You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાન મોદીની હાજરીમાં મમતા બેનરજી ગુસ્સે થયાં, ભાષણ ન આપ્યું - BBC TOP NEWS
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના વિક્ટોરિયલ મેમોરિયલમાં સુભાષચંદ્ર બોઝની જયંતી પર સંબોધન કર્યું હતું.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે સુભાષચંદ્ર બોઝની જયંતી (23 જાન્યુઆરી)ને હવે "પરાક્રમદિવસ" તરીકે ઊજવવામાં આવશે.
સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી પર કોલકાતા પહોંચેલા વડા પ્રધાને કહ્યું કે દેશે નક્કી કર્યું છે કે નેતાજીનો જન્મદિવસ (23 જાન્યુઆરી) પરાક્રમદિવસ તરીકે ઊજવવામાં આવશે.
તો વિક્ટોરિયલ મેમોરિયલમાં આયોજિત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સાથે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી અને રાજ્યપાલ જગદીપ ધનખડ પણ હાજર હતાં.
પીએમ મોદીના સંબોધન પહેલાં જ્યારે મમતા બેનરજીને મંચ પર બોલાવવામાં આવ્યા તો દર્શકોમાં સામેલ ઘણા લોકોએ 'જય શ્રીરામ'ના નારા લગાવ્યા.
ઉદઘોષકે તેમને રોકીને કહ્યું કે મુખ્ય મંત્રીજીને બોલવાનો મોકો આપો. ત્યારે મંચ પર આવતાં મમતા બેનરજીનો અવાજ સંભળાય છે- "ના બોલબે ના... આમી બોલબે ના..."
બાદમાં મંચ પર આવીને મમતા બેનરજીએ કહ્યું, "નહીં, મને લાગે છે કે સરકારના કાર્યક્રમની કોઈ મર્યાદા હોવી જોઈએ. આ સરકારનો કાર્યક્રમ છે. કોઈ રાજકીય પાર્ટીનો નહીં. આ સરકાર અને લોકોનો પ્રોગ્રામ છે."
"હું વડા પ્રધાનજી અને સંસ્કૃતિ મંત્રાલયની આભારી છું કે આ તમે લોકોએ કોલકાતામાં કાર્યક્રમનું આયોજન કર્યું. પણ કોઈને આમંત્રણ આપીને, નિમંત્રણ આપીને તેનું અપમાન કરવું એ તમને શોભતું નથી. હું ફરી તમને કહું છું કે હું તેના વિરોધમાં કંઈ નહીં બોલું. જય હિન્દ, જય બાંગ્લા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાલુ પ્રસાદ યાદવની હાલત ગંભીર, આજે દિલ્હીની એઇમ્સમાં લવાશે
રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, લાલુ પ્રસાદ યાદવની હાલત ગંભીર હોવાથી તેમને આજે (શનિવાર) સાંજે દિલ્હીની એઇમ્સમાં ભરતી કરાશે.
જાણકારી અનુસાર આઠ સભ્યોના મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી છે, તેમાં અલગઅલગ વિભાગના વરિષ્ઠ ડૉક્ટરો સામેલ છે.
મેડિકલ બોર્ડે રિપોર્ટ જોયા બાદ લાલુ પ્રસાદને દિલ્હીની એઇમ્સમાં મોકલવાની સલાહ આપી છે.
રિપોર્ટ અનુસાર, આજે સાંજે પાંચ વાગ્યે તેમને ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી લવાશે.
લાલુ પ્રસાદના મુખ્ય ચિકિત્સક ડૉક્ટર ઉમેશ યાદવે કહ્યું કે લાલુ પ્રસાદ યાદવને આજે સાંજે જ ઍર એમ્બ્યુલન્સથી એઇમ્સમાં મોકલાશે.
ચારા ગોટાળા કેસમાં સજા કાપી રહેલા લાલુ પ્રસાદ યાદવ હાલમાં રાંચીની RIMSમાં ભરતી છે.
તામિલનાડુમાં હાથી પર સળગતું ટાયર ફેંકતા મૃત્યુ
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે તામિલનાડુના ઊટી નજીક હાથીઓ પર સળગતા ટાયરનો હુમલો કરવાથી ઘાયલ થયેલા એક હાથીનું મૃત્યુ નીપજ્યું છે. આ મામલે તમિલનાડુ પોલીસે બે સ્થાનિકોની ધરપકડ કરી છે.
વનવિભાગના સિનિયર અધિકારી પ્રમાણે હાથીએ મસિનાગુડી નજીક માવનાહલ્લા ખાતે એક લક્ઝુરિયસ કારને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના બાદ 8 જાન્યુઆરીના રોજ હાથી પર હુમલો થયો હતો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતા ઘટનાની તપાસ શરૂ થઈ હતી.
અધિકારીએ આગળ કહ્યું, "ઘટનાના આરોપીઓએ હાથી તરફ કેરોસીનથી ભરેલ ટાયર ફેંક્યું હતો. આ હુમલામાં હાથીની પીઠ પર ગંભીર ઈજા થઈ હતી જેની સારવાર ચાલી રહી હતી."
મુદુમલાઈ ટાઇગર રિઝર્વ (બફર ઝોન)ના ડેપ્યુટી ડાયરેક્ટર, એલસીએસ શ્રીકાંથ, જેઓ આ વિસ્તારના ઇનચાર્જ છે, તેમણે કહ્યું કે આ મામલે વધુ એક વ્યક્તિ સામે પણ ફરિયાદ દાખલ કરી છે, જે હાલ બહાર છે. જે બે લોકોની ધરપકડ થઈ છે તેમને રિમાંડ માટે મોકલી આપવામાં આવશે.
આ મામલે રેમન્ડ મલ્લન માલ્કૉમ અને પ્રસાથ સુગુમરન નામની બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. સ્થાનિકો પ્રમાણે જ્યારે હાથી માલ્કૉમ સંચાલિત રિસોર્ટની નજીક આવ્યો ત્યાર બાદ તેની પર આ હુમલો થયો હતો.
ગુજરાત પોલીસ અધિકારીઓની વર્તણૂક પર નજર રાખવા બૉડી કૅમેરા લગાવાશે
એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્ય પોલીસના સબ-ઇન્સ્પેક્ટર કરતાં ઊંચા હોદ્દાના અધિકારીઓને તેમની પબ્લિક સાથેની વર્તણૂક પર નજર રાખવા માટે બૉડી કૅમેરા આપવામાં આવશે. આ કૅમેરા કંટ્રોલ રૂમ સાથે સીધા જોડાયેલા હશે.
નોંધનીય છે કે USA અને અન્ય વિકસિત દેશોની પોલીસ દ્વારા બૉડી કૅમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.
એક પત્રકારપરિષદ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતી વખતે મુખ્ય મંત્રીએ કહ્યું કે આ કૅમેરા અધિકારીના ગણવેશ પર પીન કરાયેલા હશે, જેની લાઇવ ફીડ કંટ્રોલ રૂમમાં ચલાવવામાં આવશે.
તેમણે કહ્યું કે ટ્રાફિક વિભાગમાં કાર્યરત ઇન્સ્પેક્ટરો અને સબ ઇન્સ્પેક્ટરોને પ્રથમ તબક્કામાં આવરી લેવામાં આવશે.
તેમણે ઉમેર્યું, “આ માટે કૅમેરા મેળવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. પોલીસવાળા એ પ્રજાના રખેવાળ છે તેમણે ક્યારેય સામાન્ય માણસને તકલીફ આપવી જોઈએ નહીં."
"આ કૅમેરા વડે આપણે પોલીસ અધિકારીઓનું જનતા સાથે કેવી વર્તન કરે છે તે જોઈ શકીશું. આટલું જ નહીં આ પ્રક્રિયાથી ન માત્ર પોલીસનું વર્તન સુધરશે પરંતુ પોલીસ સામે થતા ખોટા આક્ષેપો સામે પણ તેમને રક્ષણ મળી શકશે.”
ટ્રમ્પ વિરુદ્ધ સેનેટમાં સોમવારે સુનાવણી
અમેરિકન સંસદના ઉપલા ગૃહ સેનેટમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સોમવારથી ટ્રાયલ શરૂ થશે.
સોમવારે જ નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સથી તેમની વિરુદ્ધ આર્ટિંકલ ઑફ ઇમ્પીચમેંટ સેનેટને મોકલવામાં આવશે.
નીચલા ગૃહમાં તેમની વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ પહેલાંથી પસાર થઈ ચૂક્યો છે. હવે સેનેટમાં ટ્રમ્પ વિરુદ્ધ બળવાની ઉશ્કેરણીનો કેસ ચાલશે.
છ જાન્યુઆરીના રોજ તેમના ભાષણની તરત બાદ તેમના સમર્થકોએ અમેરિકન સંસદભવન પર હુમલો કરી દીધો હતો જેમાં પોલીસકર્મી સહિત કુલ પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
સેનેટ નેતા અને ડેમૉક્રૅટિક પાર્ટીના ચક શૂમરે કહ્યું છે કે ટ્રમ્પ વિરુદ્ધ ફરીથી ટ્રાયલ થશે.
રિપબ્લિકન સાંસદ ઇચ્છે છે કે ટ્રમ્પ વિરુદ્ધના કેસને ફેબ્રુઆરી સુધી ટાળી દેવામાં આવે જેથી ટ્રમ્પ પોતાના બચાવની તૈયારી કરી શકે.
જો સેનેટમાં ટ્રમ્પ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર થઈ જાય છે તો ભવિષ્યમાં પબ્લિક ઑફિસ માટે તેઓ અયોગ્ય જાહેર થઈ જશે.
સેનેટમાં ડેમૉક્રૅટિક પાર્ટીને બહુમત જરૂર હાંસલ છે પરંતુ પ્રસ્તાવ પસાર કરવા માટે બે તૃતિયાંશ બહુમતની જરૂર છે અને તેના માટે ઓછામાં ઓછા 17 રિપબ્લિકન સાંસદોના મતની જરૂર પડશે.
અમુક રિપબ્લિકન સાંસદ ટ્રમ્પના વ્યવહારથી અત્યંત નારાજ છે અને નીચલા ગૃહમાં તેમની પાર્ટીના જ 10 સાંસદોએ તેમની વિરુદ્ધ મત આપ્યો હતો પરંતુ સેનેટમાં 17 સાંસદ ટ્રમ્પ વિરુદ્ધ મત આપશે કે કેમ, તે હાલ કહેવું મુશ્કેલ છે.
ગુજરાતમાં વધુ કેટલાંક સ્થળોએ મરઘાંમાં બર્ડ ફ્લૂના કેસ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું કે ગુજરાત અને ઉત્તરાખંડના વધુ કેટલાક જિલ્લામાં મરઘાંમાં બર્ડ ફ્લૂ હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે અત્યાર સુધી કેરળ, હરિયાણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને પંજાબનાં મરઘાંમાં બર્ડ ફ્લૂ હોવાનું સામે આવ્યું છે.
મિનિસ્ટ્રી ઑફ ફિશરિઝ, એનિમલ હસબંડરી અને ડેરિઇંગના એક નિવેદનમાં કહેવાયું છે કે ઉત્તરાખંડના અલમોરા જિલ્લા અને ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લાનાં મરઘાંના સૅમ્પલ બર્ડ ફ્લૂ માટે પૉઝિટિવ મળી આવ્યાં છે.
નોંધનીય છે કે ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી જુદા જુદા વિસ્તારોના જુદાં જુદાં પક્ષીઓમાં બર્ડ ફ્લૂના કેસો મળી આવ્યા છે. તેમજ સંખ્યાબંધ સ્થળોએ પક્ષીઓ રહસ્યમય રીતે મૃત્યુ પામેલી અવસ્થામા મળી આવતાં ચિંતામાં વધારો થયો છે.
અહેવાલ પ્રમાણે જમ્મુ-કાશ્મીરના કુલગામ, અનંતનાગ, બડગામ અને પુલવામા વિસ્તારોમાં કાગડામાં બર્ડ ફ્લૂ હોવાની વાતની પુષ્ટિ થઈ છે.
હિંદ મહાસાગર પ્રદેશનારક્ષા મંત્રીઓની કૉન્ક્લેવ ભારતમાં
બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ અનુસાર બેંગાલુરુ ખાતે આયોજિત ઍરો ઇન્ડિયા કાર્યક્રમ દરમિયાન હિંદ મહાસાગર પ્રદેશના દેશોના સંરક્ષણમંત્રીની કૉન્ક્લેવની મેજબાની કરશે.
નોંધનીય છે કે એક બાજુ હિંદ મહાસાગર પ્રદેશમાં ચીનની સેનાની સક્રિયતા વધતી જઈ રહી છે ત્યારે ભારત આ કૉન્ક્લેવનું આયોજન કરવાનું છે.
એક અધિકારીએ આ વિશે માહિતી આપતાં અખબારને જણાવ્યું, “હિંદ મહાસાગર રિજનમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધે તે માટે સંસ્થાકીય અને સહકારના વાતાવરણમાં ચર્ચા થઈ શકે તે હેતુથી આ કૉન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે.”
તેમણે આગળ કહ્યું, “શાંતિમાં વધારો, હિંદ મહાસાગરમાં સુરક્ષા અને સહકાર વધે તે આ કૉન્ક્લેવની થીમ હશે. હિંદ મહાસાગર રિજનમાં સંસાધનો અને પ્રયત્નો વચ્ચે સુમેળ સાધવાનો આ કૉન્ક્લેવનો હેતુ હશે.”
ગુજરાત : 'ભ્રષ્ટાચારના કેસોમાંદોષી ઠેરવવાનો આંકડો બમણો
ધઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ACBના ડિરેક્ટર કેશવ કુમારે એક પત્રકારપરિષદમાં જણાવ્યું કે રાજ્યમાં ACB દ્વારા રજિસ્ટર કરાયેલા ગુનાઓમાં કન્વિક્શન રેટ એટલે કે દોષી ઠેરવવાનો આંકડો 23 ટકાથી વધીને 41 ટકા થઈ ગયો છે.
આ અંગેનું કારણ આપતા તેમણે કહ્યું કે, મુકદમા પર વિશેષ ભાર અને સાયન્ટિફિક અને ફૉરેન્સિક આધારિત તપાસને લીધે આ શક્ય બન્યું છે.
ACB દ્વારા વધુ સંખ્યામાં દાખલ કરાતા અપ્રમાણસર મિલકતના કેસોને તેમણે એક સિદ્ધિ ગણાવી હતી.
તેમણે કહ્યું કે સરકાર દ્વારા વિભાગમાં ચાર્ટર્ડ એકાઉન્ટ, રેવન્યુ એડવાઇઝર અને ફૉરેન્સિક ઍડ્વાઇઝરની નિમણૂકને કારણે ગુના ઉકેલવામાં અને ભ્રષ્ટાચારના કેસો વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થઈ છે.
નોંધનીય છે કે વર્ષ 2021માં ACBએ અપ્રમાણસર મિલકતના 38 કેસો દાખલ કર્યા હતા. જેમાં 50.11 કરોડની સંપત્તિ સામેલ હતી. જ્યારે વર્ષ 2021માં અત્યાર સુધી અપ્રમાણસર મિલકતના બે કેસોમાં જ 33 કરોડની સંપત્તિ મળી આવી છે.
તેમણે કહ્યું કે આ વર્ષે વિભાગ 150 કરોડની અપ્રમાણસર સંપત્તિના કેસો કરવાનું લક્ષ્ય ધરાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો