You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જવાદ વાવાઝોડું : ભારતના માથે વધુ એક વાવાઝોડાનો ખતરો, ચેતવણી જારી કરાઈ
બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાવાની સંભાવના છે. આ સપ્તાહમાં ફરીથી એક ચક્રવાત જોવા મળી શકે છે.
અગાઉ સપ્ટેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં ગુલાબ વાવાઝોડું સર્જાયું હતું, જે ભારતના પૂર્વ તટે ટકરાયા બાદ ભારતના ભૂમધ્ય ભાગ પરથી પસાર થઈને અરબ સાગરમાં ફરીથી ચક્રવાત શાહીન તરીકે સક્રિય થયું હતું.
સ્કાયમેટ વેધરના રિપોર્ટ પ્રમાણે બંગાળની ખાડીમાં 13 ઑક્ટોબરની આસપાસ વાવાઝોડું સર્જાવાની સંભાવના છે અને બાદમાં 48 કલાક દરમિયાન આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી શકે છે.
નવા વાવાઝોડાનું નામ 'જવાદ' હશે, આ નામ સાઉદી આરબ દ્વારા સૂચવવામાં આવ્યું છે. વાવાઝોડાની આવશ્યકતાઓને પહોંચી વળવા ચેતવણી જારી કરવામાં આવી છે.
પુષ્પક એક્સપ્રેસમાં કિશોરી પર આઠ શખ્સોએ બળાત્કાર ગુજાર્યો, ચારની અટકાયત
શુક્રવારે 8 ઑક્ટોબરે લખનૌ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં ઇગતપુરીથી કસારા વચ્ચે આઠ લોકોએ એક કિશોરીનો બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસનું કહેવું છે કે આ આઠ લોકો ઇગતપુરીથી ટ્રેનમાં ચડ્યા હતા અને તેમણે 20 મુસાફરોને લૂંટ્યા હતા.
જે મુસાફરોએ પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, તેમને માર મારવામાં આવ્યો હતો, જેથી પાંચથી છ લોકોને ઈજા થઈ છે.
લૂંટ કર્યા બાદ આ ટોળકીએ ટ્રેનમાં સવાર એક કિશોરીનું જાતીય શોષણ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પુષ્પક એક્સપ્રેસ સ્ટેશને પહોંચી ત્યારે પ્રવાસીઓએ બૂમાબૂમ કરી હતી. જેથી બે આરોપીની જીઆરપીએ અટક કરી હતી, એ બાદ મોડી રાત્રે વધુ બે લોકોની અટકાયત કરાઈ હતી અને પોલીસ હજી ચાર આરોપીઓને શોધી રહી છે.
ઇન્સ્ટાગ્રામ સહિતનાં પ્લૅટફૉર્મ્સ એક અઠવાડિયામાં બીજી વખત ખોટકાયાં
ફેસબુકે શુક્રવારે ઇન્સ્ટાગ્રામ, મૅસેન્જર અને વર્કપ્લેસ બે કલાક સુધી બંધ રહેતાં માફી માગી છે.
કંપનીએ સ્વીકાર્યું હતું કે આ અઠવાડિયામાં બીજી વખત ફેસબુકનાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ખામીને કારણે બંધ રહ્યાં હતાં.
ફેસબુકે અઠવાડિયામાં બે વખત ઇન્સ્ટાગ્રામ સહિતનાં પ્લૅટફૉર્મ બંધ થવા પાછળ કન્ફિગરેશનમાં આવેલી ખામીને જવાબદાર ઠેરવી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર કપંનીના એક નિવેદનમાં કહેવાયું કે, "(યુઝર્સ) છેલ્લા બે કલાક દરમિયાન અમારાં પ્લૅટફૉર્મ્સ ઍક્સેસ ન કરી શક્યાં, તે માટે માફી માગીએ છીએ. અમે ખામીનું સમાધાન કરી લીધું છે અને હવે બધું પૂર્વવત્ થઈ ગયું છે."
શુક્રવારે કેટલાક યુઝર્સની ઇન્સ્ટાગ્રામ ફીડ લોડ નહોતી થઈ રહી, તો કેટલાક લોકો ફેસબુક મૅસેન્જર પર મૅસેજ નહોતા મોકલી શકતા.
લોકોએ ટ્વિટર પર મીમ્સ શૅર કરીને અઠવાડિયામાં બીજી વખત ફેસબુકનાં પ્લૅટફૉર્મ્સ બંધ રહેવા અંગે ટીખળ કરી હતી.
એક ટ્વિટર યુઝરે લખ્યું, "લાગે છે કે ફેસબુક અઠવાડિયામાં ત્રણ દિવસ જ કામ કરે છે, સોમવાર અને શુક્રવાર શટડાઉન?"
આર્યન ખાનને ડ્રગ કેસમાં આર્થર રોડ જેલમાં મોકલી દેવાયા
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ ડ્રગ કેસમાં મુંબઈની સ્થાનિક અદાલતે અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન માગતી અરજી ફગાવી હતી અને આર્થર રોડ જેલમાં મોકલી દેવાયા હતા.
આ કેસમાં પકડાયેલા પાંચ અન્ય લોકોને પણ એ જેલમાં જ મોકલી દેવાયા હતા તથા મુનમુન ધામેચા સહિત બે મહિલા આરોપીને બાઇકુલા મહિલા જેલમાં મોકલી દેવાયાં હતાં.
ઍડિશનલ મૅટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ આર. એમ. નર્લિકરે આર્યન ખાન, મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટની જામીનઅરજી ફગાવી દીધી હતી.
મુંબઈ નજીક સમુદ્રમાં ક્રૂઝ પરી ચાલી રહેલી ડ્રગ પાર્ટી પર દરોડો પાડવામાં આવ્યો હતો અને એનસીબીએ આર્યન ખાન સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી.
ખેડૂતોની આંદોલનની ચીમકી
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ 12 ઑક્ટોબરે ખેડૂતોને ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના તિકુનિયા ગામમાં એકઠા થવાનું આહ્વાન કર્યું છે.
લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોનાં અંતિમસંસ્કાર પણ એ દિવસે જ કરવામાં આવશે.
દિલ્હી પાસે સિંઘુ બૉર્ડર પર ગત 11 મહિનાથી વિરોધપ્રદર્શન પર બેઠેલા સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ શુક્રવારે લખીમપુર હિંસા મામલે બેઠક કરી હતી.
બેઠક પછી તેમણે જણાવ્યું કે "અંતિમસંસ્કાર પછી તેમની અસ્થિને ઉત્તર પ્રદેશના બધા જિલ્લાઓ, પંજાબના ગુરુદ્વારાઓ અને બધાં રાજ્યોમાં લઈ જવામાં આવશે. લોકોને સંદેશ પહોંચાડવામાં આવશે કે ભાજપ સરકાર ખેડૂતોને હેરાન કરી રહી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો