You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદમાં રસી મૂકવા માટે ચાલુ કરાયેલું ડ્રાઇવ-થ્રુ અભિયાન શું છે અને તે કેમ વિવાદમાં છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
દેશભરમાં કોરોના વાઇરસ સામેના રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે, જોકે બીજી તરફ દેશવાસીઓની ફરિયાદ છે કે તેમને સમયસર રસી નથી મળી રહી.
પરંતુ એક તરફ જ્યાં વૅક્સિન મેળવવામાં કેટલાકને પરેશાની આવી રહી છે અને તેમના નિર્ધારિત ડોઝ તેમને સમયસર નથી મળી રહ્યા, તો બીજી તરફ ગુજરાતના અમદાવાદમાં 1000 રૂપિયાની કિંમતે લોકો કારમાં આવીને રસી મુકાવી રહ્યા છે.
આ સ્થિતિએ એક વિવાદ સર્જ્યો છે. સોશિયલ મીડિયા પર આ રીતે થઈ રહેલા રસીકરણ કાર્યક્રમ સામે નાગરિકો સવાલ કરી રહ્યા છે અને તેની મહદ્અંશે ટીકા પણ થઈ રહી છે.
અમદાવાદ મહાનગરપાલિકાની જાહેરાત અનુસાર અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં ખાસ વૅક્સિનેશન પ્રક્રિયા ચાલી રહી છે.
જેમાં વ્યક્તિ કાર લઈને જઈ શકે છે અને તેને ડ્રાઇવ-થ્રુ મોડ મારફતે 1000 રૂપિયામાં રસી આપવામાં આવી રહી છે.
અપોલો હૉસ્પિટલ સાથે ટાઇઅપ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન આ અભિયાન ચલાવી રહ્યું છે.
જોકે આ અભિયાન પીપીપી મૉડલ હેઠળ ચાલી રહ્યું છે.
જેમાં જમીન અને અન્ય વ્યવસ્થા મહાનગરપાલિકાએ કરી છે, જ્યારે રસી અપોલો કંપની આપી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વળી આ સમગ્ર અભિયાનની ખાસ વાત એ પણ છે કે તેમાં ઑનલાઇન નોંધણી નથી કરવાની. ત્યાં જઈને સ્પૉટ રજિસ્ટ્રેશન કરી શકાય છે.
જેને પગલે જીએમડીસી ગ્રાઉન્ડની બહાર કારની લાંબી કતારો જોવા મળી રહી છે. અહીં દરરોજ 1000 લોકોને રસી આપવાનું લક્ષ્ય છે.
જોકે આ કૅમ્પે રાજ્યમાં ઘણી ચર્ચા જગાવી છે. કારણ કે રસીની કિંમત, તેને આપવાની પ્રક્રિયાના નિયમો વિવાદિત બન્યા છે. એ સિવાય નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલએ આ અંગે આપેલા નિવેદનને કારણે પણ રસીકરણના આ કૅમ્પ ચર્ચામાં આવી ગયો છે.
વળી અમદાવાદમાં જ્યાં ફ્રીમાં ડ્રાઇવ-થ્રુ મારફતે રસી મળતી હતી તે કેન્દ્રો બંધ કરી દેવાયાં હોવાના પણ રિપોર્ટ છે.
નાયબ મુખ્ય મંત્રીને નથી ખબર કોની પરવાનગીથી ચાલે છે કૅમ્પ?
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે રસીકરણ કેન્દ્રની પરિસ્થિતિની સમીક્ષા અને તેની ગણતરી મુજબ જો રાજ્ય સરકારને લાગે કે ઑન-સ્પૉટ રજિસ્ટ્રેશન કરી રસી આપી શકાય છે, તો તે આ રીતે રસી આપી શકે છે.
ઑનસાઇટ રજિસ્ટ્રેશન રસીકરણ હેઠળ માત્ર 18થી 45 વર્ષની વયજૂથની વ્યક્તિઓને મળી શકે છે. જોકે તેમાં કેટલીક શરતો પણ સામેલ છે.
આ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝને પગલે મીડિયા રિપોર્ટ વહેતા થવા લાગ્યા કે હવે રાજ્યમાં પણ રસી માટે ઑનલાઇન રજિસ્ટ્રેશનની જરૂરિયાત નથી.
પરંતુ બાદમાં આરોગ્ય સચિવ જયંતી રવિએ પત્રકારપરિષદ યોજી કહ્યું કે રાજ્યમાં ઑનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત જ છે અને તે ચાલુ રહેશે. ઑન સ્પૉટ નોંધણીથી રસી નહીં મળે.
રસપ્રદ વાત એ બની કે અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ કૅમ્પ ઑન સ્પૉટ રજિસ્ટ્રેશનથી ચાલી રહ્યો છે.
આથી પહેલો સવાલ એ ઉઠ્યો કે જો રાજ્ય સરકારે આ રીતે રસી આપાવની ના પાડી છે, તો પછી ડ્રાઇવ થ્રુ કૅમ્પ ઑન સ્પૉટ રજિસ્ટ્રેશનથી રસી કેમ અપાઈ રહી છે.
દરમિયાન આરોગ્યમંત્રી નીતિન પટેલને પણ જ્યારે પત્રકારોએ સવાલ પૂછ્યો તો તેમણે જવાબ આપ્યો કે, “તેમને આ વિશે માહિતી નથી અને તેમણે કોની મંજૂરી કે સલાહથી આ અભિયાન હાથ ધર્યું તે વિશે તેમને જાણકારી નથી.”
બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનું કહેવું છે કે તેઓ કેન્દ્ર સરકારના નિયમ મુજબ જ કામગીરી કરી રહ્યા છે.
તદુપરાંત બીબીસીએ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર મુકેશ કુમાર સાથે વાતચીત કરવાની કોશિશ કરી. પરંતુ તેઓ ટિપ્પણી માટે ઉપલબ્ધ થઈ શક્યા નહોતા.
સરકારની ગાઇડલાઇન મુજબ ચાલી રહ્યું છે રસીનું વેચાણ?
આ તમામ ઘટનાઓ વચ્ચે ફરી એક વાર જયંતી રવિએ પ્રેસમાં કહ્યું કે કેન્દ્ર સરકારે આપેલી છૂટ હેઠળ આ રીતનો કૅમ્પ ચાલી રહ્યો છે.
આમ નિવેદનો અને જવાબોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે જેથી જનતા પણ આ મામલે ટીકા કરી રહી છે.
વળી બીજો સવાલ એ ઉઠ્યો કે જ્યાં એક તરફ રસીની અછત છે અને મધ્યમ વર્ગ તથા ગરીબ પ્રજાને રસીના સ્લૉટ નથી મળી રહ્યા, તેવા સમયે 1000 રૂપિયામાં આ રીતે સરળતાથી રસી મળી જાય તે કેટલું વાજબી છે?
વળી એક બાબત એ પણ સામે આવી છે કે અપોલો જે રસી આપી રહી છે તેની કિંમતમાં 150 રૂપિયા હજુ વધુ ચૂકવવા પડી રહ્યા છે.
જોકે રસી લેવા આવનારા લોકોનું કહેવું છે કે આ એક સારો પ્રયાસ છે.
જોકે વિપક્ષે આ મામલે સરકારની ટીકા કરી છે તેની નીતિ પર પ્રહાર કર્યો છે.
કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપની રૂપાણી સરકાર પર પ્રહાર કરતાં લખ્યું, “જનતા પર ભાજપનો એક વધુ પ્રહાર, વૅક્સિનનો વેપાર.”
તેમણે વધુમાં લખ્યું, “કોરોનાના કઠિન સમયમાં લોકો રસી માટે આમતેમ ભટકી રહ્યા છે અને તેમને રસી નથી મળી રહી. જ્યારે ખાનગી હૉસ્પિટલમાં 1000 રૂપિયા આપીને ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે. પહેલાં લોકોને ગુજરાતમાં ઇલાજ માટે અને પછી હવે રસી માટે લૂંટવામાં આવી રહ્યા છે.”
સોશિયલ મીડિયા પર યુઝર્સ વિવિધ ટિપ્પણીઓ કરી પોતાની વાત આ મામલે કહી રહ્યા છે.
કેટલાક રમૂજી ટિપ્પણીઓ કરી રહ્યા છે કે, ‘જ્યારથી સાહેબ આવ્યા ત્યારથી પ્રજા લાઇનોમાં જ ઊભી રહેતી થઈ ગઈ છે.’
તો એક યુઝર કહી રહ્યા છે કે, ‘જેની પાસે પૈસા છે તે બચી જશે અને જેની પાસે નથી તે નહીં બચી શકે.’
દરમિયાન સુરતમાં પણ વહીવટી તંત્ર આવો જ કૅમ્પ યોજવાનું વિચારી રહ્યું છે.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની અનુસાર સુરતમાં પણ આગામી દિવસોમાં આવો ડ્રાઇવ-થ્રુ વૅક્સિનેશન કૅમ્પ હાથ ધરવાની તૈયારી છે.
જોકે તે ક્યારે થશે અને રસીની કિંમત કેટલી રાખવામાં આવશે તે વિશે કોઈ માહિતી જાહેર નથી કરાઈ.
આ મામલે આઈએએસ બંછાનિધિ પાનીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “સુરતમાં પણ ડ્રાઇવ-થ્રુ વૅક્સિનેશન અભિયાન ચાલુ કરવાની યોજના છે. જોકે હાલ એ વિશે કોઈ નિશ્ચિત સમય નક્કી નથી કરાયો. જોકે અમારા કૅમ્પમાં રસી કૉર્પોરેશન ખુદ જ પૂરી પાડશે.”
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો