ખેડૂતોની ટ્રૅક્ટર રેલીમાં હિંસા ભડકાવી ચાર ખેડૂત નેતાઓને ગોળી મારવાનું ષડયંત્ર હતું?

સિંઘુ બૉર્ડર ખાતે કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ મોડી રાત્રે પત્રકારપરિષદ યોજી હતી જેમાં દાવો કરવામાં આવ્યો કે 26 જાન્યુઆરીની ટ્રૅક્ટર રેલીમાં હિંસા ભડકાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું.

ખેડૂત નેતાઓએ અહીં એક શખ્સને રજૂ કર્યો હતો જેમણે કહ્યું હતું કે 26 જાન્યુઆરીના રોજ ટ્ર્રૅક્ટર રેલીમાં હિંસા ભડકાવી ચાર ખેડૂત નેતાઓને ગોળી મારવાની યોજના બનાવવામાં આવી હતી.

એ શખ્સે વિગતવાર હિંસાની યોજના જણાવી કે કેવી રીતે ગોળીબાર કરીને પોલીસ અને ખેડૂતોને સામસામે લાવવાના હતા જેથી હિંસા ભડકે.

ત્યારબાદ ખેડૂતોએ આ શખ્સને સ્થાનિક પોલીસને સોંપી દીધો હતો.

ખેડૂત નેતા કુલવંત સિંહ સંધુએ કહ્યું કે વિભિન્ન એજન્સીઓ ખેડૂત આંદોલનમાં ગડભડ કરવાના પ્રયાસ કરી રહી છે. આ મામલે પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ખેડૂતોએ રજૂ કરેલા શખ્સે શું કહ્યું?

બે જગ્યાએ હથિયાર આપ્યાં છે, એક માખણભોગ પાસે અને એક એ ગલીમાં. અમારો પ્લાન એવો હતો કે જ્યારે 26 તારીખે ખેડૂતો આગળ વધવાની કોશિશ કરશે ત્યારે દિલ્હી પોલીસ તેમને રોકવાનો પ્રયાસ કરશે. જો બાયચાન્સ તેઓ નહીં રોકાય તો તેમની પર ફાયરિંગ કરવાનો હુકમ છે. તેમના ઘૂંટણ પર ગોળી મારવાનો હુકમ છે.

ત્રીજી વાત એ છે કે પાછળથી 10 છોકરાની એક ટીમ છે જે ખેડૂતોની પાછળથી ફાયરિંગ કરશે, જેથી પોલીસને એવું લાગશે કે આ ફાયરિંગ ખેડૂતો તરફથી થઈ છે.

ચોથો પ્લાન એ છે કે 26 તારીખે પોલીસ સાથે અડધા લોકો ખાનગી હશે, જેઓ પોલીસની વર્દીમાં હશે અને ખેડૂતોને વેરવિખેર કરશે. 24 તારીખે સ્ટેજ પર રહેલા ચાર લોકોને શૂટ કરવાનો પ્લાન છે. તેમના ફોટો પણ આપી દેવામાં આવ્યા છે.

હું આ મામલે જે વ્યક્તિને જાણું છું તેનું નામ પ્રદીપસિંહ છે. તે અરાઈ પોલીસ સ્ટેશનના SHO છે. તેઓ જ્યારે પણ અમને મળવા આવતા ત્યારે તે મોઢું સંતાડીને આવતા હતા. અમે તેનો બેજ (વરદી પર નામ લખેલો બેજ) જોયો હતો.

ખેડૂતનેતાઓનાં નામ નથી ખબર, પરંતુ તેમના ફોટો અમારી પાસે છે.

ખેડૂતો અને સરકારની 11મી વાતચીત પણ નિષ્ફળ

સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ત્રણ કૃષિકાયદાઓને લઈને 11મી વાતચીતમાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી.

શુક્રવારે વિજ્ઞાન ભવનમાં થયેલી વાતચીતમાં સરકારે પોતાની તરફથી આપવામાં આવેલા પ્રસ્તાવ પર વાત કરવા કહ્યું જેને ખેડૂતોએ નકારી કાઢ્યો.

ખેડૂત નેતાઓએ કહ્યું કે, આ બેઠક માંડ 15-20 મિનિટ ચાલી.

સરકારે દોઢ વર્ષ માટે કાયદાઓ સ્થગિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે જે ખેડૂતોને મંજૂર નથી.

આગળની બેઠક માટે કોઈ તારીખ આપવામાં નથી આવી.

બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ સવાલ કર્યો હતો કે શું સરકારના પ્રસ્તાવને લઈને ખેડૂત સંગઠનોમાં કોઈ મતભેદ છે?

આના જવાબમાં એક ખેડૂત નેતાએ કહ્યું કે, ઘરમાં દરેકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોય છે. ઘરમાં જો ચાર લોકો હોય તો દરેકનો મત અલગ હોય છે પરંતુ છેવટે એક જ મત બને છે. દરેક એ વાત પર સહમત છે કે કાયદાઓ રદ થવા જોઈએ.

પ્રજાસત્તાકદિને ટ્રૅક્ટર રેલી

ટ્રૅક્ટર રેલીને લઈને ખેડૂત નેતાઓએ કહ્યું કે અમે બે દિવસ અગાઉ 24 તારીખે એનો પ્રસ્તાવ બનાવીને આપીશું.

એમણે કહ્યું કે, સરકાર એમએસપી બાબતે પણ ગૅરંટી આપવાને બદલે કમિટિ બનાવવાનો પ્રસ્તાવ આપે છે.

ખેડૂત સંગઠનો દિલ્હી બૉર્ડર પર બે મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિકાયદાઓ સામે આંદોલન કરે છે અને તેને રદ કરવાની માગ કરે છે.

વિજ્ઞાન ભવનની બહાર હાજર એક ખેડૂત નેતાએ કહ્યું કે સરકારે કોઈ નવો પ્રસ્તાવ નથી આપ્યો, આગળના પ્રસ્તાવની જ વાત કરે છે.

ખેડૂત નેતા જોગિંદર સિંહ ઉરરાહાંએ પાછા હઠવાના સવાલ પર કહ્યું કે, સરકાર પણ પાછી હઠવા તૈયાર નથી, અમે પણ નથી. અમારા માટે પાછા હઠવું આત્મહત્યા છે. શું અમે આત્મહત્યા કરી લઈએ?

બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ પૂછ્યું કે જો આ જ સ્થિતિ રહેશે તો ઉકેલ કેવી રીતે આવશે?

આના જવાબ પર જોગિંદર ઉગરાહાંએ કહ્યું કે, "અમે તો ફરિયાદી છીએ જે ફરિયાદ લઈને આવ્યા છીએ. અમે તો સરકાર પાસે જ જઈશુંને? બીજાં કોની પાસે જઈએ? "

એમણે કહ્યું કે અમે રસ્તો નથી રોકેલો, સરકારે રસ્તો રોકેલો છે, સરકારે દિલ્હી આવવાનો રસ્તો રોકી રાખ્યો છે.

એમણે કહ્યું કે, સરકારના પ્રસ્તાવ પર જે મતભેદની વાતો સામે આવી રહી છે તે મૂળે પંજાબના જથ્થાબંધીઓ વચ્ચે થઈ છે, અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. અમારી વચ્ચે સર્વેની સહમતીથી કાયદા રદ થવા જોઈએ એ જ વાત નક્કી છે.

આગળની વાતચીતની સંભાવના પર એમણે કહ્યું કે, આગળ કોઈ સંભાવના નથી, સરકાર જ્યારે કાયદાઓ રદ કરવાનું મન બનાવી લે ત્યારે આવીશું.

26 જાન્યુઆરીએ થનારી ટ્રૅક્ટર રેલીને લઈને એમણે કહ્યું કે, પંજાબ અને અન્ય રાજ્યોમાં જે રીતની તૈયારી થઈ રહી છે તે જોતાં પાંચ લાખ ટ્રૅક્ટર આ રેલીમાં આવશે. અમે સરકારને કહ્યું છે કે અમને શાંતિપૂર્ણ રીતે માર્ચ કરવા દે, અમને રસ્તો આપે.

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, અમે સિંઘુ બૉર્ડર જઈને આગળ શું કરવું એની વાત કરીશું.

ખેડૂત નેતા બલકરણ સિંહે કહ્યું કે અમે કાયદો રદ કરાવવા માગીએ છીએ અને સરકાર આડીઅવળી વાતો કરી આંદોલન તોડવા માગે છે.

એમણે કહ્યું કે, જે રીતે છ મહિનાથી શાંતિથી આંદોલન કરતાં આવ્યા છીએ એમ આગળ પણ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરીશું. ટ્રૅક્ટર પરેડ માટે રસ્તો માગ્યો છે. આ પરેડ અમે બંધારણની મર્યાદામાં શાંતિપૂર્ણ રીતે કરીશું. કોર્ટે પણ કહ્યું છે કે તે ખેડૂતોનો અધિકાર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો