'હું HIVથી જેટલી દુખી ન થઈ, એટલી કોરોનાના ચેપથી થઈ'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારા પ્રથમ પતિએ મને એઇડ્સ આપ્યો, એમના અવસાન પછી બીજાં લગ્ન કર્યાં તો એ માનસિક રીતે બીમાર હતા."
"જીવનમાં આટલી તકલીફો ઓછી હોય એમ મારી એક કિડની ખરાબ થઈ ગઈ, તો ય મેં જીવન સામે ફરિયાદ નથી કરી, પણ મને કોરોના સંક્રમણ થયું અને મારો જે રીતે સામાજિક બહિષ્કાર થયો તેનાથી હું માનસિક રીતે ભાંગી ગઈ."
"લોકોના ત્રાસથી એવી કંટાળી કે મારે કોરોનામાં જીવવા માટે પોલીસની મદદ લેવી પડી"
આ શબ્દો છે કોરોના વાઇરસને માત આપીને બહાર આવેલાં એચઆઈવીગ્રસ્ત અંકિતા પટેલના.
અંકિતા પટેલ (નામ બદલેલ છે) અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી એક ચાલીમાં રહે છે.
નાનપણમાં અંકિતાને એક વેપારી સાથે પ્રેમ થયો ત્યારે ભણવાનું અડધેથી છોડીને પ્રેમલગ્ન કરી લીધાં.
પ્રેમલગ્નથી માતાપિતા નારાજ હતાં, જોકે સાસરામાં બધાએ તેમને સ્વીકારી લીધાં હતાં.
અંકિતા પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "શરૂઆતમાં મારો પરિવાર નારાજ હતો. મારા પહેલા પતિ વેપારી હતા અને સારી રીતે અમારું જીવન જઈ રહ્યું હતું. થોડા સમય પછી તેમને કિડનીની બીમારી થઈ ગઈ, જેની સારવાર કરાવી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંકિતાનું કહેવું છે કે સારવાર દરમિયાન લોહી ચડાવવામાં આવ્યું અને તેમને એઇડ્સ થઈ ગયો. ત્યારબાદ તેમનું મૃત્યુ થઈ ગયું.
નાની ઉંમરે વિધવા થયેલાં અંકિતાને તેમનાં માતાપિતા અને સાસુ-સસરાએ બીજાં લગ્ન કરવાં માટેનો આગ્રહ કરીને પરણાવી દીધાં.
પરંતુ અંકિતાને હજી એ નહોતી ખબર કે તેમનાં પતિથી તેમને પણ એઇડ્સનો રોગ લાગી ગયો છે.
તેઓ કહે છે કે લગ્નના થોડા સમય પછી મને ખબર પડી કે મારા બીજા પતિ માનસિક રીતે બીમાર છે. જોકે ત્યાં સુધી તેઓ બીજાં લગ્નથી ગર્ભવતી થઈ ગયાં હતાં.
અંકિતા પટેલ જણાવે છે કે તેમણે એક પુત્રીને જન્મ આપ્યો જે સાત મહિનાની થઈને ગુજરી ગઈ. પુત્રીના મૃત્યુ પછી તેઓ પોતે પણ બીમાર રહેવા લાગ્યાં.

એચઆઈવી પૉઝિટિવ થયાં

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2008માં તેમણે અનેક ટેસ્ટ કરાવ્યા પછી જાણ થઈ કે તેઓ એચઆઈવી પૉઝિટિવ છે.
"મારા પ્રથમ પતિ મને એચઆઈવી આપતા ગયા છે એ જાણીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મને ચિંતા હતી કે મારા કારણે મારા બીજા પતિને તો એચઆઈવી નથી થયો ને."
જોકે તેમને એચઆઈવીનો ચેપ નહોતો લાગ્યો.
અમે સિવિલ હૉસ્પિટલમાં સારવાર શરૂ કરાવી જ્યાં ખબર પડી કે તેમની એક કિડની ફેલ થઈ ગઈ છે.
તેમના પતિ ખાનગી કંપનીમાં સામાન્ય પગારવાળી નોકરી કરતા હતા એટલે પૈસાની તાણ હતી.
અંકિતાને બાળકો માટે કામ કરતી એક સેવાભાવી સંસ્થામાં કામ મળી ગયું હતું. આ સંસ્થામાં બાળકો સાથે કામ કરતા સકારાત્મકતા મળી અને આર્થિક મદદ પણ થવા લાગી.
અંકિતા કહે છે કે આટલાં વર્ષોથી હૉસ્પિટલમાં મારાં જેવા અન્ય એચઆઈવીગ્રસ્ત બહેનોને પણ મદદ કરતી હતી.

કોરોનાનો ચેપ લાગ્યો
કોરોના સંક્રમણ ફેલાવવા લાગ્યું ત્યારથી એચઆઈવી અને કિડનીના રોગથી પીડિત હોવાને કારણે ડૉક્ટરોએ બહાર બહુ ફરવાની ના પાડી હતી.
જુલાઈમાં અંકિતાને કોરોનાનું સંક્રમણ લાગી ગયું અને ઘરે કોરોનાગ્રસ્તની નોટિસ લગાવી દેવામાં આવી હતી, બધાને ખબર પડી ગઈ કે અંકિતા કોરોના પૉઝિટિવ છે.
દૂધવાળા, શાકવાળા અને કરિયાણાવાળાએ તેમને સામાન આપવાનું બંધ કરી દીધું.
અંકિતા કહે છે, "મારા પતિને કોરોના સંક્રમણ થયું ન હતું, પરંતુ તેઓ ઘરની બહાર નીકળતાં ત્યારે લોકોએ એમને ધુત્કારવાનું શરૂ કર્યું. અમે બહારથી ટિફિન બંધાવ્યું, પણ લોકોએ ટિફિન આપવાવાળાને ધમકાવીને કાઢી મૂક્યો."
"હું માનસિક રીતે ભાંગી ગઈ. વૉટ્સઍપમાં આવતા મૅસેજ જોઈને હું ગભરાઈ ગઈ હતી, મને ડર લાગ્યા કરતો હતો કે હવે મારું જીવન પૂરું થઈ ગયું છે. હું દિવસભર હોમ આઇસોલેશનમાં હોવાથી એકલું રડતી."
"એક દિવસ મેં સિવિલ હૉસ્પિટલમાં ફોન કરીને મદદ માગી, એમણે મારી તાત્કાલિક સારવાર કરવાના આદેશ આપ્યા."

માનસિક સમસ્યાની સારવાર

ઇમેજ સ્રોત, Bhargav Parikh
સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને ડીન ડૉક્ટર જે.વી. મોદીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું , "અમારી રોજ સાંજે એક મિટિંગ થતી હતી, એમાં ખાસ કેસની ચર્ચા થતી હતી. મારી ટેવ મુજબ હું એચઆઈવી, કિડની, હાર્ટના નિયમિત ગરીબ દર્દીઓની સ્થિતિ શું છે એની વિગતો મંગાવતો."
"કોરોનાને કારણે આવા દર્દીઓ ખાનગી હૉસ્પિટલમાં જઈ ન શકે એટલે આ રૂટિન રાખ્યું હતું. અલબત્ત જે સિરિયસ હોય એવા કેસ મારી પાસે ખાસ આવતા હતા. તેમાં એક કેસ અંકિતાનો હતો."
"એચઆઈવી અને કિડનીની બીમારીથી ગ્રસ્ત અંકિતા હોમ આઇસોલેશનમાં હતાં અને માનસિક અસ્વસ્થ હતાં, જેથી તેમને નુકસાન થઈ શકતું હતું."
ડૉક્ટર જે.વી. મોદી કહે છે કે "તેઓ (અંકિતા) ઍસિમ્ટોમૅટિક હતાં, પણ એચઆઈવી અને કિડનીની બીમારીને કારણે મામલો ગંભીર ગણાય. એમાંય જો એ માનસિક રીતે ભાંગી પડે તો દર્દીને સંભાળવું મુશ્કેલ બનતું."
"અમે કોરોનાના દર્દીઓ માટે શરૂ કરેલી મનોચિકિત્સકની ટીમને અંકિતાની ખાસ કાળજી રાખવા કહ્યું. રિપોર્ટ પ્રમાણે તેઓ ગંભીર ડિપ્રેશનમાં હતાં. એમના ડિપ્રેશનનું કારણ ફિયર ફૅક્ટર અને સોશિયલ ડિસ્ક્રિમિનેશન હતું."
તેઓ આગળ કહે છે, "અમે અહીંથી પહેલા હેલ્થ વર્કરને મોકલીને જમવાની વ્યવસ્થા કરાવી અને હેલ્થ વર્કર એમની સાથે વાત કરીને આવે. એક નાનું ટૅબલેટ આપીને કોરોનાથી બચી શકાય એના માટે બનાવેલો વીડિયો મોકલાવ્યો. સતત વીડિયો કૉલિંગથી એનું કાઉન્સિલિંગ કર્યું."
"જેના કારણે એ ફરી હિંમત એકઠી કરી શક્યાં અને એમનામાં કોરોનાને માત કરવાની હિંમત આવી. એમનો કોરોનાનો ટેસ્ટ નૅગેટિવ આવતા કિડનીનું ચેકિંગ કરાવ્યું, એચઆઈવીના ટેસ્ટ કરાવ્યા અને જરૂરી દવા આપી."
જોકે તેમનું વજન વધ્યું હતું પણ તેમની કિડનીને નુકસાન થતું અટકાવી શકાયું હતું.

પરિવર્તન અને અન્યની મદદ માટે તૈયાર
કોરોના સંક્રમણમાંથી બહાર આવેલાં અંકિતાના જીવનમાં ઘણાં પરિવર્તનો આવી ગયાં છે.
સહારો મળતા તેમનામાં હવે એવી હિંમત આવી છે કે તેઓ જુનિયર સાઇકિયાટ્રિસ્ટની મદદમાં પોતે કેસ સ્ટડી તરીકે હાજર રહી પોતાના અનુભવો જણાવે છે, જેથી કોરોનાના દર્દીઓને માનસિક તણાવમાંથી બહાર લાવવામાં મદદ મળે.
અંકિતા કહે છે કે "હું એ સમયે માનસિક રીતે તૂટી ગઈ હતી. પાડોશીઓ અને વેપારીઓ મારા પતિને પરેશાન કરતા હતા."
"સિવિલ હૉસ્પિટલમાં મદદ મળ્યા પછી મારી હિંમત વધી ગઈ. કોરોનાના દર્દીને હેરાન કરનાર સામે પોલીસ કાર્યવાહી કરતી હતી એટલે મેં લોકોની પરેશાનીથી બચવા માટે પોલીસને બોલાવી. હું સાજી થઈ પછી હવે મને કોઈ દૂધ, શાકભાજી આપવાની ના નથી પાડતું, પણ એચઆઈવી કરતાં મને વધુ ધુત્કાર કોરોનામાં મળ્યો છે."
"જીવનનો આ અનુભવ ક્યારેય નહીં ભૂલી શકું, જ્યાં તમે જેની મદદ કરી હોય એ તમારો દુશ્મન બની જાય. માણસની ઓળખ મને આ કોરોનામાં થઈ."
"પણ એક વાત સાચી છે કે તમારી તકલીફમાં તમારી જાત સિવાય કોઈ કામ આવતું નથી. ત્યારે મને ભગવાનથી ફરિયાદ કરતા એવું થાય છે 'ભગવાન, તું તારા જ બંદાને એટલો મજબૂર ન કર કે એ તને છોડીને બીજાને પૂજવા લાગે.'
(આ અહેવાલમાં પીડિત મહિલાનું નામ બદલવામાં આવ્યું છે)



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













