વરુણ અને મેનકા ગાંધી: હાંસિયામાં કેમ ધકેલાઈ રહ્યો છે ભાજપનો ‘ગાંધી પરિવાર’?
- લેેખક, ભૂમિકા રાય
- પદ, બીબીસી સંવાદદાતા
"ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી લોકશાહી પાર્ટી છે. ભારતમાં જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, તેઓ જનતાના સુખ માટે છે. સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે તનમનથી પ્રયાસરત રહે છે. આ બધું એક દિવસમાં નથી થયું, તે લાંબા સમયના ત્યાગ અને તપસ્યાનું પરિણામ છે."
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ વાત કહી હતી. ભાજપ દ્વારા કૉંગ્રેસ ઉપર વારંવાર 'પરિવારવિશેષનો પક્ષ' હોવાનો આરોપ મૂકવામાં આવે છે અને ખુદને લોકશાહી ઢબે કાર્યરત પક્ષ જણાવે છે.

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTYIMAGES
પરંતુ પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી સમિતિમાં વરુણ ગાંધી તથા તેમનાં માતા મેનકા ગાંધીને સામેલ કરવામાં નથી આવ્યાં, જેના કારણે ભાજપના દાવા ઉપર સવાલ ઉઠી રહ્યા છે.

સિનિયર આઉટ, જુનિયર ઇન?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વરુણ ગાંધી ખેડૂતો મુદ્દે વારંવાર અસંતોષ વ્યક્ત કરી ચૂક્યા છે. રાષ્ટ્રીય કારોબારી સમિતિની જાહેરાત થઈ, તેના એક દિવસ અગાઉ જ તેમણે લખીમપુર ખીરીના ઘટનાક્રમ અંગે સરકારની દાનત ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
આ બંને સિવાય સુબ્રમણ્યન સ્વામી તથા વિનય કટિયાર જેવા અનેક દિગ્ગજ નેતાઓને રાષ્ટ્રીય કારોબારી સમિતિમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. સ્વામીએ તો તેમના ટ્વિટર-બાયોમાંથી પાર્ટીનું નામ પણ કાઢી નાખ્યું છે.
આ સાથે જ પાર્ટી દ્વારા અનેક જુનિયર ચહેરાઓને આ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલાં જ પાર્ટીમાં સામેલ થયેલા મિથુન ચક્રવર્તી, દિનેશ ત્રિવેદી, જ્યોતિરાદિત્ય સિંધિયા (મધ્ય પ્રદેશ), વિજય બહુગુણા (ઉત્તરાખંડ) તથા સતપાલ મહારાજ (ઉત્તરાખંડ)નો પણ સમાવેશ થાય છે. ચક્રવર્તી-ત્રિવેદીને બાદ કરતાં અન્ય નેતાઓ અગાઉ કૉંગ્રેસમાં હતા.
ભાજપના મીડિયા સંપર્ક અધિકારી સુદેશ વર્માએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે ભાજપ દ્વારા તેની રાષ્ટ્રીય કારોબારી સમિતિનું ગઠન કે અન્ય કોઈ પદ માટે વ્યક્તિને પસંદ કરતાં પહેલાં અનેક પાસાં ધ્યાને લે છે. તેઓ કહે છે:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જ્યારે સભ્યોને ચૂંટવામાં આવે છે, ત્યારે તમામ બિંદુને ધ્યાન પર લેવામાં આવે છે, જેમકે તમામ વર્ગને પ્રતિનિધિત્વ મળ્યું છે કે નહીં. ભાજપના હિતમાં તેમનું પ્રદાન કેટલું છે. સોશિયલ-ગ્રૂપિંગ જેવી બાબતોને પણ ધ્યાને લેવામાં આવે છે. આ સાથે જ એવા લોકોને પસંદ કરવામાં આવે છે કે જેઓ દેશભરમાં પાર્ટીનું નેતૃત્વ કરી શકે."
મેનકા તથા વરુણ ગાંધીના નામને સામેલ નહીં કરવાના સવાલ ઉપર સુદેશ વર્મા કહે છે કે, જો કોઈનું નામ યાદીમાં ન હોય, તો તેને એવી રીતે લેવું જોઈએ કે જો જૂના નામ જ રહેશે, તો નવા લોકોને સ્થાન કેવી રીતે મળશે?
વર્મા ઉમેરે છે: "જૂના લોકો પદ છોડે તથા નવા લોકોને સ્થાન મળે તે પ્રક્રિયામાત્ર છે. જેમના નામ નથી, તેનો મતલબ એવો નથી કે તેઓ હવે પાર્ટીમાં નથી. કારોબારી સમિતિના સભ્યોની પસંદગી એક દિવસમાં નથી થતી, તે લાંબા સમયથી ચાલતી હોય છે. વરુણ ગાંધીને ન સામેલ કરવા પાછળ તેમણે શું કર્યું તથા નહીં, તેની અસર નથી. ભાજપમાં દરેક વ્યક્તિને મત અભિવ્યક્ત કરવાનો અધિકાર છે. તેમણે વ્યક્તિગત રીતે મત વ્યક્ત કર્યો છે, તે પક્ષનું વલણ નથી."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
વરુણ ગાંધી લખીમપુર ખીરીના ઘટનાક્રમ પહેલાં પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી તથા ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર ઉપર નિશાન સાધતા રહે છે.
વરુણે શેરડીના ખેડૂતો માટે ઉત્તર પ્રદેશની સરકારે અપીલ કરી હતી. ત્રણ કૃષિકાયદા સામે ખેડૂતોના પ્રદર્શન તથા સરકારની વચ્ચેના ગતિરોધ ઉપર પણ અનેક વખત ટિપ્પણી કરી ચૂક્યા છે.
હજી ગઈ કાલે જ તેમણે લખીમપુર ખીરીની ઘટનાને હિંદુ વિરુદ્ધ શીખ બનાવવામાં આવી રહી હોવા અંગે જાહેરમાં ચિંતા વ્યક્ત કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
અગાઉ મુઝફ્ફરનગરમાં યોજાયેલી ખેડૂત મહાપંચાયતનો વીડિયો શૅર કરતા તેમણે ટ્વિટર ઉપર લખ્યું હતું, "આજે મુઝફ્ફરનગર ખાતે વિરોધપ્રદર્શન દરમિયાન લાખો લોકો એકઠા થયા હતા. તેઓ આપણા પોતાના છે. આપણે તેમની સાથે સન્માનપૂર્વક વાતચીત કરવી જોઈએ તથા તેમની પીડાને સમજવી જોઈએ. આપણે તેમના વિચાર જાણવા જોઈએ તથા કોઈ સમાધાન ઉપર પહોંચવા માટે મળીને કામ કરવું જોઈએ."

સોનિયા સામે મેનકાનો ભાજપનો દાવ?

ઇમેજ સ્રોત, DIPTENDU DUTTA/GETTYIMAGES
ઉત્તર પ્રદેશના રાજકારણને નજીકથી સમજનારા વરિષ્ઠ પત્રકાર વિજેન્દ્ર ભટ્ટ કહે છે, "જે સમયે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા, તે સમયે ભાજપને લાગતું હતું કે ઉત્તર પ્રદેશમાં સોનિયા ગાંધીનો મુકાબલો કરવા માટે જો ગાંધી પરિવારમાંથી કોઈ હોય તો તેમને લાભ થશે, એટલે મેનકા ગાંધી સતત ભાજપની ટિકિટ ઉપર સંસદસભ્ય બનતાં રહ્યાં."
"પરંતુ, આજના સમયમાં મેનકા તથા વરુણ ગાંધીની કોઈ રાજકીય પ્રાસંગિકતા નથી રહી. એનું કારણ એ છે કે ખુદ કૉંગ્રેસ પણ મુકાબલો કરવાની સ્થિતિમાં નથી."
ભટ્ટ કહે છે કે વરુણ ગાંધીએ કેટલાંક નિવેદન કર્યા છે, એ તો ખરું, પરંતુ તેની પાછળ તેમની જરૂરિયાત છે. પીલીભીતમાં નોંધપાત્ર પ્રમાણમાં શીખોની વસતિ છે. આ સિવાય ખાસ્સી એવી વસતિ ખેડૂતોની છે. વરુણ પોતાના મતદાતાઓ નારાજ ન થાય એ માટે આ પ્રકારના નિવેદન આપે છે. .
શું નિવેદનોને કારણે તેમને પાર્ટીમાં હાંસિયામાં ધકેલી દેવાયા હોય, તેમ લાગે છે? તેના જવાબમાં ભટ્ટ કહે છે, "રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એવા સભ્યોને સ્થાન આપવામાં આવે છે કે જેઓ રાષ્ટ્રીયસ્તરે પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી શકે. જો વરુણ ગાંધીની રાજકીય કારકિર્દી ઉપર નજર કરવામાં આવે તો તેઓ આક્રમક ચોક્કસથી છે, પરંતુ તેઓ ભાજપના સ્ટારપ્રચારક નથી. આ સંજોગોમાં તેમને રાષ્ટ્રીય કારોબારી સમિતિમાં સામેલ ન કરવામાં આવે, તો તેનાથી આશ્ચર્ય ન થવું જોઈએ."

શું છે કોઈ સંકેત?

ઇમેજ સ્રોત, Getty Images
જ્યાર સુધી રાજનાથસિંહ પાસે પાર્ટીની કમાન હતી, ત્યાર સુધી વરુણ ગાંધીને પાર્ટીમાં સન્માનજનક સ્થાન મળતું રહ્યું. તેઓ પાર્ટીના મહાસચિવ હતા તથા પશ્ચિમ બંગાળમાં પાર્ટીના પ્રભારી પણ હતા.
જ્યારે ભાજપમાં વડા પ્રધાનપદના ઉમેદવાર માટે ખેંચતાણ ચાલુ હતી, ત્યારે વરુણ ગાંધીએ રાજનાથસિંહની સરખામણી અટલ બિહારી વાજપેયી સાથે કરી હતી તથા વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે રાજનાથસિંહના નામની હિમાયત કરી હતી.
એ પછી અમિત શાહને ભાજપની કમાન મળી, ત્યારે ઑગસ્ટ-2014માં વરુણ ગાંધીને મહાસચિવપદેથી હઠાવી દેવામાં આવ્યા તથા તેમની પાસેથી પશ્ચિમ બંગાળની જવાબદારી પણ લઈ લેવામાં આવી. આજકાલ તેઓ માત્ર ટ્વીટ્સને કારણે જ ચર્ચામાં રહે છે. આ અંગે વરિષ્ઠ પત્રકાર જયશંકર ગુપ્તા કહે છે:
"રાષ્ટ્રીય કારોબારી સમિતિમાં નવા ચહેરાને સામેલ કરવાની વાત છે, તો એ તો દરેક પક્ષ કરે જ છે. તાજેતરના સંદર્ભમાં આ વાત કરવામાં આવે, તો આપણે સમજવું રહ્યું કે મેનકા તથા વરુણ ગાંધી ક્યારેય ભાજપના નવા નેતૃત્વની ગૂડબુકમાં ન હતા."
"મેનકા ગાંધીને મંત્રીપદેથી હઠાવી દેવામાં આવ્યાં અને પાર્ટીના મહાસચિવપદેથી વરુણ ગાંધીને હઠાવી દેવામાં આવ્યા. આમ છતાં બંનેને રાષ્ટ્રીય કારોબારી સમિતિમાં સ્થાન મળેલું હતું, પરંતુ હવે પરિસ્થિતિ વધારે સ્પષ્ટ થઈ ગઈ છે."
તેઓ ઉમેરે છે, "સ્પષ્ટ છે કે પક્ષમાં બંને લોકોની જે ઉપયોગિતા હતી, તે હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે આ બંને ભાજપ માટે બોજસમાન બની ગયા છે. ભવિષ્યમાં જો આ બંને પાર્ટી છોડી દે, તો પાર્ટી વધુ મુક્ત રીતે સોનિયા ગાંધી તથા પરિવાર ઉપર પ્રહાર કરી શકશે."

નીતિન ગડકરીથી મોદી-શાહ સુધી વેતરાયા વરુણ ગાંધી?

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/GETTYIMAGES
વર્ષ 2004માં વરુણ ગાંધી ભાજપમાં સામેલ થયા હતા, તે સમયે ભાજપના મુખ્ય વ્યૂહરચનાકારોમાં સમાવિષ્ટ એવા લાલકૃષ્ણ અડવાણી તથા પ્રમોદ મહાજનનું તેમને ભરપૂર સમર્થન હાંસલ હતું.
મેનકા તથા વરુણના પાર્ટીમાં જોડાવાને મહાજને મોટી સિદ્ધિ તરીકે રજૂ કર્યા હતા અને કહ્યું હતું કે માત્ર ગાંધી જ કૉંગ્રેસી ગાંધીને ટક્કર આપી શકે છે.
વર્ષ 2009ની ચૂંટણી દરમિયાન મહાજનની ભવિષ્યવાણી અમુકઅંશે ખરી સાબિત થઈ હતી. એ સમયે રાહુલ તથા સોનિયા ગાંધી બિનસાંપ્રદાયિકતાની વાતો કરતા હતા, ત્યારે વરુણ ગાંધીએ કોમવાદી વિચારોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હતો. જેનો અમુક અંશે ભાજપને લાભ પણ થયો હતો.
એ પછી પણ ભાજપ દ્વારા વરુણને પ્રોત્સાહન આપવાનું ચાલુ રહ્યું હતું. વરુણ ગાંધી જેલમાં હતા, ત્યારે રાજનાથસિંહ મળવા ગયા હતા અને પાર્ટી તેમની સાથે હોવાનો સંકેત આપ્યો હતો.
ભાજપના કોઈ પણ નેતાએ વરુણ ગાંધી વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું ન હતું, પરંતુ અંદરખાને તેઓ ઉશ્કેરણીજનક નિવેદનોને કારણે વરુણ ગાંધીથી ગિન્નાયેલા હતા.
રાજનાથસિંહ વરુણ ગાંધીને માત્ર જનરલ સૅક્રેટરી જ ન બનાવ્યા, પરંતુ તેમને પોતાની રીતે કામ કરવાની પૂરેપૂરી છૂટ પણ આપી.
વર્ષ 2012માં નીતિન ગડકરી ભાજપના અધ્યક્ષ બન્યા, ત્યારથી જ વરુણ ગાંધીનું કદ ઘટવાનું શરૂ થઈ ગયું હતું, એવું કહેવામાં આવ્યું કે વરુણ ખુદને પાર્ટી કરતાં મોટા બનાવવા માટે પ્રયાસરત હતા.
ભાજપમાં એવા અનેક નેતા છે કે જેઓ વરુણના 'ગાંધી-નહેરુ વારસા'થી ખાસ પ્રભાવિત નથી. નરેન્દ્ર મોદી તથા અમિત શાહનો સમાવેશ એ શ્રેણીમાં થાય છે અને હાલમાં પાર્ટીની કમાન એ બંનેના હાથમાં જ છે.

સ્વામીનો સમાવેશ નહીં

ઇમેજ સ્રોત, Hindustan Times
વરુણની જેમ જ સુબ્રમણ્યમ સ્વામી પણ અનેક વખત સરકારની વિરુદ્ધ લખી ચૂક્યા છે.
આના વિશે ગુપ્તા કહે છે કે ભાજપ સાથે રહીને સુબ્રમણ્યમ સ્વામી કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી વિશે ખૂબ બોલ્યા છે. તેમણે 'નેશનલ હેરાલ્ડ'નો મુદ્દો ઉઠાવ્યો, હવે તેમને પણ રાષ્ટ્રીય કારોબારી સમિતિમાંથી દૂર કરી દેવાયા છે.
ગુપ્તા કહે છે, "ભાજપ અન્ય પક્ષોમાંથી લોકોને લે છે તથા તેમનો ભરપૂર ઉપયોગ કરે છે, જ્યારે તેમને લાગે કે હવે તેમની ઉપયોગિતા નથી રહી, ત્યારે તેમને હઠાવી દેવામાં આવે છે." ગુપ્તાના મતે ચૌધરી વિરેન્દ્ર સિંહ તથા વિનય કટિયારનો સમાવેશ આ યાદીમાં થાય છે.
તેઓ ઉમેરે છે કે તમામ રાજકીય દળ કહે છે કે તેઓ લોકશાહીમાં વિશ્વાસ રાખે છે અને તે ઢબે જ ચાલે છે,પરંતુ કોઈ પણ દળ અસહમતીને સ્વીકારી નથી શકતો.

કારોબારી સમિતિમાં સમાવેશ મહત્ત્વપૂર્ણ કેમ?

ઇમેજ સ્રોત, Twitter
રાષ્ટ્રીય કારોબારી સમિતિમાં દેશ, સમાજ તથા પાર્ટીના અલગ-અલગ મુદ્દા ઉપર ચર્ચા થાય છે તથા સંગઠનની રૂપરેખા નક્કી કરવામાં આવે છે. એમાં સમાવેશ હોવો મોટી બાબત છે? એવા સવાલના જવાબમાં જયશંકર ગુપ્તા કહે છે :
"ભાજપની રાષ્ટ્રીય કારોબારી સમિતિ 80 સભ્યોની સમિતિ છે. તેમને પાર્ટીના નીતિ-નિર્ધારક માનવામાં આવે છે. આમ છતાં પાર્ટીના મોટાભાગના નિર્ણય, કેટલાક 'વિશેષ' લોકો જ લેતા હોય છે. હા એ ખરું કે રાષ્ટ્રિય કારોબારી સમિતિમાં સ્થાન મળવાથી ઓળખ મળે છે."
એક તરફ વરુણ ગાંધીના નામનો સમાવેશ નહીં થવાથી જાત-જાતની અટકળો લગાવવામાં આવી રહી છે, બીજી બાજુ, કૉંગ્રેસના અલકા લાંબા કહે છે, "હું વરુણ ગાંધીને સૂચન આપીશ કે જો તેઓ લખીમપુર ખીરીમાં કચડાયેલા ખેડૂતો માટે ખરેખર ઇમાનદાર હોય, તો તેમણે ટ્વિટર ઉપર લડાઈ લડવાને બદલે ભાજપ છોડીને રસ્તા ઉપર આવવું જોઈએ તથા પોતાના અવાજને મજબૂત કરવો જોઈએ."
વરુણ ગાંધી હવે શું નિર્ણય લેશે, તેના વિશે કંઈ પણ કહેવું મુશ્કેલ ગણાશે, પરંતુ એ ખરું પાર્ટીની અંદર તેમનું કદ અગાઉ જેટલું નથી રહ્યું.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












