You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના અધ્યક્ષે કાશ્મીર અંગે એવું શું કહ્યું કે ભારત નારાજ થયું?
ભારતે સંયુક્ત રાષ્ટ્રની 75મી સામાન્ય સભાના અધ્યક્ષ વોલ્કાન બોઝ્કિર દ્વારા કાશ્મીર પર અપાયેલા નિવેદનની ટીકા કરી છે.
ભારતે પોતાનો વિરોધ નોંધાવતા વોલ્કાનનું નિવેદન 'અયોગ્ય' અને 'ખેદપૂર્ણ' ગણાવ્યું છે.
ગુરુવારે પાકિસ્તાનની મુલાકાત ગયેલા વોલ્કાને કહ્યું હતું કે પાકિસ્તાને વધારે જોરથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવવો જોઈએ અને તમામ પક્ષોએ આ મામલે પગલાં લેવાં જોઈએ. જેથી જમ્મુ કાશ્મીરની જે સ્થિતિ બદલી નાખવામાં આવી છે, તેને અટકાવી શકાય.
વોલ્કાન તુર્કીના પૂર્વ રાજદૂત છે અને ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેમને યુએન સામાન્ય સભાનું વડપણ મળ્યું છે. ગુરુવારે તેમણે કાશ્મીર પર આ ટિપ્પણી ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશી સાથેની એક પત્રકારપરિષદમાં કરી હતી.
વોલ્કાન પ્રથમ તુર્ક છે, જેમને સામાન્ય સભાના અધ્યક્ષ બનાવાયા છે. પોતાના પાકિસ્તાન પ્રવાસમાં તેમણે વડા પ્રધાન ઇમરાન ખાન સાથે પણ મુલાકાત કરી હતી.
ભારતનો વિરોધ
વોલ્કાન બોઝ્કિરના નિવેદન પર ભારતના વિદેશમંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, "ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને લઈને વોલ્કાન બોઝ્કિરે પોતાની પાકિસ્તાન મુલાકાતમાં જે ટિપ્પણી કરી છે, ભારત તેનો આકરો વિરોધ નોંધાવે છે."
તેમણે કહ્યું, "વોલ્કાન બોઝ્કિરનું એવું કહેવું કે પાકિસ્તાનની ફરજ છે કે તે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો વધારે જોરથી ઉઠાવે, એ ભારતને અસ્વીકાર્ય છે. જમ્મુ-કાશ્મીરની સરખામણી કોઈ પણ વૈશ્વિક સ્થિતિ સાથે કરવાનો કોઈ આધાર નથી."
બાગચીએ એવું પણ ઉમેર્યું, "જ્યારે યુએન સામાન્ય સભાના વર્તમાન અધ્યક્ષ આ પ્રકારની પૂર્વાગ્રહપૂર્ણ ટિપ્પણી કરશે તો આ સંસ્થા માટે નુકસાનકારક સાબિત થશે. આ બહુ જ ખેદજનક નિવેદન છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇસ્લામાબાદમાં પત્રકારપરિષદ દરમિયાન વોલ્કાન બોઝ્કિર અને કુરૈશીએ પેલેસ્ટાઇનવાસીઓ અને કાશ્મીરના મુદ્દાની સરખામણી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના અધ્યક્ષે કાશ્મીર અંગે એવું શું કહ્યું કે ભારત નારાજ થયું?
કાશ્મીરમાં રદ કરાઈ હતી 370 કલમ
5 ઑગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવ્યા બાદ કેન્દ્ર સરકારે રાજ્યના વિશેષ દરજ્જાને નાબૂદ કરી, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે અલગ-અલગ સંઘપ્રદેશ બનાવી દીધા હતા.
આ સાથે જમ્મુ-કાશ્મીરને વિધાનસભા સાથેના કેન્દ્રશાસિત પ્રદેશ તથા લદ્દાખને અંદમાન નિકોબાર દ્વીપસમૂહની જેમ વિધાનસભા વગરના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
ભારતીય બંધારણની કલમ 370 જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી હતી.
વર્ષ 1947માં ભારત-પાકિસ્તાનના વિભાજન વખતે જમ્મુ-કાશ્મીરના રાજા હરિસિંહ સ્વતંત્ર રહેવા માગતા હતા. બાદમાં તેમણે કેટલીક શરતો સાથે ભારતમાં વિલયની સહમતિ દર્શાવી હતી.
જે બાદ ભારતીય બંધારણમાં કલમ 370ની જોગવાઈ કરવામાં આવી હતી. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો