ગુજરાતમાં 42 તાલીમાર્થીઓને કોરોનાની રસીની આડઅસર BBC TOP NEWS

રાજ્યમાં કોરોના વાઇરસને નાથવા માટે રસીકરણનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એવામાં કેટલીક જગ્યાએ રસીની આડઅસરના સમાચાર પણ આવી રહ્યા છે.

ગુજરાતમાં ત્રણ મુખ્ય શહેરો- અમદાવાદ, વડોદરા અને સુરતમાં મળીને કુલ 42 મહિલા પોલીસકર્મીઓને કોરોના વાઇરસની રસી લીધા બાદ આડઅસર થઈ છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર આડઅસર બાદ આ તમામને પ્રાથમિક સારવાર અપાઈ રહી છે.

રાજ્યના વરિષ્ઠ સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું કે તેમણે સંબંધિત જિલ્લાઓ પાસેથી રિપોર્ટ માગ્યા છે અને દાવો કર્યો હતો કે કોઈ ગંભીર લક્ષણો નથી.

રસી અપાયા બાદ કર્મીઓને સામાન્ય તાવ, માથામાં દુખાવો, ચક્કર જેવાં લક્ષણો દેખાયાં હતાં.

સુરતમાં 12 તાલીમાર્થી, વડોદરામાં 16 તાલીમાર્થી અને અમદાવાદમાં 14 તાલીમાર્થીઓને સામાન્ય અસર થઈ છે.

ઉલ્લેખનીય છે કે વડોદરામાં એક સફાઈકર્મચારીને કોરોના વાઇરસની રસી આપ્યા બાદ આડઅસર થઈ હતી અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું.

મૃતકના પરિવારજનોએ કોરોનાની રસી લીધા બાદ તેમને મૃત્યુ થયું હોવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે હૉસ્પિટલ સત્તાધીશોએ કહ્યું હતું કે મૃતકને હૃદય સંબંધિત બીમારી પહેલેથી હતી.

પાકિસ્તાનને ચીન પાસેથી કોરોનાની રસી મળી

ચીને પાકિસ્તાનને કોવિડ-19ની રસીનો પાંચ લાખ ડોઝનો પહેલો જથ્થો મોકલી આપ્યો છે.

પાકિસ્તાનમાં આ અઠવાડિયાના અંતમાં કોવિડના રસીકરણનો પ્રારંભ થશે. સૌથી પહેલા આ રસી સ્વાસ્થ્યકર્મીઓને અપાશે.

ચીન સરકારના પ્રમુખ સિનોપાર્મ કંપનીની આ રસી સેનાના વિમાનથી લાવવામાં આવી છે.

નબળી સ્વાસ્થ્ય વ્યવસ્થા અને 200 મિલિયન વસતીવાળા પાકિસ્તાનમાં કોરોનાને કારણે અંદાજે 12 હજાર લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

જોકે પાકિસ્તાનમાં મહામારીની એટલી અસર નથી વર્તાઈ, જેટલી આશંકા વ્યક્ત કરાઈ હતી.

11 મહિના બાદ રાષ્ટ્રપતિભવન ખૂલશે

13 માર્ચ, 2020થી કોવિડ-19 મહામારી બાદ બંધ કરાયેલું રાષ્ટ્રપતિભવન શનિવાર એટલે કે 6 ફેબ્રુઆરી, 2021થી સામાન્ય લોકો માટે ફરીથી ખૂલી રહ્યું છે.

આ શનિવાર અને રવિવારે રાષ્ટ્રપતિભવન સામાન્ય લોકો માટે ખુલ્લું રહેશે.

તેના માટે ઑનલાઇન બુકિંગ કરી શકશો અને ટિકિટનો દર 50 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે.

કોવિડ-19ને કારણે રાષ્ટ્રપતિભવન જનારા લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે અને માસ્ક પહેરવું પડશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો