પીએમ મોદી જે કૉન્ફરન્સ માટે ગુજરાતના પ્રવાસે છે એ 'કમાન્ડર કૉન્ફરન્સ' શું છે? તેનું શું મહત્ત્વ છે?

ઇમેજ સ્રોત, AFP
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતયાત્રા પર છે. આજે તેઓ કેવડિયા પહોંચશે, અહીં તેઓ સંરક્ષણ મંત્રાલયની કમ્બાઇન્ડ કમાન્ડર કૉન્ફરન્સમાં ભાગ લેશે.વડા પ્રધાન ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવત, સેનાધ્યક્ષ જનરલ મુકુંદ નારવણે સહિત સેના, વાયુદળ તથા નૌકાદળના અનેક ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે.
વડા પ્રધાન સહિતના નેતાઓ-અધિકારીઓની અવરજવર સુગમ બને તે માટે કેવડિયાના રેલવે સ્ટેશનની સામેની જગ્યામાં હેલિપૅડનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે? તેની ફરતે પણ સુરક્ષાબંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આ મહત્ત્વપૂર્ણ કૉન્ફરન્સ પહેલાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી પરિસરને જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યું.દાંડીમાર્ચની 75મી વર્ષગાંઠે આગામી સપ્તાહમાં પણ મોદી ગુજરાત આવશે એવા અહેવાલ છે.

શા માટે બેઠક મહત્ત્વપૂર્ણ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સશસ્ત્રદળોની ત્રણદિવસીય બેઠક કેવડિયામાં ટૅન્ટસિટી ખાતે યોજાઈ રહી છે. જેમાં વડા પ્રધાન ભાગ લેશે. શનિવારે તેઓ સમાપન ભાષણ આપશે.
ખૂબ જ ઉચ્ચ સૈન્ય અધિકારીઓ કેવડિયાની મુલાકાત લઈ રહ્યા હોવાથી સેનાના ઉચ્ચ અધિકારીઓએ સુરક્ષા પોતાને હસ્તક લીધી છે.ખુદ સેનાધ્યક્ષ જનરલ મુકુંદ નારવણેએ સુરક્ષા તથા આયોજનસંબંધિત વ્યવસ્થાઓ અંગે જાતમાહિતી મેળવી હતી અને નિરીક્ષણ કર્યું હતું.
આ બેઠકમાં સંરક્ષણક્ષેત્રે સ્વદેશીકરણ, સશસ્ત્ર બળોની સંયુક્ત કમાન્ડ તથા થિયેટર કમાન્ડ અંગે ચર્ચા કરવામાં આવશે.યુદ્ધ કે શાંતિસમયે પણ સશસ્ત્રદળોના સંશાધનોનો સંયુક્ત રીતે વધુ સારો ઉપયોગ થઈ શકે તથા તેમાં બેવડી મહેનત કે ખર્ચ ન થાય તે માટે થિયેટર કમાન્ડ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં ડિપાર્ટમેન્ટ ઑફ મિલિટરી અફેયર્સનું ગઠન કરવામાં આવ્યું હતું અને સેનાધ્યક્ષ જનરલ બિપીન રાવતને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે જાહેર કરવામાં આવ્યા, ત્યારથી થિયેટર કમાન્ડના ગઠનની દિશામાં પ્રયાસરત છે.
દેશ ઉપર તોળાઈ રહેલા આંતરિક તથા બાહ્યા જોખમો ઉપર પણ આ કૉન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પ્રથમ વખત જવાનોનું પ્રેઝન્ટેશન

ઇમેજ સ્રોત, TWITTER/@RAJNATHSINGH
એક રિપોર્ટ મુજબ, કમાન્ડરોની આ કૉન્ફરન્સમાં પ્રથમ વખત જુનિયર કમિશન્ડ ઓફિસર (જે.સી.ઓ.) તથા જવાનો પણ પ્રૅઝન્ટેશન આપશે.ચીન-પાકિસ્તાન સાથેની નિયંત્રણરેખા (LAC) ઉપર તેઓ કેવા સંજોગોમાં ફરજ બજાવે છે અને કેવી રીતે દુશ્મનોનો સામનો કરે છે, તેની માહિતી ઉચ્ચ અધિકારીઓને આપશે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં ભારત અને પાકિસ્તાને સાથે નિયંત્રણરેખા ઉપર ગોળીબાર નહીં કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
મે-2020માં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતના 20 સૈનિક મૃત્યુ થયા હતા.
થોડા મહિના અગાઉ ચીને સ્વીકાર્યું હતું કે એ અથડામણમાં તેના ચાર સૈનિક મૃત્યુ પામ્યા હતા.

શા માટે કેવડિયામાં બેઠક?

ઇમેજ સ્રોત, TWITTER/@SOUINDIA
મે-2014માં નરેન્દ્ર મોદી દેશના પ્રધાન મંત્રી બન્યા, ત્યારે તેમણે અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક, કેન્દ્ર-રાજ્યની બેઠકો, દ્વિપક્ષીય તથા બહુપક્ષીય બેઠકોને 'દિલ્હીની બહાર' યોજવાનો આગ્રહ કર્યો હતો.દેશના અધિકારીઓ દિલ્હીની બહાર નીકળે અને સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ થાય, જે-તે યજમાન શહેરમાં પર્યટન તથા ધંધાઉદ્યોગને પ્રોત્સાહન મળે તેવો હેતુ તેમણે જણાવ્યો હતો.
કેવડિયા ખાતે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે. અહીં સ્થાપવામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું કદ 182 મીટર છે. ઉપરાંત સફારી, બટરફ્લાય પાર્ક, કૅકટસ પાર્ક જેવા અન્ય આકર્ષણો પણ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આવેલા છે.
એ પછી સેનાના કમાન્ડર્સની બેઠકો દિલ્હી બહાર યોજાઈ હતી. આ પહેલાં ભારતના વિમાનવાહક યુદ્ધજહાજ આઈ.એન.એસ. વિક્રમાદિત્ય, ઇન્ડિયન મિલિટરી ઍકેડમી દેહરાદૂન તથા જોધપુર ખાતે આ પ્રકારની બેઠકો યોજાઈ ચૂકી છે.
આ પહેલાં વર્ષ 2018માં પોલીસના ડાયરેક્ટર જનરલોની કૉન્ફરન્સ પણ કેવડિયા ખાતે યોજાઈ ગઈ હતી, જેમાં જમ્મુ-કાશ્મીરમાં પ્રવર્તમાન સ્થિતિ અંગે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
તેમણે પૂર્વોત્તરના રાજ્યોમાં ઉચ્ચસ્તરીય કૉન્ફરન્સોને આયોજિત કરવાનો આગ્રહ કર્યો હતો,જેથી કરીને ત્યાંના નિવાસીઓ ભારતના અન્ય ભાગો સાથે એકત્વ અનુભવે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














