સમીર વાનખેડેને આર્યન ખાનના ડ્રગ્ઝ કેસની તપાસમાંથી કેમ હઠાવાયા, શું છે સમગ્ર વિવાદ?

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આર્યન ખાન સહિત છ કેસની તપાસ હવે સમીર વાનખેડે નહીં કરે.

એનસીબીના દક્ષિણ-પશ્ચિમ રીજનના ડેપ્યુટી ડીજી મુથા અશોક જૈને કહ્યું છે કે "હવે અમારા ઝોનના છ કેસોની આગળની તપાસ દિલ્હીની ટીમ કરશે. આ વહીવટી નિર્ણય છે."

જો આ અંગે એનસીબીના અધિકારી સમીર વાનખેડેએ સ્પષ્ટતા કરી છે.

તેમણે એએનઆઈએ કહ્યું છે કે, "મને ઇન્વેસ્ટિગેશનમાંથી હઠાવાયો નથી. મેં અદાલતમાં પિટિશન કરી હતી કે આ કેસની તપાસ કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવે."

ક્રૂઝ ડ્રગ્ઝ પ્રકરણમાં આર્યન ખાનનું નામ બહાર આવ્યા બાદ તેમની ધરપકડ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)ના વિભાગીય વડા સમીર વાનખેડે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

સમીર વાનખેડે અને વિવાદ

ડ્રગ્સના કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ થઈ એ પછીથી નવાબ મલિક ખાસ્સા સક્રિય દેખાય છે.

તેઓ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) મુંબઈના ડિવિઝનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને એમના પરિવાર પર સતત આરોપ મૂકતા રહ્યા છે.

સમીર વાનખેડેના ધર્મના મુદ્દે શંકાનું વાતાવરણ સર્જાયું છે અને એ મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

2 ઑક્ટોબરે આર્યન ખાનની ધરપકડ થઈ હતી અને 26 દિવસ પછી 28 ઑક્ટોબરે એમને જામીન મળ્યા, આ ગાળા દરમિયાન આ મામલામાં અનેક નાટકીય પડાવો જોવા મળ્યા.

એમાં નવાબ મલિકની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. એમણે સમીર વાનખેડેના જન્મથી માંડીને લગ્નનાં તથ્યો અને પરિવાર સુધી અનેક આરોપો મૂક્યા, જેના પરિણામસ્વરૂપે હવે સમીર વાનખેડેની પણ તપાસ થઈ રહી છે.

કોણ છે સમીર વાનખેડે?

મૂળ મહારાષ્ટ્રના જ સમીર વાનખેડે 2008ની બેચના ઇન્ડિયન રેવેન્યૂ સર્વિસ (આઈઆરએસ) અધિકારી છે.

આઈઆરએસ બનતા પહેલાં વાનખેડે 2006માં સૅન્ટ્રલ પોલીસ ઑર્ગેનાઇઝેશન (સીપીઓ)માં જોડાયા હતા.

ઇન્ટેલિજન્સ બ્યૂરો, સીબીઆઈ, નેશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) તથા અન્ય કેટલાક વિભાગો સીપીઓ હેઠળ આવે છે.

સમીર વાનખેડેના પિતા પણ પોલીસ અધિકારી હતા તેમ જણાવવામાં આવે છે.

આઈઆરએસ બન્યા પછી વાનખેડેની નિમણૂક કસ્ટમ વિભાગમાં થઈ હતી. મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર તેઓ આસિસ્ટન્ટ કમિશનર (કસ્ટમ્સ) તરીકે ફરજ બજાવતા હતા.

આ ઉપરાંત તેમણે ત્રાસવાદી પ્રવૃત્તિઓ અંગેના કેસોમાં તપાસ કરતી ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સ તથા એનઆઈએમાં પણ કામ કર્યું છે.

2020માં તેમની નિમણૂક નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના મુંબઈ ઝોનલ ડિરેક્ટર તરીકે થઈ હતી.

કેન્દ્રના ગૃહ મંત્રાલય તરફથી તેમને બેસ્ટ ઇન્વેસ્ટિગેશન માટેનો ઍવૉર્ડ પણ મળેલો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો