ગુજરાતમાં ઠેરઠેર મેઘમહેર, કેટલા દિવસ ભારે વરસાદની આગાહી? - BBC Top News
ગુજરાતમાં મંગળવારે સાર્વત્રિક વર્ષાના અહેવાલ મળી રહ્યા છે. હવામાનખાતાની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
મંગળવારે સાંજે પાટનગર ગાંધીનગર તથા મહાનગર અમદાવાદમાં વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદમાં વસ્ત્રાપુર, વેજલપુર, વસ્ત્રાલ તથા ઓઢવના અમુક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાયાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
ડાયમંડ સિટીમાં પણ બપોરથી વરસાદ પડી રહ્યો છે. જ્યાં ભારે વાદળ છવાતાં સૂરજ ઢંકાઈ ગયો હતો અને ભરબપોરે સાંજ જેવો માહોલ ઊભો થયો હતો.
સોમવારથી જ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગોધરા, અમરેલી, મહેસાણા ઉપરાંત પોરબંદરમાં પણ વરસાદના અહેવાલ મળી રહ્યા છે.
મંગળવારે હવામાનખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ તથા દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની સંભાવના છે.
સ્કાયમૅટ વૅધરના રિપૉર્ટ પ્રમાણે, બંગાળની ખાડીમાં ઊભી થયેલી લૉ-પ્રેશર સિસ્ટમથી આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
તાજેતરના વરસાદથી ઊભી થનારી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સની આઠ ટૂકડીઓને ખડે પગે રાખવામાં આવી હોવાના અહેવાલ છે.

વરસાદ ન પડતાં 'ઇન્દ્રને રીઝવવા' છ બાળકીઓને નગ્ન કરી ગામમાં ફેરવાઈ

ઇમેજ સ્રોત, Getty Images
મધ્ય પ્રદેશના એક ગામમાં છ સગીરાઓને કથિતરૂપે નગ્ન કરીને ભિક્ષા માગવા માટે મજબૂર કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના અહેવાલ મુજબ 'વરસાદની અછત' હોવાથી ગ્રામજનોએ બાળકીઓને નગ્ન કરીને ગામમાં ફેરવી હતી. ગ્રામજનો માને છે કે આમ કરવાથી ઇંદ્રદેવ ખુશ થશે અને વરસાદ પડશે.
આ ઘટના મધ્ય પ્રદેશના બુંદેલખંડ પ્રાંતના દામોહ જિલ્લાની છે.
અહીંના બાનિયા ગામમાં વરસાદ આવે એ માટે ગામની જ છ બાળકીઓને નગ્ન કરીને તેમની પાસે ગામમાંથી લોટ, શાકભાજી, કઠોળ વગેરે મગાવવામાં આવ્યાં હતાં.
અહેવાલમાં જણાવાયું છે કે બાળકીઓએ દરેક ઘરે જઈને આ વસ્તુઓ એકઠી કરી હતી. બાદમાં આ વસ્તુઓને ગામના ભંડારામાં આપી દેવાઈ હતી, જેનું ભોજન તૈયાર કરીને ગામના લોકોએ ખાધું હતું.

કેરળમાં 11 લોકોમાં નિપાહ વાઇરસનાં લક્ષણો દેખાયાં

ઇમેજ સ્રોત, Getty Images
કેરળમાં નિપાહ વાઇરસના લીધે તાજેતરમાં 12 વર્ષના એક કિશોરનું મોત થયું હતું, જે પછી આરોગ્યમંત્રી વીણા જ્યૉર્જે જણાવ્યું છે કે કિશોરનાં માતા સહિત 11 લોકોમાં લક્ષણો જોવા મળ્યાં છે.
‘ઇન્ડિયા ટુડે’ના રિપોર્ટ અનુસાર આરોગ્યકર્મીઓની ટીમે આ કિશોર અને તેનું કુટુંબ રહેતા હતા, તે ઘરની મુલાકાત લીધી હતી.
આ કુટુંબે પાળેલી બે બકરીના પણ નમૂના લીધા હતા તથા તેમના આંગણામાં રહેલાં બે વૃક્ષોના પણ નમૂના લેવામાં આવ્યા હતા.
રાજ્યનો આરોગ્યવિભાગ આ કેસોનું સતત મૉનિટરિંગ કરી રહ્યો છે. તે ચુસ્ત રીતે કૉન્ટેક્ટ ટ્રેસિંગને અનુસરી રહ્યો છે.
કુલ 251 કૉન્ટેક્ટ ઓળખી કાઢવામાં આવ્યા છે અને તેમાંથી 54 હાઈરિસ્ક કૅટેગરીમાં આવે છે. મંગળવારથી હાઉસ-ટુ-હાઉસ સરવે શરૂ કરાશે, જેથી નિપાહ વાઇરસનાં લક્ષણો ધરાવનારી કોઈ પણ વ્યક્તિ રહી ન જાય.
અગાઉ કેરળની સરકારે નિપાહ મૅનેજમૅન્ટ પ્લાન જારી કર્યો હતો. ખાનગી અને સરકારી હૉસ્પિટલોએ તે મુજબ હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવાનું હતું.
જિલ્લા સત્તાવાળાઓ પોતે પણ અલગ નિપાહ મૅનેજમૅન્ટ પ્લાન તૈયાર કરી શકે છે. તેમાં સારવાર અને ડિસ્ચાર્જ માટેની ગાઇડલાઇન પણ પ્રકાશિત કરવામાં આવી છે.
અત્રે નોંધવું કે નિપાહ વાઇરસ ચામાચીડિયાં દ્વારા ફેલાય છે અને તેથી આ ઘરના આંગણામાં આવેલા વૃક્ષનાં ફળો ચામાચીડિયાએ ખાધાં હોવાની સંભાવનાને પગલે તેની ચકાસણી કરી છે.
આરોગ્યની ટીમે તળાવના કિનારે ચામાચીડિયાઓનું રહેઠાણ પણ શોધી કાઢ્યું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












