સ્ટેન સ્વામી : ભારતમાં 'આતંકવાદના સૌથી વૃદ્ધ' આરોપીનું નિધન

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
(માનવાધિકાર કાર્યકર્તા ફાધર સ્ટેન સ્વામીનું પાંચ જુલાઈના દિવસે નિધન થઈ ગયું. સ્ટેન સ્વામી ભીમા કોરેગાંવ હિંસા કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. તેમનું સ્વાસ્થ્ય બગડતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ પ્રથમ વખત 2020માં બીબીસી પર પ્રકાશિત થયો હતો.)
ગત વર્ષે ઑક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહની વાત છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ની ટીમ ગત અઠવાડિયે ઝારખંડની રાજધાની રાંચીની એક વિસ્તારમાં લાલ અને સફેદ રંગની એક ઇમારતમાં પહોંચી.
અધિકારીઓએ 83 વર્ષના સામાજિક કાર્યકર્તા ફાધર સ્ટેન સ્વામીની ધરપકડ કરી હતી.
તેમનો મોબાઇલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યો હતો, તેમને બૅગ પૅક કરવા માટે કહેવામાં આવ્યું હતું.
તેમને ઍરપોર્ટ લઈ જવાયા અને ત્યાંથી મુંબઈની ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા. ત્યાર બાદ ફાધર સ્ટેન સ્વામીને 23 ઑક્ટોબર સુધી ન્યાયિક રિમાન્ડમાં મોકલી આપવામાં આવ્યા.
તેઓ ભારતમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા જેમના પર 'આતંકવાદનો આરોપ' લગાવવામાં આવ્યો હતો.

દિલ્હીના તોફાન અને ભીમા કોરેગાંવ હિંસા

ઇમેજ સ્રોત, PTI
એનઆઈએએ સ્ટેન સ્વામી પર 2018ના ભીમા કોરેગાંવ હિંસા મામલામાં સામેલ થવા અને નક્સલીઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો હતો. સાથે તેમના પર ગેરકાયદેસર ગતિવિધિ (રોકથામ) અધિનિયમ (યુએપીએ)ના ધારા હેઠળ આરોપ લગાવવામાં આવ્યો હતો.
ધરપકડના થોડા દિવસો પહેલા રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોમાં ફાધર સ્ટેન સ્વામીએ કહ્યું હતું કે, જુલાઈમાં તેમની પાંચ દિવસમાં 15 કલાક પૂછપરછ કરાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્ટેન સ્વામીએ કહ્યું કે અધિકારીઓએ કથિત રીતે કમ્પ્યુટરથી લેવામાં આવેલા દસ્તાવેજ પણ બતાવ્યા અને દાવો કર્યો કે આનાથી તેમનો સંબંધ નક્સલીઓ સાથે જોડાય છે. પરંતુ સ્ટેન સ્વામીએ નક્સલીઓ સાથે સંબંધ હોવાના વાતને ફગાવી હતી અને કહ્યું કે દસ્તાવેજ ખોટાં છે અને ચોરીથી તેમના કમ્પ્યુટરમાં નાખવામાં આવ્યા હતા.
તેમણે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે મોટી ઉંમર, આરોગ્ય સંબંધી સમસ્યાઓ અને કોરોના મહામારીને કારણે તેમના માટે મુંબઈ જવું મુશ્કેલ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે માનવીય આધાર પર આ અંગે વિચાર કરવામાં આવશે.

વિરોધને દબાવવાની કોશિશ

ઇમેજ સ્રોત, Getty Images
જૂન 2018થી અત્યાર સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં ભીમા કોરેગાંવ હિંસા મામલામાં સામેલ થવાના આરોપમાં 16 લોકોને જેલ મોકલાયા છે.
તેમાં સામાજિક કાર્યકર, વકીલ, શિક્ષાવિદ, બુદ્ધિજીવીઓ અને એક વૃદ્ધ કવિ વરવરા રાવ પણ સામેલ છે. તેમને જેલમાં રહેવા દરમિયાન કોરોના સંક્રમણ થયું હતું.
તેમને આતંકવાદવિરોધી કાયદા હેઠળ ઘણી વખત જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. કેટલાક લોકો આને વિરોધને દબાવવાના પ્રયાસ તરીકે પણ જુએ છે.
એમહર્સ્ટના યુનિવર્સિટી ઑફ મૅસાચુસેટ્સમાં પબ્લિક પૉલિસીના પ્રોફેસર સંગીતા કામત કહે છે, "આ ખૂબ ભયાવહ છે. માનવાધિકારો માટે કામ કરનારા લોકો સામે આટલી હદે દમન ભારતમાં ક્યારેય નથી થયું."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સંગીતા કામત કહે છે કે, આની સરખામણી 1975 સાથે કરી શકાય છે જ્યારે ભારતના પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ મૂળભૂત અધિકારોને ખતમ કરીને કટોકટીની જાહેરાત કરી હતી.
તેઓ કહે છે, "આ વધારે ખતરનાક છે કારણ કે આ અધોષિત કટોકટી જેવું છે."
ફાધર સ્ટેન સ્વામી છેલ્લા કેટલાય સમયથી તપાસ એજન્સીઓના નિશાના પર હતા. સ્ટેન સ્વામીએ વીડિયોમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં બે વખત તેમના ઘર પર છાપામારી થઈ જેથી કોઈ પણ રીતે તેમનો નક્સલીઓ સાથે સંબંધ સ્થાપિત કરી શકાય.
પરંતુ મૃદુભાષી અને ઓછા ચર્ચિત રહેલા આ સામાજિક કાર્યકરને ઓળખતા લોકો કહે છે કે 1991માં ઝારખંડ આવ્યા પછી તેઓ આદિવાસીઓના અધિકારો માટે કામ કરતા રહ્યા.

આદિવાસીઓ માટે સંઘર્ષ

ઇમેજ સ્રોત, NurPhoto
વર્ષ 2000 માં સ્થાનિક આદિવાસીઓના અધિકારોની રક્ષા માટે ઝારખંડનું ગઠન થયું હતું, પરંતુ આ રાજ્ય એક ત્રાસદી બની ગયું છે.
આ વિસ્તાર નક્સલી હિંસા અને વારંવાર પડતા દુષ્કાળથી પીડાતો રહે છે. અહીંની પાંચ ટકાથી વધારે વસતી દર વર્ષે અભ્યાસ કરવા અથવા રોજીરોટી કમાવવાને માટે અન્ય રાજ્યોમાં જાય છે.
ભારતનું 40 ટકા મૂલ્યવાન ખનિજ જેમકે યુરેનિયમ, અબરખ, લેડ, બૉક્સાઇટ, સોનું, ચાંદી, કોલસો અને તાંબું ઝારખંડમાં છે.

ઇમેજ સ્રોત, SOPA Images
પરંતુ આ વિસ્તારમાં થયેલો વિકાસ અસમાન છે અને અદિવાસીઓના અધિકારોની કિંમતે આ વિકાસ થયો છે. આ આદિવાસી ઝારખંડની આશરે ત્રણ કરોડ જેટલી વસતીનો ચોથો ભાગ છે.
ભારતમાં રહેતી અન્ય જનજાતિઓ અને આદિવાસીઓની જેમ આ પણ હાંસિયા પર આવેલા છે.
કેટલાક હકારાત્મક અને કલ્યાણકારી ઉપાયો છતાં તેમની પરિસ્થિતિમાં ખાસ ફેર નથી પડ્યો.
ઇતિહાસકાર રામચંદ્ર ગુહા કહે છે, " ભારતના આદિવાસી સંસાધનોને કારણે ત્રણ ગણો માર ખાઈ રહ્યા છે. તેઓ ગીચ જંગલોમાં રહે છે, જ્યાં ભારે પ્રવાહવાળી નદીઓ વહે છે અને ત્યાં લોહ અને બૉક્સાઇટની અઢળક માત્રા છે."
ફાધર સ્ટેન સ્વામીના એક સહયોગી કહે છે કે તેઓ સતત આદિવાસીઓ માટે સંઘર્ષ કરતા આવ્યા છે.
નક્સલી હોવાનું લેબલ મારી દેવામાં આવેલા 3000 મહિલા-પુરુષો જેઓ જેલમાં સડી રહ્યા છે તેમને મુક્ત કરાવવા માટે તેઓ હાઈકોર્ટ સુધી ગયા હતા.
તેઓ આદિવાસીઓને તેમના અધિકારો વિશે સજાગ કરવા માટે સુદૂર વિસ્તારોમાં ગયા હતા.
ફાધર સ્ટેન સ્વામીએ આદિવાસીઓને સમજાવ્યું કે કેવી રીતે ખાણો, બંધ અને શહેરો તેમની સહમતી વગર બનાવવામાં આવી રહ્યા છે અને તેમની જમીનો વળતર આપ્યા વગર છીનવવામાં આવી રહી છે.
તેમણે વર્ષ 2018 માં પોતાના સંસાધનો અને જમીન પર દાવો કરનારા આદિવાસીઓના વિદ્રોહ સાથે ખૂલીને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
તેમણે નિયમિત લેખો મારફતે કહ્યું હતું કે કેવી રીતે મોટી ફેકટરીઓ અને ખાણો માટે આદિવાસીઓની જમીનો છીનવી રહી છે.
આઝાદી પછી, 17 લાખથી વધારે ભારતીયો પાવર સ્ટેશનો, સિંચાઈ પરિયોજના અને કારખાનાઓ માટે પોતાની જમીનો પરથી વિસ્થાપિત થયા છે.

તબિયત સારી ન હોવા છતાં તેઓ રોકાયા નહીં

ઇમેજ સ્રોત, Getty Images
સ્થાનિક સામાજિક કાર્યકર સિરાજ દત્તા કહે છે, "પોતાની તબિયત ખરાબ હોવા છતાં ફાધર સ્ટેન સ્વામી આદિવાસીઓની મદદનો કોઈ અવસર હાથમાંથી જવા દેતા નહીં. તેમને કૅન્સર પણ થયું હતું અને તેમની ત્રણ સર્જરી થઈ હતી. તેમના હાથ ધ્રૂજતા રહેતા. તેઓ પોતાની પસંદગીની ચા પણ સ્ટ્રૉથી પીતા હતા. કેટલાક વર્ષો પહેલા તેમણે લિન્ચિંગની સામે થયેલા પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને પોતાના ધ્રૂજતા હાથેથી પોસ્ટર ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો."
ફાધર સ્ટેન સ્વામીને એક દાયકાથી વધારે સમયથી જાણતા અર્થશાસ્ત્રી અને સામાજિક કાર્યકર જ્યાં દ્રેજ તેમને એક 'સજ્જન અને ઈમાનદાર' વ્યક્તિ તરીકે ઓળખે છે, જે 'સમયના પાક્કા અને ધર્મનિરપેક્ષ અને પોતાના ઉદ્દેશ્ય પ્રત્યે સમર્પિત' હતા.
જ્યાં દ્રેજ કહે છે," બની શકે કે તેમણે માઓવાદીઓની સાથે સહયોગ અને સહાનુભૂતિ રાખનારા લોકોની મદદ કરી હોય અને ઝારખંડમાં આ કોઈ અસામાન્ય વાત નથી. પરંતુ આનાથી તેઓ માઓવાદી નથી થઈ જતા. તેમની ધરપકડ વિપક્ષને નબળો કરવાના પ્રયાસનો એક ભાગ છે."
તેમના મિત્ર કહે છે કે ફાધર સ્ટેન સ્વામીનું આવા આંદોલનો પ્રત્યે વલણ મનીલા યુનિવર્સિટીમાં થયું હતું. તેઓ પોતાના મિત્રોને કહેતા કે તેઓ ફિલિપિન્સના રાષ્ટ્રપતિ માર્કોસના ભ્રષ્ટ અને ક્રૂર શાસનને ઉખાડીને ફેકવા માટે થયેલા જનઆંદોલનમાંથી પ્રેરિત થયા હતા. ભારત આવ્યાપછી તેઓ લૅટિન અમેરિકામાં જનઆંદોલનના સંપર્કમાં રહ્યા અને તે વિશે સતત વાંચ્યા કરતા.

ખેડૂત પરિવારથી આવ્યા

ઇમેજ સ્રોત, Ravi Prakash/BBC
તામિલનાડુમાં જન્મેલા ફાધર સ્ટેન સ્વામીના પિતા ખેડૂત હતા અને માતા ગૃહિણી હતાં.
તેમણે એક દાયકાથી વધારે સમય સુધી બેંગલુરુમાં હાંસિયા પર રહેલા સમુદાયોના નેતાઓને પ્રશિક્ષણ માટે એક શાળાનું સંચાલન કર્યું.
સ્ટેન સ્વામીના મિત્ર અને કાર્યકર જેવિયર ડાયસ જણાવે છે, "તેમના માટે કોઈ પણ વસ્તુની સરખામણીમાં લોકો જ અગત્યના હતા. લોકોની સેવા કરવા માટે તેમણે ચર્ચની માન્યતાઓની પણ પરવા નહોતી કરી."
જેવિયર ડાયસ કહે છે, " તેઓ પોતાની સમસ્યાઓની પણ પરવા નહોતા કરતા. બે મહિના પહેલા તેમના ભત્રીજાનું કોવિડ-19 ને કારણે મૃત્યુ થયું. થોડા દિવસો પહેલાં કદાચ આ દુખમાં જ તેમનાં બહેન પણ ગુજરી ગયાં, તેઓ 90 વર્ષથી વધારે ઉંમરનાં હતાં. ત્યાર તેઓ કહેતાં કે આ મારું અંગત નુકસાન છે પરંતુ એક બીમારીને કારણે બહુ બધા લોકો મરી રહ્યા હોય તો આપણે આપણા અંગત નુકસાન વિશે ન વિચારવું જોઈએ."
એનઆઈએ દ્વારા તેમની ધરપકડ કરાઈ તેનાં અઠવાડિયા પહેલાં જેવિયર ડાયસના ઘર પર ડિનર કરતા પહેલા બંનેએ ભવિષ્યની ચર્ચા કરી હતી અને ધરપકડને લઈને આશંકા વ્યક્ત કરી હતી.
ત્યારે ફાધર સ્ટેન સ્વામી કહ્યું હતું, "મારી બૅગ તૈયાર છે અને હું જવા માટે તૈયાર છું. "



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












