You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડાની એક જૂની આવાસીય સ્કૂલમાં 215 બાળકોના અવશેષ મળ્યા
કૅનેડામાં મૂળનિવાસીઓને મુખ્ય ધારામાં ભેળવવાના ઉદ્દેશ્યથી સ્થાપિત કરવામાં આવેલી એક પૂર્વ રૅસિડેન્સિયલ સ્કૂલમાંથી 215 બાળકોની સામૂહિક કબર મળી આવી છે.
આ બાળકો બ્રિટિશ કોલંબિયામાં 1978માં બંધ કરવામાં આવેલી કૅમલૂપ્સ ઇન્ડિયન રેસિડેન્સિયલ સ્કૂલનાં વિદ્યાર્થીઓ હતાં.
આ અંગે ગુરુવારે ટેમલપ્સ ટી ક્વેપેમસી ફર્સ્ટ નેશન (Tk'emlups te Secwepemc First Nation)ના પ્રમુખે માહિતી આપી હતી.
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે "આ દેશના ઇતિહાસના શરમજનક અધ્યાયની દુખદ યાદ અપાવે છે. "
ફર્સ્ટ નેશન સંસ્થા આ બાળકોનાં મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયાં એ જાણવા માટે સંગ્રહાલયના નિષ્ણાતો અને પ્રશાસનિક અધિકારીઓ સાથે કામ કરી રહી છે.
બ્રિટિશ કોલંબિયામાં કૅમલૂપ્સ શહેરમાં ચીફ ઑફ કૉમ્યુનિટી રોઝેન કૅસિમિરે કહ્યું કે પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે શાળાના અધિકારીઓએ 'વિચારી ન શકાય' તેવા નુકસાન વિશે ક્યારેય દસ્તાવેજમાં નોધ્યું નહોતું.
કૅનેડામાં 19 અને 20મી સદીમાં સરકારી અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ત્યાંના મૂળનિવાસીઓનાં બાળકોને બળજબરીપૂર્વક મુખ્ય ધારામાં લાવવા માટે બૉર્ડિંગ સ્કૂલોમાં લવાતાં હતાં.
કૅમલૂપ્સ ઇન્ડિયન રૅસિડેન્સિયલ સ્કૂલ સૌથી મોટી બૉર્ડિંગ સ્કૂલ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1890માં રોમન કૅથોલિક પ્રશાસન હેઠળ શરૂ કરવામાં આવેલી આ સ્કૂલમાં 1950ના દાયકામાં 500થી વધારે વિદ્યાર્થીઓ હતા.
1969માં કૅનેડાની કેન્દ્રીય સરકારે શાળાનું સંચાલન પોતાના હસ્તક લીધું હતું અને 1978 સુધી સ્થાનિક વિદ્યાર્થીઓ માટે આ શાળાનું સંચાલન કર્યું. ત્યારબાદ આ શાળા બંધ કરી દેવામાં આવી હતી.
ફર્સ્ટ નેશન સંસ્થાએ જણાવ્યું કે "જમીનની અંદર તપાસ કરી શકે એ પ્રકારના રેડાર સર્વેથી આ કબર વિશે જાણી શકાયું હતું.
રોઝેન કૅસિમિરે કહ્યું કે આ લાપતાં બાળકો છે, જેમનાં મૃત્યુની નોંધ નહોતી કરવામાં આવી. આમાં ત્રણ વર્ષ સુધીનાં બાળકો પણ સામેલ છે."
કૅનેડામાં મૂળનિવાસીઓની બાબતોનાં મંત્રી કૅરોલિન બૅનેટે કહ્યું કે આ રૅસિડેન્સિયલ સ્કૂલો કૅનેડામાં ઉપનિવેશકાળની શરમજનક નીતિનો ભાગ હતી.
1863થી 1998 સુધી કૅનેડાનાં 1,50,000 મૂળનિવાસી બાળકોને તેમના પરિવારોથી અલગ કરીને આવી શાળાઓમાં મોકલવામાં આવતાં હતાં.
આ બાળકોને તેમની ભાષા બોલવા અને તેમની સંસ્કૃતિનું પાલન કરવાની મનાઈ હતી અને તેમની સાથે દુર્વ્યવહાર કરાતો હતો.
2008માં આ સિસ્ટમની અસરની તપાસ માટે પંચ બનાવાયું, જેમાં જાણવા મળ્યું કે મોટી સંખ્યામાં મૂળનિવાસી બાળકો તેમના પરિવાર પાસે પાછાં આવ્યાં જ નહોતાં.
2008માં કૅનેડાની સરકારે આ બાબતે માફી પણ માગી હતી.
2015માં આવેલા સંસ્મરણીય 'ટ્રૂથ ઍન્ડ રિકન્સિલિએશન રિપોર્ટ'માં આને સંસ્કૃતિક નરસંહાર ગણાવવામાં આવ્યો હતો.
એક રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી રેસિડેન્સિયલ સ્કૂલમાં મોકલવામાં આવેલાં 4,100 બાળકોની ઓળખ કરાઈ છે, જેમનું ત્યાં મૃત્યુ થયું હતું.
ગૃહમંત્રાલય : ગુજરાતમાં રહેતા પાકિસ્તાનના લઘુમતીઓ પાસેથી નાગરિકત્વ માટે આવેદન માગ્યું
ગૃહ મંત્રાલયે શુક્રવારે ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબના 13 જિલ્લામાં રહેતા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના પ્રવાસી લઘુમતીઓને ભારતની નાગરિકતા માટે આવેદન કરવા માટે કહ્યું છે.
ગૃહ મંત્રાલયે પંજાબ, હરિયાણાના ગૃહસચિવોને આ પ્રવાસીઓને ભારતીય નાગરિકત્વ આપવાનો અધિકાર આપ્યો છે. તેમજ ગુજરાત, છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ડીએમને પણ આ અધિકાર અપાયો છે.
શુક્રવારે જાહેર કરેલી અધિસૂચના નાગરિકતા કાનૂન 1955ના સેક્શન 16 હેઠળ છે, જે કેન્દ્ર સરકારને કોઈ અધિકારી કે ઑથૉરિટીને કોઈ પણ શક્તિ (સેક્શન 10 અને 18 સિવાય) સોંપવા સક્ષમ બનાવે છે.
નાગરિકતા અધિનિયમ, 1955ના સેક્શન 16 હેઠળ સરકારે તેમને નાગરિકતા આપવાનો અધિકાર આપ્યો છે. આ અધિનિયમના સેક્શન 5 હેઠળ કેન્દ્ર સરકાર ભારતની નાગરિકતા માટે નોંધણીનો આદેશ આપે છે.
તેના હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બધા બિનમુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા મળશે.
ગુજરાત કોરોનાની ત્રીજી લહેર માટે કેટલું તૈયાર? રૂપાણીએ આપ્યો જવાબ
ગાંધીનગરમાં DRDOના સહયોગથી નિર્મિત કોવિડ-19 હૉસ્પિટલથી મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, "હાલ જ્યારે બીજી લહેરમાં કોરોનાના કેસોની સંખ્યા ઘટાડા તરફ છે, ત્યારે આ હૉસ્પિટલ શરૂ કરવાની કોઈ જરૂરિયાત નથી. પરંતુ તેને તજજ્ઞોની સલાહ મુજબ ત્રીજી લહેરની તૈયારી માટે સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે."
આ સિવાય મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં તજજ્ઞોની સલાહ અને વરતારા મુજબ બીજી લહેર કરતાં પણ વધુ ગંભીર પરિસ્થિતિ માટે રાજ્ય સરકાર તૈયારી કરી રહી છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ત્રીજી લહેર સામે બાથ ભીડવા માટે સરકારી તંત્ર વ્યૂહરચના ઘડી રહ્યું છે. એ અંગે એક્શન પ્લાન તૈયાર કરી ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, "ત્રીજી લહેરમાં બીજી લહેર કરતાં વધુ કેસો આવે, વધુ દર્દીઓ આવે, બાળકોને વધુ અસર થાય એ તમામ શક્યતાઓને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારે યોગ્ય વ્યવસ્થા કરવાની દિશામાં પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે."
રૂપાણીએ જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં જે વ્યવસ્થા કરાઈ છે, તેના કરતાં પણ વધુ સઘન કાર્યવાહી ત્રીજી લહેરની શક્યતાને ધ્યાને રાખીને કરાઈ રહી છે. સરકાર કોરોનાની આગામી મુશ્કેલી માટે તૈયાર હોવાનો તેમણે દાવો કર્યો હતો.
આઈપીએલની બાકીની મૅચો હવે યુએઈમાં રમાશે
ઇન્ડિયન પ્રીમિયર લીગની બાકી રહેલી મૅચો હવે સંયુક્ત આરાબ અમીરાત (યુએઈ)માં રમાશે.
આ નિર્ણય બીસીસીઆઈની સ્પેશિયલ જનરલ મિટિંગમાં લેવામાં આવ્યો છે, જેમાં તમામ સભ્યો બાકીની મૅચો યુએઈમાં યોજવા અંગે સહમત થયા હતા.
આ પહેલાં ભારતમાં કોરોના મહામારીના સંક્રમણને જોતાં 4 મેએ આઈપીએલને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
આ દરમિયાન કેટલીય ટીમોના ખેલાડીઓ પણ કોરનાની વાઇરસના ઝપેટમાં આવી ગયા હોવાના સમાચારો આવ્યા હતા અને વિદેશી ખેલાડીઓ પણ પરત ફરી ગયા હતા.
આઈપીએલના પ્રથમ તબક્કામાં 29 મૅચ રમાઈ હતી અને હજુ 31 મૅચ બાકી છે.
રાહુલ ગાંધીનો ભાજપ પર શાબ્દિક હુમલો, "જૂઠ બંધ કરો, વૅક્સિન આપો"
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજકાલ સોશિયલ મીડિયા પર ખૂલીને નરેન્દ્ર મોદી સરકારની કોરોના મહામારીના કથિત મિસમૅનેજમૅન્ટના આરોપસર ટીકા કરી રહ્યા છે.
તેમણે શુક્રવારે માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વિટર પર ટ્વીટ કરીને મોદી સરકારની ટીકા કરી હતી.
રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, "દેશને સાથે લઈને ચાલો, વાઇરસને ફેલાતો રોકો, જૂઠ બંધ કરો, મોટા પ્રમાણમાં વૅક્સિન આપો."
રાહુલ ગાંધીએ એક વર્ચ્યુઅલ પત્રકારપરિષદ યોજીને પણ નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે સરકાર લોકોને પૂરતી સંખ્યામાં અને ઝડપથી વૅક્સિન આપવામાં નિષ્ફળ નીવડી છે.
આ સિવાય તેમણે કોરોના વૅક્સિનનો મોટો જથ્થો ભારતની બહાર નિકાસ કરવાનો પણ ભારત સરકાર પર આરોપ લગાવ્યો હતો.
નોંધનીય છે કે કૉંગ્રેસ પક્ષના ઘણા નેતા હાલ ભારત સરકારની કોરોનાને લઈને ઘડાયેલી વ્યૂહરચના પર જાહેરમાં પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.
જોકે, ભાજપ આ તમામ નિવેદનોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની છબિ ખરાબ કરવા માટેના નિરર્થક પ્રયાસો ગણાવી રહ્યો છે.
ગુરુવારે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, "રાહુલ ગાંધી દ્વારા વડા પ્રધાન દ્વારા કરાઈ રહેલા પ્રયાસોને નાટક ગણાવાઈ રહ્યા છે. જે દેશ અને તેની જનતાનું અપમાન છે."
મોદી સરકારને લીધે હવે ભારત મહાન નથી રહ્યું બદનામ થઈ ગયું છે : કમલનાથ
કૉંગ્રેસ નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કમલનાથ શુક્રવારે ફરી એક વાર પોતાના નિવેદનને લઈને વિવાદમાં સપડાયા છે.
ઇન્ડિયા ટુડે ડોટ ઇનના એક અહેવાલ અનુસાર તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, "ભારત મહાન નહીં, પરંતુ બદનામ છે."
મધ્યપ્રદેશના મલિહાર ખાતેની પોતાની મુલાકાત દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે દાવો કર્યો હતો કે ભારતની કોરોનાની પરિસ્થિતિ પર વિશ્વની નજર છે.
કમલનાથે કહ્યું કે, "કોરોનાની રોકથામમાં મોદી સરકારની નાકામીને કારણે વિદેશમાં રહેતા ભારતીયો ભેદભાવના શિકાર થઈ રહ્યા છે."
તેમણે કહ્યું કે, "આજે, ભારત મહાન નહીં, પરંતુ બદનામ છે. ભારતમાં કોરોનાની સ્થિતિ બધા જોઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રનાના લોકો ભારતીય ડ્રાઇવરો દ્વારા ચલાવાઈ રહેલી ટૅક્સીમાં બેસતાં ગભરાઈ રહ્યા છે."
આ સિવાય તેમણે કહ્યું હતું કે વિશ્વના અન્ય કોઈ દેશમાં બ્લૅક ફંગસ ચિંતાજનક બીમારી બનીને સામે નથી આવી. પરંતુ માત્ર ભારતમાં જ તેનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે કમલનાથના આ નિવેદનની ભાજપના નેતા વી. ડી. શર્માએ ટીકા કરી હતી.
તેમણે કહ્યું હતું કે કમલનાથ ભારતની બદનક્ષી કરી રહ્યા છે કારણ કે મધ્યપ્રદેશમાં સત્તા ગુમાવ્યા બાદથી તેમણે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે.
ધોરણ 12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને રસીકરણ માટે ગુજરાતની કેન્દ્ર પાસે મદદની માગ
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકાર આગામી એક જુલાઈના રોજ યોજાનાર ધોરણ 12ની પરીક્ષા આપનાર 18 વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓને કોરોનાની રસી આપવા માટે કેન્દ્ર સરકારની મદદની આશા કરી રહી છે.
અધિકારીઓના જણાવ્યાનુસાર આ વૅક્સિનેશન ડ્રાઇવમાં પરીક્ષા આપનાર દસ લાખમાંથી છ લાખ વિદ્યાર્થીઓને આવરી લેવાશે.
આ બાબતે ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, "અમે રાજ્યના તમામ જિલ્લાઓના ડેટાનો અભ્યાસ કરી પરીક્ષા આપનાર 18 વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓની માહિતી એકઠી કરી છે. પરંતુ આ વૅક્સિનેશન ડ્રાઇવમાં વૅક્સિનના સ્ટૉકની ઉપલબ્ધતા એક મોટું કારક બનશે. જે માટે અમે કેન્દ્ર સરકાર પાસેથી મદદની માગ કરી છે."
તેમણે કહ્યું કે, "રસી અપાશે કે નહીં અને રસીકરણકેન્દ્રની વિગતો સ્ટૉકની ઉપલબ્ધતા અને આરોગ્યવિભાગ સાથે મસલત કર્યા બાદ નક્કી કરાશે."
ચીનને પડકારવા માટે એકતા જરૂરી : ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન
ઑસ્ટ્રેલિયાના પૂર્વ વડા પ્રધાન કૅવિન રડે બીબીસીના એક કાર્યક્રમમાં કહ્યું કે પશ્ચિમી દેશોની સરકારોએ માનવાધિકાર જેવા મુદ્દે ચીનને પડકારતા ગભરાવું જોઈએ નહીં.
જોકે, તેમણે એવું પણ કહ્યું કે પશ્ચિમી દેશો માટે ચીનને એકલા પડકારવું ખતરનાક સાબિત થઈ શકે છે તેથી એકતા સાથે ચીનનો સામનો કરવો જોઈએ.
રડે કહ્યું, "અન્ય દેશોને ચીનના વધતી આર્થિક, રાજકીય કે ભૌગોલિક અસરને લઈને સચેત રહેવું જોઈએ"
સમગ્ર વિશ્વનના દેશો ચીનના પ્રભુત્વના કારણે ભૌગોલિક અને રાજકીય વ્યવસ્થામાં પરિવર્તનનો સામનો કરી રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો