You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યૌનશોષણ કરનાર પાદરીની પીડિતા સાથેનાં લગ્નની વાત સુપ્રીમ કોર્ટે કેમ ફગાવી દીધી?
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી હિંદી માટે
એક પૂર્વ કૅથલિક પાદરી અને તેમણે આચરેલા દુષ્કર્મનાં પીડિતા વચ્ચેનાં લગ્નને સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી દીધાં છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું ચર્ચના સભ્યોની સાથેસાથે નારીવાદી ધર્મશાસ્ત્રીઓએ પણ સ્વાગત કર્યું છે.
જસ્ટિસ વિનીત સરન અને જસ્ટિસ દિનેશ માહેશ્વરીની પીઠે કેરળ કોટ્ટિયૂર દુષ્કર્મ મામલાનાં પીડિતાના પૂર્વ પાદરી રૉબિન વડક્કમચેરી સાથેનાં લગ્નની રજૂઆતની અરજી પર વિચારણા કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
પીડિતા વર્ષ 2016માં વાયનાડ જિલ્લાના ચર્ચની સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં. એ સ્કૂલમાં જ દોષિત પાદરી કામ કરતા હતા.
હવે 56 વર્ષીય પાદરી સગીરા સાથે દુષ્કર્મ અને એક બાળકના 'પિતા' બન્યાના દોષિત ઠરવા બદલ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે.
જાલંધરના બિશપ ફ્રેંકો મુલક્કલ વિરુદ્ધ અભિયાનનું નેતૃત્વ કરનારા ફાધર ઑગસ્ટીન વૉટોલીએ બીબીસી હિંદીને જણાવ્યું, "સુપ્રીમ કોર્ટે આ આદેશથી કાનૂન પર અમારો વિશ્વાસ વધ્યો છે."
"આ ચર્ચની અંદરના તમામ લોકો માટે ઝટકા સમાન છે, જેઓ વિચારે છે કે જો આ પ્રકારની કોઈ ગતિવિધિને જાહેર કરવામાં આવશે તો ચર્ચની બદનામી થશે. ખરેખર થાય છે આનાથી એકદમ ઊલટું."
હવે પીડિતા વયસ્ક છે અને તેમણે પૂર્વ પાદરી રૉબિન વડક્કુમચેરીની અરજી બાદ અદાલતમાં એક નિવેદન આપ્યું હતું.
તેમણે પોતાની મરજીથી પાદરી સાથે લગ્ન કરવાની માગ કરી હતી, જેથી બાળકના સ્કૂલના દાખલમાં પિતાનું નામ લખી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે સજાને સ્થગિત કરવાની માગણી કરી હતી, જેથી તેઓ તેમની સાથે લગ્ન કરી શકે.
નારીવાદી ધર્મશાસ્ત્રી કોચુરાની અબ્રાહમે પોતાની પહેલી પ્રતિક્રિયા આપતા બીબીસી હિંદીને જણાવ્યું, "ભગવાનનો આભાર, સુપ્રીમ કોર્ટે આને ફગાવી દીધી છે. જો આના પર વિચારણા થઈ હોત તો એક ખોટું ઉદાહરણ ઊભું થયું હોત."
મામલો સામે કેવી રીતે આવ્યો?
16 વર્ષીય પીડિતા સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ સાથે જોડાયેલી કોટ્ટિયૂર આઈજેએમ હાયર સેકન્ડરી સ્કૂલમાં ભણતાં હતાં.
તેમનો પરિવાર આ ચર્ચનો સભ્ય છે. તેઓ ચર્ચમાં ડેટા એન્ટ્રી કરવામાં પણ મદદ કરતાં હતાં. મે 2016માં ચર્ચના તત્કાલીન વિકર રૉબિન વડક્કુમચેરીએ તેમની સાથે દુષ્કર્મ કર્યું હતું.
રૉબિન વડક્કુમચેરીની ધમકીઓના કારણે યુવતીએ પોલીસને એવું કહી દીધું કે તેમના પિતાએ તેમની પર બળાત્કાર કર્યો છે. વડક્કુમચેરી વિશે કન્નૂરરમાં ચાઇલ્ડલાઇન પર આવેલા એક અજાણ્યા ફોનકૉલથી જાણવા મળ્યું હતું.
ચાઇલ્ડલાઇનના નોડલ અધિકારી અમલજિત થૉમસે બીબીસી હિંદીને જણાવ્યું, "અમને એક અજાણ્યો કૉલ આવ્યો હતો અને તેની તપાસ કરી. તપાસમાં માલૂમ પડ્યું કે યુવતીએ કહ્યું હતું કે તેમની સાથે સંબંધીએ અને બાદમાં પિતાએ બળાત્કાર કર્યો હતો."
"નિવેદનમાં કેટલીક વિસંગતતા હતી. આથી અમે પોલીસને આ અજાણ્યા કૉલ વિશે જાણકારી આપી."
થૉમસે કહ્યું કે પરિવાર ગરીબ હતો અને તેમના વડક્કુમચેરી સાથે સારા સંબંધો હતા. બાદમાં એક ડીએનએ પરીક્ષણમાં પુષ્ટિ થઈ કે બાળક તત્કાલીન વિકર રૉબિન વડક્કમચેરીનું જ હતું.
કેરળ હાઈકોર્ટે પૉક્સો (યૌન અપરાધ સામે બાળસુરક્ષાનો કાનૂન) કોર્ટના વિશેષ સત્ર ન્યાયાધીશ પી. એન. વિનોદના નિર્ણયને યથાવત્ રાખ્યો. સુપ્રીમ કોર્ટે સોમવારે કેરળ હાઈકોર્ટનો આદેશ પણ યથાવત્ રાખ્યો.
કેરળ હાઈકોર્ટના જસ્ટિસ સુનીલ થૉમસે પીડિતા સાથે લગ્ન કરવા બદલ સજાને રદ કરવાની રૉબિન વડક્કમચેરીની અરજી પર વિચારણા કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે સોમવારે કેરળ હાઈકોર્ટેનો આદેશ યથાવત્ રાખ્યો. હાઈકોર્ટેના જસ્ટિસ સુનીલ થૉમસે રૉબિન વચક્કમચેરીનાં પીડિતા સાથે લગ્ન બદલ સજાને સસ્પેન્ડ કરવાની અરજી પર વિચારણા કરવાનો ઇન્કાર કર્યો હતો.
શું સજાને સ્થગિત કરવાની જરૂર છે?
કેરળ હાઈકોર્ટનાં વકીલ સંધ્યા રાજુએ બીબીસી હિંદીને જણાવ્યું, "લગ્ન સજાના સસ્પેન્શન માટે આધાર ન હોઈ શકે. સ્કૂલમાં બાળકના દાખલામાં પિતાનું નામ લખવા માટે લગ્નની જરૂર નથી હોતી, કેમ કે ડીએનએ પરીક્ષણથી પુરવાર થઈ ગયું છે કે તે પિતા છે. એટલે એ સ્પષ્ટ છે કે દોષિતને માત્ર જેલ બહાર કાઢવાની આ એક કોશિશ છે."
જ્યારે રૉબિને આ અરજી કેરળ હાઈકોર્ટમાં દાખલ કરી હતી ત્યારે સંધ્યા રાજુએ મુંબઈની સંસ્થા મજલિસ, પુણેની સ્ત્રીવાણી, કાઉન્સિલર કવિતા અને મુંબઈના કાર્યકર્તા બ્રિનેલ ડિસૂઝા તરફથી હાઈકોર્ટમાં કેસ લડ્યો હતો.
સંધ્યા રાજુ જણાવે છે, "આ એક સ્પષ્ટ સંકેત છે કે પરિવાર પર તેના અને ચર્ચના અનુરોધને સ્વીકારવાનું દબાણ છે. આ સમગ્ર મામલે જે ધમકીઓ અપાઈ છે તે અકલ્પનીય છે."
"યુવતીને પોતાના પિતાને દોષિત ઠેરવવા માટે મજબૂર કરાઈ, બાળકને દત્તક લેવાની પણ કોશિશ કરાઈ."
બીજી તરફ ચર્ચે એ સ્પષ્ટ કરી દીધું કે આ એક વ્યક્તિગત મામલો હતો.
કેરળ કૅથલિક બિશપ કાઉન્સિલ (કેસીબીસી)ના પ્રવક્તા ફાધર જૅકબ પલાકપ્પિલ્લીએ બીબીસી હિંદીને જણાવ્યું કે ચર્ચે તેમના વિરુદ્ધ પહેલાં જ શિક્ષાત્મક કાર્યવાહી કરી છે.
ફાધર જૅકબે કહ્યું, "આ વિશુદ્ધરૂપે તેમનો વ્યક્તિગત મામલો છે, ચર્ચનો મામલો નથી. ભારતમાં કૅથલિક ચર્ચ પોતાના કોઈ પણ સભ્યનો કોઈ પણ પ્રકારનો ગુનો સ્વીકારતું નથી કે ન સમર્થન કરે છે."
"આવો ગુનો કરનારે દેશના કાનૂનનો સામનો કરવો જોઈએ. ચર્ચને આ મામલે કોઈ લેવાદેવા નથી."
નિર્ણયની ચર્ચ પર અસર
નારીવાદી ધર્મશાસ્ત્રી (ફૅમિનિસ્ટ થિયૉલૉજિસ્ટ) કોચુરાની અબ્રાહમે બીબીસી હિંદીને જણાવ્યું, "કૅથલિક ચર્ચમાંથી કોઈએ પણ આ મુદ્દે નિવેદન નથી આપ્યું, પરંતુ ચર્ચના વર્તુળમાં આના પર વિશેષ ચર્ચા થઈ રહી છે અને એવી ધારણા બની છે કે ચર્ચે લગ્નની મંજૂરીને મહત્ત્વ આપે છે."
તેમના અનુસાર, "લગ્ન કોઈ સમાધાન નથી. લગ્ન માટે વયસ્ક હોવું જરૂરી છે. ચર્ચના લોકો આ રીતે યૌનશોષણમાં સામેલ વ્યક્તિ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરે એ જરૂરી છે."
"ચર્ચને આવા પૂજારીઓની બદલીની જગ્યાએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ."
અબ્રાહમ કહે છે, "હું જે કહું છું તે તમામ ધર્મોના પૂજારીઓ પર લાગુ પડે છે. જો કાર્યવાહી ન થાય તો તેમના નેતૃત્વ પર સવાલ ઊઠે છે અને ચર્ચે તેને ઢાંકવાનું બંધ કરી દેવું જોઈએ."
બિશપ ફ્રેંકો મુલક્કલ વિરુદ્ધ અભિયાનનું નેતૃત્વ કરનારા વાલેફાધર ઑગસ્ટીનનું પણ આવું જ માનવું છે કે ‘એક વાર અપરાધ થઈ જાય તો વ્યક્તિને સજા મળવી જોઈએ.’
બિશપ ફ્રેંકો મુલક્કલ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવાના અભિયાન સમયે પણ આવું જ વલણ ધરાવતા હતા. બિશપ મુલક્કલ પર કેટલાંક વર્ષોથી એક નન સાથે દુષ્કર્મનો અભિયોગ ચાલી રહ્યો છે.
ફાધર ઑગસ્ટીને કહ્યું, "જો વ્યક્તિને દંડિત કરવામાં આવે તો ચર્ચની વિશ્વસનીયતા વધશે. જો સજા ન મળે તો સમજી લેવું કે નૈતિક પતન થઈ રહ્યું છે. આ માનવતા, ઇસા મસીહ અને ચર્ચ વિરુદ્ધ અપરાધ છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો