મહારાષ્ટ્રમાં અનિલ દેશમુખનું રાજીનામું એ ભાજપના 'ઑપરેશન કમળ'ની શરૂઆત છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મૂકેલા આરોપો ઉપર મુંબઈ હાઈકોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે.

આને પગલે મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે અને દેશમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સંબોધીને લખેલા પત્રમાં દેશમુખે જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ બાદ 'નૈતિકતાના આધારે' તેમને પદ ઉપર રહેવું યોગ્ય નથી લાગતું. વ્યક્તિગત મુલાકાતમાં તેમણે મુખ્ય મંત્રીને રાજીનામું સ્વીકારી લેવા 'વિનંતી' કરી હતી.

ઠાકરેને મળતા પહેલાં તેમણે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર તથા પક્ષના અન્ય નેતાઓ સાથે બેઠક કરી હતી અને રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

હોમગાર્ડમાં બદલી કરાયા બાદ પરમબીરસિંહે આઠ પાનાંનો પત્ર મુખ્ય મંત્રી ઠાકરેને લખ્યો હતો, જેમાં દેશમુખની ઉપર ગંભીર આરોપ મૂક્યા હતા. બાદમાં તેમણે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

શું થયું?

અરજદાર ડૉ. જયશ્રી પાટીલના કહેવા પ્રમાણે, "ઉચ્ચ અદાલતે સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ના ડાયરેક્ટરને 15 દિવસમાં પ્રાથમિક તપાસ હાથ ધરવાના તથા પરમબીરસિંહ દ્વારા અનિલ દેશમુખ ઉપર મૂકવામાં આવેલા આરોપોમાં જો કોઈ તથ્ય જણાય તો એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવા સૂચના આપી છે."

હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે અનિલ દેશમુખ રાજ્યના ગૃહ મંત્રી છે, એટલે મહારાષ્ટ્ર પોલીસ નિષ્પક્ષ રીતે તપાસ ન કરી શકે અને સીબીઆઈ દ્વારા તપાસ કરાવવી રહી.

આ મુદ્દે પરમબીરસિંહે પણ હાઈકોર્ટમાં પીઆઈએલ (પબ્લિક ઇન્ટ્રેસ્ટ લિટિગેશન, જાહેર હિતની અરજી) દાખલ કરી હતી. જેમાં તેમણે પોતાની બદલીની પ્રક્રિયા ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

હાઈકોર્ટે આ મુદ્દે યોગ્ય સત્તાધિકારીના દ્વાર ખખડાવવા નિર્દેશ આપ્યા હતા. સામાન્ય રીતે સેન્ટ્રલ ઍપેલેટ ટ્રિબ્યુનલ (કેટ) દ્વારા અધિકારીઓની આ પ્રકારની ફરિયાદો ઉપર સુનાવણી હાથ ધરવામાં આવતી હોય છે.

આ પહેલાં હાઈકોર્ટે પરમબીરસિંહને સવાલ પૂછ્યો હતો કે "તમે આટલા ગંભીર આરોપ મૂકી રહ્યા છો, તો તમે સમયસર એફઆઈઆર કેમ દાખલ ન કરી? કોઈ પણ ફોજદારી ગુનામાં ન્યાયિક પ્રક્રિયાને શરૂ કરવાનો પ્રથમ તબક્કો એફઆઈઆરનો જ છે."

હવે શું થશે?

જો મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને યોગ્ય લાગશે તો તેઓ દેશમુખનું રાજીનામું રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મોકલી આપશે.

જ્યાર સુધી કોઈ નવી વ્યક્તિની આ પદ માટે નિમણૂક ન થાય, ત્યાર સુધી આ ખાતું મુખ્ય મંત્રીની રુએ ઠાકરે પાસે રહેશે.

એવું માનવામાં આવે છે કે આ પદ એનસીપીના ક્વોટામાંથી અન્ય કોઈ નેતાને સોંપવામાં આવશે.

મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના કહેવા પ્રમાણે, "શરદ પવારે ઘટનાની ગંભીરતાને જોતા યોગ્ય અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. સીબીઆઈની તપાસ ચાલતી હોય ત્યારે તેઓ (દેશમુખ) પદ ઉપર ન રહી શકે."

મહારાષ્ટ્રના રાજકારણને નજીકથી જોનાર લોકોના કહેવા મુજબ, પવાર તેમના ભત્રીજા અજિત સિવાય અન્ય કોઈને આ પદ આપવા ઇચ્છશે, જેથી કરીને 'સત્તાનું સંતુલન' જળવાઈ રહે.

આ દોડમાં જયંત પાટીલ, ધનંજય મુંડે, હસન મુશરીફ તથા છગન ભૂજબળના નામ ચર્ચાય રહ્યા છે.

મહારાષ્ટ્રના લઘુમતી બાબતોના મંત્રી તથા એનસીપીના પ્રવક્તા નવાબ મલિકના કહેવા પ્રમાણે, પરમબીરસિંહ દ્વારા મૂકવામાં આવેલા આરોપોમાં કોઈ તથ્ય નથી.

ઍન્ટાલિયા, અનિલ અને આરંભ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન ઍન્ટાલિયાની બહારથી વિસ્ફોટકોથી ભરેલી ગાડી મળી આવી હતી, ત્યારથી સમગ્ર વિવાદનો આરંભ થયો હતો.

વિસ્ફોટકોથી ભરેલી કારની તપાસ કેન્દ્રીય એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ હાથમાં લીધી હતી. જેમાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટના વડા એપીઆઈ (આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર) સચીન વાઝેની સંડોવણી બહાર આવી હતી.

મહારાષ્ટ્ર ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડે વિસ્ફોટકોથી ભરેલી ગાડીના મૂળ માલિક મનસુખ હિરેનની હત્યાના કેસમાં વાઝે તરફ શંકાની સોય તાકી છે.

આને પગલે તા. 17મી માર્ચે મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર પરમબીરસિંહને હઠાવીને મહારાષ્ટ્ર હોમગાર્ડના વડા બનાવી દેવામાં આવ્યા હતા. આ જાહેરાત અનિલ દેશમુખે કરી હતી.

આના ત્રણ દિવસ પછી પરમબીરસિંહે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને સંબોધીને આઠ પાનાંનો પત્ર લખ્યો હતો અને અનિલ દેશમુખની ઉપર ગંભીર પ્રકારના આરોપ મૂક્યા હતા.

ગત વર્ષે જૂન મહિનામાં પરમબીરસિંહની અધ્યક્ષતાવાળી કમિટીએ સસ્પેન્ડેડ 'ઍન્કાઉન્ટર સ્પૅશિયાલિસ્ટ' વાઝેને પદ ઉપર બહાલ કર્યા હતા. એ સમયે કોરોનાને કારણે પોલીસદળમાં ઘટ પડી રહી હોય, તેમને બહાલ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

લગભગ દોઢ દાયકા કરતાં વધુ સમય બાદ ઘાટકોપર બ્લાસ્ટ કેસમાં તપાસ દરમિયાન ખ્વાજા યુનૂસનાં મૃત્યુ મામલે સસ્પેન્ડ થયેલા વાઝેને વરદી પરત મળી હતી.

આ પહેલાં વાઝેએ શિવસેનાનું સભ્યપદ પણ લીધું હતું અને સ્થાનિક મીડિયાના લોકોનાં જણાવ્યા પ્રમાણે, તેઓ 'પાર્ટીના પ્રવક્તા' તરીકે ચર્ચામાં સામેલ થતા હતા. વિભાગમાં વાઝેના 'ગુરુ' પ્રદીપ શર્મા પણ વિધાનસભાની ચૂંટણી પૂર્વે શિવસેનામાં જોડાયા હતા.

'ગર્ભનાળ જેવો' મુદ્દો

મહારાષ્ટ્ર વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે અનિલ દેશમુખ સામે આક્રમક વલણ અપનાવ્યું હતું.

પત્રકાર મયંક ભાગવતના મતે, "મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રી બાદ જો બીજા ક્રમાંક ઉપર કોઈ મહત્ત્વપૂર્ણ વિભાગ હોય તો તે ગૃહ મંત્રાલય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી કપરી હોય તે 'કાંટાળો તાજ' બની રહે છે."

"કાયદો અને વ્યવસ્થા જનતા સાથે ગર્ભનાળની જેમ સંકળાયેલો મુદ્દો હોય છે. આથી મહારાષ્ટ્ર વિધાનસભામાં બજેટસત્ર દરમિયાન એક પણ દિવસ એવો નહોતો ગયો કે જ્યારે વિપક્ષે અનિલ દેશમુખ ઉપર નિશાન ન સાધ્યું હોય."

વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ પાસે મનસુખ હિરેન તથા વિવાદાસ્પદ પોલીસ અધિકારી સચીન વાઝેના કોલ ડિટેઇલ રેકર્ડ (સીડીઆર) હતા, એટલું જ નહીં મનસુખ હિરેન છેલ્લે ક્યાં હતા તે વિશે ફડણવીસ વિધાનસભામાં માહિતી આપતા હતા, જ્યારે અનિલ દેશમુખ સજ્જ ન હોય તેવું દેખાઈ આવ્યું હતું.

વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું, જેના નિશાન ઉપર દેશમુખ હતા. અનિલ દેશમુખે અગાઉ આટલું મોટું મંત્રાલય સંભાળ્યું ન હતું. સામાન્ય રીતે આ મંત્રાલય વરિષ્ઠ નેતાને આપવામાં આવે છે, પરંતુ પવારના ભરોસાને કારણે અનિલ દેશમુખને આ પદ મળ્યું હતું.

વાણી, કર્મ અને વિવાદ

વાઝેથી શરૂ થયેલો વિવાદ અનિલ દેશમુખ સુધી પહોંચ્યો હતો.

અનિલ દેશમુખે તેમની કારકિર્દીની શરૂઆત અપક્ષ ધારાસભ્ય તરીકે કરી હતી. તેઓ આ પહેલાંની શિવસેનાના નેતૃત્વવાળી યુતિ સરકારમાં (1995- '99) પ્રધાન બન્યા હતા. બાદમાં તેઓ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

અનિલ દેશમુખને પશ્ચિમ મહારાષ્ટ્રમાં એનસીપીના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલની નજીક માનવામાં આવે છે, એટલે પવાર પણ તેમની ઉપર ભરોસો કરે છે. દેશમુખ કોઈ પણ મોટું કામ પવારને પૂછ્યા વગર નથી કરતા એટલે અપ્રત્યક્ષ રીતે મહત્ત્વપૂર્ણ એવા ગૃહવિભાગ ઉપર પ્રભુત્વ જળવાય રહે તેમ હોવાથી પવારે તેમની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુ કેસની તપાસ મુંબઈ પોલીસ પાસેથી લઈને સીબીઆઈને સોંપી દેવામાં આવી હતી. જેને મહારાષ્ટ્ર પોલીસ માટે પીછેહઠ તરીકે જોવામાં આવી.

અવિય નાયક આત્મહત્યા કેસ તથા ટીઆરપી કેસમાં રિપબ્લિક ટીવીના ઍડિટર અર્ણવ ગોસ્વામી સામે કરવામાં આવેલી કાયદેસરની કાર્યવાહીમાં તેઓ વિભાગની 'ઇમેજ મૅનેજ' નહોતા કરી શક્યા અને કિન્નાખોરીપૂર્વક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની છાપ ઊભી થઈ હતી.

કોરોના દરમિયાન લૉકડાઉનની અમલવારી દરમિયાન અનિલ દેશમુખે કહ્યું હતું કે 'હું પોલીસને કહીશ કે તેઓ લાકડી એમ જ ન વાપરે, તેની ઉપર બરાબર તેલ લગાવે.'

ખેડૂત આંદોલન મુદ્દે આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઝે ટ્વીટ કરી હતી, જેની સામે ભારતરત્ન લત્તા મંગેશકર તથા સચીન તેંડુલકરે અપ્રત્યક્ષ રીતે કેન્દ્રની મોદી સરકારની હિમાયત કરતા ટ્વીટ કર્યા હતા. અનિલ દેશમુખે તેમનાં ટ્વીટ ઉપર સવાલ ઉઠાવ્યો હતો અને તેમાં તપાસ કરાવવાની વાત કહી હતી, જે મુદ્દે તેમની ભારે ટીકા થઈ હતી.

અનિલ દેશમુખે અમુક પોલીસ અધિકારીઓની બદલી કરી નાખી હતી, જેના કારણે ઉદ્ધવ ઠાકરે નારાજ થઈ ગયા હતા અને તેમની વચ્ચે ગતિરોધ થયો હતો.

મહારાષ્ટ્રમાં ભાજપનું ઑપરેશન કમળ શરૂ?

દેશમુખના રાજીનામા બાદ ભાજપના કેન્દ્રીય નેતાઓએ પણ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકારપરિષદ સંબોધીને ઠાકરે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રસાદે માગ કરી હતી કે આ આરોપો વિશેષ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને જે કોઈ લોકો સામેલ છે, તેમની સામે કાયદેસર રીતે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ દેશમુખ પોતાના માટે પૈસા ઉઘરાવી રહ્યા હતા, પોતાની પાર્ટી માટે કે સમગ્ર સરકાર માટે તે બહાર આવવું જોઈએ.

પ્રસાદે કહ્યું, "અમે સવાલ ઉઠાવ્યો હતો કે જો આ ટાર્ગેટ મુંબઈ માટે હતો, તો સમગ્ર રાજ્યનો ટાર્ગેટ કેટલો હતો? આ ટાર્ગેટ જો માત્ર એક મંત્રીનો હતો, તો બાકીના મંત્રીઓને કેટલો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો?"

"અમે બહુ શરૂઆતથી જ સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માગ કરી રહ્યા હતા, જે મુંબઈ પોલીસ દ્વારા શક્ય ન હતી."

રાજ્યના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે ઉપર નિશાન સાધતા પ્રસાદે કહ્યું, "મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે મૌન છે. શરદ પવારજી કહે છે કે મંત્રીઓ અંગે મુખ્ય પ્રધાન નિર્ણય લે છે. કૉંગ્રેસ તથા શિવસેનાનું કહેવું છે કે દેશમુખ (રાજીનામાં વિશે) એનસીપી નિર્ણય લેશે."

"આજે તો કમાલ જ થઈ ગઈ, શરદ પવારની મંજૂરી લીધા બાદ ઉદ્ધવ ઠાકરેને રાજીનામું સોંપવામાં આવ્યું છે. આ દેશને શું જણાવવામાં આવી રહ્યું છે?"

"અમે પણ જાણીએ છીએ કે તેમણે (દેશમુખે) શરદ પવારના જ ઇશારે રાજીનામું આપ્યું કે ન આપ્યું હોત, પણ ઉદ્ધવ ઠાકરે ક્યારે બોલશે? તેમના મૌનથી અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે."

દેશમુખના રાજીનામા બાદ ફરી એક વખત એવી અટકળો ચાલુ થઈ હતી કે શું મહારાષ્ટ્રમાં 'ઑપરેશન કમળ' હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ઠાકરે સરકારનું પતન થશે અને ફરી ભાજપની સરકાર બનશે.

ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લએ બીબીસીના સહયોગી જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું :

"દેશમુખની ઉપર ભ્રષ્ટાચારના આરોપ હતા. તેમનું રાજીનામું માગવું અમારો અધિકાર છે અને અમે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ ત્રણ પૈડાંવાળી (શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીની યુતિ સરકારના સંદર્ભમાં) સરકાર છે."

"જે પોતાના પાપોના બોજથી પડશે. આ માટે 'ઑપરેશન કમળ' હાથ ધરવાની કોઈ જરૂર નથી. આ બાબત દેવેન્દ્ર ફડણવીસ તથા રવિશંકર પ્રસાદ પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો