You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મેરી કોમ : ટોક્યો ઑલિમ્પિકમાં હારીને પણ ચાહકોનાં દિલ જીતનાર બૉક્સિંગ ચૅમ્પિયનની કહાણી
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુરુવારે બૉક્સિંગમાં એક મેડલની ભારતની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. મહિલા બૉક્સર મેરી કોમનો પ્રિ-ક્વાર્ટરમાં પરાજય થયો હતો.
મહિલાઓની ફ્લાય-વૅઇટ (48-51 કિલોગ્રામ) કૅટેગરીમાં કૉલમ્બિયાનાં ઇનગ્રિટ વૅલેન્સિયાએ તેમને 2-3થી પરાજય આપ્યો હતો. સોશિયલ મીડિયા ઉપર આના વિશે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
જોકે, મેરી કોમે સૌજન્યપૂર્વક પરાજયનો સ્વીકાર કર્યો હતો અને રિંગને સલામી આપી હતી. તેમના પરાજયથી ચાહકોમાં નિરાશાની લાગણી ફરી વળી હતી. મેરી કોમે સ્પષ્ટતા કરી છે કે તેઓ નિવૃત્ત નથી થવાના, એટલે ચાહકોની આશા જીવિત છે.
મેરી કોમે બીબીસી સાથેની વાતચીત દરમિયાન ટોક્યો ખાતે ભારત માટે મેડલ જીતવાની આશા વ્યક્ત કરી હતી.
મેરી વિ. ઇનગ્રિટ
38 વર્ષીય મેરી કોમ અને 32 વર્ષીય ઇનગ્રિટ વચ્ચે આ ત્રીજો મુકાબલો હતો, અગાઉ બે વખત મેરીનો વિજય થયો હતો, એટલે આ વખતે પણ તેમનાં પ્રદર્શન અંગે ખેલપ્રેમીઓ આશ્વસ્ત હતા.
જોકે, ઇનગ્રિટે ' GO'ની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે રિયો ઑલિમ્પિકમાં કાંસ્યપદક જીત્યો હતો. પહેલા રાઉન્ડમાં નિષ્ફળતા બાદ બીજા રાઉન્ડમાં મેરીએ જોરદાર કમબેક કર્યું હતું.
જોકે, ત્રીજા રાઉન્ડ પહોંચતાં-પહોંચતાં તેમનાં ચહેરા અને પંચમાં થાક વર્તાવા લાગ્યો હતો. તેમણે પુનરાગમનનો પ્રયાસ તો કર્યો, પરંતુ તેઓ સફળ ન થઈ શક્યાં.
અમ્પાયરના નિર્ણય ઉપર સોશિયલ મીડિયામાં સવાલ ઉઠ્યા હતા, જોકે, મેરીએ સૌજન્યપૂર્વક પરાજયનો સ્વીકાર કર્યો હતો અને રિંગને સાલમ કરીને ઑલિમ્પિકની પોતાની સફર પૂર્ણ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રવિવારે મેરીએ પોતાનાં પ્રથમ મૅચમાં ડૉમિનિકન રિપબ્લિકનાં મિગ્યુલિના હર્નાન્ડેઝ ગ્રૅસિયાને 4-1થી પરાજય આપ્યો હતો અને શાનદાર શરૂઆત કરી હતી. જોકે, તેમાં મેરીને અનુભવનો પણ લાભ મળ્યો હતો, તેમનાં હરીફ 15 વર્ષ નાનાં હતાં.
'મેરી પાસેથી શીખવા જેવું'
મેરી કોમે જે રીતે પોતાની હારનો સ્વીકાર કર્યો હતો, તેમના પ્રશંસકો સોશિયલ મીડિયામાં તેના વખાણ કરી રહ્યા છે.
ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાએ લખ્યું, "આ મેરી નબળી નથી અને તે લડાયક છે. આજે મેરી કોમ હાર્યાં છે, પરંતુ આમારાં દિલ ઉપર તેમનું શાસન યથાવત્ રહેશે. અમને તમારા ઉપર ગર્વ છે."
ઇન્ડિયન પ્રિમિયર લિગની ક્રિકેટ ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સે લખ્યું, "મેરી કોમ તમે પ્રેરણાદાયક છો. દેશને તમારી ઉપર ગર્વ છે."
વરિષ્ઠ ખેલ પત્રકાર અયાઝ મેમણે લખ્યું, "મેરી કોમનો પરાજય થયો, પરંતુ તેમના દમદાર પંચ તથા પરાજયના સૌજન્યપૂર્ણ સ્વીકારે દિલ જીતી લીધાં. તે શીખવા જેવું છે. આ તાકત તથા ચરિત્ર મહાન ખેલાડીઓની ખાસિયત હોય છે. દેશ તરીકે આપણે તેમનું ચીરકાલીન ઋણ સ્વીકાર કરવો રહ્યો. તેમણે એક મહાન વારસો મૂક્યો છે."
મેરીનું સપનું હતું કે બે ઑલિમ્પિક મેડલ જીતરનાર પ્રથમ ભારતીય બનવું જે અધૂરું રહેવા પામ્યું છે. ચાહકોના નિરાશ થવાનું એક કારણ એ પણ હતું કે મેરી 38 વર્ષના છે અને આગામી ઑલિમ્પિક સમયે તેમની ઉંમર 42 વર્ષની થઈ ગઈ હશે, ત્યારે કદાચ સ્થાન ન મેળવી શકે. જોકે તેમણે જાહેરાત કરી છે કે તેઓ નિવૃત્તિ નથી લેવાના, એટલે તેમની પાસેથી બીજા મેડલની આશા હજુ જીવંત રહેશે.
મેગ્નિફિસન્ટ મેરી
મેરીકોમ 20 વર્ષથી બૉક્સિંગ કરી રહ્યાં છે, આ દરમિયાન તેમણે અનેક રેકર્ડ પ્રસ્થાપિત કર્યાં છે તથા અનેક તોડ્યાં છે. તેઓ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયન, સંસદસભ્ય, બૉક્સિંગ અકાદમીનાં માલિક, પત્ની અને ચાર સંતાનોનાં માતા એમ અનેક ભૂમિકા ભજવે છે.
મેરી કોમનાં જીવન ઉપર ફિલ્મ તેમનાં જ નામથી ફિલ્મ બની છે, જેમાં પૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ તેમની ભૂમિકા ભજવી હતી.
વર્ષ 2001માં તેમણે પહેલી વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતી અને 2019સુધીમાં આઠ વખત આ સિદ્ધિ નોંધાવી. વર્ષ 2012ના લંડન ઑલિમ્પિક સમયે તેમને કાંસ્યપદક મળ્યું હતું.
બૉક્સિંગની રિંગમાં મેરીએ જેવી ટક્કર આપી છે, તેવી જ હિંમતથી તેમણે વાસ્તવિક જીવનની સમસ્યાઓનો સામનો કર્યો છે. વર્ષ 2011માં તેમના સાડા ત્રણ વર્ષનાં દીકરાના હૃદયનું ઑપરેશન થવાનું હતું, એવા સમયે જ તેમણે ચીન ખાતે એશિયા કપ માટે જવાનું હતું.
અંતે એવું નક્કી થયું કે તેમના પતિ ઑનલર પુત્ર સાથે રહેશે અને તેઓ એશિયા કપના મુકાબલામાં ભાગ લેશે. મેરીએ ગોલ્ડ મેડલ જિત્યો હતો.
મણિપુરમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા મેરી કોમના પરિવારજનો ઇચ્છતા ન હતા કે તેઓ બૉક્સિંગમાં જાય. નાનપણમાં મેરી કોમ ઘરકામ કરતાં, ખેતીકામ કરતાં, ભાઈ-બહેનોની સંભાળ લેતાં અને પ્રૅક્ટિસ પણ કરતાં.
1998માં ડિંકો સિંહે એશિયન રમતોત્સવમાં ગોલ્ડ મેડલ જિત્યો હતો, ત્યારથી મેરી કોમને પણ બૉક્સિંગનો ચસ્કો લાગ્યો હતો. 2000માં તેઓ સ્ટેટ ચૅમ્પિયન બન્યાં અને અખબારોમાં તસવીરો છપાઈ, ત્યારે પરિવારજનોને માલૂમ થયું કે તેઓ બૉક્સિંગ કરે છે.
મેરીના પિતાને ડર હતો કે જો ગંભીર ઈજા પહોંચશે તો સારવાર કરાવવામાં મુશ્કેલી થશે અને લગ્ન કરાવવામાં પણ મુશ્કેલી પડશે. જોકે, માતા-પિતાએ મેરીની જીદ્દ સામે હાર માનવી પડી. લગ્ન થયું તે પહેલાં તેઓ ત્રણ વખત વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતી ચૂક્યાં હતાં અને માતા પણ બન્યાં. એ અરસામાં તેમના સસરાની પણ હત્યા કરી દેવામાં આવી.
માતા બન્યાં બાદ અકઈ વર્લ્ડ ચૅમ્પિયનશિપ તથા 2012માં ઑલિમ્પિકમાં પદક મેળવ્યો. મેરી 2014માં ગ્લાસગો માટે ક્વૉલિફાય ન કરી શક્યા તથા રિયો ઑલિમ્પિકમાં પણ સ્થાન મેળવી શક્યાં ન હતાં.
'હિંદુસ્તાન ટાઇમ્સ'માં પુત્રોને લખેલા પત્રોમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેઓ બૉક્સિંગમાં કૅરિયર બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં હતાં, ત્યારે મણિપુર, બાદમાં દિલ્હી અને પછી હિસારમાં (હરિયાણા) જાતીય સતામણીનો ભોગ બન્યાં હતાં.
બીબીસી સાથે એક વખત વાતચીત દરમિયાન મેરી કોમે કહ્યું હતું, "આજની મેરી તથા 2012 પહેલાંની મેરીમાં એક તફાવત છે. યુવા મેરી એક પછી એક સતત પંચ મારતી હતી. હવે, મેરી યોગ્ય સમયની રાહ જુએ છે અને પોતાની તાકત બચાવે છે."
મેરી કોમને સંસદના ઉપલાગૃહ રાજ્યસભામાં સંસદસભ્ય તરીકે નીમવામાં આવ્યાં છે. તેઓ ટોક્યો-2020માં ભલે પદક ન જીતી શક્યા હોય, પરંતુ આ પહેલાં વર્લ્ડ ઑલિમ્પિક્સ ઍસોસિયેશને તેમનાં નામની આગળ 'OLY' વિશેષણ લગાવી તેમનું સન્માન કર્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો