You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
INDvsENG : ઇંગ્લૅન્ડનો એ બૅટ્સમૅન જે આખી ભારતીય ટીમ પર ભારે પડ્યો
- લેેખક, આદેશકુમાર ગુપ્ત
- પદ, ખેલ પત્રકાર, બીબીસી હિન્દી માટે
ઑસ્ટ્રેલિયન મેદાનોમાં જોરદાર પ્રદર્શન કર્યા બાદ ઘરેલુ મેદાનમાં પહેલી જ ટેસ્ટમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.
ઇંગ્લૅન્ડ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં જીત માટે ભારતને 420 રન કરવાના હતા, પણ વિરાટ કોહલીની ટીમ માત્ર 192માં સમેટાઈ ગઈ હતી.
ભારતીય ટીમ તરફથી કૅપ્ટન વિરાટ કોહલીએ થોડી બાજી સંભાળી હતી, પણ તેમની 72 રનની પારી રમતના ત્રીજા સેશન સુધી લઈ જવામાં નિષ્ફળ રહી હતી.
સવાલ એ થાય કે ઑસ્ટ્રેલિયામાં 2-1થી ટેસ્ટ સિરીઝ જીતનારી ઇન્ડિયન ટીમ પોતાની જમીન પર ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં કેમ હારી ગઈ?
ભારતીય ટીમની પસંદગી પર સવાલ
ચેન્નાઈમાં જ્યારે ભારતીય ટીમ મેદાનમાં ઊતરી ત્યારે ટીમનું સુકાન અનિયમિત પણ સફળ કૅપ્ટન અજિંક્ય રહાણેની જગ્યાએ નિયમિત કૅપ્ટન વિરાટ કોહલીને સોંપાયું હતું, જે પિતા બન્યા બાદ ટીમમાં પરત ફર્યા હતા.
ઑસ્ટ્રેલિયામાં ત્રણ મૅચમાં તેર વિકેટ લેનારા ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજનું સ્થાન ઈશાંત શર્માએ લીધું.
તેઓ પોતાની 98મી મૅચ રમતા હતા અને ટેસ્ટ કારકિર્દીમાં 300 વિકેટ લેવામાં સફળ પણ રહ્યા, પણ એક બૉલર તરીકે તેઓ પોતાની છાપ છોડી ન શક્યા.
તમામ ક્રિકેટ પંડિતો હેરાન હતા કે મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવને ટીમમાં સ્થાન કેમ ન મળ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બની શકે કે મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ હોય તો પણ પરિણામ આ જ આવત, પણ પહેલી નજરે એ સાચું લાગતું નથી.
શાહબાઝ નદીમે બે વિકેટ માટે 167 રન અને આર. અશ્વિને ત્રણ વિકેટ માટે 146 રન આપ્યા, એટલે કે બંને બૉલરોએ ત્રણસોથી વધુ રન આપી દીધા.
ઇંગ્લૅન્ડે જોરદાર ખેલાડીઓને અજમાવ્યા
બીજી તરફ ઇંગ્લૅન્ડે ચેન્નાઈ ટેસ્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી તો અનુભવી ઑફ સ્પિનર મોઈન અલી ટીમમાંથી બહાર હતા.
કદાચ કોવિડના શિકાર થવાને કારણે તેમની ફિટનેસ પર સવાલો હતા, પણ જૅક લીચ અને ડોમિનિક બૅસે તેમની ખોટ સાલવા ન દીધી.
ઇંગ્લૅન્ડે ફાસ્ટ બૉલરોમાં સ્ટુઅર્ટ બ્રૉન્ડના સ્થાને જેમ્સ એન્ડરસન અને જોફરા આર્ચરને મોકો આપ્યો.
ચેન્નાઈ ટેસ્ટ પહેલાં જ 606 વિકેટ પોતાના નામે કરી ચૂકેલા એન્ડરસને સાબિત કરી બતાવ્યું કે તેઓ કેવી રીતે સ્વિંગના બાદશાહ છે.
જો રૂટે જીતનાં મૂળિયાં નાખ્યાં
ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટ ભારત આવતા પહેલાં ભારત માટે ખતરા સમાન બન્યા હતા.
તેઓએ શ્રીલંકા સામે 228 અને 186 રનની ઇનિંગ સહિત 426 બનાવ્યા હતા.
આ જબરજસ્ત ફૉર્મને તેઓએ જાળવી રાખીને પોતાની 100મી ટેસ્ટ મૅચમાં પહેલી ઇનિંગમાં 218 રન બનાવીને સતત ત્રીજી ટેસ્ટ મૅચમાં સદી ફટકારી.
પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 98-99 અને 100મી ટેસ્ટ મૅચમાં સદી ફટકારનારા તેઓ વિશ્વના એકમાત્ર બૅટ્સમૅન છે.
તેમની બેવડી સદીને કારણે જ ઇંગ્લૅન્ડ પહેલી ઇનિંગમાં 578 રન જેટલો વિશાળ સ્કોર બનાવી શક્યું.
ટોસનો બૉસ બન્યું ઇંગ્લૅન્ડ
ચેન્નાઈની પીચ પર વર્ષ 2016માં ઇંગ્લૅન્ડ ભારત માટે એક ઇનિંગ અને 75 રનથી હાર્યું હતું. વર્તમાન કૅપ્ટન જો રૂટ પણ એ ટીમમાં હતા. આથી રૂટને હારના દર્દની ખબર હતી.
ઇંગ્લૅન્ડે અઢી દિવસમાં પહેલી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી. રૂટે બેવડી સદી ફટકારી.
સિબલે શાનદાર 87 રન ફટકાર્યા, તો બેન સ્ટોક્સે પણ 82 રન બનાવીને વિશાળ સ્કોરમાં પોતાનું યોગદાન આપ્યું.
બૅટિંગ અને બૉલિંગમાં પોતાની છાપ છોડનારી ઇંગ્લૅન્ડની ટીમે ભારતને પહેલી ઇનિંગમાં 337 રન પર રોકી દીધી, એનું શ્રેય તેની શાનદાર ફિલ્ડિંગને પણ જાય છે.
ભારતીય બૅટ્સમૅનો નિષ્ફળ
ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગમાં 578 રન બનાવ્યા હતા, તો સામે જવાબમાં ભારતની ઓપનર જોડી રોહિત શર્મા અને શુભમન ગિલે ટકીને ખેલી ન શક્યા.
રોહિત શર્મા માત્ર છ રન અને શુભમન ગિલ 29 રન બનાવી શક્યા.
બાદમાં અજિંક્ય રહાણે પણ માત્ર એક રન અને કૅપ્ટન વિરાટ કોહલી 11 રન બનાવીને પેલેવિયન ભેગા થઈ ગયા.
તો ઋષભ પંતે 91, ચેતેશ્વર પૂજારાએ 73 અને વૉશિંગ્ટન સુંદરે અણનમ 85 રન બનાવ્યા, જેથી ભારતનો સ્કોર 337 રન સુધી પહોંચી શક્યો.
ચેન્નાઈ જેવી પીચ પર જીત માટે 420 બનાવવા મુશ્કેલ હતા. બીજી ઇનિંગમાં પણ રોહિત શર્મા નિષ્ફળ રહ્યા, તો ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે અને ઋષભ પંત પણ આયારામ-ગયારામની જેમ પેવેલિયન ભેગા થઈ ગયા.
શુભમન ગિલે અર્ધસદી કરી હતી, પણ તેઓ ભારતની મુશ્કેલીઓ ઓછી ન કરી શક્યા.
કૅપ્ટન વિરાટ કોહલીએ પણ એક તરફથી બાજી સંભાળી હતી, પણ તેમનો સાથ આપવા માટે કોઈ ઉત્તમ બૅટ્સમૅન નહોતા.
આખરે વિરાટ કોહલી પણ 72 રન બનાવીને સ્ટોક્સનો શિકાર બની ગયા.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે હવે ચાર ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મૅચ ચેન્નાઈમાં જ 13 ફેબ્રુઆરીએ રમાશે.
સવાલ એ છે કે શું હવે ટીમ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયા પ્રવાસની જેમ પહેલી મૅચ હારીને સિરીઝમાં વાપસી કરી શકશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો