કોરોના વાઇરસ : શું મોદી સરકાર આ વખતે આકલન કરવામાં ચૂકી ગઈ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં કોરોના વાઇરસનો પ્રથમ પૉઝિટિવ કેસ 30 જાન્યુઆરી, 2020માં કેરળમાં નોંધાયો હતો.
તેના 52 દિવસ પછી, 24 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશવ્યાપી લૉકડાઉનની ઘોષણા કરી હતી.
રાત્રે 8 વાગ્યે થયેલા આ સંબોધનના માત્ર ચાર કલાક પછી, એટલે કે રાત્રે 12 વાગ્યાથી સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.
તે દિવસે, એટલે કે 24 માર્ચ સુધી ભારતમાં કોરોના વાઇરસના કુલ 564 કેસ પૉઝિટિવ જોવા મળ્યા હતા અને 10 લોકોનાં મૃત્યુ થયાં હતાં. એટલે કે મૃતાંક 1.77% .
હવે મે મહિનાના ચોથા અઠવાડિયાની વાત કરીએ તો હાલમાં ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 1,25,101 છે.
સરકારી આંકડા મુજબ, આમાંથી 51,784 લોકો સાજા થઈ ગયા છે. કોરોના વાઇરસને કારણે મૃત્યુઆંક 3720 છે. એટલે કે કુલ 3.36% મૃત્યુ.

લૉકડાઉન ખરેખર ભારત માટે જરૂરી હતું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સવાલ એ છે કે શું આટલું કડક લૉકડાઉન ખરેખર ભારત માટે જરૂરી હતું?
બીજી તરફ એક એવું પાસું છે કે જેને માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેકારી, ગરીબીની ખાઈમાં ફરી પડવાના, પ્રિયજનોથી અલગ થવાના અને ઘણા લોકોનાં મૃત્યુ વચ્ચે લૉકડાઉનમાં ઉતાવળે લોકો ઘરે પરત જવા નીકળ્યા તો ખરા, પણ રસ્તામાં ભૂખ-તરસ અને ઘણા અકસ્માતે તેમનો ભોગ લઈ લીધો.
એક અનુમાન મુજબ, કોરોના સંક્રમણને રોકવા માટે જાહેર કરાયેલા લૉકડાઉન દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 12 કરોડ લોકો બેરોજગાર થઈ ગયા છે.
તેમાંના મોટા ભાગના દેશના અસંગઠિત ક્ષેત્રના છે એટલે કે દૈનિક અથવા ટૂંકા ગાળાના કરાર પર કામ કરતા કામદારો.
અને જો તેઓ બેરોજગાર નથી થયા તો પણ છેલ્લા બે મહિનાથી પગાર વિના ઘરે બેસીને કામ ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.
દેશની અર્થવ્યવસ્થાની હાલત એવી છે કે છેલ્લા બે મહિનામાં જ સરકારે 20 લાખ કરોડ રૂપિયાના રાહતપૅકેજની જાહેરાત કરવી પડી.
મામલાની ગંભીરતાનો અંદાજ સમજવા જાણીએ કે આ રકમ ભારતના જી.ડી.પી. (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રાઇસ)ના 10% જેટલી છે.

લૉકડાઉન કેમ?

ઇમેજ સ્રોત, Reuters
કોવિડ-19 એ એક એવી બીમારી છે જેનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે.
ચીનના વુહાનથી પ્રસરવાના શરૂ થયેલા આ વાઇરસે વિશ્વના વિકસિત દેશોથી માંડીને પછાત દેશો સુધીના દરેકને ભરડામાં લેવાનો પ્રયાસ કર્યો છે.
સ્પેન હોય કે ઇટાલી, અમેરિકા અથવા યુ.કે., જાપાન અથવા દક્ષિણ કોરિયા, કૅનેડા અથવા બ્રાઝિલ- આ વાઇરસ દરેક દેશમાં મૃત્યુ અને સંક્રમણની છાપ છોડી રહ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના (WHO)ના અનુસાર, વિશ્વમાં કોરોના વાઇરસના કુલ કેસ 47 લાખના આંકને વટાવી ગયા છે, જેમાં ત્રણ લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.
કેટલાક દેશોએ ભારત જેવા કડક લૉકડાઉનને લાગુ કરીને તેને રોકવાનો નિર્ણય કર્યો, જ્યારે ઘણા લોકોએ 'આંશિક લૉકડાઉન' એટલે કે જુદા-જુદા વિસ્તારો અને વધુ કે ઓછા સંક્રમણના બનાવોના આધારે લૉકડાઉન અમલમાં મૂક્યું.

ખામીઓ ક્યાં રહી ગઈ?

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ડેવલપમૅન્ટ ઇકૉનૉમિક્સના પ્રોફેસર જયંતી ઘોષને લાગે છે કે લૉકડાઉનની ઘોષણા કરવામાં ભારતે બહુ મોડું કર્યું હતું અને 'લોકશાહી સરકાર હોવા છતાં પોતાના કરોડો કામદારો માટે ઓછું વિચાર્યું.'
ઘોષે કહ્યું, "બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ અથવા પાકિસ્તાન જેવા પડોશીઓએ લૉકડાઉનને ભારત કરતાં વધુ સારી રીતે મૅનેજ કર્યું." "શ્રમિકોને ઘરે પાછા ફરવાનો સમય આપ્યો અને તેમને સાર્વજનિક પરિવહન વ્યવસ્થા પણ આપવામાં આવી." "ભારતમાં લગભગ 45 દિવસ સુધી પરપ્રાંતીય શ્રમિકોને પરિવહનથી દૂર રાખવામાં આવ્યા. અને તેઓ જ્યાં પણ હતા ત્યાં ભૂખ્યા - તરસ્યા રહ્યા." "પછી જ્યારે દબાણને લીધે ટ્રેનની શરૂઆત તો કરી પણ ત્યારે ભાડું એટલું હતું કે માત્ર મધ્યમ વર્ગીય લોકો તેની ટિકિટ ખરીદી શકે."
પ્રોફેસર ઘોષનો ઇશારો એ પ્રવાસી મજૂરો તરફ છે જે લૉકડાઉન બાદ દૂરના વેરાન વિસ્તારોમાં ફસાઈ ગયા હતા.
જોકે કેન્દ્ર સરકારે જે બે કારણસર લૉકડાઉનની જાહેરાત કરી તેનો હેતુ પણ સ્પષ્ટ હતો.

ઇમેજ સ્રોત, EPA
પહેલો તાત્કાલિક ધોરણે વાઇરસના ફેલાવાને રોકવાનો હતો, કારણ કે તેના સંક્રમણનો દર, જેને 'RO' કહેવામાં આવે છે, તેને નિયંત્રિત કરવાનો હતો અને અન્ય દેશો તેમજ WHOની ચેતવણીઓના અનુભવો અનુસાર ક્વોરૅન્ટીન જ એકમાત્ર ઉપાય હતો.
અચાનક લૉકડાઉન જાહેર કરવા પાછળ કેન્દ્ર સરકારનો બીજો ઉદ્દેશ હતો કે કોરોના પૉઝિટિવ કેસનો ગ્રાફ ઉપર જતા અટકાવવો.
આંતરરાષ્ટ્રીયસ્તરે તેને 'ફ્લેટન કર્વ' કહેવામાં આવે છે અને આ પ્રક્રિયાથી હૉસ્પિટલોના બેડ્સ, ઑક્સિજન વૅન્ટિલેટર, પી.પી.ઈ. કિટ્સ વગેરે ભેગું કરવાનો સમય મળી જાય છે.
સંપૂર્ણ લૉકડાઉનના લાંબા સમયગાળા પાછળ સરકાર તરફથી એવી અપેક્ષા રાખવામાં આવી હશે કે આ દરમિયાન કોઈ રસી અથવા અન્ય સારવાર શોધી શકાય.

આશા બંધાઈ

આ સમય દરમિયાન બે અગત્યની બાબતો બહાર આવી.
પહેલું એ છે કે દેશમાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા બમણી થવામાં કેટલો સમય લાગે છે. તેને 'ડબલિંગ રેટ' તરીકે ઓળખવામાં આવે છે અને ભારતમાં લૉકડાઉન શરૂ થયું ત્યારથી તેમાં અત્યાર સુધીમાં ઘણો સુધારો જોવા મળ્યો છે.
બીજું છે 'આર નોટ' અથવા 'R0' જે એ દર્શાવવાનો પ્રયાસ કરે છે કે એક સંક્રમિત વ્યક્તિના લીધે કેટલા અન્ય લોકોને સંક્રમણ થઈ શકે છે.
જો તેનો દર 1%ની નીચે રહે છે તો તેનો અર્થ એ છે કે સંક્રમણના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, જ્યારે ભારતમાં આ દર 1-2.5%ની વચ્ચે છે એટલે કે કેસ ઘટાડવાની જરૂર છે અથવા સંક્રમણ વિશે સાવધાની રાખવી જરૂરી છે.
કેન્દ્રમાં રહેલા ભાજપના પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય પણ લૉકડાઉન પછી સર્જાયેલી સમસ્યાઓનો સ્વીકાર કરે છે, જોકે તેમનો તર્ક જુદો છે.
ઉપાધ્યાય કહે છે, "લૉકડાઉન કરતી વખતે સરકારે કામદારો વિશે વિચાર્યું નહોતું તે સાચી વાત નથી.""વડા પ્રધાન સતત આની દેખરેખ રાખતા હતા અને મંત્રીમંડળમાં જુદાં-જુદાં કોર ગ્રૂપ બનાવી દેવામાં આવ્યાં હતાં, પરંતુ આ પરિસ્થિતિ સંપૂર્ણપણે નવી હતી, તેથી ભારત પાસે તેના નિરાકરણનો કોઈ અનુભવ નહતો. ન તો બાબુ પાસે કે ન તો કોઈ નેતા પાસે."
"ભારત-પાક યુદ્ધના સમયે પણ ટ્રેન રોકવાની જરૂર નહોતી પડી. પ્રયાસ પૂરો થયો અને આપણે કહી શકીએ કે કોઈ વાંધો નથી થયો લોકોને, ખાસ કરીને મજૂરોને."
"પરંતુ એ પણ જાણ્યું કે આપણા મજૂર ભાઈ-બહેનો પગપાળા પણ પ્રવાસ કરી શકે છે, તેઓ એટલા નિશ્ચયી છે અને તેમની પાસે કુશળતાનો અભાવ નથી."

લક્ષણ વગરના કેસે વધાર્યો પડકાર?

ઇમેજ સ્રોત, Reuters
આ દરમિયાન એવા લોકોની સંખ્યા પણ વધતી જતી હતી કે જેઓ કમસે કમ ભારતમાં સંપૂર્ણ લૉકડાઉનના પક્ષમાં નહોતા.
જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીવ હેન્કે એવા કોરોના પૉઝિટિવ કેસોનો ઉલ્લેખ કરી રહ્યા છે, જેમાં તાવ, ઉધરસ અથવા શ્વાસની તકલીફનાં કોઈ લક્ષણો નથી.
આવા કિસ્સાઓને 'અસિમ્પ્ટોમૅટિક' કહેવામાં આવે છે અને ભારતમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પૉઝિટિવ કેસોમાં તેમનો હિસ્સો 60% કરતાં વધારે છે.
પ્રોફેસર સ્ટિવ હેન્કેએ સમજાવ્યું, "કોરોના વાઇરસની સમસ્યા એ છે કે વગર લક્ષણના સંક્રમણના સ્રોત એટલે કે દરદીઓ અજાણતા જ તેનું સંક્રમણ વધારી શકે છે."
"તેથી નિરાકરણનો એક જ અસરકારક રસ્તો છે કે વાઇરસની ટેસ્ટિંગ શોધવાનો કંઈક એવો પ્રયાસ કરો જે સિંગાપોર જેવા દેશોએ કર્યો. સમસ્યા એ છે કે આ મામલે ભારતની ક્ષમતા ઓછી છે."
'ઍસિપ્ટોમેટિક કેસ'ને ચિંતાજનક તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે, કારણ કે લૉકડાઉન હોવા છતાં જો કોઈને વાઇરસ છે અને લક્ષણો વિના ખ્યાલ નથી આવતો તો પછી કોઈને પણ જાણ થયા વિના તેનું સંક્રમણ વધતું રહેશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
બીજી તરફ, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને પણ કોરોના વાઇરસને નાથવા માટેની વિશ્વવ્યાપી નીતિમાં લૉકડાઉન સામેલ કર્યું છે, પરંતુ વાઇરસ ફેલાવનારા અન્ય બે ક્ષેત્રની પણ ઓળખ કરી છે.
કોવિડ-19 સાથે વ્યવહાર કરવા માટે WHOના વિશેષ દૂત ડેવિડ નાબારોના કહેવા પ્રમાણે, "સૌથી મોટું જોખમ કૉમ્યુનિટી સ્પ્રેડ અને પછી ક્લસ્ટર સ્પ્રેડનું છે."
"ભારતમાં કૉમ્યુનિટી સ્પ્રેડના કોઈ કેસ સામે નથી આવ્યા અને મુંબઈ અથવા દિલ્હીમાં કલસ્ટર સ્પ્રેડ એટલે કે વિસ્તારમાં સંક્રમણ ફેલાવાથી વધુ મામલા સામે આવ્યા છે."
"નિષ્ણાતો માને છે કે ભારતીય લૉકડાઉનની પ્રારંભિક નીતિ એ જાનહાનિને કાબૂમાં લેવાની હતી અને તે શરૂઆતનાં ચાર અઠવાડિયાંમાં જ દેખાઈ ગઈ હતી."
જાણીતા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. દેવી શેટ્ટીના જણાવ્યા અનુસાર, "સમયસર લૉકડાઉન સમાપ્ત કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વધુ જરૂર છે."
ડૉ. શેટ્ટીએ લૉકડાઉનના ત્રીજા સપ્તાહમાં કહ્યું હતું કે, "આપણે કહી શકીએ છીએ કે પ્રારંભિક લૉકડાઉનના નિર્ણયને લીધે ભારતે વાઇરસના મૃત્યુદરમાં 50% ઘટાડો કર્યો છે." "બીજા ઘણા દેશો આ કરવામાં નિષ્ફળ ગયા છે. મને નથી લાગતું કે હૉટસ્પૉટ્સ સિવાય આખા દેશને બંધ રાખવાનું કોઈ તબીબી કારણ હોય."

વધુ સારી રીતે લાગુ કરી શકાયું હોત લૉકડાઉન?

ઇમેજ સ્રોત, Reuters
તબીબી નિષ્ણાતો ઉપરાંત ઘણા રાજકીય વિશ્લેષકો પણ આ લાંબા સમયથી ચાલતા લૉકડાઉનને નજીકથી જોઈ રહ્યા છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડ અખબારના રાજકીય સંપાદક અદિતિ ફડનીસ પણ તેમાંનાં એક છે.
ફડનીસે કહ્યું, "લૉકડાઉન લાગુ કરવાની પ્રક્રિયા વધુ સારી રીતે થઈ શકી હોત. ઉદાહરણ તરીકે, જો સિક્કિમ અને ગોવામાં પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હતી, તો ત્યાં ઉદ્યોગો કેમ બંધ કરવામાં આવ્યા હતા."
"જો મુંબઈ ઍરપૉર્ટ પહેલાં જ બંધ કરી દેવામાં આવ્યું હોત તો મુંબઈમાં આટલી વિકટ પરિસ્થિતિ ન હો, પણ એક સવાલ એ પણ છે કે જો કેન્દ્રમાં આઈ.કે. ગુજરાલ અથવા દેવીગૌડાની સરકાર હોત તો તેમણે પરિસ્થિતિને કેવી રીતે સંભાળી હોત."
ભારતમાં લૉકડાઉનની સમયમર્યાદા વધતાં કોરાના વાઇરસના પૉઝિટિવ કેસની સૂચિ પણ લાંબી થતી ગઈ.
તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારત દરરોજ તેની પરીક્ષણ સુવિધાઓમાં વધારો કરી રહ્યું હોવાથી સંક્રમિત કેસોની સંખ્યામાં વધારો થવાનો અંદાજ હતો.
સરકારે એવો દાવો પણ કર્યો છે કે ટૂંક સમયમાં જ લૉકડાઉન લાગુ કરવાને કારણે ભારત સંક્રમિત કેસોની સંખ્યા ધીમું કરી શક્યું, નહીંતર ત્રણ અઠવાડિયાં પહેલા જ સંક્રમણનો આંક 100,000 કેસ સુધી પહોંચી ગયો હોત.
ભાજપના પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય કહે છે, "મોદી સરકારે તમામ પરિણામોને ધ્યાનમાં રાખીને દેશભરમાં આટલા લાંબા લૉકડાઉન માટે નિર્ણય લીધો હતો."
"રાજ્યોને સાથે રાખીને અને બધાનાં હિતોનું ધ્યાન રાખીને નિર્ણય લીધો."
પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર, મેના બીજા સપ્તાહમાં અનેક રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથેની વીડિયો કૉન્ફરન્સમાં "વડા પ્રધાને સ્પષ્ટ ધ્યાન દોર્યું હતું કે લૉકડાઉન દરમિયાન શ્રમિક પ્રવાસીઓની સમસ્યા આટલી મોટી થઈ જશે, તેની કેન્દ્ર સરકારે ધારણા પણ નહોતી કરી."

પ્રવાસી મજૂરો વિશે કેમ જાણ નહોતી સરકારને?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
સવાલ થવો સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકારને ખ્યાલ કેમ નહોતો કે ચાર કલાકની નોટિસમાં અવરજવર, ફૅક્ટરી-ઉદ્યોગ, દુકાન-ઑફિસ-સ્કૂલ વગેરે બંધ કર્યાં પછી સ્થળાંતર કરનારા ક્યાં જશે?
પડોશી દેશ નેપાળે પણ તમામ લોકોને તેમના ગામમાં પાછા ફરવા માટે સંપૂર્ણ લૉકડાઉનમાં જતા પહેલાં 12 કલાકનો સમય આપ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
કૉમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશેયેટિવના વેંકટેશ નાયકનું માનવું છે, "લૉકડાઉનને લીધે મુસીબતમાં પડેલા લાખો કામદારોની પ્રતિષ્ઠિત અને ગૌરવપૂર્ણ જીવન જીવવાના મૂળભૂત અધિકાર પર એક પ્રહાર તરીકે જોવું જોઈએ."
નાયકે કહ્યું, "ભારતમાં પ્રવાસીઓની (જેમાં મજૂર સહિત તેઓ પણ સામેલ છે, જે અન્ય પ્રદેશોમાં રહે છે) વસતીગણતરી 10 વર્ષમાં એક વાર કરવામાં આવે છે.""2001માં આ સંખ્યા લગભગ 15 કરોડ હતી અને 2011માં લગભગ 45 કરોડ હતી. તેમાં સ્થળાંતર કરનારા મજૂરોનો મોટો ભાગ હતો." "પાછલાં વર્ષોમાં જ્યારે પણ યુપીએ અને એનડીએ સરકારને સંસદમાં સ્થળાંતર કરનારા પર પ્રશ્નો પૂછવામાં આવતા હતા, ત્યારે જવાબ મળ્યો હતો કે સંપૂર્ણ ડેટા હજી સુધી એકઠો નથી થઈ શક્યો."

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાયે સ્વીકાર્યું છે કે, "લૉકડાઉન પછી અર્થતંત્રને ચોક્કસપણે નુકસાન થયું છે, પરિસ્થિતિ બગડી છે, લોકો મુશ્કેલીમાં મુકાયા છે."
પરંતુ તેઓ દલીલ કરે છે કે, "એવું કહેવામાં આવે છે ને કે પ્રતિકૂળતામાં પણ તક હોય છે. ભારત માટે આમાં સંપૂર્ણ સ્વનિર્ભર બનવાની તક છે."
દરમિયાન કોવિડ -19ને હલ કરવા માટે કેટલાંક તથ્યો બહાર આવ્યાં છે.
- ડબ્લ્યુએચઓ સહિત વિશ્વની ઘણી નામાંકિત ફાર્મા કંપનીઓના જણાવ્યા અનુસાર, કોરોનાને રોકવા માટે રસી બનવામાં ઓછામાં ઓછા 18 મહિનાનો સમય લાગી શકે છે.
- ડબ્લ્યુએચઓના કેટલાક ટોચના તબીબી પ્રોફેશનલ્સે એમ પણ કહ્યું છે કે ઍઇડ્સ સહિત આવા ઘણા વાઇરસ છે, જેમની રસી આજ સુધી શોધાઈ નથી.
- સામાજિક અંતર જાળવવું એ કોરોના વાઇરસને દૂર રાખવાનો સૌથી અસરકારક માર્ગ સાબિત થઈ રહ્યો છે.
- બાળકો અને વૃદ્ધ લોકોને ખાસ કરીને આ વાઇરસથી સુરક્ષિત રહેવાની જરૂર છે, કારણ કે સંક્રમણના કેસો ઓછી રોગપ્રતિરાક શક્તિ ધરાવતા લોકો પર વધુ જોવા મળે છે.
આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જાહેર આરોગ્ય નિષ્ણાત અને મેડિકલ એથિક્સના ભારતીય જર્નલના સંપાદક ડૉ. અમર જેસાનીને લાગે છે કે લૉકડાઉન કોવિડ-19 સાથે લડવા માટેનો અંતિમ ઉપાય નથી, પણ ફક્ત એક સાધન છે.
તેમના મતે, "લૉકડાઉન એ મહામારીનો ઇલાજ નથી. તેનો હેતુ વાઇરસના સંક્રમણના દરને અટકાવી રાખવાનો છે, જેથી આરોગ્ય સુવિધાઓ મોટા પ્રમાણમાં પહોંચી વળવા તૈયાર થઈ શકે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













