સ્થાનિકસ્વરાજ ચૂંટણી : બહુમતી હોવા છતાં અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખપદ ભાજપને કેમ નહીં મળે?

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસ્વીર
    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી ગુજરાતી

તાજેતરમાં જ ગુજરાતની સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ગયા છે, જેમાં કૉંગ્રેસનો રકાસ થયો છે. રાજ્ય ચૂંટણીપંચ અનુસાર 31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને 800 બેઠકો મળી છે, કૉંગ્રેસને 169, અપક્ષને ત્રણ, આપને બે, બીએસપીને એક અને અન્યને ચાર બેઠકો મળી છે. નજીકના દિવસોમાં 30 જિલ્લા પંચાયતોમાં ભાજપ સત્તારુઢ થવાનો છે.

જોકે અમદાવાદ જિલ્લા પંચાયતમાં સ્થિતિ થોડી અલગ છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને અહીં 30 બેઠકો મળી છે જ્યારે કૉંગ્રેસને 4 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ભાજપને અહીં બહુમતી મળી હોવા છતાં પ્રમુખપદ કૉંગ્રેસના ઉમેદવારનાં ફાળે ગયું છે.

કેમ કે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ ST બેઠક માટે અનામત રાખવામાં આવ્યું છે. જેને પગલે વિરમગામ તાલુકાની શાહપુર બેઠકથી કૉંગ્રેસના પારુબેન પઢારની અઢી વર્ષ માટે જિલ્લા પંચાયતનાં પ્રમુખ બનશે.

અમદાવાદ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પકંજસિંહ વાઘેલા કહે છે કે, "ST મહિલા સભ્ય માટે પ્રમુખ પદ અનામત રાખવામાં આવ્યું છે. ચૂંટાયેલા સભ્યોમાં એકમાત્ર પારુબેન એવા સભ્ય છે જેઓ પ્રમુખપદ માટેની બધી શરતો પૂર્ણ કરે છે અને એટલા માટે હવે તેઓ પ્રમુખ બનશે."

તેઓ વધુમાં કહે છે કે, "જિલ્લા પંચાયતના વિકાસ કામો સારી રીતે થાય તે માટે કૉંગ્રેસ પક્ષ સતત પારુબેનને માર્ગદર્શન આપશે. પારુબેન જિલ્લા પંચાયતની સાથે-સાથે પોતાનાં વિસ્તારનાં વિકાસ કામો સારી રીતે પૂર્ણ કરી શકે તે માટે પણ પક્ષ બધી રીતે તેમને સહયોગ આપશે."

line

કોણ છે પારુબેન પઢાર?

પારુબેન પઢાર જેઓ અમદાવાદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ બનવાનાં છે.

ઇમેજ સ્રોત, AMBABHAI PADHAR

ઇમેજ કૅપ્શન, પારુબેન પઢાર જેઓ અમદાવાદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ બનવાનાં છે.

પારુબેન પઢાર છેલ્લાં 20 વર્ષથી કૉંગ્રેસના સક્રિય સભ્ય છે. તેઓ કૉંગ્રેસ પક્ષમાં ઘણાં હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. તેમણે શાહપુર ગામનાં સરપંચ તરીકે પણ કામ કર્યું છે અને હવે કૉંગ્રેસની ટિકિટ પર જિલ્લા પંચાયતની બેઠક પર ચૂંટાયા છે. હાલ તેઓ ગ્રામ પંચાયતના સભ્ય પણ છે.

પારુબેનના પતિ અંબારામ પઢાર કહે છે કે, "જાહેર જીવનમાં પારુએ લોકોના ઘણાં કામો કર્યાં છે અને એટલા માટે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેઓ જીતશે એવી બધાને ખાતરી હતી. હવે જ્યારે તક મળી છે ત્યારે તે જિલ્લાના વિકાસના કામો આગળ વધારવામાં અને પૂર્ણ કરવા માટે કાર્ય કરશે."

અંબારામ પઢાર 25 વર્ષથી કૉંગ્રેસમાં સક્રિય છે અને તેઓ એક ટર્મ માટે શાહપુર ગામના સરપંચ પણ રહી ચૂક્યા છે. 2015માં વિરમગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં તેઓ શાહપુર બેઠકથી ચૂંટાઈ આવ્યા હતા. દંપતીને એક પુત્ર છે પરતું તેમણે રાજકરણમાં પ્રવેશ કર્યો નથી.

ચૂંટણીપંચ અનુસાર ચૂંટણીમાં પારુબેનને 9018 મત મળ્યાં છે, જ્યારે ભાજપના ઉમેદવાર લલિતા પઢારને 8064 મત મળ્યાં છે.

line

જનતાના કામ કરવા માંગુ છુંઃ પારુબેન પઢાર

PARUBEN PADHAR

ઇમેજ સ્રોત, AMBABHAI PADHAR

ઇમેજ કૅપ્શન, PARUBEN PADHAR

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પારુબેન કહે છે, "મને ખાતરી હતી કે હું ચૂંટણી જીતીશ. ચૂંટણી લડતી વખતે જિલ્લા પંચાયત પ્રમુખ વિશે વિચાર્યું નહોતું પરંતુ મનમાં હતું કે બની શકું છું."

"હવે જ્યારે મોકો મળ્યો છે, ત્યારે નર્મદાના નીર શાહપુર, વેકરીયા અને રુપાવટી ગામો સુધી લઈ જવા માટે કામ કરીશ. નર્મદાનું પાણી નભોઈ સુધી આવી ગયું છે અને શાહપુર મૅન્યોરની મંજૂરી મળી ગઈ પરતું કામ હજુ સુધી આગળ વધ્યું નથી."

"આ કામ પૂર્ણ થઈ જાય તે માટે મહેનત કરીશ. જો મેન્યોર બની જાય તો ખેડૂતો સારો પાક લઈ શકશે. પાણીની અછતના કારણે ખેડૂતોને બહુ નુકસાન થઈ રહ્યું છે."

અંબારામ પઢાર કહે છે કે, "જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્યો વધુ છે પરતું લોકોના કામ થાય તે માટે બધા સાથે રાજીખુથી કામ કરશે એવી આશા છે. અઢી વર્ષ દરમિયાન પારુને ભાજપના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળે એ માટે અમે કામ કરીશું અને અમને ખાતરી છે કે જિલ્લા પંચાતયના ચૂંટાયેલા સભ્યો તેની મદદ કરશે."

line

અમે થોડા નિરાશ છીએઃ ભાજપ

ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે બીબીસીને જણાવ્યું કે, "અમે થોડા નિરાશ છીએ કે બહુમતિ મેળવી હોવા છતાં અમદાવાદ જિલ્લા પંચાયતમાં અમારો પ્રમુખ નહીં હોય પરતું નિયમ પ્રમાણે ચાલીશું. અનામતના કારણે આવું થાય છે."

"પાછલાં ટર્મમાં અમે લઘુમતિમાં હતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા પક્ષમાંથી હતા. અમદાવાદ જિલ્લા પંચાયતમાં એક જ ST મહિલા અનામત બેઠક છે જે શાહપુર બેઠક છે."

"જિલ્લા પંચાયત પ્રમુખપદ પણ ST મહિલા માટે અનામત રાખવામાં આવી છે. શાહપુર બેઠકથી અમારા ઉમેદવાર હારી જતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. આ લોકશાહીની ખૂબસુરતી પણ છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "અમને આશા છે કે પારુબેન પઢાર અને કૉંગ્રેસ પક્ષ વિકાસના કામોને પૂર્ણ કરવામાં અમને પૂરતો સહકાર આપશે. પારુબેન જિલ્લા પંચાયતમાં ભાજપની કમિટીઓ સાથે સંકલન કરીને અમદાવાદ જિલ્લા માટે સારું કામ કરશે. અમે વિકાસના કામો માટે તેમને પૂરતો સહકાર આપીશું."

દરમિયાન બીબીસીના સહયોગી સ્થાનિક પત્રકાર ભાર્ગવ પરીખે જણાવ્યું હતું કે અઢી વર્ષની મુદત પછી જ્યારે બિનઅનામત વર્ગના ઉમેદવારનો વારો આવશે, ત્યારે તે રીતની વ્યવસ્થા હેઠળ પ્રમુખ બદલાશે.

line
સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો