અમદાવાદી મતદારોનું ઓછું મતદાન ભાજપને કેટલું નડશે અને કોનો ફાયદો કરાવશે?

સી. આર. પાટીલ

ઇમેજ સ્રોત, BJP GUJARAT TWITTER

    • લેેખક, જીગર ભટ્ટ
    • પદ, બીબીસી સંવાદદાતા
તમારી ફેવરિટ ભારતીય મહિલા ખેલાડીને વોટ આપવા માટે CLICK HERE

રવિવારે ગુજરાતમાં યોજાયેલી સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં થયેલા મતદાને લોકોને ચોંકાવી દીધા હતા. ગુજરાતની છ મહાનગરપાલિકામાં થયેલું સરેરાશ મતદાન ગત ચૂંટણીની સરખામણીએ વધારે થયું હતું. રાજ્યમાં 2015માં યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 45.67 ટકા મતદાન થયું હતું જે આ વર્ષે 46.08 ટકા થયું છે.

જોકે સૌથી ચોંકાવનારી વિગત એ હતી કે અમદાવાદમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગત ચૂંટણીમાં અમદાવાદમાં 46.51 ટકા મતદાન થયું હતું જ્યારે 2021ની ચૂંટણીમાં 42.51 ટકા મતદાન થયું છે.

અમદાવાદના જે મતવિસ્તારોમાં મતદાન ઓછું થયું છે તેમાંથી મોટભાગના વૉર્ડમાં ભાજપ ગત ચૂંટણી જિત્યો હતો.

અમદાવાદના જે વિસ્તારોમાં સાત ટકા કે તેનાથી ઓછું મતદાન થયું છે તેવા 14 વૉર્ડ છે. જેની 56 સીટમાંથી 47 સીટ પર ભાજપ વિજેતા બન્યો હતો. જ્યારે નવ જ સીટ પર કૉંગ્રેસ પાર્ટી વિજેતા બની હતી.

કૉંગ્રેસ પાર્ટીએ પૂર્વના દાણીલીમડા અને બહેરામપુરા વૉર્ડની આઠ સીટ જીતી હતી. જે વર્ષોથી કૉંગ્રેસની સુરક્ષિત સીટ મનાય છે. જ્યારે એક સીટ ચાંદખેડામાં જીતી હતી.

ભાજપ પશ્ચિમના ઘાટલોડિયા, નવાવાડજ, ચાંદખેડા, નારણપુરા, ચાંદલોડિયા, નવરંગપુરા, નારણપુરા, ગોતા, દાણીલીમડા, બહેરામપુરા અને સાબરમતી વિસ્તારમાંથી પણ બહુમતીથી જિત્યો હતો. આ સીટો પર 2021ની ચૂંટણીમાં ઓછું મતદાન થયું છે. આ તમામ વિસ્તારને ભારતીય જનતા પાર્ટીના ગઢ માનવામાં આવે છે.

આ ઉપરાંત પૂર્વના વસ્ત્રાલ અને નરોડામાં પણ અનુક્રમે 10 અને 11 ટકા ઓછું મતદાન થયું છે.

એવું નથી કે બીજા વિસ્તારોમાં પણ ઓછું મતદાન નથી થયું પરંતુ જેટલું આ વિસ્તારોમાં થયું છે એટલું ઓછું બીજા વિસ્તારોમાં નથી થયું.

line

શું કોરોના વાઇરસના કારણે થયું ઓછું મતદાન?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, RAJESH AMBALIYA

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં મતદાનમાં નોંધાયેલો ઘટાડા પાછળ અનેક પ્રશ્નો ઊભા થાય છે કે શું કોરોના વાઇરસના કારણે ઓછું મતદાન થયું?, પ્રજાએ વિરોધ વ્યક્ત કર્યો?, ભાજપની નવી નીતિથી કાર્યકરો નિરાશ હતા?

અમદાવાદમાં વોટિંગના ઘટાડા પાછળ એક કારણ કોરોના વાઇરસ પણ માનવમાં આવે છે.

અમદાવાદના જોધપુર વૉર્ડમાં 40.28 ટકા મતદાન થયું હતું જે આ વર્ષે ઘટીને 34.52 ટકા થયું છે. જોધપુર વૉર્ડના ચિરાગ રામી નામના મતદારના ઘરેથી કોઈપણ વ્યક્તિએ વોટ આપ્યો નથી.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે મારા ઘરમાંથી કોઈએ મત આપ્યો ન હતો. કારણ કે મારા ઘરમાં મારાં પત્ની સગર્ભા હતાં જેથી અમે મત આપીને રિસ્ક લેવા માગતા ન હતાં. જેના કારણે અમે ઘરના કોઈ મત આપવા પણ નહોતા ગયા.

જોકે રાજકીય પક્ષોથી પણ તેઓ થોડાઘણા અંશે નિરાશ હતા. તેઓ કહે છે, “મારા ઘરમાં એક નાનો પ્રસંગ હતો. એમાં 100 માણસ બોલાવવાના હતા તો મારે પોલીસની પરવાનગી લેવી પડે. પ્રસંગમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડે. બધાએ અલગ અલગ બેસીને ફોટા પડાવ્યા. શરમની વાત છે. અને આ નેતાઓ આટલા મોટાં સરઘસ કાઢે એમના માટે કોઈ નિયમ નહીં ને આપણે સામાન્ય પ્રસંગ માટે પણ પરવાનગી લેવા જવું પડે. માટે મતદાનનો જ બહિષ્કાર કર્યો.”

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને અને તેની ચૂંટણીને વર્ષોથી કવર કરતાં પત્રકાર મૃગાંક પટેલ કહે છે કે હા ચોક્કસ પશ્વિમના વિસ્તારમાં જે ઓછું મતદાન થયું તેની પાછળનું મોટું કારણ કોરોના વાઇરસથી સંક્રમિત થવાનો ભય છે.

તેઓ વધુમાં કહે છે, “પશ્ચિમમાં શિક્ષિત લોકો રહે છે તેમને વધારે કોરોનાનો ભય લાગે તેમાં બેમત નથી. અને જે પ્રકારની આપણી વ્યવસ્થા હોય છે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અઘરું પડે છે. જ્યારે પૂર્વના વિસ્તારમાં કોરોના વાઇરસને આટલું સિરિયસલી લેતા નથી માટે મતદાન થયું છે.”

ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ પણ માને છે કે કોરોના વાઇરસના કારણે ઓછું મતદાન થયું છે, તેઓ કહે છે, “આ બધા ગીચ વસતિવાળા વિસ્તારો છે અને લોકોને સો ટકા ડર રહે છે માટે લોકો મત આપવા માટે ગયા નથી.”

જોકે, કૉંગ્રેસ પાર્ટીના ઘાટલોડિયા વૉર્ડના પ્રમુખ સાગર શાહ માને છે કે કોરોના વાઇરસના કારણે નહીં પરંતુ ભાજપે જે છેલ્લાં સાત વર્ષમાં વિનાશ કર્યો તેના કારણે પ્રજામાં અસંતોષ હતો અને તેઓ મત આપવા માટે જ બહાર ન આવ્યા.

line

શું પ્રજામાં અસંતોષ હતો?

ગુજરાતમાં યોજાઈ હતી મહાનગરપાલિકાઓની ચૂંટણી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં યોજાઈ હતી મહાનગરપાલિકાઓની ચૂંટણી

કોરોના વાઇરસે ચૂંટણીમાં ઓછું મતદાન થવાનું એક કારણ તો હતું જ પરંતુ લોકોમાં નેતાઓ માટે જોવા મળેલો અસંતોષ પણ એક કારણ હોવાનું મનાઈ રહ્યું છે.

રાજકીય વિશ્લેષક જનક પુરોહિત કહે છે, “પેટ્રોલ, તેલના ડબ્બાના ભાવમાં વધારો અને બીજી અનેક સમસ્યાઓના કારણે લોકો સરકારને એક મૅસેજ આપવા માગતા હતા માટે તેમણે મતદાન નથી કર્યું.”

ભાજપના પૂર્વ કૉર્પોરેટર અને અમદાવાદના રાજકારણને સમજતાં જયમીન પરીખ કહે છે, “મિડલ ક્લાસ અને વેપારીઓમાં પણ કોરોના વાઇરસનો દંડ અને બીજી બધી બાબતોને લઈને અસંતોષ હતો માટે તેમણે મતદાન કરવાનું ટાળ્યું છે.”

જયમિન પરીખ એમ પણ માને છે કે આ એક ભાજપને અલગ રીતે આપવામાં આવેલો જવાબ હતો.

પશ્ચિમમાં ઓછું મતદાન થવા પાછળ પ્રજામાં અસંતોષ હોય તેવું પત્રકાર મૃગાંક પટેલ માનતા નથી. તેઓ કહે છે, “પશ્ચિમના વિસ્તારમાં સુખી લોકો રહે છે તેમને મોંઘવારી સાથે એટલો સંબંધ નથી. જોકે બની શકે છે કે બે ત્રણ ટકા લોકો આવા હોઈ શકે.”

જોકે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યમલ વ્યાસ કહે છે કે અસંતોષની વાત તો કાલે વોટની ગણતરી થશે એટલે ખ્યાલ આવી જ જશે.

તેઓ કહે છે, “વર્ષોથી આ વિસ્તારોમાં ઓછું મતદાન થાય છે. હકીકતમાં તો આજ એ બધા વોર્ડ છે ત્યાં વિધાનસભાની ચૂંટણીમાં 60 ટકા મતદાન થતું હોય છે. પણ લોકોમાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં રસ દાખવતા નથી હોતા. આમ તો સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી જ મહત્ત્વની હોય છે પરંતુ લોકો રસ નથી લેતા.”

line

શું ભાજપની નવી નીતિથી નેતાઓ નારાજ?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ભાજપે આ વખતે સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે અનેક ક્રાઇટેરિયા બનાવ્યા હતા. જેના કારણે અનેક કાર્યકર્તા અને સિનિયર નેતાઓ પણ નારાજ થયા હતા.

ભાજપના એક કાર્યકર્તાએ નામ ન આપવાની શરતે કહ્યું કે ભાજપના જે જૂના જોગીઓ કૉર્પોરેટર સાથે કામ કરતા હતા તેમને પણ સત્તાની લાલચ હોય તે સ્વાભાવિક છે. 60 વર્ષની ઉંમર થાય તો પણ તેઓ ચૂંટણીમાં મહેનત કરે પરંતુ 60 વર્ષના ક્રાઇટેરિયાના કારણે તે લોકો નીકળી ગયા. જેથી તેઓ કાર્યક્રમમાં આવ્યા પરંતુ એટલું સારી રીતે કામ નહોતા કરી રહ્યા.

તેઓ વધુમાં કહે છે, “કોઈ પણ ચૂંટણી સંગઠન પાર પાડે છે. પરંતુ આ વખતે સંગઠનના માળખામાં થોડી તકલીફ હતી.”

આ વિશે રાજકીય વિશ્લેષક જનક પુરોહિત કહે છે, “ભાજપના બહુમતી વિસ્તારોમાં ઓછું મતદાન થવાનું એક કારણ એ હતું કે ટિકિટની ફાળવણીમાં જે કૉર્પોરેટર કપાયા તેમની સાથે જે વ્યક્તિઓ હતા તે નિરાશ થયા અને તેમણે બહુ મહેનત ન કરી.”

ભાજપના ભૂતપૂર્વ કૉર્પોરેટર અને અમદાવાદના રાજકારણને સમજતાં જયમીન પરીખ કહે છે, “ભાજપમાં નવા નિયમોને કારણે જે લોકોને ટિકિટ આપવામાં આવી હતી તેમાં તાલમેલનો અભાવ પણ જોવા મળ્યો હતો. તેમણે નવરંગપુરા વૉર્ડનું ઉદાહરણ આપતાં કહ્યું કે નવરંગપુરા વૉર્ડ ઘણો મોટો છે, તેના એક વિસ્તારમાં કોઈ ઉમેદવાર જ નહોતા ઊભા રાખ્યા. આમ લોકોની નજીકનો ઉમેદવાર ન હોય તો તેઓ વોટ કરવા ન જાય એ પણ બની શકે.”

ભાજપના પ્રવક્તા આ વાતને નકારતાં કહે છે, “ક્યાંક એકાદ આવો કિસ્સો બન્યો હોઈ શકે. ટિકિટ ન મળે તો પણ ભાજપનો કાર્યકર્તા બે દિવસ નિરાશ રહીને સંગઠન માટે કામ શરૂ કરી દે છે. આ અગાઉ 2005માં પણ પક્ષ નો રિપીટ થિયરી લાવ્યો હતો તો પણ નુકસાન નહોતું થયું.”

મતદાન ઓછું થવાથી કોને ફાયદો અને કોને નુકસાન?

આ વિશે વાત કરતાં જનક પુરોહિત કહે છે કે એવું બની શકે કે મતદાન ઓછું થવાના કારણે કેટલાક વૉર્ડમાં ભાજપના ચારે ચાર ઉમેદવાર કેટલીક બેઠક પર જીતી ન શકે. પરંતુ તેઓ એમ પણ કહે છે કે લોકોએ ભાજપનો વિરોધ હોવા છત્તાં પણ મતદાન કર્યું નથી માટે તેનો ફાયદો પણ ભાજપને મળશે.

તેઓ વધુમાં કહે છે, “કૉંગ્રેસ પાર્ટી પાસે વિરોધના મુદ્દા હોવા છત્તાં તેમણે જરૂરિયાત મુજબનોવિરોધ કર્યો નથી. લોકો કૉંગ્રેસથી પણ કંટાળ્યા છે માટે મત નહીં આપ્યો હોય.”

પત્રકાર મૃગાંક પટેલ માને છે કે પશ્વિમના વિસ્તારો એવા છે કે ત્યાં મોટા ભાગના મતદારો ભાજપ તરફી છે માટે કાંઈ ઝાઝો ફેરફાર આવે તેમ લાગતું નથી. જોકે કૉંગ્રેસને થોડો ફાયદો થશે પરંતુ એટલો મોટો ફાયદો નહીં થાય.

તેઓ પણ માને છે કે, “ભાજપના ટેકેદારોએ બહાર નીકળી બીજી કોઈ પાર્ટીને વોટ આપ્યો નથી માટે ભાજપને તેનો ફાયદો મળશે.”

ભાજપના જ ગઢમાં મતદાન ઓછું થવાથી ભાજપને નુકસાન થશેની વાત પર ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ કહે છે, “ભલે આ વિસ્તારમાં ઓછું મતદાન થાય પરંતુ જે મત મળે તેમાંના 80 ટકા મત ભાજપને મળતા હોય છે માટે ભાજપને કાંઈ ખાસ નુકસાન થશે નહીં.”

ફૂટર
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો