામના બે લોકો જેઓ મૂળ જામનગર અને સલાયાના રહેવાસી છે, તેમણે દરિયાઈ માર્ગેથી કોઈક માદક પદાર્થ મેળવ્યો છે.

જેને તેઓ 14 નવેમ્બરના રોજ એસેમ્બલ કરવાના હતા.

આ બાતમીને આધારે ગુજરાત પોલીસે સમસુદ્દીન હુસૈનમિયાં નામની એક વ્યક્તિના હજુ બાંધકામ હેઠળના એક મકાન પર દરોડો પાડ્યો હતો અને 120 કિલોગ્રામ જેટલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારકિંમત, ગુજરાત પોલીસ પ્રમાણે, 600 કરોડ રૂપિયા જેટલી છે.

line

ક્યાંથી આવ્યું હતું હેરોઇન?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્તાર અને ગુલામ, આ બન્ને લોકોએ દરિયાઈ માર્ગ મારફતે એક પાકિસ્તાની બોટ મારફતે આ માદક દ્રવ્ય મેળવ્યું હતું.

આ ડ્રગ્સ કન્સાઇન્મેન્ટ મોકલનારી વ્યક્તિ પાકિસ્તાની નાગરિક ઝાહીદ બશીર બલોચ નામના એક ડ્રગ પેડલર છે.

ડિરેક્ટૉરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સે 2019માં 227 કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું. તે કન્સાઇન્ટેમેન્ટને પણ પાકિસ્તાનથી ગુજરાત સુધી મોકલનારી વ્યક્તિ ઝાહીદ બલોચ હતી.

જોકે પોલીસ રેકર્ડ પ્રમાણે હજી સુધી પાકિસ્તાનમાં પણ ઝાહિદની ક્યારેય ધરપકડ કરવામાં આવી ન હતી.

પોલીસની તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું છે કે ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં હેરોઇનની ડિલિવરી મુખ્તાર અને ગુલામ લીધી હતી. ત્યારબાદ આ કન્સાઇન્મેન્ટને તેમણે મોરબી જિલ્લાના માળિયા-મિયાણાના ઝીંઝુડા ગામની કોટાવાલા પીરની દરગાહ પાસે સંતાડી દીધું હતું.

line

આ કન્સાઇન્મેન્ટનું શું છે આંતરરાષ્ટ્રીય કનેક્શન?

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનમાં કેવી રીતે ચાલે છે નશાનો કારોબાર?

આગળ જણાવ્યું એમ યુનાઇટેડ નેશન્સ ઑફિસ ઑન ડ્રગ્સ ઍન્ડ ક્રાઇમના અહેવાલ ડ્રગ સિચુએશન ઇન અફઘાનિસ્તાન - 2021 પ્રમાણે અફઘાનિસ્તાનમાં પાછલાં ઘણાં વર્ષોથી અફીણની ખેતીમાં ઐતિહાસિક વધારો જોવા મળ્યો છે.

ગુજરાત પોલીસના એક ઉચ્ચ અધિકારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, "અમને મળેલી બાતમી પ્રમાણે હાલમાં અફઘાનિસ્તાનના અનેક ખેડૂતો પાસે અફીણનો મબલક પાક પડ્યો છે અને તેમણે તેનો વહેલી તકે નિકાલ કરવો છે. આ તમામ પાક પાકિસ્તાન સુધી મોકલવામાં આવે છે અને ત્યાં તેનું પ્રોસેસિંગ કરવામાં આવે છે. અહીંથી તૈયાર થયેલું હેરોઇન ત્યારબાદ દરિયાઈ માર્ગે ગુજરાત મોકલવામાં આવે છે."

પત્રકારો સાથે વાત કરતાં ગુજરાત રાજ્યના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ આશિષ ભાટિયાએ કહ્યું કે, "ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરી ખૂબ વધી ગઈ છે અને ગુજરાત પોલીસ તેમજ બીજી એજન્સીઓએ અહીંથી પસાર થતા દરેક કન્સાઇન્મેન્ટને પકડી પાડ્યાં છે."

તેમણે એ પણ કહ્યું કે પોલીસની સતર્કતાથી હજી સુધી 2021ના વર્ષમાં છ વખત ડ્રગ્સ કન્સાઇન્મેન્ટ પકડવામાં આવ્યાં છે. જોકે અફીણની વાવણી થાય છે અફઘાનિસ્તાનમાં અને તેનું પ્રોસેસિંગ પાકિસ્તાનમાં થાય છે.

ભાટિયાએ વધુમાં કહ્યું હતું કે, "આ કન્સાઇન્મેન્ટને કેવી રીતે અને ક્યાં પહોંચાડવાનો હોય છે, તેની મિટિંગ યુ. એ. ઈ.માં થતી હોય છે. 600 કરોડ રૂપિયાના આ કન્સાઇન્મેન્ટનું કાવતરું પણ ત્યાં જ રચાયું હતું."

line

ગુજરાતના દરિયાઈ માર્ગનો કેવી રીતે ઉપયોગ થાય છે?

ગુજરાત

ઇમેજ સ્રોત, ATS GUJARAT

આ વિશે બીબીસી ગુજરાતીએ ગુજરાત પોલીસના એક ઉચ્ચ અધિકારી સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, "ગુજરાતના દરિયાઈ માર્ગનો ઉપયોગ મુખ્યત્વે ડ્રગ્સ કન્સાઇન્મેન્ટને લૅન્ડ કરવા અને તેને અહીંથી આગળ પહોંચાડવા માટે થાય છે. જેમ કે આ 120 કિલોગ્રામ હેરોઇન આગળ યુરોપિયન દેશો સુધી પહોંચવાનું હતું. તેને અહીંથી નાના-નાના પૅકેટમાં વિવિધ સપ્લાયર સુધી પહોંચાડવાના હતા."

line

અફઘાનિસ્તાન અને અફીણનો વેપાર

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

અફઘાનિસ્તાનમાં ડ્રગ્સની સ્થિતિ નામના 2021ના યુનાઇટેડ નેશન્સના એક અહેવાલ પ્રમાણેઃ

  • -અફીણ અને મેટાફિટામાઇન જેવા પદાર્થો થકી ગેરકાયદેસર ઇકૉનૉમીમાં ખૂબ વધારો થયો છે
  • -અફઘાનિસ્તાનનો સૌથી મોટા ગ્રાહક એશિયા ખંડ અને નોર્થ અમેરિકા ખંડ છે
  • -દુનિયાભરમાં વેચાતા તમામ ડ્રગ્સમાંથી 85 ટકા જેટલું ડ્રગ્સ માત્ર અફઘાનિસ્તાનથી આવે છે
  • -અફઘાનિસ્તાનમાં 2019માં આશરે 4000 ટન, 2020માં 5000 ટન અને 2021માં 6000 ટન જેટલા અફીણનું ઉત્પાદન થયું હતું
  • -ઑગસ્ટ 2021 બાદ અફીણની કિંમતમાં અચાનક જ વધારો આવી ચૂક્યો છે
  • -અફઘાનિસ્તાનનાં ખેતરોમાં પેદા થતા અફીણથી હેરોઇન અને મોરફીન જેવા પદાર્થો બનાવવામાં આવે છે
  • - ગેરકાયદેસર રીતે વેચવામાં આવતા અફીણનો આ દેશની 2020ની જીડીપીમાં નવ ટકા જેટલો ફાળો આંકવામાં આવ્યો હતો
  • -જુલાઈ 2021માં1,77,000 હેક્ટર જમીન પર અફીણનું વાવેતર કરવામાં આવ્યું હતું
  • -અફીણની ખેતીમાં દર વર્ષે 4,000 હેક્ટરનો વધારો થતો હોય છે
  • -અફઘાનિસ્તાનના હિલમાન્ડ જિલ્લાની કુલ ખેતીની 20 ટકા જેટલી જમીન પર અફીણનું વાવેતર હતું
line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો