You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરમાં લઘુમતીઓ નિશાના પર, અઠવાડિયામાં સાત લોકોનાં મૃત્યુથી ભયનો માહોલ
ગુરુવારે કાશ્મીરમાં ઉગ્રવાદીઓની ગોળીથી જેમનું મૃત્યુ થયું હતું, એ સ્કૂલ પ્રિન્સિપાલ સુપિન્દરકૌરની અંતિમયાત્રામાં આજે શીખ સમુદાયના સેંકડો લોકોએ ભાગ લીધો હતો.
રાજધાની શ્રીનગરના રસ્તાઓ પરથી પસાર થયેલી તેમની અંતિમયાત્રામાં અનેક લોકો ભાવુક જોવા મળ્યા હતા. 'અમને ન્યાય જોઈએ છે'ના નારાઓ સાથે અંતિમયાત્રા શહેરમાંથી પસાર થઈ હતી.
ગઈકાલે શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં બંદૂકધારીઓએ એક સરકારી શાળાનાં પ્રિન્સિપાલ સુપિન્દરકૌર અને એમની જ શાળાના એક અધ્યાપક દીપકચંદની ગોળી મારી દીધી હતી.
એ પછી બંનેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં તેમને મૃત જાહેર કરાયાં હતાં.
સુપિન્દરકૌર કાશ્મીરી શીખ હતાં અને દીપકચંદ કાશ્મીરી પંડિત હતા, જેઓ તાજેતરમાં સ્કૂલમાં નોકરી મળ્યા બાદ ખીણ વિસ્તારમાં પરત આવ્યા હતા.
આ અઠવાડિયે શ્રીનગરમાં આ પાંચમી હત્યા થઈ છે. આ પહેલાં શહેરના જાણીતા કૅમિસ્ટ માખનલાલ બિંદ્રુની પણ ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
કાશ્મીરમાં બદતર થતી સ્થિતિ
અનેક લોકોએ આ હત્યાઓની તુલના 1990ના દાયકા સાથે કરી છે.
એ વખતે હજારો કાશ્મીરી પંડિતોએ હિંસાથી બચવા માટે ખીણનો વિસ્તાર છોડવો પડ્યો હતો અને દેશના વિભિન્ન ભાગોમાં સ્થિત રૅફ્યૂજી કૅમ્પમાં આશરો લેવો પડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું હતું, "મોદી સરકાર દેશમાંથી કાશ્મીરી પંડિતોની વાત કરીને વોટ ભેગા કરે છે પણ તેમને સુરક્ષા પૂરી પાડવામાં ફેલ થઈ છે."
"પાકિસ્તાન દ્વારા સમર્થિત ઉગ્રવાદ પર ક્યારે કાબૂ મેળવી શકશે છદ્મ રાષ્ટ્રવાદી ભાજપ સરકાર?"
આજે સવારે પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને સામાન્ય લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું, "આંતકીઓ દ્વારા આપણા દેશનાં ભાઈઓ-બહેનો પર થઈ રહેલા હુમલા નિંદનીય છે."
"આ મુશ્કેલ સમયમાં અમે કાશ્મીરી બહેનો-ભાઈઓની સાથે છીએ."
એક અઠવાડિયામાં અનેક મૃત્યુથી અજંપો
હિંદુસ્તાન ટાઇમ્સ લખે છે કે પોલીસના જણાવ્યા પ્રમાણે આ વર્ષે વિભિન્ન ઘટનાઓમાં 28 લોકો માર્યા ગયા છે. જેમાંથી પાંચ કાશ્મીરી હિંદુ અને શીખ હતા, જ્યારે બે હિંદુ પ્રવાસી મજૂર હતા.
છેલ્લા એક સપ્તાહમાં અનેક મોતના કારણે કાશ્મરીમાં રહેતા લઘુમતીના લોકોમાં ડર વધી ગયો છે. પોલીસ હાઇઍલર્ટ પર છે અને ઠેર-ઠેર ઝડતી લેવાઈ રહી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો