અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર-ભાવનગર મહાનગરપાલિકાનું ચૂંટણીપરિણામ : ભાજપનો ભવ્ય વિજય, સુરતમાં 'આપ'નો ઉદય અને ઔવેસીની પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી

ગુજરાતમાં રવિવારે યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણીનું મંગળવારે પરિણામ આવ્યું હતું. જેમાં સત્તાપક્ષ ભાજપે ફરી વાર વિજયી પરફોર્મન્સ કરી બતાવ્યું હતું.

આમ આદમી પાર્ટી સુરતમાં વિપક્ષમાં આવી ગઈ અને ગુજરાતમાં મુખ્ય વિપક્ષ ગણાતી કૉંગ્રેસ પાર્ટી છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૈકી સુરત, રાજકોટ અને ભાવનગરમાં ડબલ ડિજિટ સુધી પણ નથી પહોંચી શકી.

પહેલી વાર સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં ઝંપલાવનાર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM અને અરવિંદ કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીને પણ અનુક્રમે અમદાવાદ અને સુરતમાં સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે.

સાથે જ જામનગરમાં ત્રણ બેઠકો પર બહુજન સમાજ પાર્ટી (BSP)ને સફળતા સાંપડી છે.

સુરતમાં આમ આદમી પાર્ટીને મળેલી જીતને રાજકીય વિશ્લેષકો કૉંગ્રેસના વિકલ્પ તરીકે પણ જોઈ રહ્યા છે.

જોકે, આમ આદમી પાર્ટી આ સફળતાને ભવિષ્યમાં કેટલી યુટિલાઇઝ કરી શકશે તે અંગે પ્રશ્ન બરકરાર છે.

વડા પ્રધાન અને મુખ્ય મંત્રીએ પાઠવી શુભેચ્છા

ભાજપની જીત બાદ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અને ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ મતદારોનો આભાર માન્યો હતો.

સોશિયલ મીડિયા થકી ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરતાં તેમણે આ જીતને ગુજરાતની જનતાની જીત ગણાવી હતી.

વડા પ્રધાન મોદીએ પોતાના શુભેચ્છા સંદેશમાં ગુજરાત પ્રદેશના ભાજપના કાર્યકરોને પણ બિરદાવ્યા હતા.

વડા પ્રધાને ટ્વિટર પર ભાજપની જીત અંગે ટ્વીટ કરતાં લખ્યું કે, “જે પક્ષ રાજ્યની બે દાયકાથી સેવા કરી રહ્યો છે તેના માટે આવી જીત મેળવવી એ અભૂતપૂર્વ વાત છે. સમાજના તમામ વર્ગો તરફથી મળી રહેલા સમર્થનને જોવું આનંદદાયી છે. ખાસ કરીને ગુજરાતના યુવાનોનું ભાજપ માટેનું સમર્થન જોઈને ખૂબ ખુશી અનુભવાય છે.”

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મહાનગરપાલિકાનાં પરિણામોમાં ભાજપની જીત નિશ્ચિત થયા બાદ ટ્વિટર પર લખ્યું હતું કે, “માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યુ છે.”

સુરતમાં જીત બાદ કેજરીવાલ ઘડ્યો સુરત વિઝિટનો પ્લાન

રાજ્યમાં પોતાની પ્રથમ ચૂંટણીપરિક્ષામાં સુરતમાં કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીને ઝળહળતી સફળતા મળી છે.

સુરતનાં પરિણામો સામે આવ્યાં બાદ દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાનો આભાર માનતાં ટ્વિટર પર લખ્યું હતું કે, “નવા રાજકારણની શરૂઆત કરવા માટે ગુજરાતના લોકોને દિલથી શુભેચ્છા.”

સુરતમાં આશાસ્પદ પરિણામ મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી વર્ષ 2022માં રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીનું લક્ષ્ય લઈને ચાલી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે.

કૉંગ્રેસને હઠાવી સુરત મહાનગરપાલિકામાં મુખ્ય વિપક્ષની ભૂમિકામાં આવનાર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પક્ષની જીતની પક્ષના કાર્યાલયે ઉજવણી કરી હતી. જે બાદ દિલ્હીના મુખ્ય મંત્રી સુરતની મુલાકાત માટે આગામી 26 જાન્યુઆરીએ આવશે તેવી જાહેરાત કરાઈ હતી.

‘કૉંગ્રેસના કાર્યકરોને નિરાશ કરનારાં પરિણામો’

રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે પણ છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય અંગે શુભેચ્છા સંદેશ આપતાં લખ્યું હતું કે, “સ્થાનિકસ્વરાજની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો તે બદલ વિજયી થનાર સર્વ ઉમેદવારો, ભાજપના સર્વ હોદ્દેદારો, કાર્યકર્તા અને ગુજરાતના સર્વ મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન.”

બીજી તરફ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસની હારને દર્શાવતાં પરિણામોને કૉંગ્રેસના કાર્યકરો માટે નિરાશાજનક ગણાવ્યાં હતાં.

તેમણે ટ્વિટર પર આ પરિણામો અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું કે, “ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો કૉંગ્રેસના મહાનગરના કાર્યકરો માટે નિરાશ કરનારાં છે.”

પરિણામોનું આકલન

ચૂંટણીપંચની વેબસાઇટ ખોટકાઈ તેમજ મતગણતરી કેન્દ્ર પર ભાજપ-કૉંગ્રેસના કાર્યકરો બાખડ્યા

ગુજરાતમાં છ મહાનગરપાલિકામાં પડેલા મતોની ગણતરીપ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન રિઝલ્ટની પળેપળની અપડેટ આપતી રાજ્ય ચૂંટણીપંચની વેબસાઇટ અમુક સમય માટે ખોટકાઈ ગઈ હતી. જે કારણે ઘણા લોકો અમુક સમય માટે પરિણામ જોઈ શક્યા નહોતા.

બપોરે પોણા ચાર વાગ્યે ચૂંટણીપરિણામો દર્શાવતી ચૂંટણીપંચની વેબસાઇટ પર જનાર યુઝરોને એરરનો અનુભવ કરવો પડ્યો હતો.

બીજી તરફ અમદાવાદમાં ગુજરાત કૉલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયા દરમિયાન ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા.

મતગણતરી કેન્દ્ર પર સિક્યૉરિટી પૉઇન્ટ પર તહેનાત પોલીસકર્મીઓ પર કૉંગ્રેસના કાર્યકરોએ પક્ષપાત કરવાનો આક્ષેપ કર્યો હતો અને સિક્યૉરિટી પૉઇન્ટને નુકસાન પહોંચાડ્યું હતું.

છ મહાનગરપાલિકાના પરિણામની દિવસ ભરની અપડેટ તમે અહીં જોઈ શકો છો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો