ગુજરાતમાં યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને મેરિટ આધારે પ્રમોશન, માર્ક્સની ગણતરી કઈ રીતે કરાશે?

ગુજરાત રાજ્યમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ બાદ હવે યુનિવર્સિટીઓમાં સ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મેરિટ આધારે પ્રમોશન આપવાની જાહેરાત કરાઈ છે.

કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિને જોતાં રાજ્ય ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નાયબ સચિવ મનોજ વાઘ દ્વારા આ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

જે અનુસાર મેડિકલ તથા પેરામેડિકલના વિદ્યાર્થીઓ સિવાયના તમામ અભ્યાસક્રમમાં બીજા, ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટના આધારે આગામી સેમેસ્ટરમાં પ્રમોશન આપવામાં આવશે.

રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ, ગ્રાન્ટ ઇન એઇડ કૉલેજો તેમજ સરકારી તથા ખાનગી કૉલેજોના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને મેરિટ આધારિત પ્રમોશન લાગુ પડશે, માત્ર મેડિકલ કે પેરામેડિકલના વિદ્યાર્થીઓને આ લાગુ નહીં પડે.

માર્ક્સની ગણતરી કઈ રીતે થશે?

કોવિડ મહામારીના કારણે પરીક્ષા યોજ્યા વગર પ્રમોશન આપવાની જાહેરાત કરાઈ છે, તો વિદ્યાર્થીઓના માર્ક્સની ગણતરી કઈ રીતે થશે?

યુનિવર્સિટી અથવા કૉલેજની આંતરિક મૂલ્યાંકન કસોટીમાં વિદ્યાર્થીને મળેલા ગુણ અને અગાઉના સેમેસ્ટર અથવા સત્રની ફાઇનલ પરીક્ષાના ગુણના આધારે વિદ્યાર્થીના ગુણ નક્કી કરવામાં આવશે.

જેમકે કોઈ વિદ્યાર્થીને આંતરિક કસોટીમાં 30માંથી 20 ગુણ મળ્યા હોય તો તેમાંથી 50 ટકા ગુણની ગણતરી કરવામાં આવશે. એટલે કે 33.33 ગુણ ગણવામાં આવશે.

એ જ પ્રમાણે તરત અગાઉના સેમેસ્ટ કે સત્રની અંતિમ પરીક્ષામાં મેળવેલા ગુણના પણ 50 ટકા ગુણ ગણવામાં આવશે.

જેમકે કોઈ વિદ્યાર્થીને કુલ ગુણ 100માંથી 70 ગુણ મળ્યા હોય તો તેના 35 ગુણ ગણવામાં આવશે.

એટલે વિદ્યાર્થીના આંતરિક કસોટીના 33.33 અને અગાઉની અંતિમ કસોટીના 35 ગુણનો સરવાળો કરતા વિદ્યાર્થી 68.33 ગુણ મળે, જેની પૂર્ણાંકમાં ગણતરી 68 ગુણ થશે.

આ ઉપરાંત જે યુનિવર્સિટીઓમાં પ્રાયોગિક પરીક્ષાઓ યોજાઈ ન હોય, તેમણે પણ આ પ્રમાણેની ગણતરી કરવાની રહેશે.

ધોરણ 10ના વિદ્યાર્થીઓને પણ પ્રમોશન

ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને ધોરણ 10 એસ.એસ.સી.ના રેગ્યુલર વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવામાં આવશે.

રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ-ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 શાળાઓ મળી કુલ 10,977 શાળાઓમાં ભણતાં ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે.

રાજ્યમાં તારીખ 10 મેથી 25 મે દરમિયાન યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને હાલમાં જ સરકારે મોકૂફ રાખી હતી.

સરકારે ધોરણ 1થી 9 અને 11મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય પહેલાં જ કર્યો હતો.

તેમજ ધોરણ-10ના રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો