You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફરહાન અખ્તરનો એ ફોટો જેના લીધે વિવાદ થયો, 'એક મુસ્લિમ આવું કામ ન કરે' - સોશિયલ
અભિનેતા ફરહાન અખ્તરે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો હતો, જે બાદ તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
દિવાળીના એક દિવસ પહેલાં શૅર કરવામાં આવેલી પૂજાની તસવીરમાં અભિનેતા ફરહાન અખ્તર તેમનાં સાથી શિબાની દાંડેકરને તિલક કરતા દેખાય છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર લગભગ બે વર્ષથી રિલેશનશિપમાં છે.
અભિનેતા અને તેમના બિઝનેસ પાર્ટનર રિતેશ સિધવાનીએ ધનતેરસે પૂજા રાખી હતી.
ફરહાને દિવાળીની શુભકામનાઓ પાઠવતાં ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શૅર કરી, એ બાદ કેટલાક યુઝર્સે તેમની વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી.
અનેક યુઝર્સે અભિનેતા ફરહાનના ધર્મને લઈને સવાલ ઉઠાવ્યા અને તે અંગે વિવિધ ટિપ્પણીઓ કરી હતી. તો બીજી તરફ કેટલાક યુઝર્સે આ બાબતે તેમની પ્રશંસા પણ કરી હતી.
ટ્વિટર પર પણ આ બાબતે ચર્ચા
મદન દ્વિવેદી ફરહાન અખ્તરને ટૅગ કરીને લખે છે કે, "તમે સીએએના વિરોધ સમયે જે હિંદુવિરોધી નિવેદનો આપ્યાં હતાં, તેને ભૂલવા સંભવ નથી. તમારી દિવાળીની પૂજા ફક્ત પાખંડ લાગે છે."
અન્ય એક યુઝરે ફરહાન અખ્તરની તસવીર શૅર કરીને પ્રશંસા કરતા લખ્યું કે, "આ ભારતની સુંદરતા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. આલ્ફિયા તૌસીફ ફરહાન અખ્તરને ટેગ કરીને સવાલ પૂછે છે કે, "શું તમારી માટે આવાં પાપી ઉદારવાદી પગલાં ભર્યાં વિના જીવિત રહેવું મુશ્કેલ છે?"
ફરહાન અખ્તર તેમની પોસ્ટના કૉમેન્ટબૉક્સમાં પણ ટ્રોલ થઈ રહ્યા છે.
મક્સુદ અમઝદ નામના યુઝરે કૉમેન્ટમાં લખ્યું કે, "ભાઈ, એક મુસ્લિમ આવું કામ ન કરે."
સારાઅલી ખાન પણ ટ્રોલનો શિકાર
થોડા જ દિવસ પહેલાં અભિનેત્રી સારાઅલી ખાને કેદારનાથની મુલાકાતની તસવીર શૅર કરી હતી.
જેને લઈને પણ આ પ્રકારની જ ટિપ્પણીઓ સોશિયલ મીડિયામાં થઈ રહી હતી.
સારાઅલી ખાનને ટ્રોલ કર્યાના થોડા જ સમય બાદ અભિનેતા ફરહાન અખ્તર નિશાના પર છે.
પ્રીતિદિપ્ત ચૌધરી લખે છે કે, "કોણ જાણતું હતું કે સારાઅલી ખાન પણ સંઘી છે?"
એક યુઝરે ટ્વીટ કરી સવાલ પૂછ્યો કે, "સારાઅલી ખાન સામે આટલી દુશ્મનાવટ શા માટે? શું એ કારણે છે કે તેમણે કેદારનાથની મુલાકાત લીધી? તેમની સામે આટલી નફરત જોઈને ઘૃણા થાય છે."
આ તરફ રાહુલ રોશને સારા અને ફરહાન અખ્તરની સાથે મોહમ્મદ શમીની વાત કરતાં ટ્વીટ કર્યું કે, "સારાઅલી ખાન અને હવે ફરહાન અખ્તર, થોડા જ કલાકોની વારમાં. પરંતુ આ બાબતોને અવગણી શકાય. ચાલો શમીને હિંદુ ડીપી સાથેના પાકિ. ટ્રોલ્સથી બચાવીએ."
ક્રિકેટર મોહમ્મદ શમીને પણ થોડા દિવસો પહેલાં પાકિસ્તાન સામેની મૅચમાં ભારતની હાર બાદ ટ્રોલ કરવામાં આવ્યા હતા.
ટી-20 વર્લ્ડકપની ગ્રૂપ મૅચમાં 24 ઑક્ટોબરે પાકિસ્તાને ભારતને 10 વિકેટ હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયાના બૉલર મોહમ્મદ શમીને લોકોએ ટ્રૉલ કર્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો