લૅસ્બિયન યુવતીનો આરોપ, પરિવારે બળજબરીથી પુરુષ સાથે કરાવ્યાં લગ્ન

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કમલેશ
- પદ, બીબીસી સંવાદદાતા
“સાત તારીખે એક અઠવાડિયા પહેલા મારી પર એક છોકરીનો ફોન આવ્યો. તેણે કહ્યું કે હું ઘણી પરેશાન છું અને મને અહીંથી નીકળવું છે, તો મેં પુછ્યું કે શું વાત છે, શું ઘરેલુ હિંસા થઈ છે? તેણે કહ્યું ના અને બસ રડવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું કે મદદ માટે હું ઘરેથી કોઈને બોલાવી શકું તેમ નથી.”
સામાજિક કાર્યકર્તા શબનમ હાશમીની એ વાત એ છોકરી સાથે થઈ રહી હતી જેમનું અલગ 'સૅક્શ્યુઅલ ઑરિએન્ટેશન' હોવા છતાં તેમના બળજબરીપૂર્વક લગ્ન એક છોકરા (પુરુષ) સાથે કરી દેવામાં આવ્યા હતા. યુવતીનું કહેવું હતું કે તેઓ લૅસ્બિયન છે અને છોકરા સાથે લગ્ન કરવા માગતી નથી.
યુવતીનો આરોપ છે કે તેમણે પોતાનાં લૅસ્બિયન હોવા વિશે વારંવાર ઘરમાં જણાવ્યું હતું, પરંતુ તેમનાં લગ્ન એક છોકરા સાથે કરાવી દેવામાં આવ્યા. એવામાં તેમને જબરજસ્તી પોતાના સાસરેથી ભાગીને બિન સરકારી સંસ્થા ‘અનહદ’ની મદદ લેવી પડી.
આજે આ કેસ દિલ્હી હાઇકોર્ટમાં છે અને તેઓ પોતાનાં અધિકારો અને સુરક્ષાની માગ કરી રહ્યાં છે.
કોર્ટે યુવતીની અરજીના આધારે સુરક્ષા આપતાં કહ્યું કે, એક પુખ્ત વયની યુવતીને સાસરે અથવા માતાનાં ઘરમાં રહેવા માટે ફરજ પાડી શકાય નહીં. તે જ્યાં ઇચ્છે ત્યાં રહી શકે છે.
આ કેસમાં તેમને ‘અનહદ’ તરફથી મદદ મળી અને તે હાલ દિલ્હીના જ એક બીજા એનજીઓના આશ્રયગૃહમાં રહી રહ્યાં છે.

બધુ જાણવા છતાં કરાવ્યા લગ્ન

ઇમેજ સ્રોત, Getty Images
અનહદ સાથે જોડાયેલા શબનમ હાશમી કહે છે, “મારી પાસે ફરીથી સાત તારીખે સવારે સાત વાગ્યે કોઈ બીજી છોકરીનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે તે પરેશાન છે. એ દિવસે પીડિત છોકરીનો પણ ફરીથી ફોન આવ્યો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“તેમણે કહ્યું કે છોકરીનાં જબરજસ્તી લગ્ન કરાવી દેવામાં આવ્યા છે અને તે ખૂબ જ પરેશાન છે. વાત કરીને મને લાગ્યું કે આ ખૂબ ગંભીર કેસ છે. મેં તેમને ઑફિસ બોલાવ્યા. ત્યારે આવીને મને સંપૂર્ણ કહાણી કહી.”
પીડિતાએ પોતાની અરજીમાં કહ્યું છે કે કેવી રીતે તેમની મરજીની વિરુદ્ધ લગ્ન કરાવી દેવામાં આવ્યા અને તે દોઢ વર્ષ સુધી આ ગૂંગળામણમાં જીવી રહ્યાં હતાં.
અરજી પ્રમાણે પીડિતાનાં ઑક્ટોબર-2019માં લગ્ન થયા હતા. તેમણે લગ્ન પહેલા પોતાનાં માતા-પિતાને ખુલીને કહ્યું હતું કે તે લૅસ્બિયન છે અને તેમને પુરુષોમાં રસ નથી. તેમને લગ્ન કરવા નથી.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ ઘરવાળાએ જબરજસ્તી લગ્ન કરાવી દીધા. લગ્ન પછી તે દિલ્હીના બુરાડી વિસ્તારમાં પોતાના સાસરે આવી ગયા, જ્યાં આવીને તેમણે પોતાના પતિને કહી દીધું કે તેમને પુરુષમાં કોઈ રસ નથી અને આ લગ્નમાં નથી રહી શકતા. આથી તેમની વચ્ચે શારીરિક સંબંધ ન સ્થપાયો.
અરજીમાં કહેવામાં આવ્યું કે આ જબરજસ્તી લગ્નથી તેઓ ખૂબ જ નાખુશ થયા અને ધીમે ધીમે ડિપ્રેશનમાં જવા લાગ્યા. તેમને અનેક વખત આત્મહત્યાનો પણ વિચાર આવ્યો. આનાથી પરેશાન થઈને તેમણે પોતાના પતિને તલાક આપવાની વાત કરી. પરંતુ તલાકની વાતને કોઈના કોઈ કારણે ટાળી દેવામાં આવી.
શબનમ હાશમી કહે છે કે પતિએ તલાકની ના ન પાડી પરંતુ કહ્યું કે નાની બહેનના લગ્ન સુધી રોકાઈ જાવ નહીંતર બદનામી થશે. પીડિતા રોકાઈ ગઈ કારણ કે કેટલાંક મહિનામાં લગ્ન થવાના હતા. પરંતુ, આ પછી માર્ચ 2020માં લૉકડાઉન થઈ ગયું, બહેનના લગ્ન પણ થઈ ગયા પરંતુ તલાક ન આપ્યા.

ઇલાજ કરાવવાની ધમકી

ઇમેજ સ્રોત, Getty Images
પીડિતાના પતિ ભારતીય વાયુ સેનામાં છે તો તેમનું પોસ્ટિંગ ક્યાંક બહાર હતું. પીડિતાની પોતાના દોસ્તોની સાથે વાત થતી રહેતી હતી.
અરજી પ્રમાણે સાસરીમાં તેમની પર પરણેત્તર સંબંધ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વાત તેમના પિયરવાળાઓને પણ કહેવામાં આવી. પીડિતાએ પોતાના માતા-પિતાને કહ્યું કે તે આ લગ્નથી કેટલા પરેશાન છે. તેમણે પોતાના પિતાને ‘સત્યમેવ જયતે’ સીરિઝનો એ ઍપિસોડ પણ મોકલ્યો જે એલજીબીટી સમુદાયની સમસ્યાઓ પર આધારિત હતો.
પરંતુ તેમના માતા-પિતા ન માન્યા અને કહ્યું કે પરત લાવશે તો સમાજમાં બદનામી થશે. સાથે જ કહ્યું કે તેમનું સેક્શ્યુઅલ ઑરિએન્ટેશન એક બીમારી છે જેનો ઇલાજ કરાવવામાં આવશે. આ પછી પીડિતા સંપૂર્ણ રીતે ડરી ગઈ.
શબનમ હાશમી કહે છે, “જ્યારે પીડિતા મારી પાસે આવી તો ખૂબ જ ડરેલી હતી. તેને કાંઈ સમજમાં આવી રહ્યું ન હતું. પોતાના માતા-પિતાની વાતથી તેમને લાગ્યું હતું કે હવે તેઓ આવીને લઈ જશે અને ફોન પણ લઈ લેશે. તેમની પાસે ત્યાંથી નીકળવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. ત્યારે તેમણે મને ફોન કર્યો.”

લૅસ્બિયન યુવતી

ઇમેજ સ્રોત, Getty Images
પીડિતાને સમજાવ્યા અને પોલીસની પાસે ફરિયાદ નોંધાવ્યા પછી તેમની માનસિક સ્થિતિ સારી થઈ અને હવે તે શેલ્ટર હોમમાં રહી રહ્યાં છે.
શબનમ હાશમીએ કહ્યું કે નવ તારીખે તેમણે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરીને પીડિતાના અધિકારોની સુરક્ષાની માગણી કરી.
પરંતુ આ બધાની વચ્ચે શબનમ હાશમીને ધમકીઓ પણ મળી. તેઓ કહે છે કે મારી પર રાત્રે ફોન આવવાના શરૂ થઈ ગયા. પરિવારના લોકો શેલ્ટર હોમમાં પણ પહોંચી ગયા જ્યાં છોકરીને રાખવામાં આવી હતી. તે છોકરીની પરત આપવા માટે માગ કરી રહ્યા હતા.”

શું કહે છે પરિવાર?

ઇમેજ સ્રોત, Getty Images
આ મામલે અમે પીડિતાના પિતા ભરત સિંહ સાથે વાત કરી. તેમનું કહેવું છે કે તેમને પોતાની દીકરી લૅસ્બિયન હોવા અંગે કોઈ જાણકારી ન હતી.
તેમણે કહ્યું, “દીકરીએ અમને ક્યારેય આ અંગે કહ્યું ન હતું બાકી અમે તેના લગ્ન કરતા જ નહીં. તેના સાસરીમાં શું ચાલી રહ્યું છે તે અંગે પણ તેણે અમને કહ્યું નહીં. જ્યારે તેમણે કહ્યું કે દીકરી સાસરેથી જતી રહી તો અમે ત્યાં પહોંચ્યા. અમે બસ કહ્યું કે બેટીને મળવા દો. જો મળવા નથી માગતી તો તેને દેખાડી દો.”
ભરતસિંહ કહે છે કે તેમનો પરિવાર કોર્ટમાં નહીં જાય. દીકરી જ્યાં ઇચ્છે ત્યાં રહી શકે છે. ઘર આવવા ઇચ્છે તો ઘરે પણ આવી શકે છે.
જોકે, પીડિતાના વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે તેમણે અને કોર્ટમાં ન્યાયાધીશે પીડિતા સાથે ખુદ વાત કરી છે અને પુછ્યું છે કે તે ક્યાં રહેવા માગે છે. પીડિતાનું કહેવું છે કે હાલ તો તે પોતાનાં પરિવારને મળવા માગતી નથી કારણ કે તેને ખતરો છે. પછી શું કરવું છે આગળ જોઈશું.
વૃંદા ગ્રોવર કહે છે, “હાઇકોર્ટમાં અમે એટલા માટે આ કેસ નાખ્યો કારણ કે માતા-પિતાને જ્યારે ખબર પડી કે તે ઘરમાંથી નીકળી છે, તેની શોધખોળ શરૂ થઈ ગઈ. તેને એ ડર હતો કે તેના માતા-પિતા તેને જબરજસ્તી સાસરે મોકલી દેશે અથવા પંડિત અને ડૉક્ટરને દેખાડશે. કોર્ટે એકદમ રાહત આપી.”
“કોર્ટે કહ્યું કે એક પુખ્ત મહિલાને જબરજસ્તી કોઈપણ સંબંધમાં રાખી શકાતી નથી. જો તેનું સેક્સ્યુઅલ ઑરિએન્ટેશન અલગ છે તો તેની સાથે આ પ્રકારની જબરજસ્તી કરી શકાતી નથી. પતિને જલ્દીથી જલ્દી લગ્ન રદ્દ કરવા માટે પણ કહેવામાં આવ્યું. પતિએ પણ સહમતિ દર્શાવી છે.”
તે કહે છે કે એક વખત કેસ પૂર્ણ થઈ જશે તો પીડિતા પોતાની મરજીમુજબ રહી શકે છે. તે ભણવાનું અથવા નોકરી જે પણ ઇચ્છે તે કરી શકે છે.

આ એક માત્ર કેસ નથી

ઇમેજ સ્રોત, Getty Images
આ કેસમાં પીડિતાની સાથે જે થયું તે કોઈ પહેલો કેસ નથી. અનેક બીજી લેૅસ્બિયન છોકરીઓને આવી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે.
શબનમ હાશમી કહે છે કે તેમની પાસે દોઢ મહિના પહેલા એક લૅસ્બિયન કપલનો કેસ આવ્યો હતો. તેમની ઉપર પરિવારનું ઘણું દબાણ હતું. છોકરી ઘરેથી ભાગી હતી. પછી તેને સુરક્ષા અપાવવામાં આવી.
સામાજિક કાર્યકર્તા હરીશ ઐય્યર કહે છે, “સમલૈંગિકોની સાથે જબજસ્તી લગ્ન અથવા દબાણ લાવવાના કેસ ઓછા નથી પરંતુ સમસ્યા એ છે કે આનો કોઈ ડેટા નથી. આ દેખાડે છે કે તેમને લઈને સરકાર ગંભીર નથી. પરંતુ સ્થિતિ એવી છે કે અનેક અઠવાડિયામાં બે વખત મારી પાસે મદદ માટે ફોન આવે છે.”
“ખરેખર અમારા સમાજમાં મહિલાની મરજી અને ઇચ્છાનું મહત્વ નથી. સમલૈંગિક છોકરાઓની સરખામણીએ સમલૈંગિક છોકરીઓની જિંદગી વધારે મુશ્કેલ હોય છે. છોકરી માટે લોકો માનતા નથી કે તેની કોઈ શારીરિક ઇચ્છા હોઈ શકે છે. જ્યારે તેની શારીરીક ઇચ્છા ન હતી, તો હા અથવા ના કેવી રીતે કરી શકે છે. તે લગ્નમાં હિંસા પણ સહન કરે છે.”
માતા-પિતા સામાજિક ડરથી અથવા પછી ઠીક થઈ જશે એમ વિચારીને તેના લગ્ન કરાવી દે છે. પરંતુ આ પ્રકારે ખુશીઓ મળતી નથી પરંતુ છીનવાઈ જાય છે.
એવામાં નિષ્ણાંત મોટા સ્તરે જાગૃતિ અભિયાનની જરૂરિયાત પર ભાર આપે છે જેથી લોકો સમલૈંગિકતા વિશે સાંભળશે અને સમજશે, આટલું જ નહીં તેમનો સ્વીકાર પણ કરી શકશે.
વૃંદા ગ્રોવર કહે છે કે કાયદો અને સમાજ બંને સ્તરે સ્વીકાર્યતાની જરૂરિયાત છે. જો સમલૈંગિક વિવાહને મંજૂરી મળે છે તો આનાથી સમાજમાં એક વ્યાપક સમજ બનશે. સરકારની જવાબદારી છે કે આ વાતને સમજાવવા માટે સામાજિક જાગૃતિ અભિયાન ચલાવે જેથી લોકો સમજી શકે કે આ પ્રાકૃતિક છે અને આપણે આ સ્વીકાર કરવો જોઈએ.
તેમનું કહેવું છે કે સમયની સાથે આ બદલાશે પરંતુ આ વચ્ચે અનેક યુવાનોને પીડા સહન કરવી પડશે.
જોકે હાલના કેસમાં પીડિતા શેલ્ટર હોમમાં રહે છે. કેસ પૂર્ણ થવા સુધી તેમને અને મદદ કરનારી સંસ્થાને સુરક્ષા આપવામાં આવી છે. આ કેસની આગામી સુનાવણી 25 માર્ચે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












