શ્રીલંકા : કોરોનાથી મરનારા મુસલમાનોને દફનાવવા અલગ ટાપુ પર જગ્યા આપનારો દેશ

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસના કારણે જેમનું મૃત્યુ થયું હોય એવા લઘુમતી મુસ્લિમ અને ખ્રિસ્તીઓને દફનાવવા માટે શ્રીલંકાની સરકારે દેશની મુખ્ય વસતીથી બહાર એક ટાપુની પસંદગી કરી છે.
આ પહેલાં ત્યાંની સરકારે લઘુમતી સમુદાયની વ્યક્તિને બહુમતી બૌદ્ધ સમાજની જેમ અગ્નિસંસ્કાર કરવા માટે ફરજ પાડી હતી. શ્રીલંકા સરકારની દલીલ હતી કે કોરોના વાઇરસના દરદીઓની જ્યાં દફનવિધી કરવામાં આવશે ત્યાં જમીન-પાણી પ્રદૂષિત થઈ જશે.
જોકે, સરકારના આ નિર્ણયની માનવઅધિકાર સંગઠનોએ ટીકા કરી હતી. હવે સરકારે એક ટાપુની પસંદગી કરી છે. ઇસ્લામમાં અગ્નિસંસ્કાર પ્રતિંબધિત છે અને ધાર્મિક માન્યતાઓ મુજબ મૃતકોને દફનાવવામાં આવે છે.
એટલા માટે 'વચ્ચેનો રસ્તો' અપનાવતા શ્રીલંકાની સરકારે મન્નારના અખાતમાં આવેલા ઇરાનાથિવુ ટાપુને 'કોરોના વાઇરસથી મૃત્યુ પામનારી વ્યક્તિઓને દફનાવવાની જગ્યા' તરીકે નક્કી કર્યો છે.

નિર્ણયથી મુસ્લિમ સમાજ નારાજ

ઇમેજ સ્રોત, Getty Images
પંસદ કરવામાં આવેલ ટાપુ શ્રીલંકાના પાટનગર કોલંબોથી 300 કિલોમીટર ઉત્તર દિશામાં છે. સરકાર મુજબ ઇરાનાથિવુ ટાપુમાં બહુ ઓછી વસતી હોવાના કારણે તેની પસંદગી કરવામાં આવી છે.
ગયા વર્ષે એપ્રિલ મહિનામાં લાગુ કરવામાં આવેલા સરકારના અગ્નિસંસ્કાર અંગેના નિર્ણયથી શ્રીલંકામાં રહેતા મુસ્લિમો નારાજ થયા હતા.
મુસ્લિમો કહે છે કે 'સરકારના પ્રતિબંધ પાછળ સરકારે જે દલીલ આપી હતી, તેમાં કોઈ વૈજ્ઞાનિક આધાર નહોતો.'
સરકારી આંકડા મુજબ શ્રીલંકામાં મુસ્લિમોની વસ્તિ આશરે 10 ટકા છે. માનવ અધિકાર સંગઠન 'ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલ' અને 'સંયુક્ત રાષ્ટ્ર' સહિત બીજાં ઘણાં સંગઠનોએ પણ સરકરાના આ નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શ્રીલંકાની સરકારના પ્રવક્તા કેહેલિયા રામબુકવેલા કહે છે, "ઇરાનાથિવુ ટાપુ પર મૃતદેહને દફનાવવા માટે એક પ્લૉટ અનામત રાખવામાં આવ્યો છે."

સરકારની નીતિની નિંદા

ઇમેજ સ્રોત, EPA
કોરોના વાઇરસ દરદીના મૃતદેહની કઈ રીતે સંભાળ લેવી તેના વિશે વિશ્વ આરોગ્ય સંગઠન સતત માર્ગદર્શિકા બહાર પાડતું રહ્યું છે.
તેના જણાવ્યા અનુસાર એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે સંક્રમણને અટકાવવા માટે મૃતદેહની દફનવિધિને બદલે અગ્નિસંસ્કાર કરવા જોઈએ.
સંગઠનના કહેવા મુજબ, એક સામાન્ય માન્યતા એવી છે કે કોઈ ચેપી બીમારીથી મૃત્યુ પામનારી વ્યક્તિના અગ્નિસંસ્કાર કરવા જોઈએ, જેથી એ ચેપને ફેલાતો અટકાવી શકાય.
જોકે આ વાતનું સમર્થન કરતા કોઈ પુરાવા નથી. માનવઅધિકાર સાથે સંકળાયેલી બાબતો માટે સયુંક્ત રાષ્ટ્રના કમિશનર કહે છે કે કોરોના વાઇરસના દરદીઓના અંતિમસંસ્કાર માટે શ્રીલંકામાં જે નીતિ અપનાવવામાં આવી છે, તે દરદીઓના પરિવારજનો માટે, ખાસ કરીને મુસ્લિમ, કૅથોલિક અને અમુક બૌદ્ધ અનુયાયીઓની ધાર્મિક ભાવનાઓને સન્માન આપવામાં નિષ્ફળ નિવડી છે.
શ્રીલંકામાં 20-દિવસના મુસ્લિમ બાળકના બળજબરીપૂર્વક દાહસંસ્કાર કરવામાં આવતા સરકારની આ નીતિની સામે તીવ્ર ટીકા થઈ રહી છે. જોકે, કેટલાક મુસ્લિમ અને ખ્રિસ્તી નેતાઓ સરકારના તાજેતરના નિર્ણયની પણ ટીકા કરી રહ્યા છે.

'અસંવેદનશીલ નિર્ણય'

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સાથેની વાતચીતમાં મુસ્લિમ કાઉન્સીલ ઑફ શ્રીલંકાના ઉપાધ્યક્ષ હિલ્મે અહમદ જણાવે છે, "આ એક હાસ્યાસ્પદ અને અસંવેદનશીલ નિર્ણય છે. આ સંપૂર્ણ રીતે જાતિવાદી ઍજન્ડા પર આધારિત છે. સૌથી દુઃખદ વાત એ છે કે તેઓ એ વિસ્તારોમાં રહેતા તામિલો વિરુદ્ધ મુસ્લિમોને ઊભા કરી રહ્યા છે."
ટાપુ પર રહેતા પાદરી ફાધર મધુથેન પૈથિનેથર બીબીસીને કહે છે, "સરકારના આ નિર્ણયથી અમારા સમુદાયને ઘણું દુઃખ થયું છે. અમે સરકારના આ પગલાનો વિરોધ કરીએ છીએ. તેનાથી સ્થાનિક સમુદાયને નુકસાન થશે."
બીબીસીમાં દક્ષિણ એશિયાના પ્રાદેશિક તંત્રી અનબરાસન એથિરાજન કહે છે કે સરકારના આ નિર્ણયને શ્રીલંકામાં રહેતા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ બહુ ગુસ્સે ભરાઈ ગયા છે.
ગયા અઠવાડિયે સરકારે ફરજિયાત અંતિમસંસ્કાર પૂર્ણ કરવાની જાહેરાત કરી ત્યારે આ સમુદાયોએ થોડી રાહત અનુભવી હતી. પરતું સરકારના તાજેતરની જાહેરાતને આ લોકો અપમાનની રીતે જોઈ રહ્યાં છે.
આ સમુદાયોની દલીલ છે કે મૃતકને દફનાવવા માટે તેમણે ઘરથી બહુ દુર જવું પડશે, જેમાં વધારાનો સમય લાગશે અને ખર્ચ પણ થશે.
આ ઉપરાંત કોઈ પણ ઉત્સવ અથવા વર્ષગાંઠના અવસરે તેમને શ્રદ્ધાંજલિ આપવી પણ મુશ્કેલ થઈ જશે. કોરોના વાઇસના કારણે શ્રીલંકામાં અત્યાર સુધી 450થી વધુ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે, જેમાં આશરે 300 લોકો લઘુમતી સમુદાયના છે.
શ્રીલંકામાં કોરોના વાઇરસના દરદીઓના મૃતદેહની દફનવિધી કરવા પર મૂકવામાં આવેલ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને શ્રીલંકાની મુલાકાત લીધી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદના અધિવેશનમાં પાકિસ્તાનનો ટેકો મેળવવા માટે શ્રીલંકાએ આમ કર્યું હતું. જોકે શ્રીલંકાની સરકાર આ વાતનો અસ્વીકાર કરે છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













