You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચેતન કુમાર : બ્રાહ્મણવાદને પડકારનાર કન્નડ અભિનેતા સામે કેમ થઈ પોલીસ ફરિયાદ?
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બેંગ્લુરુથી બીબીસી ગુજરાતી માટે
બેંગ્લુરુ પોલીસ બ્રાહ્મણવાદ અંગેના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે કન્નડ અભિનેતા ચેતન કુમારની શુક્રવારે ફરી એક વખત પૂછપરછ હાથ ધરશે.
ચેતન કુમારના એ નિવેદન સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે, આ મુદ્દે તેમને અન્ય પછાત વર્ગોનું સમર્થન મળી રહ્યું છે, જોકે, ફિલ્મજગતની હસ્તીઓએ મૌન સાધી લીધું છે.
ચેતન અહિંસાના નામથી વિખ્યાત ચેતન કુમારનો એક વીડિયો છેલ્લા એક પખવાડિયાથી સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો છે.
ચેતન કુમારના નિવેદન સામે બ્રાહ્મણ ડેવલપમૅન્ટ બોર્ડના અધ્યક્ષ તથા અન્ય એક સંસ્થાએ ફરિયાદ દાખલ કરાવી છે. એક સામાજિક કાર્યકર્તાએ વિદેશી પ્રાદેશિક નોંધણી કાર્યાલયમાં પણ ફરિયાદ દાખલ કરાવી છે. એવી માગ કરવામાં આવી છે કે ચેતન કુમારે ઑવરસિઝ સિટીઝન ઑફ ઇન્ડિયાના કાર્ડધારક તરીકેના માપદંડોનો ભંગ કર્યો છે.
એક પોલીસ અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે બીબીસી હિંદીને જણાવ્યું, "અમે તેમને પૂછવા માટે કેટલાક સવાલ તૈયાર કર્યા હતા. જેના ચેતન કુમારે ખૂબ લાંબા-લાંબા જવાબ આપ્યા. તે રેકોર્ડ કરવા જરૂરી હતા. અમે તેમને બાકીના સવાલોના જવાબ આપવા જણાવ્યું છે."
ચેતન કુમારે આઈપીસી (ઇન્ડિયન પીનલ કોડ)ની કલમ 153-એ તથા 295-એનો ભંગ કર્યો છે કે નહીં, તે અંગે તપાસ હાથ ધરી છે. ચેતન કુમારે ધર્મ કે વંશના આધારે અલગ-અલગ સમૂહોની વચ્ચે વેરભાવ પેદા કરવા કે ધાર્મિક લાગણીઓને ઉશ્કેરવા માટે ઇરાદાપૂર્વક કે દુર્ભાવનાપૂર્વક કશું કર્યું કે નહીં, તેની તપાસ કરશે.
આ પછી તેમણે એક ટ્વિટ કર્યું, "બ્રાહ્મણવાદ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાનો અસ્વીકાર કરે છે. આપણે બ્રાહ્મણવાદને ઉખેડી ફેંકવો જોઈએ. #આંબેડકર. બધા સમાન રીતે પેદા થાય છે. આ સંજોગોમાં એમ કહેવું કે માત્ર બ્રાહ્મણ જ સર્વોચ્ચ છે તથા બાકીના અછૂત છે, જે બિલકુલ બકવાસ છે. આ મોટી છેતરપીંડી છે. #પેરિયાર."
કોરોનાનો ભોગ બનનારા પછાત વર્ગના લોકોને આર્થિક રીતે મદદ કરવા માટે અભિનેતા ઉપેન્દ્રે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચેતન કુમારનું કહેવું હતું કે એ કાર્યક્રમમાં માત્ર પુરોહિત વર્ગના લોકોને જ બોલાવવામાં આવ્યા હતા, આ માટે તેમણે ઉપેન્દ્રની ટીકા કરી હતી. ઉપેન્દ્રનું કહેવું છે કે જ્યાર સુધી જાતિઓ વિશે વાત કરતા રહીશું, ત્યાર સુધી જાતિવાદનું અસ્તિત્વ રહેશે.
બીજી બાજુ, ચેતનનું કહેવું છે કે બ્રાહ્મણવાદ જ અસમાનતા માટે જવાબદાર છે. બંને અભિનેતા વિશે આ મુદ્દે સોશિયલ મીડિયા ઉપર ચર્ચા શરૂ થઈ ગઈ હતી અને બંને અભિનેતાના સમર્થક વચ્ચે પણ ચર્ચા થવા લાગી.
ચેતનનું કહેવું છે કે તેઓ બ્રાહ્મણોની નહીં, પરંતુ બ્રાહ્મણવાદની ટીકા કરે છે, કેટલાક કન્નડ બ્રાહ્મણો પોતે પણ બ્રાહ્મણવાદનો વિરોધ કરે જ છે.
ચેતન કુમારાના નિવેદન સામે બ્રાહ્મણ ડેવલપમૅન્ટ બોર્ડ તથા વિપ્ર યુવા વેદિકાએ પોલીસમાં તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.
સામાજિત કાર્યકર્તા ગિરીશ ભારદ્વાજે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અમને ખબર ન હતી કે તેઓ અમેરિકન નાગરિક છે. તેમની પાસે ઓઆઈસી કાર્ડ છે. ઓઆઈસી કાર્ડધારક આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ ન થઈ શકે."
કોણ છે ચેતન કુમાર ?
ચેતન કુમાર 37 વર્ષના છે અને તેમનો જન્મ અમેરિકામાં થયો હતો, તેમનાં માતા-પિતા ડૉક્ટર છે.
"આ દિનાગલુ" ફિલ્મના નિર્દેશક કેએમ ચૈતન્યે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "ચેતન યેર યુનિવર્સિટીમાંથી ભણીને ભારત આવ્યા હતા. એ સમયે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે નવો ચહેરો હતા." 2007માં આવેલી આ ફિલ્મ કલ્ટ ફિલ્મ બની રહી હતી.
ચેતને બીજી કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું, પરંતુ તે ખાસ સફળ નહોતી રહી. વર્ષ 2013માં રજૂ થયેલી ફિલ્મ 'માયના'ને ભારે પ્રશંસા મળી હતી.
એ પછીની મહેશબાબુ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'અથીરથા'માં તમામ પ્રકારના મસાલા હોવા છતાં તે બોક્સઑફિસ ઉપર નિષ્ફળ રહી હતી. આના માટે ચેતન કુમારના રાજકીય વિચારોને કારણભૂત માનવામાં આવે છે.
ચેતન કુમારની ફિલ્મોમાં તેમની ભાગીદારી ઘટતી રહી અને ઍક્ટિવિસ્ટ તરીકેની તેમની છાપ મજબૂત બનવા લાગી.
નિર્દેશક તથા સ્ટોરી રાઇટર મંજુનાથ રેડ્ડી ઉર્ફ મંસોરે કહે છે, "તેઓ સમર્પિત અભિનેતા છે, પરંતુ સફળ નહીં. આજે પણ તેમની ઓળખ 'આ દિનાગલુ'ના ચેતન તરીકેની જ છે, પરંતુ હવે તેઓ સામાજિક ચળવળકર્તા તરીકે આગળ વધી રહ્યા છે. તેઓ એવા અભિનેતા તરીકે કાઠું કાઢી રહ્યા છે, જેને સામાજિક મુદ્દા પણ અસર કરે છે."
ફિલ્મજગત અને સામાજિક મુદ્દા
કન્નડ ફિલ્મજગતની હસ્તીઓ સામાન્યતઃ સામાજિક મુદ્દા ઉપર પોતાના વિચાર મુક્ત રીતે વ્યક્ત નથી કરતી. તેઓ માત્ર કાવેરી જળવિવાદ જેવા મુદ્દા ઉપર જ વિરોધ કરવા આગળ આવે છે. એ પણ એટલા માટે કે તામિલનાડુના ફિલ્મજગતના કલાકારો આવા ભાવનાત્મક મુદ્દે વિરોધ વ્યક્ત કરે છે.
આ સંજોગોમાં અભિનેતામાંથી સામાજિકકાર્યકર્તા બનેલા ચેતન કુમારે આદિવાસીઓને જંગલમાંથી હઠાવવા મુદ્દે કોડગુ જિલ્લામાં ધરણા દીધા હતા. તેમણે વિસ્થાપિત થનારાઓને વૈકલ્પિક જગ્યા અપાવવાની માગનું પણ સમર્થન કર્યું હતું.
અન્ય મુદ્દાઓની જેમ જ ચેતન કુમાર મુદ્દે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો કશું બોલવા માટે તૈયાર નથી. એકે કહ્યું, "હું આ મુદ્દે વાત કરવા નથી માગતો." બીજાએ કહ્યું, "એ છોકરા વિશે વાત કરવા માટે મારી પાસે કંઈ નથી." ત્રીજાએ કહ્યું, "આ પ્રકારના વિવાદોમાં આવીને તે પોતાની હાજરીની નોંધ લેવડાવવા માગે છે."
મંસોરે કહે છે, "અમારા ઉદ્યોગમાં લોકો વિવાદમાં પડવા નથી માગતા. કોઈપણ ઍક્ટર આદિવાસીઓને કાઢવા મુદ્દે કે MeToo અભિયાન મુદ્દે ચેતન કુમારની જેમ નહીં બોલે. MeToo મામલે શ્રુતિ હરિહરનનો સાથ આપવા બદલ જનતાએ તેમને જ વિલન બનાવી દીધા હતા."
ચેતને કોડગુમાં ધરણા દીધા ત્યારે મંસોરેને ચેતન સામાજિક કાર્યકર હોવા વિશે જાણ થઈ. મંસોરે કહે છે કે આવા મુદ્દાઓ ઉપર ચેતનની ચિંતા વાસ્તવિક હોય છે.
શ્રુતિ હરિહરને અને ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે અને તેઓ દક્ષિણ ભારતીય અભિનેત્રી છે. તેમણે MeToo અભિયાન દરમિયાન ફિલ્મજગતની વિખ્યાત હસ્તી અર્જુન સરજા વિરુદ્ધ 'અયોગ્ય' વ્યવહાર કરવાનો આરોપ મૂક્યો હતો.
એ સમયે ચેતને 'ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફૉર રાઇટ્સ ઍન્ડ ઇક્વાલિટી'ના નામે એક મંચ ઊભો કર્યો હતો, જે ફિલ્મોમાં કામ કરનારા લોકોના આર્થિક અને શારીરિક શોષણ જેવા મુદ્દા ઉપર કામ કરે છે. મંસોરે કહે છે, "ત્યારથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેમને ગંભીરતાથી લેવાનું બંધ કરી દીધું હતું."
શ્રુતિ હરિહરનના કહેવા પ્રમાણે, "ચેતન એવી વ્યક્તિ થઈ છે, જેઓ કામ કરતી વખતે તેના કારણે પ્રસિદ્ધિ મળશે કે નહીં, જેવી બાબતોની ચિંતા નથી કરતા. ફિલ્મજગતમાં જે લોકો અધિકારોથી વંચિત છે, તેમની મદદ કરવામાં માને છે. તેઓ માત્ર બોલતા નથી, કરીને દેખાડે પણ છે."
ચેતનનો બચાવ
મંસોરે તથા શ્રુતિએ બ્રાહ્મણવાદ મુદ્દે ચેતનના નિવેદનોનો બચાવ કર્યો છે. મંસોરેના કહેવા પ્રમાણે, "તેમણે બ્રાહ્મણો વિરુદ્ધ કશું નથી કહ્યું, તેમણે બ્રાહ્મણવાદી સંસ્કૃતિની વાત કરી છે, જેણે ફિલ્મજગતમાં પગપેસારો કરી લીધો છે. તેમણે માત્ર બ્રાહ્મણવાદી માનસિકતાની જ વાત કહી છે."
શ્રુતિએ સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ બ્રાહ્મણ પરિવારનાં છે, પરંતુ એવી કેટલીક ધાર્મિકપ્રથાઓ હતી, જેનું તેમણે પાલન નહોતું કર્યું. તેઓ કહે છે :
"હું ચેતનની વાત સાથે સહમત છું કે બ્રાહ્મણવાદ સમાનતાનો સ્વીકાર નથી કરતો. માસિક જેવા મુદ્દે તે ખૂબ જ પિતૃસત્તાત્મક છે. મને નથી લાગતું કે તેમણે કોઈની લાગણીઓ પર કુઠારાઘાત કર્યો છે."
રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કવિતા લંકેશના કહેવા પ્રમાણે, "તેઓ ગરમ મિજાજ ધરાવનાર યુવા છે, જેની કૂટનીતિક સમજ ઓછી છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો