You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ખેડૂતો કરતાં વેપારીઓમાં આપઘાતનું પ્રમાણ કેમ વધ્યું છે?
- લેેખક, હિંમત કાતરિયા
- પદ, બીબીસી ગુજરાતી
આશ્ચર્યજનક રીતે પ્રતિવર્ષ ખેડૂતોની આત્મહત્યાના સમાચાર માધ્યમોમાં છાસવારે ચમકતા રહેતા હોય છે.
પરંતુ એનસીઆરબીના અગાઉના વર્ષના આત્મહત્યાના રિપોર્ટની તુલના કરતાં એક ચોંકાવનારી હકીકત એ સામે આવી કે કોરોના મહામારીના ગત વર્ષમાં ખેડૂતો કરતાં વેપારીઓએ વધુ આપઘાત કર્યા છે.
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના 2020ના અહેવાલ પ્રમાણે, આત્મહત્યા કરનારા ટોચના ત્રણ વર્ગમાં રોજમદારો, ગૃહિણીઓ અને સ્વરોજગાર ધરાવતા ઉદ્યોગકારોનો સમાવેશ થાય છે.
2020ના અહેવાલમાં કુલ આપઘાતમાં 24.6 ટકા કેસ રોજમદારો, 14.6 ટકા કેસ ગૃહિણીઓ અને 11.3 ટકા કેસ સ્વરોજગાર ધરાવતા વેપારીઓ, ઉદ્યોગકર્મીઓના હતા.
જ્યારે કૃષક અને કૃષિ સાથે જોડાયેલા આપઘાત કરનારા લોકોનું પ્રમાણ 7.0 ટકા હતું.
અહેવાલ અનુસાર, 2020ના વર્ષમાં દેશમાં 11,716 ઉદ્યોગકારો અને 4226 વેપારીઓ સહિત વ્યાપારજગતના 17,332 લોકોએ આપઘાત કર્યા છે, જેની સામે 5579 ખેડૂતો અને 5098 ખેતમજૂરો સહિત ખેતી સાથે સંકળાયેલા કુલ 10,677 લોકોએ આત્મહત્યા કરી છે.
ભારતભરમાં એક વર્ષમાં આપઘાત કરનારાઓમાં ખેડૂતો કરતાં વેપારીઓની સંખ્યા વધુ હોય એવું કદાચ પહેલી વાર બન્યું છે.
તો સવાલ એ થાય કે શું કોરોનાકાળમાં વેપારઉદ્યોગની માંદી સ્થિતિના લીધે દેવામાં ડૂબેલા વેપારીઓએ જીવન ટૂંકાવી દેવાનો રસ્તો અપનાવ્યો હશે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોનાં છ વર્ષ પહેલાંના વર્ષ 2015ના અહેવાલ અનુસાર તે વર્ષમાં વેપારી કરતાં ખેડૂતોમાં આત્મહત્યાનું પ્રમાણ દોઢું હતું, જ્યારે ગત 2020ના વર્ષમાં વેપારી અને ખેડૂતનો આપઘાતનો ગુણોત્તર 100:91નો રહ્યો હતો.
(આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)
ગુજરાતમાં પણ જોવા મળ્યો સમાન ટ્રૅન્ડ
ગુજરાતની વાત કરીએ તો 437 વેપારી અને 476 અન્ય સ્વરોજગાર ધરાવનારાઓ એમ કુલ 913 લોકોએ આપઘાત કર્યા છે. વ્યાપારજગતમાં આપઘાત કરનારાઓ 1489 લોકો સાથે કર્ણાટક સૌથી મોખરે છે.
ગુજરાતના ખેડૂતો અને ખેતમજૂરોના આપઘાતની વાત કરીએ તો 121 પુરુષ અને 5 મહિલાઓ સાથે કુલ 126 ખેડૂતોએ આપઘાત કર્યો છે.
ખેતમજૂરોમાં 126 પુરુષો અને 5 મહિલાઓ સહિત કુલ 131 ખેતમજૂરોએ આપઘાત કર્યો છે.
4000 કરતાં વધુ આપઘાત સાથે ખેડૂત આપઘાતમાં સૌથી મોખરે મહારાષ્ટ્ર રહ્યું છે. બીજા ક્રમે કર્ણાટકમાં 2016, ત્રીજા ક્રમે આંધ્રપ્રદેશમાં 889 અને ચોથા ક્રમે મધ્યપ્રદેશમાં 775 ખેડૂત અને ખેતમજૂરોએ કોરોનાની મહામારી વચ્ચે 2020માં પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
એક મીડિયા અહેવાલ પ્રમાણે, મે 2021માં સુરતમાં 33 વર્ષના કાપડના વેપારી અલ્પેશ પટેલે નાણાભીડ અને લેણદારોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો. અલ્પેશે દુપટ્ટાથી ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
પટેલના પરિવારજનોના કહેવા પ્રમાણે, અલ્પેશે ખાનગી ફાઇનાન્સર પાસેથી રૂ. 2.5 લાખની લોન લીધી હતી અને તે સમયસર ચૂકવી શક્યા ન હતા.
અલ્પેશે લખેલી છ પાનાંની આપઘાત નોંધમાં તેમની નાણાભીડ અને ફાઇનાન્સરની આકરી ઉઘરાણીની વિગતો લખી હતી.
અલ્પેશે મરણનોંધમાં લખ્યું હતું કે નાણાં પાછાં નહીં આપે તો ફાઇનાન્સર તરફથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
મૃતકના પરિવારજનોના કહેવા પ્રમાણે, અલ્પેશ કોવિડ-19 મહામારીના કારણે આર્થિક સંઘર્ષ કરી રહ્યા હતા.
ગુજરાતની એક ટ્રાવેલ કંપની પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજીભાઈ પટેલે કોરોનાકાળમાં બીબીસી ગુજરાતીને કહ્યું હતું, "અમે અમારી 300 બસમાંથી 50 બસ બૅંકોનું દેવું ભરવા વેચી નાખી છે. હજુ 40 બસો વેચવા કાઢી છે. અમે બૅંકમાં ડિફોલ્ટર ન થઈ જઈએ એના ઉપર અમારું ધ્યાન છે. અમારે ધંધામાં ફરી ઊભા થવા માટે બૅંક લોનની જરૂર પડશે. બૅંકમાં એક વાર ડિફોલ્ટર થઈ જઈએ તો અમને કોઈ બૅંક લોન નહી આપે."
બીજા ઉદ્યોગકારો કેમ નથી બોલતા એવા પ્રશ્નના જવાબમાં મેઘજીભાઈએ કહ્યુ હતું, "અત્યારે મને દરદ ઊપડ્યુ છે ત્યારે હું બોલું છું જ્યારે એમને દરદ ઊપડશે ત્યારે એ બોલશે. તકલીફ તો બધાને છે."
લૉકડાઉન દરમિયાન અને લૉકડાઉન ખૂલ્યા પછીના સમયમાં નાના-મોટા વેપારીઓનો ધંધો ઠપ થઈ જતાં આપઘાતના આવા ઘણા કિસ્સાઓ બહાર આવ્યા હતા.
કોરોનાનાં નિયંત્રણોના કારણે વેપારીઓની આત્મહત્યાનું પ્રમાણ વધ્યું?
કોવિડની અણધારી સ્થિતિ અને મહિનાઓ લાંબા અને અચાનક લાદવામાં આવેલા લૉકડાઉનની સ્થિતિના કારણે અનેક લોકોને આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વેપારીઓમાં વધુ આપઘાતની સમીક્ષા કરતાં કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઈઆઈ)ના ગુજરાતના ચૅરમૅન વિનોદ અગ્રવાલે બીબીસી ગુજરાતીને કહ્યું, "કોરોના મહામારી અને લૉકડાઉનનાં વીતેલાં વર્ષમાં વેપારજગતમાં આપઘાતના વધુ કિસ્સા પાછળ કેટલાંક પરિબળો જવાબદાર છે."
"ગત વર્ષમાં ખાસ કરીને નાના વેપારીઓએ ઘણી તકલીફો વેઠી હતી. વેપારીઓએ બજારમાંથી ઘણા ઊંચાં વ્યાજે નાણાં મેળવ્યાં હતાં. આ નાણાંની સમયસર ભરપાઈ નહોતા કરી શક્યા એ પણ વેપારીઓમાં આપઘાતનું કારણ છે."
અગ્રવાલે પાછળથી સરકારે લીધેલાં વેપારીઓ માટે રાહતકારી પગલાંની પ્રશંસા કરતાં કહ્યું કે, "સરકારે બાદમાં લીધેલા વધારાની લોન, પ્રવાસી કામદારોને તેમના વતન મોકલવા અને પાછા બોલાવવા સહિતનાં પગલાં લઈને ઉદ્યોગજગતને ઘણી મદદ કરી હતી. અન્યથા સ્થિતિ વધુ ખરાબ થઈ હોત."
નાના પાયે વ્યાપાર કરતો અને મોટો વ્યાવસાયિક બનવાની મહત્ત્વાકાંક્ષા સેવતો વેપારી બૅંક લોન લઈને ગજા ઉપરવટ જઈને વ્યવસાય ચલાવતો થયો છે. એના કારણે વધેલા માનસિક તણાવે આત્મહત્યા માટે પ્રેરિત કર્યા?
આ પ્રશ્નના જવાબમાં સીઆઈઆઈના ગુજરાતના ચૅરમૅન વિનોદ અગ્રવાલ કહે છે, "વાત સાચી છે. આમાં નાના ઉદ્યોગકારો બૅંક લોન કરતાં ખાનગી ધિરાણકર્તાઓ ઉપર વધુ આધારિત રહે છે. બાદમાં નાના લોકોને આ તકલીફમાંથી બહાર કાઢવા રાજ્ય અને કેન્દ્ર સરકારે નાના ધિરાણની રાહત યોજનાઓ બહાર પાડી હતી."
"આ કારણે વેપારીઓમાં મોતનો આંકડો આટલે અટકી ગયો. અન્યથા તેમાં હજુ વધારો થયો હોત."
સરકાર કેવાં પગલાં ભરે તો વેપારી રાહત અનુભવે?
કોરોનાકાળમાં ખાસ કરીને નાના વેપારીઓની ફરિયાદો સંદર્ભે વાત કરતાં અને તેમની તકલીફોને વાચા આપતાં વિનોદ અગ્રવાલે કહ્યું, "મોટા ભાગે લૉકડાઉન ક્યારે ખૂલશે, ક્યારે ઉદ્યોગજગતની ગાડી પાટે ચડશે, પ્રવાસી મજૂરો ક્યારે પાછા આવશે, આવા પ્રશ્નો અમારી પાસે આવતા હતા. સરકાર અમારા પ્રશ્નોને લઈને અમારી સાથે સતત સંપર્કમાં હતી એ કારણે બહુ સમસ્યાઓ ન નડી."
સરકારના લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય પાસે અપેક્ષા રાખતાં વિનોદ અગ્રવાલ કહે છે, "એમએસએમઈ ઉદ્યોગ અને સરકાર બંનેની કરોડરજ્જુ રહી છે, કારણ કે મોટા કૉર્પોરેટ્સની સરખામણીએ સૌથી વધુ રોજગાર એમએસએમઈ આપે છે."
"એમએસએમઈ મંત્રાલય પાસેથી ઉદ્યોગજગતની એ જ અપેક્ષા છે કે બૅંકના વર્તમાન વ્યાજદર યથાવત્ રહે, તેમાં વધારો ન થાય, સાથે કોલસા અને ઈંધણની કિંમતો વધી તેના ઉપર થોડો અંકુશ લાવે. પેટ્રોલ, ડીઝલ, ગૅસ વગેરેને જી.એસ.ટી.ની મર્યાદામાં લાવવામાં આવે, જેથી કાચા માલની પડતરકિંમત હાલમાં વધી છે તેમાં થોડો ઘટાડો થાય."
"આ કિંમતોમાં વધારો થવાથી કામચલાઉ મૂડીની જરૂરિયાતમાં ઘણો વધારો થયો છે. આ માટે સરકારે વધારાની માર્જિન કે બ્રિજ ગૅપિંગ લોન આપવી પડશે. એક્સ્પૉર્ટર માટે આંતરરાષ્ટ્રીય નૂરમાં ઘણો વધારો થયો છે એમાં પણ સરકારે દરમિયાનગીરી કરવાની જરૂર છે."
માનસિક તણાવ બન્યું મોતનું મુખ્ય કારણ?
કોરોના મહામારીમાં ભયનું મોજું ફેલાઈ ગયું હતું. એ કારણે લોકોને પોતાનું ભવિષ્ય અનિશ્ચિત જણાતું હતું કે હવે આગળ શું થશે?
જાણીતા મનોચિકિત્સક ડૉ. હંસલ ભચેચ ખેડૂતો કરતાં વેપારીઓના વધુ આપઘાત પાછળનાં માનસિક કારણોની સમીક્ષા કરતાં કહે છે, "કોવિડને કારણે ખેડૂતો કરતાં વેપારજગતમાં તણાવ વધુ અનુભવાયો છે, કારણ કે ખેડૂતો માટે પાકની પડતરકિંમત ઘણી ઓછી હોય છે."
"વેપારીઓમાં ઉદ્યોગના માળખા સહિત તેના નિભાવ પાછળ ભારે ખર્ચ કરવો પડે છે. કોવિડને કારણે આ ખર્ચથી દબાણમાં આવેલા વર્ગમાં વેપારીઓનો વર્ગ મોટો છે."
તેમના મતે, વેપારીઓ વધુ તણાવમાં રહ્યા હશે અને એ કારણે વેપારીઓમાં આપઘાતનું પ્રમાણ વધ્યું હશે.
"કોવિડમાં દેશને ચલાવતા ઉદ્યોગો ખુદ આર્થિક બોજો બનીને સામે આવ્યા એટલે તેને ચલાવનારાઓમાં અસહ્ય તણાવ તેમને આપઘાત તરફ દોરી ગયો. ખેડૂતોને સરકારી સહાયો મળે છે એટલી સહાયો નાના વેપારીઓને મળતી નથી એટલે તેમના આર્થિક ભારણમાં વધારો થયો છે."
"ઇલેક્ટ્રોનિક પોર્ટલ આવી જતાં સ્પર્ધામાં વધારો થયો છે. કેટલાક લોકો સીધું વેચાણ કરતા થઈ ગયા. મોટા ખેડૂતો પોતાના ઑર્ગેનિક ઉત્પાદનના વેચાણમાં વેપારીઓની બાદબાકી કરીને ઇ-કૉમર્સ મારફતે સીધા વેચતા થઈ ગયા છે. આ કારણે પણ વેપારીઓના નફામાં ઘણો કાપ આવ્યો છે. આ પરિબળ પણ વેપારીઓના આપઘાત માટે જવાબદાર હોઈ શકે."
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે, જાન્યુઆરી 2021માં અમદાવાદમાં પણ કાપડના વેપારીએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.
ઇસનપુર વિસ્તારમાં રહેતા 50 વર્ષીય કાપડના વેપારી ભરત ચંડેલે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ લીધો હતો.
તપાસ કરી રહેલી ઇસનપુર પોલીસના કહેવા પ્રમાણે, ભરતે કાપડ બજારમાં રોકાણ કરેલાં નાણાં લૉકડાઉનમાં સલવાયાં હતાં. ભરતે ઇસનપુરમાં બાલાજી એસ્ટેટમાં કાપડનું ગોદામ ઊભું કર્યું હતું. એમાં વધુ સમસ્યા સ્વરૂપે ભરતને 2.44 લાખ રૂપિયા જીએસટી ભરવાની નોટિસ આવી.
ખેડૂતોની આત્મહત્યાના બનાવોથી ધ્યાન હઠાવવાનો પ્રયાસ?
ખેડૂત અને વેપારીઓના આપઘાતના આંકડાને શંકાની નજરે જોતાં ખેડૂતનેતા ભરતસિંહ ઝાલા કહે છે, "છેલ્લાં બે વર્ષમાં બિલ્ડરો સહિતના નાના વેપારીઓના આપઘાતના ઘણા કિસ્સા સામે આવ્યા છે એમાં ના નથી. પરંતુ ખેડૂતોના આપઘાતને સરકાર હળવા કરવા મથી રહી હોય એવું લાગે છે."
તેઓ કહે છે, "સમગ્ર દેશમાં ખેડૂત આપઘાતના આંકડા બહાર આવ્યા અને અમે ક્રાંતિ સંગઠનના નેજા હેઠળ ખેડૂત આપઘાતને લઈને થોડાં વર્ષો પહેલાં સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી ત્યારે ભારત સરકાર તરફથી પહેલો જવાબ એવો અપાયો હતો કે દેશમાં માત્ર ખેડૂતો જ આપઘાત નથી કરતા, અન્ય વર્ગના લોકો પણ આપઘાત કરે છે. આ અંગે સત્યશોધક સમિતિ બનાવવી જોઈએ."
તેઓ ગુજરાત સરકાર તરફથી ખેડૂતોના મુદ્દા પ્રત્યે વધુ ધ્યાન ન અપાતું હોવાની ફરિયાદ કરતાં જણાવે છે કે, "મિઝોરમ, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્ર સરકારે આપઘાત કરનાર ખેડૂતનાં દેવાં માફ કરવાં, તેમની વિધવા પત્નીને બે-રૂમ રસોડાનાં પાકાં મકાન બનાવી આપવાં અને દર મહિને જીવનનિર્વાહ પેટે 6000 રૂપિયા આપવા સહિતના આર્થિક વળતરની યોજનાઓ જાહેર કરેલી છે. પરંતુ ગુજરાતમાં ખેડૂત આપઘાતના કિસ્સામાં તેમના પરિવારને આર્થિક વળતર અપાયું હોય એવો એકેય કિસ્સો મળતો નથી."
નોંધ: દવા અને થૅરપીથી માનસિક બીમારીઓનો ઇલાજ થઈ શકે છે. તેના માટે મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. તમારામાં અથવા તમારા કોઈ પરિચિતમાં કોઈ માનસિક પરેશાનીનાં લક્ષણો દેખાતાં હોય તો નીચે આપેલી હેલ્પલાઇન પર ફોન કરીને મદદ લેવી જોઈએ.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય - 1800-599-0019
ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્મુમન બિહેવિયર ઍન્ડ એલાઇડ સાયન્સીઝ - 9868396824, 9868396841, 011-22574820
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરોસાયન્સીઝ - 080 - 26995000
વિદ્યાસાગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ એલાઇડ સાયન્સીઝ - 011 2980 2980
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો