કોરોના સંકટ : શું હવે દેશમાં કોરોનાનું સંક્રમણ રોકવું વધુ મુશ્કેલ બની જશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભૂમિકા રાય
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધીને એક લાખને પાર પહોંચી ગઈ છે.
તેમજ અત્યાર સુધી આ જીવલેણ બીમારી ત્રણ હજાર લોકોનાં મૃત્યનું કારણ બની ચૂકી છે.
હાલ દેશમાં ચોથા તબક્કાનું લૉકડાઉન ચાલી રહ્યું છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી ઘણી રાહતો આપવામાં આવી છે અને આ વખતે મોટા ભાગની જવાબદારીઓ રાજ્યોને શિરે નાખવામાં આવી છે.
આ પરિસ્થિતિ વચ્ચે પણ પ્રવાસી મજૂરો પોતપોતાના વતન પરત ફરી રહ્યા છે.
ત્રણ મે બાદથી રાજ્યોમાં સંક્રમણના જે આંકડા સામે આવી રહ્યા છે તેમાં ઘણા મામલા પ્રવાસીઓના પણ છે.

સંક્રમણના મામલામાં વધારો

ઇમેજ સ્રોત, EPA
હવે તો એ રાજ્યોમાં પણ સંક્રમણ વધુ વ્યાપક બની ગયું છે જ્યાં અમુક સમય પહેલાં સંક્રમણ નિયંત્રણમાં હતું.
પગપાળા ચાલીને, જે વાહન મળે એમાં લદાઈને અત્યાર સુધી કેટલા મજૂરો પોતાનાં ઘરો સુધી પહોંચ્યા છે તેનો કોઈ ચોક્કસ આંકડો તો આપણી પાસે નથી, પરંતુ પીઆઈબીના એક રિપોર્ટ અનુસાર, પાછલા 19 દિવસોમાં ભારતીય રેલવેએ શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફતે લગભગ 21.5 લાખ કરતાં વધુ પ્રવાસી મજૂરોને તેમના વતન પહોંચાડ્યા છે.
આ સિવાય કેટલાંક રાજ્યોએ પ્રવાસી મજૂરોને પરત મોકલવા માટે બસની પણ વ્યવસ્થા કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક તરફ પ્રવાસી મજૂરોને વતન પરત મોકલવાનો કેન્દ્ર અને રાજ્ય સરકારોનો નિર્ણય સેંકડો કિલોમિટરનું અંતર પગપાળા કાપવા માટે માટે વિવશ મજૂરો માટે મોટી રાહતના સમાચાર હતા ત્યાં જ બીજી તરફ પ્રવાસી મજૂરોના આગમનને કારણે તેમનાં ગૃહરાજ્યોમાં સંક્રમણના ખતરો વધવાનો ભય ઊભો થયો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બિહારના ટોચના સ્વાસ્થ્યઅધિકારી સંજય કુમારે જણાવ્યું, "મે મહિનાની શરૂઆતમાં બિહારમાં કોરોના વાઇરસના સંક્રમણના જેટલા મામલા સામે આવ્યા છે તે પૈકી 70 ટકા પ્રવાસી મજૂરો સાથે સંબંધિત હતા."
20 મેના રોજ બિહારના સ્વાસ્થ્યવિભાગ દ્વારા જારી કરાયેલી પ્રેસ-રિલીઝ પ્રમાણે, ત્રણ મે બાદ બિહાર પાછા ફરેલા કુલ પ્રવાસી મજૂરો પૈકી 788 પ્રવાસી કોરોના પૉઝિટિવ આવ્યા હતા.
ઓડિશામાં ત્રણ મેથી 19 મે સુધી લગભગ 1,91,925 પ્રવાસી પાછા ફર્યા હતા.
20 મેના રોજ રાજ્ય સરકારના સ્વાસ્થ્યવિભાગ દ્વારા જારી કરાયેલા 24 કલાકના આંકડા પ્રમાણે, 74 લોકોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યા છે, જે પૈકી 72 મામલા પ્રવાસી મજૂરોના હતા.
રાજસ્થાનના પણ આંકડા કંઈક આવા જ છે. રાજ્યમાં અત્યાર સુધી લગભગ સાડા છ લાખ પ્રવાસી પાછા ફરી ચૂક્યા છે અને તે પૈકી 20 મે સુધી 946 પ્રવાસી કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે.
કંઈક આવા જ હાલ પશ્ચિમ બંગાળના પણ છે.
પશ્ચિમ બંગાળમાં પણ જે પ્રવાસી મજૂરો પાછા ફર્યા છે તે પૈકી કેટલાક સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.
સંક્રમણના મામલે ભારત ચીન કરતાં પણ આગળ નીકળી ગયું છે અને આવી સ્થિતિ ત્યારે સર્જાઈ છે જ્યારે દેશમાં 25 માર્ચ બાદથી જ લૉકડાઉન છે.

સરકારી રણનીતિમાં ક્યાં રહી ઊણપ?

ઇમેજ સ્રોત, EPA
આવી પરિસ્થિતિમાં એ સવાલ ઊઠે છે કે લૉકડાઉનની રણનીતિ વડે સંક્રમણને નિયંત્રિત કરવાની સરકારની નીતિ બેઅસર સાબિત થશે?
આખરે કેમ સરકાર પ્રવાસીઓની સમસ્યાનું નિરાકરણ નથી શોધી શકી રહી?
જેમ ટેસ્ટ થયા વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયા વગર આ મજૂરો પોતાનાં ગૃહરાજ્યોમાં પાછા ફરી રહ્યા છે તેના કારણે સંક્રમણના આંકડામાં વધારો થવાનો ભય પેદા થયો છે.
ઝારખંડ સરકારના સ્વાસ્થ્ય સચિવ નીતિન કુલકર્ણી જણાવે છે કે એ વાતથી ઇનકાર ન કરી શકાય કે પ્રવાસીઓના પરત ફરવાને કારણે સંક્રમણના મામલામાં વધારો થયો છે.
તેઓ જણાવે છે કે, 'ઝારખંડમાં પરિસ્થિતિ અમારા કાબૂમાં હતી, પરંતુ ત્રણ મે બાદ જ્યારે પ્રવાસી પર ફરવાની શરૂઆત થઈ, અહીં સંક્રમણના મામલા ઝડપથી વધવા લાગ્યા.'
તેઓ 20 મેના આંકડાનો હવાલો આપતાં જણાવે છે કે આજે જ નવા 33 મામલા સામે આવ્યા છે અને આ તમામ મામલા પ્રવાસી મજૂરો સાથે સંકળાયેલા છે.
તેઓ જણાવે છે કે રાજ્યમાં સંક્રમણના લગભગ 110 મામલા પ્રવાસી મજૂરો સાથે સંકળાયેલા છે.
જોકે, તેઓ પ્રવાસી મજૂરો અંગેની કેન્દ્ર સરકારની નીતિ પર કોઈ ટિપ્પણી નથી કરતા.
તેઓ જણાવે છે કે, 'આ સમય આવી વાતોની ચર્ચા કરવાનો નથી. અત્યારે તો નવા આવી રહેલા મામલાને સુવ્યવસ્થિતપણે જોવાની જરૂર છે.'

તો શું રાજ્ય આ આપત્તિ માટે તૈયાર હતા?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આ સવાલના જવાબમાં નીતિન જણાવે છે કે, 'તૈયાર હોવાની વાત નથી, પરંતુ આ વાતની તો બધાને જાણ જ હતી કે તેઓ એક દિવસ પાછા તો ફરશે જ. કોઈને કેટલા દિવસ સુધી રોકી રાખી શકાય છે.'
તો આ પરિસ્થિતિનો સામનો કરવા માટે રાજ્ય સરકારો શું કરી રહી છે અને શું આ સમસ્યાનું કોઈ નિરાકરણ સૌથી શકાશે?
નીતિન જણાવે છે કે, 'હાલ તો તેનું કોઈ નિરાકરણ નથી. પ્રથમ તો જે લોકો પાછા ફરી રહ્યા છે તેમને ડિસઇન્ફેક્ટ કરી ક્વોરૅન્ટિન કરવામાં આવે.'
પરંતુ નીતિન એ વાતને લઈને પણ ચિંતા અનુભવે છે કે અત્યારે જ્યારે માત્ર અમુક ટ્રેનો મારફતે જ મુસાફરો પાછા ફરી રહ્યા છે ત્યારે આ હાલ છે, પરંતુ હવે તો નિયમિત વાહનવ્યવહાર અને ટ્રેનો શરૂ થતાં તો ભય છે કે તેમના આગમનનું રેકર્ડ રાખવાનું પણ મુશ્કેલ બની જાય.
તો શું આપણે બીજા ફૅઝ તરફ આગળ વધી રહ્યા છે?
નીતિન આ પ્રશ્નનો માત્ર એટલો જ જવાબ આપે છે કે આ વિશે કંઈ ન કહી શકાય, આવનારા સમયમાં જ આનો જવાબ મળશે.
સ્વરાજ પાર્ટીના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ રાજ્યોમાં પ્રવાસીઓના આગમનને કારણે વધી રહેલા સંક્રમણના આંકડા વિશે વાત કરતાં જણાવે છે કે, 'જ્યારે લૉકડાઉન શરૂ થયું હતું ત્યારે જ સરકાર ટ્રેન શરૂ કરી દેત અને લોકોને પરત લઈ જવાની વ્યવસ્થા કરી દેત તો ત્યારે સંક્રમણ ફેલાવાની શક્યતા ઓછી હોત.'
'કારણ કે તે સમયે માત્ર 500 લોકો સંક્રમિત હતા, પરંતુ અત્યારે સંક્રમણના મામલા એક લાખને પાર પહોંચી જવાને કારણે સંક્રમણનો ભય 200 ગણો વધી ગયો છે. પરંતુ જો આ વ્યવસ્થા કરવામાં હજુ વધુ મોડું થશે તો ખતરો વધી જશે.'

ઇમેજ સ્રોત, Getty Images
યોગેન્દ્ર યાદવ જણાવે છે કે, 'સરકારે શરૂઆતમાં લીધેલાં ખોટાં પગલાંના કારણે પોતાના માટે કોઈ વિકલ્પ નથી બાકી છોડ્યો.'
તેઓ જણાવે છે કે, 'સૌથી મોટી વિટંબણા તો એ છે કે જ્યારે સંક્રમણના મામલા ઓછા હતા ત્યારે આપણે ટ્રેન ન ચલાવી અને હવે જ્યારે સંક્રમણના મામલા વધ્યા છે ત્યારે આપણે ટ્રેન ચલાવી રહ્યા છીએ.'
'તેથી સંક્રમણના મામલામાં વધારો થવાનું તો નક્કી જ છે. પરંતુ હજુ પણ જો સરકાર આવનારા પાંચ-છ દિવસમાં તમામને મોકલી દે કે જવા દે તો તે એક સમજદારીભર્યો નિર્ણય કહેવાશે. પરંતુ જો આવું વધુ સમય ચાલ્યું અને લોકોને બંધ કરીને રાખવામાં આવ્યા તો લોકો તો ભૂખથી મરી જશે.'
જોકે, તેઓ સુરક્ષાનો વધુ એક મુદ્દો ઉપાડતાં જણાવે છે કે, 'જે લોકોને મોકલવામાં આવી રહ્યા હતા તેમના ટેસ્ટ કરીને અને યોગ્ય સાવચેતી રાખીને મોકલવાના હતા.'
'પરંતુ જ્યારે જરૂરિયાત ઓછી હતી ત્યારે આટલું બધું કરી નાખ્યું અને જ્યારે સૌથી વધારે સાવચેત રહેવાની જરૂર છે તો હવે યોગ્ય સાવચેતી નથી રખાઈ રહી.'
તેઓ માને છે કે આ તમામ પગલાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે સરકાર પાસે આના માટે કોઈ સમજી-વિચારીને ઘડાયેલી રણનીતિ નહોતી.

ઇમેજ સ્રોત, EPA
પરંતુ સરકારો પ્રવાસી મજૂરોને કેમ સાચવી નથી શકી રહી?
આ પ્રશ્નના જવાબમાં યોગેન્દ્ર યાદવ જણાવે છે કે, 'સરકારમાં શરૂઆતના તબક્કે આટલી સમજ નહોતી. તેમજ તેમના માટે એ સમયે આ લોકો અદૃશ્ય હતા. આપણી નીતિઓમાં શરૂઆતથી જ આ લોકોને અદૃશ્ય રાખવામાં આવ્યા છે.'
'તેઓ સડક પર ઊતર્યા ત્યારે જઈને બધાને દેખાયા. એ પહેલાં તો ગાઇડલાઇન્સમાં તેમનો ઉલ્લેખ પણ નહોતો. રસ્તા પર ઊતર્યા બાદ પણ તેમના માટે કોઈ અસરકારક રણનીતિ ન બનાવાઈ. આ પરિસ્થિતિ સમગ્રપણે રાજકીય ઇચ્છાશક્તિની ઊણપને કારણે સર્જાઈ છે.'
જોકે, પૂર્વ ગૃહસચિવ વાલ્મીકિ પ્રસાદસિંહ જણાવે છે કે સરકારે રણનીતિ અંતર્ગત કામ ન કર્યું એવું નથી.
તેઓ જણાવે છે, 'સરકાર પોતાની રણનીતિ પ્રમાણે પ્રવાસી મજૂરો અને અન્ય લોકોને જે સ્થળે છે ત્યાં જ રહેવા દેવા માગતી હતી.'
'પરંતુ લોકોમાં પોતાના ઘરે જવા માટે આવેશ જોવા મળ્યો, ત્યાર બાદ સરકારની આ રણનીતિ પડી ભાંગી.'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
'ત્યાર બાદ લોકોને ઘરે મોકલવાનો નિર્ણય લેવાયો. પરંતુ એ સમયે ખબર નહીં કેમ લોકોને એ સંભાવના ન દેખાઈ કે જ્યારે લોકો પોતાના ઘરે પાછા ફરશે ત્યારે તેમની અસીમિત સંખ્યાને સામે કોઈ રણનીતિ કામ નહીં લાગે.'
તેઓ જણાવે છે કે, 'હવે તો જે પરિસ્થિતિ છે તેને સ્વીકારીને જ ચાલવું રહ્યું, ત્યાર બાદ તેની સ્થિરતા અંગે વિચારવું. સરકાર આવી જ રીતે કામ કરે છે. દરેક જગ્યાએ કંઈકને કંઈક ભૂલો થાય છે. પરંતુ ઘણી વાર આવા મામલામાં દૂરદર્શીપણું જાળવવું મુશ્કેલ બની જાય છે. હવે આ મુશ્કેલીનો કોઈ ઉપાય નથી. હવે માત્ર એનો સામનો કરવાનો છે.'
તો શું પ્રથમ લૉકડાઉનની જાહેરાત પહેલાં જ મજૂરોને પોતાના વતન પરત ફરવાનો સમય નહોતો આપવો જોઈતો. આ પ્રશ્નના જવાબમાં બાલ્મીકિ પ્રસાદસિંહ જણાવે છે કે, 'આ વાતને ભૂલ ન ગણી શકાય. ઘણી વાર આકસ્મિકપણે જે વાતો કરવામાં આવે છે તેની અસર થતી હોય છે અને આવું જ અત્યાર પણ બન્યું છે.'
તેઓ માને છે કે, 'આપણે હાલની સ્થિતિ પ્રમાણે જ નિરાકરણ શોધવું પડશે. હવે સૌથી જરૂરી છે કે ટેસ્ટ કરવામાં આવે, બહારથી આવનાર વ્યક્તિઓને ક્વોરૅન્ટિન કરવામાં આવે. કારણ કે હવે જે રસ્તો અપનાવી લેવાયો છે તેને બદલી ન શકાય. જે રસ્તા પર આપણે ચાલી નીકળ્યા છીએ તેની પર જ બુદ્ધિમાની સાથે આગળ વધતા રહેવું જોઈએ.'
હવે સરકાર પ્રવાસી મજૂરોને કારણે જે અસમંજસની પરિસ્થિતિમાં મુકાઈ છે તેમાંથી બહાર નીકળવા માટે તાત્કાલિક અને અસરકાર ઉપાયો કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. હવે સરકાર આ પરિસ્થિતિને ક્યારે કાબૂમાં લઈ શકશે તે જોવું રહ્યું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













