ટોકિયો ઑલિમ્પિક માટે પહોંચેલ યુગાંડાની ટીમના એક સભ્ય કોરોના પૉઝિટિવ TOP NEWS

યુગાંડાની ઑલિમ્પિક ટીમના એક સભ્ય જાપાન પહોંચ્યા ત્યારે તેઓ કોરોના પૉઝિટિવ મળી આવ્યા હતા.

23 જુલાઈના રોજ જાપાનના પાટનગર ટોકિયોમાં યોજાનાર ઑલિમ્પિક માટે પહોંચી રહેલા વિભિન્ન દેશોનાં જૂથો પૈકી કોઈ વ્યક્તિ કોરોના પૉઝિટિવ આવી હોય તેવો આ પ્રથમ મામલો છે.

ઑલિમ્પિક રમતનું આયોજન પાછલા વર્ષે કોરોના વાઇરસ મહામારીના કારણે સ્થગિત કરી દેવાયું હતું. પરંતુ હાલ કોરોનાની નવી લહેર આવી હોવા છતાં તેનું આયોજન કરાઈ રહ્યું છે.

ઑલિમ્પિકનું આયોજન જાપાનના પાટનગર ટોકિયોમાં 23 જુલાઈથી 8 ઑગસ્ટ વચ્ચે થવાનું છે.

યુગાંડામાં પણ કોરોના વાઇરસની મહામારીના મામલામાં વધારો થઈ રહ્યો છે. આના કારણે શુક્રવારે અહીંની સરકારે લૉકડાઉનના નિયમો વધુ કડક બનાવી દીધા છે.

રિપોર્ટ અનુસાર કોરોના પૉઝિટિવ આવનાર શખ્સ યુગાંડાના એ નવ સભ્યોની ટીમનો એક ભાગ છે જેમણે વૅક્સિનના બંને ડોઝ લીધા હતા. આ ટીમમાં બૉક્સર, કોચ અને અધિકારી સામેલ હતા.

કોરોનાથી મૃત્યુ પામનારાઓના પરિવારને ચાર લાખનું વળતર ના આપી શકાય : કેન્દ્ર સરકાર

કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને ચાર લાખનું વળતર આપવા અંગે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીનો કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે.

'એનડીટીવી'ના એક અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોરોનાને લીધે જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર ના આપી શકાય.

સરકારનું કહેવું છે કે આપદા પ્રબંધન કાયદા અંતર્ગત અનિવાર્ય વળતર માત્ર કુદરતી હોનારતો જેવી કે ભૂકંપ, પૂર વગરે પર આપવાની જોગવાઈ છે. એક બીમારી માટે કૃપારકમ આપવી અને બીજી માટે ઇન્કાર કરવો એ અયોગ્ય ગણાશે.

સરકારનું એવું પણ કહેવું છે કે તમામ કોરોના પીડિતોને વળતર ચૂકવવું એ રાજ્યોના વાણિજ્ય સામર્થ્યની બહાર છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી યોજાઈ રહી છે.

સંબંધિત અરજીમાં કેન્દ્ર અને રાજ્યો પાસે આપદા પ્રબંધન અધિનિયમ 2005 અંતર્ગત કોરોનાના ચેપથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની કૃપારાશી આપવા વિનંતી કરાઈ છે.

અજિત ડોભાલ અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર ફરી આવશે આમને-સામને

'ધ હિંદુ' અખબારના રિપોર્ટ અનુસાર આગામી સપ્તાહે તજાકિસ્તાનમાં યોજાનારી એસસીઓ (શાંઘાઈ કૉ-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન)ની બેઠકમાં ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર ભાગ લેશે.

ભારત અને પાકિસ્તાનના અધિકારીઓએ આ અંગે પુષ્ટિ કરી છે.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈન યુસુફ આ સંમેલનમાં સામેલ થશે.

પાકિસ્તાની અખબાર 'ધ ડૉન' સાથે વાત કરતા મોઈન યુસુફે કહ્યું કે ભારત અને પાકિસ્તાનના એનએસએ વચ્ચે સીધી મુલાકાતની કોઈ સંભાવના નથી.

બન્ને દેશોના અધિકારીઓ અનુસાર આ સંમેલન દરમિયાન ભારત અને પાકિસ્તાનના સુરક્ષાસલાહકારો વચ્ચે સીધી વાર્તા નહીં યોજાય.

ગુજરાત : અમિત શાહ આવતીકાલથી બે દિવસની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહ 21 અને 22 જૂને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

પોતાની આ મુલાકાત દરમિયાન શાહ ત્રણ ફ્લાયઑવરનું ઉદ્ઘાટન કરશે અને ગાંધીનગરમાં ચાલી રહેલી કોવિડ-19 વૅક્સિન ડ્રાઇવનું પણ નિરીક્ષણ કરશે.

'ઇન્ડિયન એક્સ્પ્રેસ'ના અહેવાલ અનુસાર ભાજપે આગામી વર્ષે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી હોવાથી આ મુલાકાત મહત્ત્વની ગણવામાં આવી રહી છે.

પક્ષ દ્વારા જાહેર કરાયેલા ગૃહમંત્રીના કાર્યક્રમ અનુસાર શાહ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રસીકેન્દ્રની પણ મુલાકાત લેશે.

નોંધનીય છે કે સોમવારથી રાજ્યમાં કોરોનાની રસી માટે 18થી 44 વર્ષના લોકો માટે વૉક-ઇન રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ રહી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો