ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ભારતમાં બંધ થઈ જશે? શું છે સમગ્ર મામલો?

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર 26 મે સુધી ભારત સરકારની નવી ગાઇડલાઇનનો સ્વીકાર ન કરે તો તેમને ભારતમાં પ્રતિબંધિત કરવા જેવી કાર્યવાહી ભારત સરકાર કરી શકે છે.

ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે તેમના આદેશનું ઉલ્લંધન થશે તો આ કંપનીઓને ઇન્ફર્મેશન ટેકનૉલૉજી ઍક્ટની કલમ 79 હેઠળ જે રક્ષણ મળ્યું છે, તે પરત લઈ લેવાશે.

જે બાદ જો કંઈક અજુગતું ઘટશે અથવા પ્લૅટફૉર્મ પર કોઈ વાંધાજનક કે ગેરકાયદેસર કન્ટેન્ટ મૂકવામાં આવશે તો તે માટેની જવાબદારી કંપનીઓની રહેશે.

ફેસબુકે ભારત સરકારના નિયમો અંગે શું કહ્યું?

સમગ્ર વિવાદ વચ્ચે ફેસબુકે જણાવ્યું છે કે તે સરકારના નિયમ પ્રમાણે ચાલશે, જેથી ઓનલાઇન કન્ટેન્ટનું નિયમન કરી શકાય.

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' અનુસાર ફેસબુકના પ્રવક્તાએ જણાવ્યું છે કે આઈટી કાયદામાં જે નિયમો છે તે પ્રમાણે ચાલવા માટે ફેસબુક કામ કરી રહ્યું છે અને સરકાર સાથે અમુક બાબતો અંગ ચર્ચા કરવાનું ચાલુ રાખવામાં આવશે.

તેમણે એવું પણ કહ્યું છે કે "અમે ઑપરેશનલ પ્રોસેસ અને કાર્યક્ષમતા સુધારવા માટે કામ કરી રહ્યા છે. અમારાં પ્લૅટફૉર્સ્માં લોકો પોતાના વિચારો મુક્ત અને સુરક્ષિત રીતે મૂકી શકે તે માટે ફેસબુક કટિબદ્ધ છે."

અહેવાલો પ્રમાણે નવા આઈટી નિયમોની અસર ઇન્સ્ટાગ્રામ અને વૉટસઍપ પર પણ થશે, જે બંને ફેસબુકની કંપની છે.

મામલો શું છે?

25 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત સરકારે ઇન્ફર્મેશન ટેકનૉલૉજી એટલે કે ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ ઍન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ રુલ્સ-2021 અમલમાં મૂક્યો હતો.

50 લાખથી વધુ યુઝર્સ ધરાવતાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર આ નિયમ લાગુ પડે છે, જેમાં સિગ્નલ, ટ્વિટર, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પણ આવી જાય છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર ભારત સરકારે કંપનીઓને જણાવ્યું હતું કે તેમને એક રેસિડન્ટ ગ્રીવન્સ ઑફિસર, ચીફ કમ્પ્લાયન્સ ઑફિસર અને નોડલ કૉન્ટેક્ટ પર્સનની નિમણૂક કરવાની રહેશે.

સરકારે આ ત્રણેય પદ 26 મે 2021 સુધી ભરવા માટે કંપનીઓને જણાવ્યું હતું.

મંગળવારે સાંજે ફેસબુકે કહ્યું કે તેઓ નિયમ પ્રમાણે કામ કરશે જોકે હજુ સુધી ટ્વિટરે આ અંગે પોતાની કોઈ પ્રતિક્રિયા આપી નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો