વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના યુવા કેમ સમર્થન આપે છે? - દૃષ્ટિકોણ
- લેેખક, વિવાન મારવાહા
- પદ, લેખક, બીબીસી માટે
ભારતની વસ્તીમાં મોટો યુવા વર્ગ છે, એટલે જ તેને 'સૌથી યુવા વસ્તી' કહેવાય છે. જેમાં મિલેનિયલ્સ એટલે કે 1981થી 1996 વચ્ચે જન્મેલા 40 કરોડ લોકો છે. નેતાઓ પાસે આ યુવા પેઢી શું ઇચ્છે છે, તેના પર લેખક વિવાન મારવાહા વિચારણા કરે છે.
વર્ષ 2019માં એપ્રિલ અને મે મહિનામાં મેં મિલેનિયલ્સની આર્થિક મહત્ત્વકાંક્ષાઓ, સામાજિક અભિપ્રાયો-દૃષ્ટિકોણ અને તેમના રાજકીય અભિગમ મામલે મારા પુસ્તક માટે સંશોધન કર્યું હતું.
હું ઉત્તર અને દક્ષિણ ભારતનાં શહેરો અને નાનાં નગરોમાં ગયો અને ત્યાં જઈ યુવાનો સાથે વાત કરી. તેઓ એ સમયે ચાલી રહેલી લોકસભાની ચૂંટણી વિશે શું વિચારે છે, તેના પર વાત કરી હતી.

ઇમેજ સ્રોત, PTI
મેં દરેક ખૂણે યુવક-યુવતીઓ સાથે મળીને વાતચીત કરી અને તેઓ મને ક્યાંક તો બેરોજગાર લાગ્યાં અથવા તો આર્થિક ગતિવિધિઓથી અળગા લાગ્યાં.
એક પારંપરિક માન્યતા મુજબ તો વડા પ્રધાન મોદી સામે ઍન્ટિ-ઇન્કમ્બસીનું પરિબળ દેખાતું હતું. એ સમયે દેશમાં છેલ્લાં 45 વર્ષનો સૌથી ઊંચો બેરોજગારીદર હતો અને તેનાથી સૌથી વધારે પ્રભાવિત ભારતના યુવાઓ જ હતા. કેમ કે ભારતનું યુવાધન વિશ્વની સૌથી મોટી શ્રમશક્તિ છે.
અર્થવ્યવસ્થાને અસર થઈ હતી અને દરેક જગ્યાએ એક નારાજગીનું મોજું જોવા મળ્યું. હું જે યુવાઓનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો, તેઓ તેમનાં માતાપિતા સાથે રહેતાં હતાં અથવા તો તેમની મૂળભૂત જરૂરિયાતો માટે માતાપિતા પર આધાર રાખતા હતા. તેમાંના મોટાભાગના યુવાઓ 30 વર્ષના વયજૂથના હતા.

2014ની નરેન્દ્ર મોદીની જીત પાછળ યુવા વર્ગ

ઇમેજ સ્રોત, Getty Images
આમાંથી મોટાભાગનાએ વર્ષ 2014માં નરેન્દ્ર મોદી અને ભાજપને વોટ આપ્યા હતા. તેમણે વિકાસના વાયદા કર્યા અને ભારતની યુવા પેઢીએ રોજગારી મળશે એવા ભરોસા સાથે વોટ આપ્યા હતા.
પારંપરિક માન્યતા ખોટી પડી અને ભાજપ ફરી જીત્યો, મોદી ફરી પીએમ બન્યા. વળી એ વખતે 2014 કરતાં પણ વધારે બહુમત મળ્યો. તેમણે દાયકાઓથી રાજકારણમાં રહેલા રાજકીય પક્ષોને રીતસરના હંફાવી દીધા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ વાત સ્પષ્ટ હતી કે મોદીને યુવાઓનું સમર્થન છે. ચૂંટણી બાદના ડેટાએ પુષ્ટિ કરી કે 18-35 વર્ષના 40 ટકા યુવાઓએ વોટ આપ્યા છે.
અન્ય દેશમાં આ વાતને માનવમાં નહીં આવે. કેમ કે જે યુવાઓની પ્રગતિ નથી થઈ, જેમનો વિશ્વાસ તૂટ્યો હોય; એ યુવાઓએ વોટ કેમ આપ્યા અને ફરીથી તેઓ સત્તામાં કેમ આવ્યા?
'ભારતમાં ઘણા રાજકારણીઓને મતદારોએ પ્રથમ ટર્મ બાદ ઘર ભેગા કરી દીધા છે', ભારતની ચૂંટણીઓ અંગેની આ વિચારસરણી પણ આ સાથે ખોટી ઠરે છે.
પણ હવે આ મિલેનિયલ પેઢી અગ્રેસર રહેતા ભારતના રાજકાણીઓ મૂળભૂત બદલાવના સાક્ષી બની રહ્યા છે. યુવા મતદારોને જાહેરમાં સારું ભાષણ આપતા, પ્રાર્થના-પૂજા કરતા અને તેમના જેવા દેખાતા નેતા જોઈએ છે.
દાયકાઓથી ભારતમાં અંગ્રેજી બોલતા નેતાઓનો દબદબો રહ્યો. જેમાં પશ્ચિમથી શિક્ષિત થઈ આવેલા ટેકનૉક્રૅટ પણ સામેલ હતા.
તેઓ દેશની ખેતીપ્રધાન પ્રજા અને વિવિધ ભાષાઓ બોલતી પ્રજા સાથે ઓછો ઘરોબો ધરાવતા હતા અથવા ઓછી સામ્યતા દેખાતી.
જોકે ઘણા સાંસદો-ધારાસભ્યો ધરાતલ સાથે જોડાયેલા રહ્યા છે, પણ દિલ્હીમાં સત્તા ધરાવતા નેતાઓમાં આવા જૂજ હતા.

અસ્થિર અર્થતંત્ર, રોજગારીના વાયદા અને મોદી

ઇમેજ સ્રોત, Getty Images
આજની યુવા પેઢીને એવા આદર્શ નેતા જોઈએ છે કે જે તેમની રક્ષા કરી શકે.
વળી એમાં ભાષા એક ભાવનાત્મક મુદ્દો છે. કેમ કે અંગ્રેજી ભાષા ભારતના ઍલિટ ક્લાસની એક વૈભવી ભાષા રહી છે. જ્યારે બીજી તરફ મધ્યમ વર્ગ સામાજિક રીતે હવે ઉત્થાન માગી રહ્યો છે.
વર્ષ 2019ની ચૂંટણીમાં હિંદીભાષી રાજકારણીઓએ આ ઍલિટ વર્ગને હચમચાવી દીધો હતો. મતદારોએ એ ધરાતલ સાથે ઘરોબો ધરાવનારાઓને વોટ આપ્યા, જ્યારે અંગ્રેજી આગેવાનોનું નેતૃત્ત્વ ધરાવતી ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ હિંદી પટ્ટામાંથી સાફ થઈ ગઈ.
મેં જ્યારે યુવાઓ સાથે વાત કરી, ત્યારે તેમણે મને કહ્યું કે મોદીએ ન્યૂયૉર્ક, લંડન અને સીડનીમાં જે રીતે હિંદીમાં ભાષણો આપ્યાં, તેનાથી તેમને ઘણો ગર્વ અનુભવાયો.
એક અસ્થિર અર્થવ્યવસ્થાની સ્થિતિમાં યુવાઓ ઇચ્છે છે કે તેમના નેતા એવા હોય કે જે સ્થિરતા અને સુરક્ષાનો વાયદો કરે. વળી પીએમ મોદી અને તેમના પક્ષે એ સંદેશ આપ્યો કે તેઓ આ ભાવના સમજે છે.
વર્ષ 2019ની ચૂંટણીના થોડાક જ મહિના પછી કાશ્મીરના પુલવામાં હુમલો થયો. પછી પાકિસ્તાનના બાલાકોટમાં ઍર સ્ટ્રાઇક થઈ. ભાજપના દરેક નેતાઓ તેમના ટ્વિટર પર પોતે ‘ચોકીદાર’ છે, એમ લખ્યું; અને આ મામલે સંદેશ આપવામાં આવ્યો કે ભારતીયોનું તમામ દુશ્મનોથી રક્ષણ કરવામાં આવશે.
ભારતમાં હિંદુ બહુમતીને એક ખાતરી આપવામાં આવી કે ભાજપનો તેને ટેકો છે અને તેમના લાભ, જાહેર સેવા તથા કલ્યાણ માટે કટિબદ્ધ યોજનાઓનાં વચન અપાયાં.

આર્થિક રીતે પછાત વર્ગને 10 ટકા અનામતનું પગલું
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
અત્રે નોંધનીય છે કે ચૂંટણીઓની તારીખ જાહેર થઈ તેના થોડા જ દિવસો પૂર્વે પાર્ટીએ સરકારી યુનિવર્સિટી તથા નોકરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો-વિદ્યાર્થીઓ માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. જેથી દેશમાં કુલ અનામત 60 ટકાએ પહોંચી ગયો.
આ પગલું અપર-ક્લાસ હિંદુમાં ધ્રુવીકરણ માટે લક્ષિત હતું પણ તેમાં આર્થિક મોરચે પાછળ રહી ગયેલા મતદારો પણ નિશાન પર હતા. કેમ કે દેશમાં યુવાઓ માટે રોજગારીની પૂરતી તકો નહોતી સર્જાઈ અને આ મતદારો માટે સરકારી નોકરી મેળવવી જાણે અશક્ય બની ગઈ હતી.
1991ના આર્થિક ઉદારીકરણ બાદ દાયકાઓથી ગરીબીમાં સબળી રહેલા લાખો ભારતીયો તેમાંથી બહાર આવ્યા હતા; પણ ભારતની યુવા પેઢી માત્ર જીવનનિર્વાહ પૂરતી અપેક્ષા નથી રાખતી.
તેઓ એક એવા વિશ્વમાં જીવવા માગે છે, જેમાં વિકાસની મોટી તક હોય; કેમ કે તેમના વિશ્વમાં સ્માર્ટફોન હોવાથી તમામ માહિતી આંગળીના ટેરવે આવી જાય છે.
સરકાર ભલે રોજગારીના વાયદા પૂરા ન કરી શકી અને આર્થિક વાયદાઓ નિભાવી ન શકી પણ પીએમ મોદીની વાતોમાં હજુ પણ આ યુવાઓની મહત્ત્વકાંક્ષાની વાત છે.
તેઓ બુલેટ ટ્રેન, વૈશ્વિક કક્ષાનાં શહેરો અને વિશ્વના ફલક પર દેશ ઝળહળી ઊઠે એવા વાયદા કરી રહ્યા છે.

ધોતી-કુરતાના બદલે ડિઝાઇનર વસ્ત્રો

ઇમેજ સ્રોત, Getty Images
પીએમ મોદીની શૈલી અને આભા પણ મહત્ત્વકાંક્ષી છે. પારંપરિક રાજકારણીઓ જે સફેદ ધોતી-કુરતા પહેરતા હતા, તેની જગ્યાએ મોદી મોંઘા, ડિઝાઇનર અને વિવિધ રંગોનાં પરિધાન પસંદ કરે છે.
પારંપરિક સમજથી વિપરીત તેઓ એક એવો સંકેત આપે છે કે યુવા પેઢી મોદીની પડખે છે અને દેશના સાંસ્કૃતિક તથા રાજકીય દૃષ્ટિકોણ પર મોદીનું પ્રભુત્વ છે.
આથી તેમની આ છબિને પડકારનારા કોઈ પણ રાષ્ટ્રીય નેતાએ ધરાતલથી શરૂઆત કરવી પડશે; અને સરકારે જે વચનો નથી પાળ્યાં તથા જે કામો નથી કર્યાં તેની સામે લોકોની જ ભાષામાં અવાજ ઉઠાવવો પડશે.
(વિવાન મારવાહા ‘વૉટ મિલેનિયલ્સ વૉન્ટ’ પેંગ્વિન વાઇકિંગના ઑથર છે.)



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












