You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિત શાહે મમતા બેનરજીને 'જય શ્રીરામ' અંગે કેમ ઘેર્યાં?
પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં એક રેલીને સંબધોતાં ગૃહમંત્રી અમિત શાહે જય શ્રીરામના નારા લગાવીને રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી પર નિશાન સાધ્યું હતું.
શાહે જણાવ્યું કે મમતા બેનરજીએ બંગાળની અંદર એવો માહોલ સર્જ્યો છે કે જાણે જય શ્રીરામ બોલવું ગુનો થઈ ગયો છે.
તેમણે કહ્યું, "મમતા દીદી બંગાળમાં જય શ્રીરામ નહીં બોલીએ, તો શું પાકિસ્તાનમાં બોલીશું? મને જણાવો ભાઈઓ-બહેનો, જય શ્રીરામ બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ?"
"હવે મમતા દીદીને આ (જય શ્રીરામ) અપમાન લાગે છે. મમતા દીદી તમને કેમ અપમાન લાગે છે? આખા દેશ અને દુનિયામાં રહેતા કરોડો લોકો અમારા આરાધ્ય શ્રીરામને યાદ કરીને ગૌરવની લાગણી અનુભવે છે."
"તમને તકલીફ થાય છે કારણકે તમને તુષ્ટીકરણ થકી એક ખાસ વર્ગના મત જોઈએ છે. હું તમને વચન આપું છું કે ચૂંટણી પતશે ત્યાં સુધીમાં મમતા બેનરજી પણ જય શ્રીરામ બોલતાં થઈ જશે."
પશ્ચિમ બંગાળ ચૂંટણીના રંગે રંગાઈ ચૂક્યું છે ત્યારે ભાજપની પરિવર્તન રેલીને પ્રસ્થાન કરાવવા માટે ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે કૂચબિહાર ગયા હતા.
જ્યારે મમતા બેનરજીએ જય શ્રીરામના નારા બાદ ભાષણ ન આપ્યું
સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી પર કોલકાતાના વિક્ટોરિયલ મેમોરિયલમાં આયોજિત કાર્યક્રમમાં જય શ્રીરામના નારા લાગતાં મમતા બેનરજીએ ભાષણ આપવાની ના પાડી દીધી હતી.
કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ પણ હાજર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીએમ મોદીના સંબોધન પહેલાં જ્યારે મમતા બેનરજીને મંચ પર બોલાવવામાં આવ્યાં તો દર્શકોમાં સામેલ ઘણા લોકોએ 'જય શ્રીરામ'ના નારા લગાવ્યા. ઉદ્ઘોષકે તેમને રોકીને કહ્યું કે મુખ્ય મંત્રીજીને બોલવાનો મોકો આપો.
એવામાં મમતા બેનરજીનો અવાજ સંભળાય છે, "ના બોલબો ના... આમી બોલબો ના...".
બાદમાં મંચ પર આવીને મમતા બેનરજીએ કહ્યું, "મને લાગે છે કે સરકારના કાર્યક્રમની કોઈ મર્યાદા હોવી જોઈએ. આ સરકારનો કાર્યક્રમ છે, કોઈ રાજકીય પાર્ટીનો નથી. આ સરકાર અને લોકોનો પ્રોગ્રામ છે."
"હું વડા પ્રધાનજી અને સંસ્કૃતિ મંત્રાલયની આભારી છું કે આ તમે લોકોએ કોલકાતામાં કાર્યક્રમનું આયોજન કર્યું. પણ કોઈને આમંત્રણ આપીને તેમનું અપમાન કરવું એ શોભતું નથી. હું ફરી તમને કહું છું કે હું તેના વિરોધમાં કંઈ નહીં બોલું. જય હિન્દ, જય બાંગ્લા."
આ ઘટનાના સંદર્ભે નિશાન સાધીને ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનરજીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ અગાઉ પણ મમતા બેનરજી જય શ્રીરામના નારા અંગે વિવાદમાં આવેલાં છે.
જય શ્રીરામના નારા સાંભળી વાહનમાંથી ઊતરી ગયા હતા
31મે 2019માં મમતા બેનરજીનો કાફલો પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના ભાટપારાખી પસાર થઈ રહ્યો હતો ત્યારે લોકોએ જય શ્રીરામના નારા લગાવતાં તેઓ ગુસ્સે ભરાયાં હતાં.
ગાડીમાંથી ઊતરીને મમતા બેનરજીએ નારા લગાવતા લોકોને ધમકાવ્યાં હતાં અને નારા લગાવનારાઓને સામે આવવા માટે પડકાર આપ્યો હતો.
તેમણે કહ્યું હતું, "અહીં આવો. જો તમારામાં હિંમત છે, તો મારી સામે આવો, ભાજપના ગુંડા. અમારા કારણે તમે લોકો જીવી રહ્યા છો. હું તમને અહીંથી બહાર કાઢી શકું છું. તમે માત્ર હિંસા કરો છો."
તેમણે કહ્યું હતું, "મારા કાફલા પર હુમલા કરવાની તમારી હિંમત કઈ રીતે થઈ."
મમતા બેનરજીએ ત્યાં હાજર અધિકારીઓને કહ્યું કે મને નારા લગાવતા છોકરાઓનાં નામ જોઈએ. તેમણે બધા ઘરોમાં તપાસ કરવા પણ જણાવ્યું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો