24 MH 60R રોમિયો સીહૉક હેલિકૉપ્ટર : આ કારણે ગણાય છે ખતરનાક

ઇમેજ સ્રોત, Lockheed Martin
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતીય નેવીના લગભગ એક દાયકાથી વધુ સમયના ઇંતેજારનો અંત આવવા પર છે.
જૂન મહિનાના અંતભાગમાં ભારતીય નેવીને અમેરિકન નેવીના ત્રણ નવા એમએચ-60 'રોમિયો' હેલિકૉપ્ટર મળશે. જે હિંદ મહાસાગરમાં સર્વેલન્સની ક્ષમતામાં વધારો કરશે.
ભારતે અમેરિકાની સરકાર સાથે 24 હેલિકૉપ્ટરનો લગભગ રૂ. 15 હજાર કરોડમાં સોદો કર્યો છે, જેની ડિલિવરી 2025 સુધીમાં પૂર્ણ થશે.
ભારતની માગણી મુજબ હેલિકૉપ્ટરમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
હાલ વિશ્વમાં અમેરિકા, ઑસ્ટ્રેલિયા, નેધરલૅન્ડ અને સાઉદી અરેબિયાના નૌકાદળમાં 340 કરતાં વધુ રોમિયો હેલિકૉપ્ટર વપરાશમાં છે. આ હેલિકૉપ્ટરોએ કુલ 10 લાખ કરતાં વધુ કલાકની ઉડ્ડાણ ભરી છે. આ સિવાય ગ્રીસ તથા દક્ષિણ કોરિયાએ પણ આ હેલિકૉપ્ટરના ઑર્ડર આપ્યા છે.

અનેક ભૂમિકા ભજવતો 'રોમિયો'

ઇમેજ સ્રોત, Recep Sakar/Anadolu Agency/Getty Images
લોકહિડ માર્ટિન દ્વારા નિર્મિત રોમિયો એ મલ્ટીરોલ હેલિકૉપ્ટર છે, મતલબ કે તે માત્ર યુદ્ધ સમયે જ કે જાસૂસી કરવા જ નહીં, પરંતુ રાહત અને બચાવ કામગીરી ઉપરાંત માલવહનની કામગીરી પણ કરી શકે છે.
રોમિયો ઍન્ટિસબમરીન અભિયાનો દરમિયાન દુશ્મન દેશની સબમરીનને શોધીને તેને ઠેકાણે પાડવાની કામગીરી કરી શકે છે. આ સિવાય આ હેલિકૉપ્ટરની મદદથી જમીન ઉપર પણ પ્રહાર કરી શકાય છે.
આ સિવાય તે C4ISR (કમાન્ડ, કંટ્રોલ, કૉમ્યુનિકેશન, કમ્પ્યૂટર, ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ તથા રિકૉનિસન્સ) અભિયાન હાથ ધરી શકે છે. તે સર્ચ ઍન્ડ રૅસ્ક્યૂ ; કૉમ્બેટ, સર્ચ ઍન્ડ રૅસ્ક્યૂ મિશન હાથ ધરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય તબીબી કારણોસર કોઈને એકસ્થળેથી બીજાસ્થળે ખસેડવાની જરૂર ઊભી થાય, તો તે કામગીરી પણ હાથ ધરી શકે છે. આ હેલિકૉપ્ટર વિમાનવાહક જહાજ, ફ્રિગ્રેટ, ડિસ્ટ્રોયર કે ક્રૂઝર પરથી ઉડ્ડાણ ભરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
તે પાણીની નીચે રહેલી દુશ્મન દેશની સબમરીનને ઓળખી શકે છે અને તેને પડકારી શકે છે. તેની સંચારપ્રણાલી આસપાસના અન્ય વિમાનો, હેલિકૉપ્ટર કે નૌસૈનિક જહાજોને તેના વિશે ચોક્કસ બાતમી આપી શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
લોકહિડમાર્ટિનનો દાવો છે કે તેને ઉડાડવાનો ખર્ચ પ્રતિકલાક સાડા ત્રણ લાખ આસપાસ આવે છે, જે આ શ્રેણીના અન્ય હેલિકૉપ્ટરોની સરખામણીએ કિફાયતી માનવામાં આવે છે. આ સિવાય તેનું મેઇન્ટેનન્સ પણ ઓછું આવે છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.
રોમિયો આગામી 30 વર્ષ સુધી સેવા આપશે, એવું અનુમાન મૂકવામાં આવે છે. તે દરિયામાં સબમરીનને શોધવા ઉપરાંત જહાજોને ઠેકાણે પાડવાનું કામ કરી શકે છે. આ માટે તેનામાં પ્રિસિશન ગાઇડેડ મિસાઇલ, ટૉર્પિડો અને હેલફાયર મિસાઇલ જેવા હથિયારોથી સજ્જ છે.
'સીહૉક' તરીકે ઓળખાતા આ હેલિકૉપ્ટર હાલમાં ભારતીય નેવીમાં ઉપયોગમાં લેવાતા 'સીકિંગ' હેલિકૉપ્ટરોનું સ્થાન લેશે. નેવી દ્વારા ભારતમાં નિર્મિત ધ્રુવ અને રશિયાના કેયુ-28 હેલિકૉપ્ટર સહિત અલગ-અલગ કામ માટે અલગ-અલગ હેલિકૉપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે.

હેલિકૉપ્ટરના હથિયાર

ઇમેજ સ્રોત, SAM YEH/AFP via Getty Images
ભારત દ્વારા ઓર્ડર કરવામાં આવેલા રોમિયો હેલિકૉપ્ટરમાં ડાબી તથા જમણી બાજુએથી હેલફાયર ઍર-ટુ-સરફેસ મિસાઇલ અને માર્ક 54 ઍન્ટિસબમરીન ટૉર્પિડો (દરિયાના પાણીની અંદર ફાયર થઈ શકે તેવી મિસાઇલ્સ)થી સજ્જ છે.
આ સિવાય ક્રૂ મૅમ્બર ફાયર કરી શકે તે માટે માઉન્ટેડ મશીનગન પણ હોય છે.
તે વિપરીત વાતાવરણમાં ખતરનાક મિશન હાથ ધરી શકે છે. તે જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) તથા આઈએનએસ (ઇન્ટરટિયલ નૅવિગેશન સિસ્ટમ)થી સજ્જ છે.
કૉકપિટમાં 8*10 ઇંચની ચાર રંગીન ડિસ્પ્લે હોય છે, જેના દ્વારા પાઇલટ અલગ-અલગ માહિતી ઉપર નજર રાખી શકે છે.આ સિવાય તેમાં નાઇટવિઝન વ્યવસ્થા છે, જેથી કરીને તે રાત્રે પણ મિશન હાથ ધરી શકે છે. તેમાં ત્રણ મૅમ્બર હેલિકૉપ્ટર તથા અન્યત્ર રહેલાં સેન્સરનો ડેટા મોકલી આપે છે. વર્ષ 2006થી આ હેલિકૉપ્ટર અમેરિકાના નૌકાદળમાં છે.
અમેરિકાના નૌકાદળના રિયર ઍડમિરલ સીજે જૈનસે આ વિશે મત વ્યક્ત કરતા કહેલું કે, "એમચએચ-60આરની સબમરીનવિરોધી તથા હવામાંથી જમીન ઉપર પ્રહાર કરવાની ક્ષમતા ગૅમચેન્જર છે. તે સબમરીનના પક્ષે રહેલી સરસાઈને ખૂંચવી લે છે અને પોતે સરસાઈ મેળવે છે."
તેમાં 360 ડિગ્રી નજર રાખી શકાય તેવા રડાર હશે. આ સિવાય તે 'ડિપિંગ સોનાર'થી સજ્જ છે, જ્યારે કોઈ સંદિગ્ધ સબમરીનની હિલચાલ માલૂમ પડે ત્યારે હેલિકૉપ્ટર દ્વારા તેને પાણીમાં ઉતારવામાં આવે છે અને મિશન સમાપ્ત થયે, પરત મેળવી લેવામાં આવે છે.
જમીન ઉપરના મિશનમાં તે નવ હજાર 650 કિલોગ્રામના વજનનું વહન કરી શકે છે, જ્યારે 10 હજાર 680 કિલોગ્રામ વજન સાથે ટેકઑફ કરી શકે છે. તે સાડા ત્રણ કલાક સુધી હવામાં રહી શકે છે. તેમાં ફ્યૂઅલ ટૅન્ક ઉપરાંત મિશનની જરૂરિયાના આધારે બે વધુ ફ્યૂઅલ ટૅન્ક ઉમેરી શકાય છે.
ફ્યૂઅલ ટૅન્ક સૅલ્ફસિલિંગ ટેકનૉલૉજીથી સજ્જ છે. મતલબ કે તેમાંથી ઇંધણ લિક નથી થતું અને જો ગોળી કે અન્ય કોઈ કારણથી તેમાં કાણું પડે તો તે આપોઆપ સીલ થઈ જાય છે.

ભારતની વિશેષ માગણી
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
નેવલ ઍવિએશન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઍક્સપર્ટે બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું, "એમએચ-60ને કારણે ભારતની ઍન્ટિસબમરીન ક્ષમતામાં મોટો વધારો થશે. હિંદ મહાસાગરને વધુ સલામત બનાવવામાં તથા ચીનના સૈન્ય તથા અસૈન્ય જહાજોની અવરજવર ઉપર નજર રાખવામાં મદદ મળશે."
"હિંદ અને પેસેફિક મહાસાગરમાં અમેરિકાના નૌકાદળના હેલિકૉપ્ટર તથા ઑસ્ટ્રેલિયાના હેલિકૉપ્ટર પણ સમાન પ્રકારના છે, જેથી સંકલન વધુ સુગમ બનશે અને ઇન્ટરઑપરેટિબ્લિટી પણ શક્ય બનશે."
"ભારતે માગ કરી હતી કે તે આ હૅલિકૉપ્ટરને પોતાના સેટલાઇટ સાથે લિંક કરવા માગે છે. આથી તેની ઑનબોર્ડ સેટેલાઇટ કૉમ્યુનિકેશન સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યા છે."
"આ સિવાય એમએચ-60 હેલિકૉપ્ટરમાં લિંક-16 કૉમ્યુનિકેશન સિસ્ટમ હશે. જે અમેરિકાના સૈન્ય જહાજો તથા હેલિકૉપ્ટરો સાથેના સંવાદને સુગમ બનાવશે. આ સિવાય ભારતે ફ્લોટેશન સિસ્ટમમાં પણ ફેરફારની માગ કરી છે."
ફ્લોટેશન સિસ્ટમની સરખામણી ગાડીની ઍરબૅગ સાથે કરી શકાય, જેમ અકસ્માત થાય ત્યારે ગાડીની ઍરબૅગ ખુલ્લી જાય તેમ, અકસ્માત સમયે જળસપાટી ઉપર ઉતરણ કરવા માટે હેલિકૉપ્ટરના નીચેના ભાગમાં બૅગ્સ આવેલી હોય છે, જે ખુલ્લી જાય છે અને તેને તરતું રાખવામાં મદદ કરે છે.
ભારતીય નૌકાદળના પાઇલટની એક ટુકડી પહેલાં ફ્લોરિડામાં અને પછી કૅલિફૉર્નિયામાં આ હેલિકૉપ્ટરને ઉડાવવાની તાલીમ લેશે. ટેકનિકલ સ્ટાફને પણ હેલિકૉપ્ટરના સેન્સર ઑપરેટ કરવાની તથા તેને જાળવવાની તાલીમ આપવામાં આવશે. તેઓ નેવી માટે નિર્મિત હેલિકૉપ્ટર ઉપર જ હાથ અજમાવશે.
ન્યૂયૉર્કસ્થિત ભારતીય દુતાલયના મિલિટરી ઍટેચે દ્વારા આ હેલિકૉપ્ટરની ડિલિવરી સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવશે. ગત વર્ષે ભારતીય નૌકાદળ દિવસ નિમિતે કંપનીએ ઇન્ડિયન નેવી માટેના હેલિકૉપ્ટરનો પ્રથમ લૂક જાહેર કર્યો હતો.

સમયસર?

ઇમેજ સ્રોત, WWW.LOCKHEEDMARTIN.COM
2018માં એમએમ-60આર હેલિકૉપ્ટર બનાવતી સિકૉરસ્કાય કંપની સાથે 'ફોરેન મિલિટરી સેલ્સ' રૂટ મારફત સોદાની ચર્ચા થઈ હતી, પરંતુ તેમાં નક્કરપણે કામગીરી આગળ વધી ન હતી.
2020માં ભારત સરકારની સુરક્ષા અંગેની કૅબિનેટ કમિટીએ ફેબ્રુઆરી-2020માં આ સોદા ઉપર મંજૂરીની મહોર મારી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતયાત્રા દરમિયાન 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ બાદ નવી દિલ્હીમાં તેના ઉપર સહીસિક્કા થયા હતા.
કંપનીનું કહેવું છે કે કોરોનાકાળા દરમિયાન તેનો સ્ટાફ ઘરેથી કામ કરતો હતો, જ્યારે ટેકનિકલ સ્ટાફ પ્રોડક્શન ફૅસિલિટી ખાતેથી કામ કરતો હતો. આ સિવાય સપ્લાયચેઇનમાં પણ ખાસ વિક્ષેપ ઊભો થયો ન હતો, એટલે કોરોનાની કંપનીના ઉત્પાદન ઉપર બહુ થોડી અસર થઈ હતી.
કંપનીને આશા છે કે ભારતને તમામ હેલિકૉપ્ટરની સમયસર ડિલિવરી આપીને એમએચ-60ની 100 ટકા સમયસર ડિલિવરીનો રેકર્ડ જાળવી રાખી શકશે.
ભારતીય નેવીને રોમિયો ઉપરાંત લાંબાગાળાની જરૂરિયાત માટે 125 જેટલા નેવલ હેલિકૉપ્ટરની જરૂરિયાત છે. જોકે, 'મૅક ઇન ઇન્ડિયા'ના કારણે આ જરૂરિયાત કેવી રીતે પૂર્ણ થશે તે એક સવાલ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ભારતે વાયુદળ માટે અમેરિકા પાસેથી આધુનિક માલની હેરફેર માટે ચિનુક તથા અપાચે ઍટેક હેલિકૉપ્ટર ખરીદ્યાં છે. આ બંને હેલિકૉપ્ટરનું નિર્માણ બૉઇંગ દ્વારા કરવામાં આવે છે. આ સિવાય દરિયાઈ પેટ્રોલિંગ ઍરક્રાફ્ટ પણ ખરીદશે.
જાણકારોના કહેવા પ્રમાણે, આ હેલિકૉપ્ટરને દરિયાઈજહાજ માર્ગે પણ મોકલી શકાય તેમ છે, છતાં ભારતના ગ્લોબમાસ્ટર III મારફત લાવવાની શક્યતાને નકારી ન શકાય.

ચીન પર નજર

ઇમેજ સ્રોત, JIMIN LAI/AFP via Getty Images
2003માં ચીનના તત્કાલીન રાષ્ટ્રપતિ હુ જિંતાઓએ 'મલાકા ડિલેમા' શબ્દનો ઉપયોગ કર્યો હતો. હિંદ મહાસાગરમાં પ્રભુત્વ વધારવા માટેનો ચીનનો પ્રયાસ ભારત માટે ચિંતાનો વિષય છે.
મલાકાએ ઇન્ડોનેશિયા તથા મલેશિયાની વચ્ચે આવેલો સાંકડો દરિયાઈ રસ્તો છે, જે હિંદ તથા પ્રશાંત મહાસાગરને જોડે છે. ચીન તેના ઉપર કબજો કરવા માગે છે. આ માટે તે હિંદ મહાસાગરમાં સબમરીન તહેનાત કરી રહ્યું છે.
અહીંથી ચીન એશિયાઈ દેશોની ઉપર ધાક જમાવવા માગે છે અને અમેરિકાને પડકારવા માગે છે. સબમરીનવિરોધી પ્રૌદ્યોગિકીમાં ભારત અમેરિકા કરતાં 40-50 વર્ષ જેટલું પાછળ છે. ચીન આગળ છે. ભારત જો આ પ્રકારની ટેકનૉલૉજી પર કામ કરવાનું ચાલુ કરે તો પણ તેને વિકસાવવામાં તથા નૌકાદળને સોંપવામાં એક દાયકા જેટલો સમય નીકળી જાય તેમ છે.
ચીન સાથેના પ્રવર્તમાન સંબંધોને ધ્યાને લેતાં આટલો લાંબો સમય પરવડે તેમ નથી, એટલે ભારતે આ હેલિકૉપ્ટર ઉપર આધાર રાખવો રહ્યો. આ સોદો ભારત અને અમેરિકા માટે વ્યૂહાત્મક દૃષ્ટિએ પરસ્પર લાભકારક છે.
ભારત અને અમેરિકા બંને ચીનના પ્રભુત્વને ઓછું કરવા માગે છે. આ સંજોગોમાં જરૂર પડ્યે અમેરિકાની કંપની ઇન્કાર નહીં કરે. નૌકાદળની જરૂરિયાત માટે વૈશ્વિક ટૅન્ડર કાઢવાના બદલે બે દોશોની સરકાર વચ્ચે સોદ્દો કરવામાં આવ્યો છે.
જો ટૅન્ડર કાઢવામાં આવ્યું હોત તો જરૂરિયાત પરિપૂર્ણ કરતી કંપનીઓમાંથી ઓછી બોલી લગાવનારી કંપનીને કૉન્ટ્રૅક્ટ મળ્યો હોત. અમેરિકાની સ્થિતિને જોતાં ભારતે ખુદને વ્યૂહાત્મક તથા સામરિક દૃષ્ટિએ મજબૂત કરવું જોઈએ, એવું જાણકારોનું માનવું છે. દક્ષિણ ચીનના દરિયામાં ચીનના પ્રભુત્વને ઘટાડવા માટે ભારતમાં તહેનાત આ વિમાનોનો ઉપયોગ અમેરિકા પણ કરી શકે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













