'દર મિનિટે બહાર ગોળીબારનો અવાજ આવે છે,' બંદૂકો વચ્ચે જીવતી અફઘાની મહિલાઓનો ગુજરાતને સાદ

અફઘાન મહિલા, ગુજરાત

ઇમેજ સ્રોત, Sewa

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

મનીષા પંડ્યા ગુજરાતની 'સેવા' (SEWA - સેલ્ફ એમ્પોલોય્ડ વુમન્સ ઍસોસિયેશન) સંસ્થા સાથે જોડાયેલાં છે. 2007થી 2020 દરમિયાન તેમણે 94 વખત અફઘાનિસ્તાનનો પ્રવાસ કર્યો છે.

અફઘાનિસ્તાનની મહિલાઓ સાથે તેમણે અને 'સેવા'ની બીજી મહિલાઓએ છેલ્લા દોઢ દાયકાથી પણ વધુ સમય સુધી કામ કર્યું છે.

જોકે હાલમાં આ કામના ભાવિ પર સવાલ સર્જાયો છે. અફઘાનિસ્તાનથી તેમને કેટલીક મહિલાઓનો સંદેશો આવ્યો છે કે હવે તેમનું આગળ શું થશે? તેના વિશે ત્યાંની મહિલાઓને કંઈ જ ખબર નથી.

સેવા સંસ્થાની મદદથી કાબુલ અને બીજાં ચાર શહેરોમાં શરૂ થયેલી મહિલાઓની સંસ્થા 'સબા બાગ-એ-ખાજાના સોશિયલ ઍસોસિયેશન' હાલમાં બંધ થઈ ચૂકી છે, કારણ કે મહિલાઓ આ સેન્ટર પર આવી નથી શકતી.

2007-2008થી સેવા સંસ્થાની બહેનો પ્રથમ તો ભારત સરકાર અને અફઘાનિસ્તાનની સરકાર અને પછી યુએસની મદદથી લગભગ 2017 સુધી સક્રિય રીતે આ મહિલાઓ સાથે કામ કરી રહી હતી.

જોકે હાલમાં પણ આ અફઘાનિસ્તાનની બહેનો 'સેવા' સંસ્થાની પોતાની મૅન્ટર સાથે સંપર્કમાં છે.

line

અફઘાનની મહિલાઓની શું સ્થિતિ છે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તાલિબાનીઓએ અફઘાનિસ્તાન પર કબજો મેળવી લીધા બાદ 'સબા બાગ-એ-ખજાના સોશિયલ ઍસોસિયેશન'ની અનેક મહિલાઓએ સેવાનાં તેમના મૅન્ટરનો સંપર્ક કરીને ત્યાંની પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું.

જોકે અફઘાનિસ્તાનની મહિલાઓને કોઈ તકલીફ ન થાય માટે તેમણે કોઈના નામ ન આપવાની શરતે કહ્યું કે, "હાલમાં આવી અનેક મહિલાઓ છે જે પોતાના ઘરમાં પૂરાઈને રહે છે."

"આ મહિલાઓ પહેલાં પોતાના ઘરેથી બહાર નીકળીને કામ કરતી હતી, માર્કેટ સુધી જતી હતી અને પોતાની બનાવેલી વસ્તુઓ ઓપન માર્કેટમાં પણ વેચતી હતી, પરંતુ હવે તેઓ ખૂબ જ ડરી ગઈ છે અને પોતાના ઘરમાં કેદ થઈ ચૂકી છે."

બીબીસી સાથે વાત કરતાં પ્રોગ્રામ કૉ-ઑર્ડિનેટર મનીષાબહેન પંડ્યાએ કહ્યું, "તેમની ઉપર વૉટ્સઍપ પર અમુક મહિલાઓના મૅસેજ આવ્યા છે, જેમણે તેમને કહ્યું કે દર મિનિટે બહાર ગોળીબારનો અવાજ આવે છે."

હેરાત શહેર પર તાલિબાનીઓ લગભગ 8 દિવસ પહેલાં કબજો જમાવી લીધો હતો.

આ વિસ્તારમાં રહેતી એક મહિલાએ મનીષાબહેનને મૅસેજ કર્યો છે કે, "તેમની તમામ કમાણી તેમણે એક બૅન્કમાં મૂકી હતી, હવે તેઓ સતત પ્રયાસ કરી રહ્યાં છે કે બૅન્કથી તેઓ પૈસા કાઢી લે, પરંતુ બૅન્કે તેમને એમ કહી દીધું છે કે તેમની પાસે પૈસા જ નથી. હવે તેઓ શું કરશે તેની તેમને ખબર નથી."

line

'બધું એકાએક ખતમ થઈ ગયું'

અફઘાનિસ્તાનની મહિલાઓ સાથે તેમણે અને 'સેવા'ની બીજી મહિલાઓએ છેલ્લા દોઢ દાયકાથી પણ વધુ સમય સુધી કામ કર્યું છે.

ઇમેજ સ્રોત, Sewa

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનની મહિલાઓ સાથે તેમણે અને 'સેવા'ની બીજી મહિલાઓએ છેલ્લા દોઢ દાયકાથી પણ વધુ સમય સુધી કામ કર્યું છે.

આવી જ રીતે કાબુલમાં એક પરિવારમાં માત્ર ત્રણ બહેનો જ રહે છે. તેમાંથી સૌથી મોટી બહેન સબા સંસ્થા સાથે જોડાયેલી છે.

તેમણે મનીષાબહેનને કહ્યું કે, "હવે શું થશે તેની અમને ખબર નથી. હું ખૂબ મહેનત કરીને મારું ગુજરાન ચલાવી રહી હતી, પરંતુ હવે બધું એકાએક ખતમ થઈ ગયું છે."

આવી જ રીતે કાબુલ અને મઝાર-એ-શરીફ જેવાં શહેરોથી પણ અનેક મહિલાઓ પોતાની આપવીતી સેવાની પોતાની મૅન્ટરને જણાવી રહ્યાં છે.

મનીષાબેન કહે છે કે, "એકંદરે દરેક મહિલા ખૂબ જ ડરી ચૂકી છે. તેમને ખબર નથી કે આગળ શું થશે, રસ્તા ઉપર જતા તેમને બીક લાગે છે. તેઓ વારંવાર મદદની વાત કરે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં તેમને કેવી રીતે મદદ કરવી?"

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનમાં બુરખા વિનાની આઝાદ મહિલાઓને ક્લિક કરનારાં ફોટોગ્રાફરની કહાણી

રાખમાંથી ઊભી થયેલી મહિલાઓમાં હજી પણ કંઈક કરી છૂટવાનો જુસ્સો છે.

જોકે અફઘાનિસ્તાનમાં અનેક મહિલાઓ એવી પણ છે કે જેમણે પોતાના ઘરેથી કામ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.

આ વિશે વાત કરતા પ્રોગ્રામ કૉ-ઑર્ડિનેટર પ્રતિભાબહેન પંડ્યાએ બીબીસી ગુજરાતીને કહ્યું, "આ મહિલાઓ હાલમાં તો કોઈ સેન્ટર પર નથી જઈ શકતી, પરંતુ તેઓ કહે છે કે જો તેમને તક મળે તો તેઓ પોતાના ઘરેથી પણ વસ્તુઓ બનાવીને માર્કેટમાં પહોંચાડી શકે છે."

"એક મહિલાએ મને કહ્યું કે જો અમે જીવતાં રહીએ તો અમને ખાતરી છે કે ભૂખ્યાં નહીં મરીએ, કારણ કે અમારી પાસે હવે એવી અનેક તકનીકો, કળાઓ છે જેથી અમે ગમે તેવી પરિસ્થિતિમાં પોતાનું ગુજરાન ચલાવી લઈશું."

line

અફઘાનિસ્તાનની મહિલાઓ માટે શું કહે છે ગુજરાતની તેમની સખીઓ?

નિરાશ્રિત મહિલાઓ સાથે મળીને 'સેવા'ની મહિલાઓએ આશરે 10 હજાર જેટલી આવી મહિલાઓનો પગભર કરી હતી.

ઇમેજ સ્રોત, Sewa

ઇમેજ કૅપ્શન, નિરાશ્રિત મહિલાઓ સાથે મળીને 'સેવા'ની મહિલાઓએ આશરે 10 હજાર જેટલી આવી મહિલાઓનો પગભર કરી હતી.

આ વિશે મનીષાબહેન પંડ્યા કહે છે, "હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ જલદી થાળે પડે અને આ મહિલાઓ ફરીથી પોતાનું જીવન પહેલાંની જેમ જીવી શકે."

"90ના દાયકાના તાલિબાની સમય બાદ યુદ્ધ જેવા સમયથી પસાર થઈને આ મહિલાઓ પગભર થઈ છે. તેમની દશા જોઈને મને ખૂબ જ દુખ થઈ રહ્યું છે."

રીમાબહેન નાણાવટી ઉમેરે છે, "અમે તેમના સંપર્કમાં છીએ, પરંતુ તેઓ ઘણા ગભરાઈ ગયા છે. જેમની પાસે પૈસા કે ઓળખાણ છે તેઓ ગમે તેમ કરીને દેશ છોડી રહ્યાં છે, પરંતુ ગરીબ મહિલાઓ માટે આ પરિસ્થિતિનો સામનો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી."

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાન : 'ત્રણ દીકરા બૉમ્બથી મરી ગયા, હવે હું નહીં જીવી શકું'

જ્યારે બીજી તરફ પ્રતિભાબેન પંડ્યા કહે છે, "ત્યાંની બહેનો ખૂબ જ ખતરામાં છે, તેવું મને લાગી રહ્યું છે. હું તો એક જ પ્રાર્થના કરી રહી છું કે તેમની સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બની જાય."

"તેમની હાલત જોઈને મને ખૂબ જ દુખ છે, પણ પરિસ્થિતિ એવી છે કે તેમને હાલની ઘડીએ કેવી રીતે મદદ પહોંચાડી શકીએ. તેમને તાલિબાનનો ખતરો તો છે જ પરંતુ તેની સાથેસાથે તેઓ મોંઘવારીમાં પણ પિસાઈ રહ્યાં છે. ત્યાં દરેક વસ્તુનો ભાવ હાલમાં ખૂબ વધારે છે, માર્કેટ બંધ છે."

અંતે મેઘાબહેન દેસાઈ કહે છે, "બે દાયકાના કામ બાદ અફઘાનિસ્તાનની મહિલાઓ પગભર થઈ હતી. તે પહેલાં પણ તેમણે ખૂબ સંઘર્ષ કર્યો છે."

"આવનારા સમયમાં તેમના માટે શું છે, તે તો ખબર નથી, પરંતુ આ મહિલાઓમાં ખૂબ હિમ્મત છે. અને તે હિમ્મત જ તેમને આવી કપરી પરિસ્થિતિમાં જીવિત રાખી રહી છે."

line

સેવા થકી પગભર મહિલાઓ

ચટણી, જામ, અથાણું, નાન અને બિસ્કિટ જેવી અનેક વસ્તુઓ અફઘાનિસ્તાનની મહિલાઓ વેચીને ધીરેધીરે પગભર થઈ હતી.

ઇમેજ સ્રોત, Sewa

ઇમેજ કૅપ્શન, ચટણી, જામ, અથાણું, નાન અને બિસ્કિટ જેવી અનેક વસ્તુઓ અફઘાનિસ્તાનની મહિલાઓ વેચીને ધીરેધીરે પગભર થઈ હતી.

90ના દાયકામાં અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનીઓનું વર્ચસ્વ હતું, ત્યારે અને ત્યારબાદના હુમલામાં જે પુરુષો મરી ગયા હતા.

તેમની વિધવાઓ અને નિરાધાર, નિરાશ્રિત મહિલાઓ સાથે મળીને 'સેવા'ની મહિલાઓએ આશરે 10 હજાર જેટલી આવી મહિલાઓનો પગભર કરી હતી.

આ માટે સેવા સંસ્થાથી રીમાબહેન નાણાવટીની આગેવાનીમાં મનીષાબહેન પંડ્યા, પ્રતિભાબહેન પંડ્યા અને મેઘાબહેન દેસાઈ તથા તેમની બીજી સંગિનીઓએ આ કામ માટે અનેક અફઘાની મહિલાઓને તાલીમ આપી હતી.

હજી કોવિડના આગમન પહેલાં સુધી અમદાવાદમાં અફઘાનિસ્તાનની અનેક મહિલાઓને માસ્ટર ટ્રૅનર તરીકેની તાલીમ અમદાવાદ ખાતે મળી રહી હતી.

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાન : એ મહિલા જેમને ગોળી વાગી તો પણ અધિકારો માટે લડત આપી

આ મહિલાઓને મુખ્યત્વે ઍમ્બ્રૉઇડરી, ફૂડ પ્રૉસેસિંગ અને નર્સરીમાં ટ્રૅનિંગ આપવામાં આવતી હતી. તેની સાથે તેમને માર્કેટ સપૉર્ટ અને માર્કેટિંગની પણ ટ્રેનિંગ આપવામાં આવતી હતી.

સેવાએ આવી અનેક માસ્ટર ટ્રેનર તૈયારી કરી હતી અને તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો ત્યાં સુધી 'સેવા' થકી કાબુલ, હેરાત, મઝાર-એ-શરીફ, કંદહાર સહિત 6 શહેરમાં સેન્ટર ચાલી રહ્યાં હતા.

ચદરી ઉપરની કળાને ઍમ્બ્રૉઇડરીની કળા થકી અફઘાની મહિલાઓએ નવાં રંગરૂપ આપ્યાં. ચદરી અથવા તો એક પ્રકારનો બુરખો જે અફઘાની મહિલાઓ પહેરે છે, તેમાં પણ વિવિધ ઍમ્બ્રૉઇડરી કરીને ચદરીને એક નવાં રંગરૂપ સાથે 'સબા બાગ-એ-ખજાના સોશિયલ ઍસોસિયેશન'ની મહિલાઓએ માર્કેટમાં મૂકી હતી.

આ કળાના 'કલર કૉમ્બિનેશન' અને માર્કેટમાં લોકોને ગમે તે પ્રકારની ડિઝાઇન માટે સેવાથી આ મહિલાઓને સપોર્ટ મળ્યો હતો.

line

ચદરી પ્રખ્યાત થઈ અને કમાણી કરી

મહિલાઓને મુખ્યત્વે ઇમ્બ્રૉઇડરી, ફૂડ પ્રૉસેસિંગ અને નર્સરીમાં ટ્રૅનિંગ આપવામાં આવતી હતી.

ઇમેજ સ્રોત, Sewa

ઇમેજ કૅપ્શન, મહિલાઓને મુખ્યત્વે ઍમ્બ્રૉઇડરી, ફૂડ પ્રૉસેસિંગ અને નર્સરીમાં ટ્રૅનિંગ આપવામાં આવતી હતી.

સેવાનાં ડિરેક્ટર રૂરલ, ઑર્ગેનાઇઝિંગ અને ઇકૉનૉમિક ડેવલપમૅન્ટ વિભાગનાં રીમાબહેન નાણાવટીએ બીબીસી ગુજરાતીને કહ્યું, "ચદરી ઉપરની ઍમ્બ્રૉઇડરીની કળા થકી અનેક મહિલાઓ પગભર થઈ હતી, તે પોતાનો ખર્ચ સહેલાઈથી કાઢી શકતી હતી. આ કળાને કારણે ચદરીઓ ખૂબ પ્રખ્યાત થઈ અને તેના થકી આ મહિલાઓનું કામ પણ અનેક લોકો સુધી પહોંચ્યું હતું."

તેમણે વધુમાં કહ્યું કે, "એમ તો બીજા પણ અનેક સારાં કામો છેલ્લા દોઢથી પણ વધારે દાયકામાં થયાં છે, પરંતુ ચદરીને કારણે અનેક મહિલાઓને જીવવાનો સહારો મળ્યો હતો."

નાણાવટીએ કહ્યું કે "આવી અનેક મહિલાઓ જે એકલી રહેતી હોય, જેમના પરિવારમાં કોઈ પુરુષ સભ્ય જ ન હોય અને જેમના પર આખા પરિવારની જવાબદારી હોય તેવી અનેક મહિલાઓ આ કળા સાથે જોડાઈ હતી. તેમને

પહેલાંથી જ બધું આવડતું હતું, અમારે ફક્ત તેમના માટે એક માર્ગદર્શક તરીકે જ કામ કરવાનું હતું, અને અમે તે ખૂબ જ સારી રીતે કર્યું."

ફૂડ પ્રોસેસિંગ અને સિલાઈકામ થકી અફઘાનિસ્તાનની અનેક મહિલાઓ પગભર થઈ હતી.

ચટણી, જામ, અથાણું, નાન અને બિસ્કિટ જેવી અનેક વસ્તુઓ અફઘાનિસ્તાનની મહિલાઓ વેચીને ધીરેધીરે પગભર થઈ હતી.

આ વિશ વાત કરતા સેવાનાં સિનિયર કૉ-ઑર્ડિનેટર મેઘાબેન દેસાઈ કહે છે કે, "અમે જ્યારે ત્યાં ગયા તો જોયું કે લોકો જામ, ચટણી, અથાણું વગેરે ખૂબ ખાતાં હતાં, પરંતુ આ તમામ વસ્તુઓ બીજા દેશમાં બનીને અહીં આવતી હતી."

"જોકે અફઘાનિસ્તાનમાં સારી માત્રામાં ફળ ઊગે છે, તો અમે ત્યાં ફ્રૂટ જામ અને ચટણી બનાવવાનું કામ શરૂ કરાવ્યું જે ખૂબ સારી રીતે ચાલ્યું. એવી પણ ઘણી મહિલાઓ હતી, જે માત્ર નાન અને પાણીની ચા પીને પોતાનું ગુજરાન ચલાવતી હતી, પરંતુ આ તમામ પ્રવૃત્તિઓ સાથે જોડાયા બાદ તેમને સારી આવક થવા માંડી હતી."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.