'નરેન્દ્ર મોદી કદાચ ગાંધીઆશ્રમને પણ અમેરિકા લઈ ગયા હશે' સોશિયલ

અમેરિકાના ન્યૂઝપેપર ન્યૂયૉર્ક ટાઇમ્સના પહેલા પાનાની તસવીર, જેમાં વડા પ્રધાન જોવા મળી રહ્યા છે, તે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ છે.

આ સ્ક્રિનશૉટમાં મોદીની અમેરિકાની યાત્રાનો ઉલ્લેખ થયો છે. અને તેમની આ તસવીર સાથે હેડલાઇન આપવામાં આવી છે, "દુનિયાની છેલ્લી અને સર્વશ્રેષ્ઠ આશા."

ત્યારબાદ સબ-હેડલાઇનમાં લખવામાં આવ્યું છે કે "દુનિયાના સૌથી પ્રિય અને સૌથી શક્તિશાળી નેતા આપણને આશીર્વાદ આપવા માટે અહીં પધાર્યા છે."

અખબારની આ આવૃત્તિ 26 સપ્ટેમ્બર 2021ની દર્શાવવામાં આવી છે.

ન્યૂયૉર્ક ટાઇમ્સના આ કથિત ફ્રન્ટ પેજની આ તસવીર ટ્વિટર, ફેસબુક, વૉટ્સઍપ પર ખૂબ સર્કુલેટ થઈ અને એવા સંદેશ લખવામાં આવ્યા કે "આપણા વડા પ્રધાન પર ગર્વ છે."

કવિતા મેયરે ટ્વિટ કરીને લખ્યું, "મારા વડા પ્રધાન પર ગર્વ છે."

ભારતના યૂથ વિંગના રાષ્ટ્રીય મહાસચિવ રોહિત ચહલે પણ આ સ્ક્રિનશૉટને રિટ્વીટ કર્યો છે.

શું છે હકીકત?

જે સ્ક્રિનશૉટ સર્કુલેટ થયો છે તો ન્યૂયૉર્ક ટાઇમ્સના ફ્રન્ટ પેજનો નથી. 26 સપ્ટેમ્બરના રોજ ન્યૂયૉર્ક ટાઇમ્સના પહેલા પેજ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કોઈ સમાચાર જ છપાયા ન હતા.

ક્વિન્ટમાં પ્રકાશિત ફૅક્ટ ચેક મુજબ આ વાઇરલ તસવીરના ફોન્ટ અને સ્ટાઇલ પણ ન્યૂયૉર્ક ટાઇમ્સના ફોન્ટ સાથે મેળ ખાતાં નથી

જ્યારે સપ્ટેમ્બરનો સ્પેલિંગ પણ ખોટો લખવામાં આવ્યો છે અને તેને SETPEMBER કરી દેવામાં આવ્યો છે.

લોકોએ શું પ્રતિક્રિયા આપી?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ વાઇરલ સમાચાર વિશે સોશિયલ મીડિયા પર લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર ઉર્વીશ કોઠારી ટ્વિટર પર લખે છે, "આ તસવીર તો ગાંધીજીના સાબરમતી આશ્રમની છે. પાછળ હૃદયકુંજ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. એવું બની શકે છે કે સાહેબ આશ્રમને પણ સાથે અમેરિકા લઈ ગયા હોય. ગાંધીજી એટલા પ્રિય છે ને."

સિદ્ધાર્થ નામના યૂઝર ટ્વિટર પર લખે છે, "એક અસલી ન્યૂયૉર્ક ટાઇમ્સ છે અને બીજી તરફ ભાજપના સેલનું ન્યૂયૉર્ક ટાઇમ્સ છે."

શાહનવાઝ આલમ લખે છે, "ભક્તો એટલા અભણ છે કે તેઓ એટલું પણ નથી જાણતા કે સપ્ટેમ્બરનો સ્પેલિંગ શું છે. ન્યૂયૉર્ક ટાઇમ્સનું પહેલું પાનું એડિટ કરતાં સમયે તેમણે તારીખમાં લખ્યું છે- SETPEMBER."

INC બેંગલુરુ સેન્ટ્રલ એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું છે, "ન્યૂયૉર્ક ટાઇમ્સનું એકમાત્ર આવૃત્તિ જે SETPEMBERમાં રિલીઝ થઈ હતી. બાકી બધા ન્યૂઝપેપર તો Septemberમાં રિલીઝ થયાં હતાં. અમિત માલવિયાએ ગૂગલ પર જઈને સ્પેલિંગ ચેક કરતાં પણ શીખવું જોઈએ. ફોટોશૉપનો સુંદર ઉપયોગ કરવા માટે મોદીજીનો આભાર."

અંબિકા જેકે લખે છે, "ઘણા સંઘના લોકો છે જેઓ ગર્વ સાથે ન્યૂયૉર્ક ટાઇમ્સનું નકલી ફ્રન્ટ પેજ શૅર કરી રહ્યા છે. તેમાં ભાજપના નેશનલ વીપી પણ સામેલ છે. મોદી ભક્તિ કરી શકાય છે, પણ તેની સાથે થોડું સામાન્ય જ્ઞાન હોવું પણ જરૂરી છે. શૅર કરતાં પહેલાં એ ચકાસી લો કે શું લખ્યું છે."

સૌમ્ય નામના યૂઝર લખે છે, "જે લોકો મોદીજીની આવી પૉલ ખોલે છે, તેઓ તેમનાથી ઇર્ષ્યા કરે છે. ન્યૂયૉર્ક ટાઇમ્સે 26 Setpemberના રોજ નરેન્દ્ર મોદીને સન્માન આપ્યું, તેમણે હીઝ હાઇનેસને સન્માન આપવા માટે નવો મહિનો પણ બનાવવો પડ્યો અને કેટલાક લોકો આ વાત હજમ કરી શકતા નથી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો