રામભાઈ મોકરિયા-દિનેશભાઈ પ્રજાપતિ : બિનહરીફ વિજેતા થનાર ગુજરાત રાજ્યસભાના નવા સાંસદો કોણ છે?

ઇમેજ સ્રોત, FB@RAMBHAI MOKARIYA
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
રામભાઈ મોકરિયા તથા દિનેશભાઈ જેમલભાઈ પ્રજાપતિ (અનાવડિયા)એ ભાજપની ટિકિટ ઉપર ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામાંકિત થયા હતા અને તેમનો બિનહરીફ વિજય થયો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ચૂંટણીપંચે બે બેઠક માટે અલગ-અલગ પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે, સંખ્યાબળની ઉપર નજર કરવામાં આવે તો મોકરિયા અને અનાવડિયા સરળતાથી ચૂંટાઈ આવે તેવી શક્યતા હતી અને કૉંગ્રેસે ઉમેદવાર નહોતા ઊભા રાખ્યા.
શિક્ષક બનવા માગતા 'શ્રી મારુતિ કુરિયર' કંપનીના ચૅરમૅન મોકરિયાએ કામદારથી લઈને રાજ્યસભા માટે ભાજપના કૅન્ડિડેટ સુધીની સફર કરી છે.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ (ઉં.વ. 71) તથા ભાજપના અભય ભારદ્વાજના (ઉં.વ.66) અવસાનથી બે બેઠકો ખાલી પડી છે. બંને નેતાનાં મૃત્યુ કોવિડ-19 તથા મલ્ટીપલ ઑર્ગન ફેલ્યૉરને કારણે થયાં હતાં.
22 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્ર દાખલ કરવાનો છેલ્લો દિવસ હતો અને 1 માર્ચના રોજ ચૂંટણી યોજાવાની હતી. જોકે, એ અગાઉ બેઉ ઉમેદવારનો બિનહરીફ વિજય થયો છે.

કુરિયર, કંપનીઅનેકલહ

ઇમેજ સ્રોત, instagram@shreemaruticourier
64 વર્ષીય રામભાઈના કહેવા પ્રમાણે, "1980ના દાયકામાં તેઓ પોરબંદરમાં ટ્રાવેલ એજન્ટ તરીકે કામ કરતા હતા. એ સમયે મુખ્યત્વે આંગડિયા વ્યવસ્થાનું ચલણ હતું."
"રામભાઈ આવી જ એક પેઢી સાથે જોડાયેલા હતા, પરંતુ એ પેઢી કાચી પડી. ત્યારે તેમને કુરિયર કંપની શરૂ કરવાનો વિચાર આવ્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આંગડિયા પેઢીઓનું મુખ્ય કામ સોના-ચાંદીના દાગીના કે કૅશની હેરફેર કરવાનું હતું. પોરબંદરમાં મોટાપાયે એન.આર.આઈ. (નૉન-રેસિડન્ટ ઇન્ડિયન) રહેતા હોઈ, રામભાઈએ ડૉક્યુમેન્ટ્સની હેરફેર માટે કુરિયર કંપની ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.
1985માં 'શ્રી મારુતિ' (હિંદુઓના માટે પૂજનીય હનુમાનનું એક નામ) કુરિયરનો પેઢી તરીકે જન્મ થયો, જે સૌરાષ્ટ્રનાં મુખ્ય શહેરોમાં ડિલિવરીનું કામ કરતી.
1987માં પેઢીએ પ્રાઇવેટ કંપનીનું સ્વરૂપ ધારણ કર્યું અને ગુજરાતનાં અન્ય શહેરો ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક તથા અન્ય રાજ્યોમાં પાંખો ફેલાવી.
આ સિવાય 1991- '92 દરમિયાન શૅરબજારમાં હર્ષદ મહેતાની તેજીએ પણ નવી કુરિયર કંપનીના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો.
રામભાઈના કહેવા પ્રમાણે, "એ સમયે લોકોમાં શૅરબજારનો ભારે ક્રૅઝ હતો, શાકભાજી લેવા જાય તો ત્યાં પણ ફૉર્મ વેચાતાં હોય એવો ઘાટ હતો. એ સમયે અમારો વેપાર ખૂબ ચાલ્યો."
એક સમયે ભાગીદાર કે કર્મચારી આજે 'મારુતિનાં અલગ-અલગ સ્વરૂપ'માં ધંધાકીયક્ષેત્રે હરિફાઈ આપી રહ્યા છે, જેના વિશે રામભાઈનું કહેવું છે :
"સમય આવ્યે ભાઈ-ભાઈ કે પિતા-પુત્ર પણ અલગ થાય છે. તો બે ભાગીદાર અલગ થાય તે સામાન્ય બાબત છે. આ સિવાય કોઈ ટિપ્પણી નથી કરવા માગતો."
પોરબંદરના પત્રકાર જીતેશ ચૌહાણે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "મારુતિ કુરિયરનું મૉડલ ખૂબ જ સફળ રહ્યું હતું. આજે આપણે જે કોઈ ગુજરાતસ્થિત પ્રાદેશિક કુરિયર કંપનીઓ જોઈએ છીએ, તેમાંથી મોટાભાગની કંપનીઓનાં મૂળ પોરબંદરમાં રહેલા છે."
"તેઓ પોરબંદરના અબોટી બ્રાહ્મણ સમાજના છે. જેઓ એક સમયે રામભાઈ મોકરિયા સાથે જોડાયેલા હતા."

બ્રાહ્મણઅનેબ્રાહ્મણ 'વાદ' ?

ઇમેજ સ્રોત, ABHAY BHARDWAJ/FACEBOOK
રાજ્યસભામાં ભાજપના સંસદસભ્ય અભય ભારદ્વાજ સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર મનાતા રાજકોટના હતા અને તેઓ ઍડ્વૉકેટ હતા બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા.
રામભાઈ મોકરિયા મૂળતઃ પોરબંદર જિલ્લામાં આવેલા ભડ ગામના છે, પરંતુ છેલ્લાં ત્રીસેક વર્ષથી રાજકોટમાં સક્રિય છે. તેઓ પણ બ્રાહ્મણ સમાજના છે અને સાધનસંપન્ન છે.
રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યે અગાઉ, "રામભાઈના નામની જાહેરાતને 'સરપ્રાઇસ' ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, રામભાઈનું બિઝનેસમૅન તરીકે નામ ખરું, પરંતુ રાજકીય પટલ ઉપર તેઓ ખાસ કંઈ 'વિઝિબલ' ન હતા."
"તેમના દ્વારા ભાજપે સૌરાષ્ટ્ર વિસ્તાર અને બ્રાહ્મણ સમાજનું સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો હોય તેમ જણાય છે."
2012 અને 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન પોરબંદરની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે તેમના નામની ચર્ચા થઈ હતી. પરંતુ જ્ઞાતિ-જાતિનાં સમીકરણોમાં તેમનું નામ બંધ બેસતું ન હતું.
રામભાઈ ઉપર બ્રાહ્મણહિતનાં કામો વધુ કરવાનાં તથા કંપનીમાં નોકરી આપવામાં બ્રાહ્મણોને પ્રાથમિકતા આપવાના આરોપ લાગે છે. આ અંગે રામભાઈનું કહેવું છે :
"પહેલાંના સમય માટે એ વાત સાચી છે. જ્યારે અમે ચાલુ કર્યું, ત્યારે અમે નવા હતા અને અમને કોઈ ઓળખતું ન હતું, ત્યારે અમારી ઉપર કોણ વિશ્વાસ કરે? એ સમયે સમાજે મને સાથ આપ્યો."
"મારી સાથે જે ભણતા તેમને શહેરમાં લઈ ગયા અને રહેવા-જમવાની સગવડ આપતા. ગામડામાં ખેતી કરતા બ્રાહ્મણ મહેનતુ હતા. તેમને શહેરી વિસ્તારમાં ધંધો કરવાની તક મળતી હતી, એટલે તેઓ ખુશ હતા."
"આજે મારુતિ કુરિયારમાં બ્રાહ્મણ ઉપરાંત બક્ષીપંચના, મુસ્લિમ સહિત સમાજના તમામ તબક્કાના લોકો કામ કરે છે તથા અન્ય રાજ્યોમાં સ્થાનિકો પણ નોકરી કરે છે."

'ગૉડમધર'નાગઢમાં
1975માં રામભાઈ પ્રિ-કૉમર્સનો અભ્યાસ કરતા હતા, પરંતુ આર્થિક તંગીને કારણે તેમનો અભ્યાસ છૂટી ગયો. આ દરમિયાન તેમણે સ્થાનિક વર્કશૉપમાં કામદાર તરીકે તથા ખેડૂતને ત્યાં રોજમદાર શ્રમિક તરીકે કામ કર્યું.
એક વર્ષ બાદ શિક્ષક બનીને વહેલાસર નોકરી મળે તેવા ઇરાદા સાથે તેમણે પી.ટી.સી. (પ્રાઇમરી ટીચર્સ સર્ટિફિકેટ) કરવાનું વિચાર્યું, પરંતુ કિસ્મતને બીજું જ મંજૂર હતું.
રામભાઈ તથા તેમના મિત્રે એ સમયે સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ અલિબાડા પી.ટી.સી. કૉલેજમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા, આથી તેઓ પોરબંદર પરત આવી ગયા.
આ અરસામાં જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં આવ્યા અને સભ્ય બન્યા, જેનો તાર્કિક બીજો પડાવ જનસંઘ હતો.
આ અરસામાં સૌરાષ્ટ્ર કેમિકલ, સ્થાનિક ઑક્ટ્રૉય નાકામાં નોકરીની સાથે સાથે-સાથે રામભાઈએ અભ્યાસ ચાલુ રાખ્યો અને બી.એ. (બૅચલર ઑફ આર્ટ્સ) તથા એલએલ.બી.ની ડિગ્રી મેળવી.
1970ના દાયકાના મધ્યભાગમાં રામભાઈની કારકિર્દીનો ઘાટ ઘડાઈ રહ્યો હતો, તો બીજી બાજુ ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં હિંસા ચક્ર ફરી રહ્યું હતું. અહીં અલગ-અલગ સમાજની તથા સ્થાનિક બાહુબલિઓની ગૅંગ સક્રિય હતી.
દાયકાઓના લોહિયાળ સંઘર્ષ બાદ સરમણ મૂંજા જાડેજાની ગૅંગ સૌથી શક્તિશાળી બની. સરમણના મૃત્યુ બાદ તેમનાં પત્ની સંતોકબહેને તેમના કારોબારને સંભાળ્યો અને રાજકારણમાં ઝંપલાવ્યું. તેઓ કુતિયાણાની બેઠક ઉપરથી જનતા પાર્ટીની ટિકિટ ઉપર ધારાસભ્ય પણ બન્યાં.
કથિત રીતે સંતોકબહેનના જીવન ઉપર આધારિત ફિલ્મ 'ગોડમધર'માં શબાના આઝમીએ શિર્ષક ભૂમિકા ભજવી હતી. રાજકારણ, જ્ઞાતિ અને ક્રાઇમનું અનોખું કૉકટેલ પોરબંદર તથા આજુબાજુના વિસ્તારમાં બની રહ્યું હતું.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અને ચર્ચા મુજબ રામભાઈએ અરસામાં કથિત રીતે જાડેજા પરિવારના સંપર્કમાં આવ્યા અને તેમના સાથે કામ પણ કર્યું અને તેમની સાથે ઘરોબો ધરાવે છે.
સંતોકબહેનના પુત્ર અને બે ટર્મથી (2012 અને 2017)થી કુતિયાણાની બેઠક ઉપરથી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા રામભાઈને 'કાકા' કહીને સંબોધિત કરવામાં આવે છે.
રામભાઈ આ વાતને નકારતાં કહે છે કે 'મેં ક્યારેય તેમના માટે કામ નથી કર્યું કે પગાર નથી લીધો. એક જ શહેરમાં રહેતા હોય ત્યારે અવર-જવર થતી હોય, પરંતુ તેમાં કોઈ રાજકીય આયામ નથી.'


ઇમેજ સ્રોત, GANDHI SEVAGRAM ASHRAM
જનસંઘે જ્યારે ભાજપનું સ્વરૂપ લીધું, ત્યારે પણ રામભાઈ તેની સાથે જોડાયેલા રહ્યા. ગૅંગવૉરના એ સમયમાં 1989ની પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 12માં રામભાઈએ પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાવ્યો હતો.
છ વર્ષના ગાળામાં રામભાઈના જીવનમાં આ એક મોટું પરિવર્તન હતું. 1983માં પોરબંદરમાં પૂરનાં પાણી ભરાયાં. જેમાં રામભાઈએ ઘરવખરી, અનાજ, ટાઇપરાઇટર, લગ્નનું આલ્બમ અને પાસપૉર્ટ જેવી જણસ ગુમાવી અને સરકારી સહાય લેવી પડી હતી.
આ અરસામાં તેમણે પોરબંદર ભાજપના સંગઠનમંત્રી તથા ઉપપ્રમુખ તરીકેની જવાબદારીઓ બજાવી. બાદમાં તેમણે પોતાનું કાર્યક્ષેત્ર પોરબંદરથી બદલીને રાજકોટ કર્યું. 2005થી બે ટર્મ માટે ગુજરાત ભાજપની કારોબારી સમિતિના સભ્ય પણ રહ્યા.
એક પુત્રી (નેહાબહેન) તથા બે પુત્રો (અજયભાઈ તથા મૌલિકભાઈ)ના પિતા રામભાઈએ કંપનીનો રોજબરોજનો વહીવટ પુત્રોને સોંપીને માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. કંપનીનો દાવો છે કે 14 હજાર લોકોના પરિવાર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે તેમના પ્રકલ્પો દ્વારા આજીવિકા મેળવે છે.

દિનેશભાઈઅનાવાડિયા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
બીજા ઉમેદવાર દિનેશભાઈ જેમલભાઈ અનાવાડિયા ઉત્તર ગુજરાતના પ્રજાપતિ સમાજમાં મોટું નામ છે.
તેઓ ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના વડા છે. તેમની ઉમેદવારી દ્વારા ભાજપે ઓ.બી.સી. (અધર બૅકવર્ડ ક્લાસ) સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો છે.
ખેતી અને હીરા વ્યવસાય સાથે સંકળાયેલા દિનેશભાઈએ બી.કૉમ સુધીનો અભ્યાસ કર્યો છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં જન્મેલા દિનેશભાઈ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. 1993માં તેઓ ડીસા તાલુકાના યુવા ભાજપના મહામંત્રી અને બાદમાં પ્રમુખ (1996માં) બન્યા.
આગળ જતાં તેઓ ગુજરાત યુવા ભાજપમાં ખજાનચી પણ બન્યા. ઉત્તર ગુજરાતમાં સહકારક્ષેત્રે સક્રિય દિનેશભાઈ 'ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક બૉર્ડ' અને 'ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ'માં ડિરેક્ટરપદે પણ રહી ચૂક્યા છે.

બેચૂંટણી, બેવિજેતા

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણીપંચના જાહેરનામા પ્રમાણે, ખાલી પડેલી બંને બેઠક ઉપર 'અલગ-અલગ પેટાચૂંટણી'થી મતદાન થવાની હતી. એ સંજોગોમાં ભાજપના બંને ઉમેદવારનો બિનહરીફ વિજય નિશ્ચિત જણાતો હતો.
રાજ્યસભાની ગત બે ચૂંટણી (ઑગસ્ટ-2017 અને જૂન-2020) જેવી રસાકસી આ વખતે ન જોવા મળે તેવી શક્યતા નહોતી.
TV9 ગુજરાતીના રિપોર્ટ પ્રમાણે, સંખ્યાબળને જોતાં કૉંગ્રેસે રાજ્યસભાની બંને બેઠક માટે ઉમેદવાર ઊભા નહીં રાખવાનો નિર્ણય કર્યો હતો.
જૂન-2020માં ભાજપે અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા તથા નરહરિ અમીનને રાજ્યસભામાં મોકલ્યાં હતાં. જ્યારે કૉંગ્રેસ માત્ર પ્રથમ ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને જ સંસદના ઉપલા ગૃહમાં મોકલી શકી હતી અને ભરતસિંહ સોલંકીનો પરાજય થયો હતો.
નવા ચૂંટાનાર સંસદસભ્યો દિવગંત સંસદસભ્યોના કાર્યકાળ પૂર્ણ કરશે. અહેમદ પટેલનો કાર્યકાળ ઑગસ્ટ-2023 તથા અભય ભારદ્વાજનો કાર્યકાળ જૂન-2026માં પૂર્ણ થનાર હતો.
સંસદના કાયમી ગૃહમાં 11 સંસદસભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, જેમની સભ્યસંખ્યા નવ રહી જવા પામી છે. જેમાંથી ત્રણ સંસદસભ્યો (અમીબહેન યાજ્ઞિક, નારણભાઈ રાઠવા તથા શક્તિસિંહ ગોહિલ) કૉંગ્રેસનું, જ્યારે પુરષોત્તમ રુપાલા, મનસુખભાઈ માંડવિયા, જુગલજી ઠાકોર, એસ. જયશંકર, રમીલાબહેન બારા તથા નરહરિ અમીન ભાજપનું પ્રતિનિધિત્વ કરે છે.

રાજ્યસભાનીચૂંટણીકેવીરીતેથાય?

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યસભા એટલે સંસદનું ઉપલું ગૃહ. રાજ્યસભાની સ્થાપનાનો પાયો આઝાદી પહેલાં અંગ્રેજ સરકાર સમયે જ નખાઈ ગયો હતો.
ભારત સરકાર અધિનિયમ, 1919માં પ્રથમ વાર ભારતીય સંસદને સંઘીય માળખું બક્ષવાની વાત કરવામાં આવી હતી. પરંતુ સ્વતંત્ર ભારતમાં રાજ્યસભાની રચના 3 એપ્રિલ, 1952ના રોજ કરવામાં આવી હતી.
ભારતના બંધારણની જોગવાઈ પ્રમાણે રાજ્યસભા એ સંસદનું કાયમી ગૃહ છે. દર બે વર્ષે રાજ્યસભાના એક-તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે.
તેથી ખાલી પડેલી જગ્યા ભરવા માટે દર બે વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે.
ભારતના બંધારણના અનુચ્છેદ 80 અનુસાર, રાજ્યસભાના સભ્યોની મહત્તમ સંખ્યા 250 રાખવામાં આવી છે.
જોકે, હાલમાં રાજ્યસભાની સભ્ય સંખ્યા 245 રાખવામાં આવી છે. જે પૈકી 233 સભ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટાય છે જ્યારે 12 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે.

કોણમતદાનકરીશકે?

ઇમેજ સ્રોત, NARHARI AMIN/FACEBOOK
રાજ્યસભાની ચૂંટણીમાં મતદાર તરીકે રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારમંડળના સભ્યો હોય છે.
જો કે રાજ્યની વિધાનપરિષદના સભ્યો રાજ્યસભાના સભ્યોની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી.
રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી દાખલ કરવા માટે ઓછામાં ઓછા 10 સભ્યોની સંમતિ જરૂરી હોય છે.
તેમજ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે લઘુતમ વયમર્યાદા 30 વર્ષની રાખવામાં આવી છે.
રાજ્યસભાના સભ્યોની ચૂંટણી સિંગલ ટ્રાન્સફરેબલ વોટ મારફતે કરવામાં આવે છે.
આ પ્રક્રિયા અનુસાર જે તે રાજ્યની વિધાનસભાની બેઠકોને રાજ્યસભાની સંખ્યામાં એક ઉમેરીને વિભાજિત કરવામાં આવે છે.
વિભાજિત કર્યા બાદ આવેલા પરિણામમાં પણ એક ઉમેરવામાં આવે છે.

દાખલાદ્વારાસમજો

ઇમેજ સ્રોત, Getty Images
ધારો કે ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક ખાલી છે. (બે બેઠક માટે બે અલગ-અલગ પેટાચૂંટણી યોજાઈ રહી હોય, આ ઉદાહરણ વધુ સરળ રહેશે.) તો રાજ્યની વિધાનસભાની કુલ સભ્યસંખ્યા એટલે કે 182ને એક બેઠકમાં વધુ એક ઉમેરી એટલે કે બે વડે ભાગવાથી 91 પરિણામ આવશે.
હવે આ પરિણામમાં વધુ એક ઉમેરી દેવાથી પરિણામ 92 આવશે. આનો અર્થ એ થયો કે ગુજરાતમાંથી કોઈ વ્યક્તિએ રાજ્યસભા સાંસદ બનવા માટે 92 પ્રાથમિક મત મેળવવાની જરૂર રહેશે.
ઉપરાંત આ ચૂંટણીમાં દરેક મતદારને એક જ મત આપવાનો અધિકાર હોવા છતાં જુદા-જુદા ઉમેદવારોને પ્રાથમિકતા આપવાની હોય છે, પરંતુ આ જોગવાઈ અનુસરવું ફરજિયાત નથી હોતું.
આ પ્રાથમિકતાના નિયમ અનુસાર જે તે મતદારે પોતાના મતદાનપત્રકમાં ત્રણ પ્રાથમિકતા દર્શાવવાની હોય છે.
કુલ મતો પૈકી પ્રથમ પ્રાથમિકતાના ન્યૂનતમ મત મેળવનાર ઉમેદવારને વિજયી માનવામાં આવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













