આંધ્રપ્રદેશમાં ગધેડાંના માંસની આટલી ઊંચી માગ શા માટે છે?

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE/GETTYIMAGES
- લેેખક, શ્રીનિવાસ લાક્કોજુ
- પદ, બીબીસી ગુજરાતી માટે
આંધ્રપ્રદેશમાં આજકાલ ગધેડાંની માગમાં ભારે વધારો થયો છે. ગધેડીના દૂધનો ભાવ ગાય, ભેંસ કે બકરીના દૂધની તુલનામાં વધારે છે. એટલું જ નહીં, આ રાજ્યમાં ચિકન અને મટનની સાથે સાથે ગધેડાંના માંસની પણ જોરદાર માગ સર્જાઈ છે.
ઘણા લોકોનું કહેવું છે કે તેઓ ગધેડીના દૂધનો ઉપયોગ શરીરને સ્વસ્થ રાખવા માટે કરી રહ્યા છે, જ્યારે ગધેડાંનું માંસ ખાવાથી જાતીયશક્તિમાં વધારો થાય છે.
તબીબી નિષ્ણાતો મુજબ ગધેડીનું દૂધ શરીર માટે ફાયદાકારક હોય છે, પરંતુ તેનું માંસ ખાવાથી જાતીયક્ષમતા વધવાના કોઈ પુરાવા નથી.
આંધ્રપ્રદેશના કૃષ્ણા, ગુંટૂર, પ્રકાશમ, કુર્નૂલ, પૂર્વી ગોદાવરી, પશ્ચિમી ગોદાવરી, વિશાખા, શ્રીકાકુલમ, વિજયનગરમ વગેરેમાં ગધેડીના દૂધ અને માંસની માગમાં તેજી આવી છે.
રાજ્યમાં પ્રાણીઓના સંરક્ષણ માટે કામ કરતી સંસ્થા એનિમલ રેસ્ક્યુ ઑર્ગેનાઇઝેશન મુજબ રાજ્યમાં ગધેડાંનો ગેરકાયદે વેપાર પણ પૂરજોશમાં ચાલે છે.
સંસ્થાના સભ્યોએ જણાવ્યું કે ગધેડાંનું માંસ ખાવાથી પુરુષની જાતીયક્ષમતામાં વધારો થાય છે અને ગધેડીનું દૂધ પીવાથી કેટલાક રોગ નથી થતા એવી માન્યતા લોકોમાં પહેલેથી હતી. પરંતુ તાજેતરમાં આ માગમાં ઓચિંતો વધારો થયો છે.
એનિમલ રેસ્ક્યુ ઑર્ગેનાઇઝેશનના સંસ્થાપક સચિવ સુરબાતુલા ગોપાલે બીબીસીને જણાવ્યું કે "ગધેડાંના માંસની માગ વધી ગઈ છે. તેથી આ માંસ વેચતી દુકાનોની સંખ્યામાં પણ વધારો થયો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટકની તુલનામાં આંધ્રપ્રદેશમાં ગધેડાંની વસતી ઓછી છે. તેથી બીજાં રાજ્યોમાંથી ગધેડાં આંધ્રમાં લાવવામાં આવે છે."

ગધેડાંનું માંસ ખાવાલાયક હોય છે?

ગોપાલ જણાવે છે કે, "આંધ્રપ્રદેશમાં એક ગધેડાનો ભાવ લગભગ 15 હજારથી 20 હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેથી બીજાં રાજ્યોના લોકો આંધ્રપ્રદેશમાં ગધેડાં લાવીને વેચી રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તાજેતરમાં સમગ્ર દેશમાં ગધેડાંની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો છે. આંધ્રપ્રદેશમાં પહેલેથી ગધેડાં ઓછાં છે. ગધેડાંની માંગ આવી જ રીતે વધતી રહેશે તો થોડા જ સમયમાં ગધેડાં માત્ર પ્રાણીસંગ્રહાલયમાં જોવાં મળશે."
આંધ્રપ્રદેશમાં ગધેડીનું દૂધ તો ઘરે ઘરે જઈને વેચવામાં આવે છે. પરંતુ ગધેડાંના માંસ માટે શહેરનાં મુખ્ય કેન્દ્રો પર દુકાનો ખૂલી ગઈ છે. કેટલાક જિલ્લામાં તો આ માંસ હંમેશાં ઉપલબ્ધ હોય છે જ્યારે કેટલાક જિલ્લામાં તે સિઝન મુજબ મળે છે. ગધેડાંનું માંસ વેચવું ગેરકાયદે હોવા છતાં આવી સ્થિતિ છે.
ગોપાલ જણાવે છે કે, "ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ 2011ની જોગવાઈ પ્રમાણે ગધેડાંને માંસ માટે પાળવામાં આવતા નથી. તેથી તેમનું માંસ વેચવું ગેરકાયદે છે. આ જોગવાઈનો ભંગ થાય તો ભારતીય પિનલ કોડની કલમ 428, 429 હેઠળ સજા થઈ શકે છે."
ગોપાલ એમ પણ જણાવે છે કે આંધ્રપ્રદેશમાં હાલમાં લગભગ 5,000 ગધેડાં છે. બીજાં રાજ્યોની સરકારો ગધેડાંને બચાવવા માટે આકરાં પગલાં નહીં લે તો આ જાનવર પણ લુપ્ત થવાની અણી પર પહોંચી જશે.
ગ્રેટર વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સેફ્ટી વિંગના ફૂડ ઇન્સ્પેક્ટર અપ્પા રાવે જણાવ્યું કે, "ખાદ્યસુરક્ષાની જોગવાઈ મુજબ ગધેડીનું દૂધ કે માંસ માનવી માટે ખાવાલાયક પદાર્થોમાં ગણવામાં આવતું નથી. તેમાં શું હોય છે અને તેનું સેવન કરવાથી કેવી અસર થાય છે તે સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ગધેડાંનું દૂધ કે માંસ ખાવું ન જોઈએ."
તેઓ કહે છે, "આપણે ચિકન અને મટનનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઋતુ બદલાય અથવા ચિકન કે મટનને લાંબા સમય સુધી રાખવામાં આવે તો તે શરીર માટે હાનિકારક હોઈ શકે છે. તેથી ટેસ્ટ કરાવ્યા વગર ગધેડાંનું માંસ ન ખાવું જોઈએ."
"કોઈ પણ ખાદ્યપદાર્થ ખાવાલાયક છે કે નહીં તેની ચકાસણી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશિયન ઍન્ડ સેન્ટ્રલ ફૂડ ટેકનોલૉજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે. અહીં પરીક્ષણ કરાવ્યા વગર ગધેડાંનું માંસ ખાવાથી આરોગ્ય પર અસર થઈ શકે છે."

છેલ્લાં સાત વર્ષમાં 5000 ગધેડાં ગાયબ થયાં

આંધ્રપ્રદેશના પશુપાલન વિભાગના ભૂતપૂર્વ ઉપનિદેશક ડૉ. ગોપાલ કૃષ્ણાએ બીબીસીને જણાવ્યું કે "2019ની પશુગણતરી પ્રમાણે દેશભરમાં ગધેડાંની કુલ સંખ્યા એક લાખ 20 હજાર હતી જ્યારે આંધ્રપ્રદેશમાં ફક્ત 5,000 ગધેડાં હતાં."
"2012ની પશુગણતરી વખતે પણ રાજ્યમાં 10 હજાર ગધેડાં હતાં. એટલે કે માત્ર સાત વર્ષમાં ગધેડાંની સંખ્યામાં 5,000નો ઘટાડો થયો હતો. એટલે કે 50 ટકા સંખ્યા ઘટી ગઈ. આખા દેશમાં આવી સ્થિતિ છે."
"આખા દેશની વાત કરીએ તો છેલ્લાં સાત વર્ષમાં ગધેડાની સંખ્યામાં 61 ટકાથી વધુ ઘટાડો થયો છે."
પશ્ચિમી ગોદાવરી જિલ્લાના પશુપાલન વિભાગના સંયુક્ત નિદેશક જી નેહરુબાબુએ બીબીસીને જણાવ્યું કે કોઈ પણ વૈજ્ઞાનિક આધાર વગર લોકો ગધેડીના દૂધ અને માંસનો ઉપયોગ કરે છે.
બાબુએ જણાવ્યું કે સરકારે આ વિશે લોકોમાં જાગૃતિ વધારવી જોઈએ.
તેમણે કહ્યું કે, "લોકો ખોટી ધારણાના આધારે જાતીયક્ષમતા વધારવા માટે ગધેડાંનું માંસ ખાવા લાગશે તો તેનાથી આરોગ્યને લગતી ઘણી સમસ્યા પેદા થઈ શકે છે. કેટલાક લોકો વ્યાપારી લાભ માટે આવી અફવાઓ ફેલાવતા હોય છે."

ગધેડાંનો ગેરકાયદે કારોબાર

ઇમેજ સ્રોત, GOPAL R SURABATHULA
આંધ્રપ્રદેશમાં ગધેડાંની સંખ્યા સતત ઘટી રહી છે. તેથી બીજાં રાજ્યોમાંથી ગધેડાં લાવીને અહીં ગેરકાયદે વેચવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં મુંબઈથી લાવવામાં આવેલાં આઠ ગધેડાંને પોલીસે છોડાવ્યાં હતાં. બે દિવસ અગાઉ પોલીસે ડાચેપલ્લીમાંથી 39 ગધેડાં જપ્ત કર્યાં હતાં.
જોકે, પશુ સંરક્ષણ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ માને છે કે વાસ્તવમાં આના કરતાં ઘણી મોટી સંખ્યામાં ગધેડાંનો ગેરકાયદે બિઝનેસ થાય છે.
એનિમલ રેસ્ક્યુ ઑર્ગેનાઇઝેશનના કિશોરે બીબીસીને જણાવ્યું કે, "ચાના એક ગ્લાસ જેટલું ગધેડીનું દૂધ, એટલે કે 100થી 150 મિલી દૂધબજારમાં 50થી 100 રૂપિયામાં વેચાય છે. જ્યારે ગધેડાંનું માંસ કિલો દીઠ 500થી 700 રૂપિયામાં વેચાય છે."
"કેટલાંક રાજ્યોમાં ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયામાં ગધેડાં ખરીદીને આંધ્રપ્રદેશમાં 15થી 20 હજાર રૂપિયામાં વેચવામાં આવે છે."

ગધેડાંનો દૂધનો ડોર ટુ ડોર સપ્લાય

પ્રકાશમ, ગુંટૂર અને વિજયવાડા જેવા વિસ્તારોમાં ગધેડાંના દૂધને ઘરે ઘરે જઈને સપ્લાય કરવામાં આવે છે. કેટલાંક માર્કેટ સેન્ટરમાં ગધેડાંના માંસનું વેચાણ ખુલ્લેઆમ થાય છે.
ડોર ટુ ડોર દૂધ સપ્લાય કરનાર નનચારે બીબીસીને જણાવ્યું કે, "અમે ગધેડીનું દૂધ લઈ જઈને લોકોને કહીએ કે આ ગધેડીનું દૂધ છે, તો લોકો ભરોસો નહીં કરે. તેથી અમે ગધેડીને અમારી સાથે લઈ જઈએ છીએ અને લોકોની સામે દૂધ કાઢી આપીએ છીએ."
"રાજસ્થાનના અમારા 40 લોકોનો પરિવાર આ કામ કરે છે. આ દૂધથી અનેક બીમારીઓ દૂર થાય છે. અમે છેલ્લાં 20 વર્ષથી આ કારોબાર કરીએ છીએ."
વિજયવાડાના દેવામ્માએ જણાવ્યું કે, "છેલ્લાં 25 વર્ષથી મને શ્વાસ લેવામાં તકલીફ હતી. ત્યારપછી મેં ગધેડીનું દૂધ પીવાનું શરૂ કર્યું અને મારી તકલીફ ઓછી થઈ ગઈ."
"હવે તો અમે બાળકોને પણ આ દૂધ આપીએ છીએ. તે બહુ સારું છે. અમે લોકો તેનું માંસ પણ ખાઈએ છીએ. મને આજ સુધી કોઈ તકલીફ પડી નથી."
શ્રીકાકુલમના નારાસાનાપેટ વિસ્તારના નારાયણે જણાવ્યું કે, "ગધેડીનું દૂધ 100 રૂપિયામાં એક ગ્લાસ મળે છે. બાળકો અને યુવાનો બધા તેને પીવે છે. તેનાથી સાંધાનો દુખાવો, શ્વાસ લેવાની તકલીફ વગેરે ઓછી થાય છે. અમે તેનું માંસ નથી ખાતા, પરંતુ અમારા ગામમાં ગધેડાંનું માંસ વેચાય છે."

માંસ માટે ગધેડાંની ચોરી

આંધ્રપ્રદેશમાં અગાઉ ગધેડાંનો ઉપયોગ સામાન ઉપાડવા માટે થતો હતો. ગધેડાંની મદદથી લોકો રેતી ઉપાડતા હતા. જ્યારે કપડાં ધોવાનું કામ કરતા લોકો ગધેડાંની પીઠ પર કપડાં લાદીને લઈ જતા હતા.
વિજયનગરમ જિલ્લાની પોલીસે જણાવ્યું કે, આ વિસ્તારમાં ઘણી વખત ગધેડાંની ચોરીની ફરિયાદો મળે છે. ગધેડાંને ઉઠાવી જઈને તેના માંસના વધુ ભાવ મળે તેવા વિસ્તારમાં વેચી દેવામાં આવે છે.
ગધેડીનું દૂધ પીવાથી જાતીયક્ષમતા વધતી હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી મળ્યા. પરંતુ ડૉક્ટરો કહે છે કે ગધેડીના દૂધમાં વિટામિન અને ફેટી એસિડ હોય છે.
આંધ્રપ્રદેશના જાણીતા તબીબી નિષ્ણાત કોટિકુપ્પાલા સૂર્યા રાવે બીબીસીને જણાવ્યું કે, "ગધેડીના દૂધમાં જે પ્રોટીન હોય છે તે શ્રેષ્ઠ પ્રોટીન હોય છે. જે બાળકોને ગાય કે ભેંસના દૂધની એલર્જી હોય, તેમને આ દૂધ આપી શકાય છે."
"પણ ગધેડાંનું માંસ ખાવાથી જાતીયક્ષમતા વધતી હોવાનું સાબિત નથી થયું. હકીકતમાં ગધેડાંના માંસમાં આવી કોઈ વિશેષતા હોતી નથી."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













