You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સીબીએસઈ બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ કરાઈ, નરેન્દ્ર મોદીએ કહ્યું 'બાળકોનાં હિતમાં લેવાયો નિર્ણય' – BBC Top News
સીબીએસઈએ ધોરણ 12ની પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય માધ્યમિક બોર્ડે કહ્યું, "કોરોના વાઇરસના કારણે ફેલાયેલી અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને તમામ લોકો સાથે ચર્ચા કરીને નિર્ણય લીધો છે કે આ વર્ષે પરીક્ષાનું આયોજન નહીં થાય."
સીબીએસઈ આ બાબતે નિર્ધારિત માનદંડ પ્રમાણે નક્કી સમયગાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ નક્કી કરવા માટેના પગલાં લેશે.
આ વર્ષે પણ ગત વર્ષની જેમ, એ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા માગે છે તેમના માટે ઉપયુક્ત વિકલ્પની વ્યવસ્થા કરાશે.
આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી. જે પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સીબીએસઈ 12મા ધોરણના બાળકોના પ્રદર્શનના આધારે રિઝલ્ટ તૈયાર કરશે અને એના માટે નક્કી સમયની અંદર તેને પૂર્ણ કરી લેવામાં આવશે.
વડા પ્રધાને કહ્યું છે કે આ નિર્ણય બાળકોના હિતમાં લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કોરોના વાઇરસના કારણે ઍકેડેમિક સત્ર પર અસર પડી છે અને બોર્ડની પરીક્ષાઓને લઈને બાળકો, વાલીઓ અને શિક્ષકોની વચ્ચે બેચેનીનો માહોલ છે જેને પૂર્ણ કરવાની જરૂરિયાત હતી.
દિલ્હીના મુખ્ય મંત્રી આ નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું છે કે આનાથી મોટી રાહત મળી છે. મંગળવારે જ તેમણે કહ્યું હતું કે બાળકોને વૅક્સિન આપ્યા વીના પરીક્ષા ન લેવી જોઈએ.
કોરોના વૅક્સિન : અલગ-અલગ રસીના બે ડોઝ લેવાય? આરોગ્ય મંત્રાલયે શું કહ્યું?
એક વ્યક્તિને કોરોના વાઇરસની અલગ-અલગ રસીના બે ડોઝ અપાય કે નહીં તે અંગે આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર સંસ્થા એએનઆઈએ આરોગ્ય મંત્રાલયની પ્રેસ કૉન્ફરન્સને ટાંકીને લખ્યું હતું કે "વૅક્સિનને ભેગી કરવાનો પ્રોટોકૉલ હાલ સુધી નથી. એક જ વૅક્સિન (કોવિશિલ્ડ અથવા કોવૅક્સિન)ના બંને ડોઝ આપવા જોઈએ. એસઓપીને વળગેલા રહો."
આરોગ્ય મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે "બે અલગ અલગ રસીના ડોઝ આપવાને લઈને હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધન ચાલી રહ્યું છે. બંને વૅક્સિનના અલગ-અલગ ડોઝ આપવાથી હકારાત્મક અસર પડી શકે છે પરંતુ તેનાથી આકરી આડઅસર થવાની શક્યતાઓ પણ રહેલી છે જેને નકારી શકાય નહીં. આ વણઉકેલાયેલો વૈજ્ઞાનિક પ્રશ્ન છે. વિજ્ઞાન શોધી કાઢશે. "
હાલમાં ઉત્તર પ્રદેશમાં 20 લોકોને કોરોના વાઇરસની બે અલગ-અલગ વૅક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા.
ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં એપ્રિલમાં પહેલો ડોઝ આપતી વખતે 20 લોકોને કોવિશિલ્ડ અને મે મહિનામાં બીજા ડોઝ આપતી વખતે કોવૅક્સિન આપવામાં આવી હતી.
તે સમયે અધિકારીઓએ કહ્યું હતું કે આ તમામ લોકોને કોઈ આડઅસર થઈ નથી અને તેઓ સુરક્ષિત છે.
કોરોના વૅક્સિન લીધા બાદ એન્ટિબૉડી ન બનતા આદર પૂનાવાલા અને ICMR વડા સામે ફરિયાદ
લખનૌમાં એક વ્યક્તિએ કોવિશિલ્ડની રસી લીધા બાદ એન્ટિબૉડી ન બનતા સીરમ ઇન્સ્ટિટ્યૂટના આદર પૂનાવાલા અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના વડા બલરામ ભાર્ગવા સહિતના સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.
‘ઇન્ડિયા ટુડે’ના અહેવાલ અનુસાર લખનૌના આશિયાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ડ્રગ કંટ્રોલર, કેન્દ્ર સરકારના સંયુક્ત આરોગ્ય સચિવ લવ અગ્રવાલ, નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર અપર્ણા ઉપાધ્યાય સામે પણ ફરિયાદ થઈ છે.
પ્રતાપ ચંદ્ર નામના ફરિયાદીએ કહ્યું કે આઠમી એપ્રિલે તેમને કોવિશિલ્ડનો પહેલો ડોઝ મળ્યો હતો અને બીજો ડોઝ મૂકાવવા ગયા તો તેમને કહેવાયું કે 12 સપ્તાહ પછી બીજો ડોઝ મળશે. પછી તેમણે એન્ટિબૉડીનો રિપોર્ટ કરાવ્યો જેમાં એન્ડિબૉડી ન બની હોવાનું જાણવા મળ્યું. જેથી તેમણે ફરિયાદ કરી છે.
સરકાર દ્વારા 405 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી
ભારતમાં ત્રણ કૃષિકાયદા સામે ખેડૂતોનું વિરોધપ્રદર્શન ચાલી રહ્યું છે એવામાં સરકારે ઘઉંની વિક્રમી ખરીદી કરી છે.
સરકારે 29 મે સુધી કુલ 405 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદ્યા છે. ડાંગરમાં પણ સરકારે વિક્રમી ખરીદી કરી હતી.
વળી વર્ષ 2019-20માં સરકારે 390 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદ્યા હતા.
ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા અનુસાર સરકારે ચાલુ રવી પાક સિઝન હેઠળ ખરીદી ચાલુ રાખી છે.
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર દેશમાં પહેલી વખત ઘઉંની ખરીદીએ 400 લાખ મેટ્રિક ટનની સપાટી કૂદાવી છે.
સૌથી વધુ ઘઉં પંજાબે 132 લાખ મેટ્રિક ટનની ખરીદી કરી છે. ત્યાર પછી મધ્યપ્રદેશ અને હરિયાણાનો ક્રમ આવે છે.
હવે WHO કોરોનાના વેરિયન્ટને નવા અને સરળ નામ આપશે
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઇરસના વેરિયન્ટ્સને ગ્રીક નામકરણ સાથે નવા નામ આપ્યા છે.
‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના અહેવાલ મુજબ ભારતમાં મળેલા B.1.617.1ને કપ્પા તથા B.1.617.2ને ડેલ્ટા નામ આપવામાં આવ્યું છે.
સંસ્થાનું કહેવું છે કે લોકોની સરળ સમજ માટે આ રીતે નામ આપવામાં આવ્યા છે.
ડબ્લ્યુએચઓના વૈજ્ઞાનિક મરિન કેરખોવેએ કહ્યું કે વેરિયન્ટના સાયન્ટિફિક નામ જે તેમાં તેની ટેકનિકલ માહિતીઓ ધરાવે છે તે યથાવત રહેશે. સરળ નામો માત્ર સાધારણ વ્યક્તિની માટે રાખવામાં આવ્યા છે.
દિલ્હીમાં શરાબની હોમ ડિલિવરી
દિલ્હી સરકારે રાજધાની દિલ્હીમાં ભારતની બનાવાટ તથા વિદેશી શરાબ બંનેની હોમ ડિલિવરી માટે મંજૂરી આપી દીધી છે.
‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના અહેવાલ અનુસાર રાજ્ય સરકારે એક્સાઇઝના નિયમોમાં સુધારો કર્યો છે. જેથી હવે L-13 લાયસન્સ ધરાવતી લિકર શૉપ હોમ ડિલિવરી કરી શકશે.
ઍપ્લિકેશન અથવા વેબસાઇટથી લિકર ખરીદી કરીને હોમ ડિલિવરી મેળવી શકાશે.
કોવિડના સમયમાં શરાબની દુકાનો બહાર ભેગી થતી ભીડને નિયંત્રિત કરવા માટે સરકારે આ પગલું લીધું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો