કોરોના અને રાજનીતિ : ગુજરાતમાં રાજકીય પક્ષો વિજય રૂપાણી સરકારને ઘેરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે, હૉસ્પિટલો ભરાવવા લાગી છે, દવા અને ઇન્જેક્શન ખૂટવા લાગ્યાં છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન વહેંચવામાં આવ્યાં હતાં, તો ધારાસભ્ય હર્ષ સંઘવીએ તાત્કાલિક હૉસ્પિટલ બનાવી છે, જેનો વિરોધ પક્ષે સખત વિરોધ કર્યો છે.
હવે તમામ વિરોધી પક્ષો ભેગા થઈને હૉસ્પિટલ ખોલવા માટે જગ્યા અને દવા આપવા સરકારને કહી રહ્યા છે અને જેના કારણે સરકાર પણ થોડી મૂંઝવણમાં મુકાઈ છે.
ગુજરાતમાં થોડા દિવસ પહેલાં સુરત અને નવસારીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે રેમડેસિવિર ઇન્જેક્શન વહેંચ્યાં હતાં, એ સમયે ગુજરાતનાં અન્ય શહેરોમાં કોરોનાના ઇલાજમાં વપરાતાં આ ઇન્જેક્શનની અછત હતી.
રેમડેસિવિર ઇન્જેક્શનની વહેંચણી સામે કૉંગ્રેસ અને બીજા પક્ષોએ અનેક આક્ષેપો કર્યા હતા.
કૉંગ્રેસે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે, તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે પણ સુઓમોટો પિટિશન દાખલ કરીને ગુજરાત સરકારને કડક પગલાં લેવા તાકીદ કરી છે.
તો ભાજપનું કહેવું છે કે કૉંગ્રેસ કોરોનાના સમયમાં રાજનીતિ કરી રહી છે.

કોરોનાકાળમાં વિપક્ષની 'સક્રિયતા'

ઇમેજ સ્રોત, FACEBOOK/AMITCHAVDA
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રસીકરણની પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે, છતાં કેસની સંખ્યા પણ દેશ સહિત બધી જગ્યાએ સતત વધી રહી છે.
ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું, "કૉંગ્રેસ પક્ષ પોતે લોકોની સેવા કરવા માગે છે, કોરોનાના કપરાકાળમાં કૉંગ્રેસ સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદ અને સુરતમાં હૉસ્પિટલ શરૂ કરવા માગે છે, એના માટે કૉંગ્રેસ જગ્યા અને દર્દીઓને મફત સારવાર આપવા માગે છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તેઓ વધુમાં કહે છે, "કૉંગ્રેસનો ડૉક્ટર સેલ એમાં જોડાશે અને કૉંગ્રેસના ડૉક્ટર સેલના તમામ ડૉક્ટરો જોડાશે."
"મધ્યમ અને ગરીબ લોકોની સારવાર કરશે, આના માટે સરકાર અમને રેમડેસિવિર તથા આવશ્યક દવાનો જથ્થો પૂરો પાડે, જેના પૈસા પણ કૉંગ્રેસ આપવા તૈયાર છે. જેથી સરકાર પર વધારાનું આર્થિક ભારણ પણ ના આવે."
તેઓ કહે છે, "સરકાર અમારી હૉસ્પિટલમાં અમારા ડૉક્ટર સેલના સભ્યોને પેરામેડિકલ સ્ટાફની મદદ કરે, જેથી લોકોને તકલીફ ના પડે."
અમિત ચાવડા કહે છે, "આ અંગે અમે સરકારને પત્ર લખીને જાણ કરી છે, અમે સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ."
"મંજૂરી મળતાં પહેલાં એક હેલ્પલાઇન ચાલુ કરી છે, જેમાં અમને સંખ્યાબંધ ફોન મદદ માટે આવી રહ્યા છે, સરકારને અમે આ ડેટા પણ આપવા તૈયાર છીએ, જેથી સરકારને લોકોની જરૂરિયાત સમજાય."
ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે કહે છે, "વિપક્ષ સસ્તી પબ્લિસિટી લેવા માટે આ સ્ટન્ટ કરે છે. સરકારના ધારાધોરણ પ્રમાણે એ લોકો અરજી કરે તો સરકાર એમને હૉસ્પિટલ ખોલવાની મંજૂરી આપવા તૈયાર છે."

'સરકાર હૉસ્પિટલ બનાવવાની મંજૂરી આપે'

ઇમેજ સ્રોત, Getty Images
અમિત ચાવડા વધુમાં કહે છે, "અમને તાત્કાલિક હૉસ્પિટલની મંજૂરી આપી દવાઓ પૂરી પાડે, જેથી ગરીબ લોકોને સારવાર માટે રખડવું પડે છે એમાં મદદરૂપ થઈ શકાય. અમારા તમામ ધારાસભ્યો જો સરકાર સાથ આપે તો કોરોના મહામારીના કપરા કાળમાં એમના વિસ્તારમાં અમે દવાખાનાં ખોલવાં તૈયાર છીએ."
તો ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા પણ સરકાર પાસે પહોંચી ગયા છે.
શંકરસિંહ વાઘેલાના કહેવા પ્રમાણે, એમણે પણ સરકારને પત્ર લખીને કહ્યું છે કે એમની શૈક્ષણિક સંસ્થામાં બૉય્ઝ અને ગર્લ્સ હૉસ્ટેલ ખાલી છે, જેમાં બેડ તૈયાર છે. સરકાર એમાં હૉસ્પિટલ ખોલે.
તેમણે કહ્યું કે, "જગ્યા મફત આપવાની સાથે દર્દીઓની દવાનો ખર્ચ, ઇલેક્ટ્રિકનો ખર્ચ અને એમના ભોજનનો ખર્ચ આપવા તૈયાર છીએ, જેથી ગ્રામીણ વિસ્તારમાંથી આવતા લોકોને મદદ મળી શકે."
તો ગુજરાત NCPના અધ્યક્ષ જયંત બોસ્કીએ કહ્યું, "એન.સી.પી.ના તમામ કાર્યકર્તા અત્યારે કોરોનાના દર્દીઓને ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે."
"અમે પણ જગ્યા અને દવાનો ખર્ચ આપવાની સાથે ગરીબ દર્દીઓના ભોજનનો ખર્ચ ઉઠાવવા તૈયાર છીએ, પરંતુ સરકાર અમને કોઈ વ્યવસ્થા કે મંજૂરી આપતી નથી, અમે દવાનો ખર્ચ આપવા માટે તૈયાર છીએ."
તેઓ કહે છે, "અમે એટલી હદ સુધી તૈયાર છીએ કે સરકારના ડૉક્ટર અને સ્ટાફ હૉસ્પિટલ ચલાવે, અમે દવાખાનાં માટે જગ્યા સહિતની તમામ જવાબદારી ઉઠાવવા તૈયાર છીએ."
"એન.સી.પી. દવા, ઓક્સિજન, દર્દીનાં ભોજન અને વીજળીનાં બિલ ભરવા તૈયાર છે, જેથી સરકારને કોઈ આર્થિક ભારણ ના આવે અને ગામડાં અને નાનાં શહેરોમાં કોરોનાના આવા કપરા કાળમાં લોકોની સેવા કરી શકીએ."

ઓવૈસીની AIMIM પણ મેદાને
ગુજરાતમાં હમણાં-હમણાં પગ જમાવી રહેલી અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી પણ ગુજરાતમાં કોરોનાના દર્દીઓને સારવારમાં મદદ કરવાની વાત કરે છે.
એઆઈએમઆઈએમના સચિવ હમિદ ભટ્ટીનું કહેવું છે કે ગુજરાતના કચ્છ અને મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ માટે કોઈ સુવિધા નથી.
"અમે પણ સરકાર જોડે માગણી કરી છે કે દવાના અભાવે કચ્છ અને મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કોરોના માટે દવાખાનાં શરૂ કરવા માટે તમામ સંસાધનો અમે પૂરાં પાડીશું."
તેઓ વધુમાં કહે છે, "બી.ટી.પી. સાથે મળીને અમે ગરીબ લોકોને દવા અને ભોજન તથા દવાખાનાં ખોલવાની જગ્યા આપવા તૈયાર છે, પણ સરકાર આ દિશામાં કોઈ કામ કરી રહી નથી, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારવાર મળતી નથી."

સરકારને મંજૂરી સામે કોઈ વાંધો નથી- ભાજપ

ઇમેજ સ્રોત, TWITTER/@vijayrupanibjp
વિપક્ષ દ્વારા કરાઈ રહેલી માગણીઓની વાતને ફગાવતાં ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે કહે છે, "સરકાર જો ધાર્મિક સંસ્થાઓની મદદ લઈ દવાખાનાં ખોલવાની મંજૂરી આપે તો એમને મંજૂરી આપવા સામે કોઈને કોઈ વાંધો ના હોઈ શકે, પરંતુ સરકારને ભીંસમાં લેવા માટે આવો દુષ્પ્રચાર કરી રહ્યા છે."
"જો કૉંગ્રેસ અને બીજા પક્ષને કોરોનામાં સેવા કરવી જ હતી તો એક વર્ષ પહેલાં કોરોનાનું આગમન થયું ત્યારે કેમ દવાખાનાં ના ખોલ્યાં?"
"અત્યારે દવા અને ઓક્સિજનનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે ત્યારે એમનાં દવાખાનાં ખોલવાની વાત કરીને પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેથી સરકારની કામગીરી સામે લોકોનો આક્રોશ વધે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
"જો સેવા કરવી હોય તો તમામ પક્ષના લોકો સરકારને જ્યાં જરૂર છે તે વિસ્તારમાં કેમ કામે નથી લગતા? આ પ્રકારના સવાલો ઊભા કરી ભાજપના કાર્યકરો લોકોની સેવા કરે છે એમના મનોબળ તોડવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે, પણ એમાં એ ફાવશે નહીં."
"સેવાના નામે સુવિધા નહીં મળતી હોવાનો દાવો કરી કોરોનાના કપરા કાળમાં રાજનીતિ કરવા માગે છે, જો એ લોકો સરકારના તમામ નિયમો પાળીને દવાખાનાં બનાવવા માગતા હોય તો સરકાર એમને તમામ જિલ્લામાં દવાખાનાં ખોલવાની મંજૂરી આપવા તૈયાર છે."
"ધાર્મિક સંસ્થાના વડા જો દવાખાનાં ખોલવાની મંજૂરી લઈ શકતા હોય તો વિપક્ષને પણ મળી શકે, પરંતુ એક વર્ષથી સેવા નહીં કરનાર કૉંગ્રેસ ભાજપને બદનામ કરવા આ કરી રહી છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














