વિજય રૂપાણી કોરોના સંક્રમિત, ભીખુ દલસાણિયા અને વિનોદ ચાવડાના રિપોર્ટ પણ પૉઝિટિવ - BBC TOP NEWS

ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. સાથે-સાથે ભાજપના પ્રદેશ મહામંત્રી ભીખુ દલસાણિયા અને વિનોદ ચાવડા પણ કોરોના સંક્રમિત છે.

રવિવારે વડોદરામાં સભાને સંબોધતી વખતે તેમની તબિયત લથડી હતી અને તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા, જે બાદ તેમને અમદાવાદની યુ. એન. મહેતા હાર્ટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

યુ. એન. મહેતા હૉસ્પિટલના બુલેટિન પ્રમાણે તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે અને હળવાં લક્ષણો જોવા મળ્યાં છે.

ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકારોને સંબોધતાં કહ્યું, "મુખ્ય મંત્રી વિજય રૂપાણી છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ શહેરોમાં ચૂંટણીના પ્રચારની કામગીરીમાં જોતરાયેલા હતા."

"તેમનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમની સ્થિતિ સ્થિર છે અને સારવાર હેઠળ છે."

"મુખ્ય મંત્રીને બે દિવસથી હળવો તાવ હતો અને તેઓ તેમની સારવાર લેતા હતા."

નીતિન પટેલે જણાવ્યું, "પાર્લામેન્ટરી બોર્ડ ઉપરાંત પણ તેઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા. જોકે હજી સુધી એમાંથી કોઈ સંક્રમિત થયાની જાણકારી નથી. જ્યાં સંક્રમણનો કિસ્સો ધ્યાને આવશે ત્યાં સઘન તપાસ કરવામાં આવશે."

"પ્રચાર દરમિયાન પૂરતી તકેદારી લેવામાં આવી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની પણ તકેદારી લેવામાં આવી રહી છે. ગુજરાતમાં કેસ હવે ઘટ્યા છે."

ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી વિજય રૂપાણીની તબિયત સ્થિર છે.

તેમણે જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણીએ જામનગર, ભાવનગર અને વડોદરામાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રચારમાં જોડાયા હતા.

આ દરમિયાન વિજય રૂપાણીએ છ જેટલી જાહેર સભાઓને સંબોધી હતી, જેમાં મંચ પર તેમની સાથે ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત હતા.

ભાજપના સંસદસભ્ય ભીખુ દલસાણિયાએ રૉક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે તેઓ અને કચ્છના સંસદસભ્ય વિનોદ ચાવડા પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.

તેઓ બંને યુએન મહેતા હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને બંનેની સ્થિતિ સામાન્ય છે.

અમિત શાહ નેપાળ અને શ્રીલંકામાં BJPની સરકાર સ્થાપવા ઇચ્છે છે : બિપ્લબ દેવ

ત્રિપુરાના મુખ્ય મંત્રી બિપ્લબ દેવ પોતાના નિવેદનોને કારણે વિવાદમાં સપડાતા રહે છે અને ફરી એક વખત વિવાદ વકર્યો છે.

એનડીટીવીના અહેવાલ અનુસાર અગરતલામાં ભાજપના એક કાર્યક્રમમાં બિપ્લબ દેબે કહ્યું કે પાર્ટી માત્ર દેશમાં જ નહીં પરંતુ પડોશી દેશોમાં પણ વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.

તેમણે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ નેપાળ અને શ્રીલંકામાં ભાજપની સરકાર સ્થાપવા ઇચ્છે છે.

2018માં ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીની તૈયારી વખતે થયેલી એક ચર્ચાને ટાંકતાં બિપ્લબ દેબે જણાવ્યું કે ગૃહમંત્રી અમિત શાહે એ બેઠકમાં ભારતનાં તમામ રાજ્યોમાં જીત્યા બાદ 'વિદેશોમાં વિસ્તરણ' વિશે વાત કરી હતી.

તેઓ કહે છે, "અમે ત્રિપુરાના અતિથિગૃહમાં ચર્ચા કરી રહ્યા હતા, અને ભાજપના તે સમયના ઉત્તર-પૂર્વ ઝોનલ સેક્રેટરી અજય જામવાલે કહ્યું કે પક્ષની અનેક રાજ્યોમાં સરકાર બની ગઈ છે. જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે હવે શ્રીલંકા અને નેપાળ બાકી છે."

દેબ અનુસાર અમિત શાહે કહ્યું હતું કે શ્રીલંકા અને નેપાળમાં અમારે પાર્ટીનો વિસ્તાર કરવો પડશે અને ત્યાં ચૂંટણી જીતીને સરકાર બનાવવી પડશે.

જોક્સથી ક્યારેય કોઈની લાગણી દુભાવવાનો હેતુ રહ્યો નથી : ફારૂકી

ધાર્મિક ભાવનાઓના અપમાન મામલે જેલમાથી છૂટયા બાદ કૉમેડિયન મુનવ્વર ફારૂકીએ જણાવ્યું કે છે કે જોક્સ દ્વારા કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો તેમનો ક્યારેય પણ હેતુ રહ્યો નથી.

ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ફારૂકીએ યૂટ્યૂબ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું, "હું કઈ રીતે કોઈની લાગણી દુભાવી શકુ? હું કોઈના હૃદયને કઈ રીતે દુભાવી શકું? જો કોઈ બીજી વ્યક્તિને ભૂલથી વાગી પણ જાય તો પણ હું ચાર વખત તેમની માફી માગું છું."

તેમણે કહ્યું કે ઇન્ટરનેટ નકામા વિષયો પર ચર્ચા કરે છે અને ઇન્ટરનેટમાં જે અપશબ્દો અને નફરત ફેલાવવામાં આવે છે, તેને અટકાવવી જોઈએ.

તેઓ કહે છે, "આપણે શા માટે ભૂલી ગયા છીએ કે ઇન્ટરનેટ મનોરંજન અને માહિતી માટે છે? શું આપણે ઇન્ટરનેટ પર માત્ર લડતાં જ રહીશું?"

"આ ટોળાની માનસિકતા અને રાજકારણનો કોઈ પણ ભોગ બની શકે છે. હું તેનો ભોગ બન્યો નથી, પણ મેં જે કર્યું નથી તેના માટે મારે ભોગવવાનો વારો આવ્યો છે."

તેમણે કહ્યું કે રાજકારણ અને ટોળાની માનસિકતાના કારણે કોઈ વ્યક્તિનું જીવન બરબાદ થઈ શકે છે.

ધાર્મિક ભાવનાઓના અપમાન મામલે ઇન્દૈર પોલીસે 1 જાન્યુઆરી 2021ના રોજ કૉમેડિયન મુનવ્વર ફારૂકીની ધરપકડ કરી હતી. મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા બે વાર જામીન અરજી નામંજૂર કરતા તેમને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જ્યાં તેમને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

ફાસ્ટ ટેગ નથી? બમણો ટોલ ચૂકવો

ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલયે રવિવારે જણાવ્યું કે નેશનલ હાઈવેના ટોલ પ્લાઝાથી પસાર થતાં વાહનોમાં જો ફાસ્ટ ટેગ નહીં હોય તો બમણો ટોલ ચૂકવવો પડશે.

ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર મંત્રાલયે જણાવ્યું કે 15 ફેબ્રુઆરી 2021ની મધરાતથી નેશનલ હાઈવેના ટોલ પ્લાઝામાં ફાસ્ટ ટેગ ફરજિયાત કરવામાં આવશે.

ભારત સરકાર અગાઉ જણાવી ચૂકી છે કે જાન્યુઆરી 1થી વાહનો માટે ફાસ્ટ ટેગ ફરજિયાત છે.

મંત્રાલયે જણાવ્યું છે કે, એનએચ ફી રુલ્સ 2008 મુજબ જો વાહનમાં ફાસ્ટ ટેગ ન હોય અથવા માન્ય ફાસ્ટ ટેગ વગરનું વાહન જો ફાસ્ટ ટેગ લેનમાં પ્રવેશ કરશે તો મંજૂર થયેલા ટોલ કરતાં બમણો ટોલ ચૂકવવો પડશે.

અહેવાલ અનુસાર કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ફાસ્ટ ટેગને લાગુ કરવા માટેની ડેડલાઇન હવે લંબાવી શકાય નહીં અને વાહનચાલકોએ તાત્કાલિક ઈ-પૅમેન્ટ સુવિધા અપનાવી લેવી જોઈએ.

તેમણે કહ્યું કે ભારત સરકારે ફાસ્ટ ટેગ લાગુ કરવાની છેલ્લી તારીખ બેથી ત્રણ વખત લંબાવી છે અને હવે તેને વધુ લંબાવી શકાય નહીં.

તેમણે કહ્યું કે ફાસ્ટ ટેગની ખરીદી કરવા માટે નૅશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઈ) દ્વારા 40000 પીઓએસ સુવિધા ઊભી કરવામાં આવ્યાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો