મૅનોપૉઝ પછી થતો રક્તસ્રાવ કેટલો જોખમી?

    • લેેખક, સુશીલા સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

એક ખાનગી હૉસ્પિટલમાં કામ કરતાં 55 વર્ષીય સરલા (નામ બદલ્યું છે) મૅનોપૉઝમાં આવી ગયાં હતાં. પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી તેમને ઘણી વખત બ્લિડિંગ (રક્તસ્રાવ)ની સમસ્યા રહેતી હતી. તેમની દીકરીનાં લગ્ન થવાનાં હતાં તેથી ઘરમાં ઘણું કામ હતું અને બીજી તરફ હૉસ્પિટલનું કામ હતું.

તેમણે પોતાના સહકર્મચારી સાથે આ વિશે વાત કરી તો તેમણે સરલાને ડૉક્ટરની સલાહ લેવા કહ્યું.

સરલા જાણતાં હતાં કે તેમણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, પરંતુ ઘરકામ અને હૉસ્પિટલના કામની વચ્ચે તેઓ આ સમસ્યા પર ધ્યાન આપી શકતાં નહોતાં.

પરંતુ તકલીફ વધી ગઈ ત્યારે તેમણે ડૉક્ટરને દેખાડવાનો નિર્ણય લીધો. તબીબી તપાસમાં જાણવા મળ્યું કે સરલાને ગર્ભાશયની અંદર ઍન્ડોમિટ્રિયલ કૅન્સર છે જે ઘણું આગળ વધી ગયું છે. ડૉક્ટરે સરલા પર સર્જરી કરવી પડી.

સરલાએ જો પોતાની સારવાર પહેલેથી શરૂ કરાવી દીધી હોત તો તેમને કૅન્સર થતા પહેલાં અથવા પ્રથમ તબક્કામાં જ તેની ખબર પડી ગઈ હોત.

સરલા શિક્ષિત હતાં. તેઓ સ્વયં એક હૉસ્પિટલમાં કામ કરતાં હતાં છતાં મહિલાઓ પોતાની તબિયત અંગે ઘણી વખત બેદરકાર રહેતાં હોવાનું જોવા મળ્યું છે.

અથવા તો તેઓ એકબીજા સાથે વાતો કરીને ઉકેલ મેળવવાનો પ્રયાસ કરે છે. કેટલીક વખત મહિલાઓ સંકોચના કારણે આ વિષયો પર વાત કરવાનું ટાળે છે અને ડૉક્ટર સામે ખૂલીને વાત કરતા ખચકાય છે.

પરંતુ શું મૅનોપૉઝ પછી બ્લિડિંગ થવું એ સામાન્ય બાબત છે?

આ સવાલનો જવાબ મેળવતા પહેલાં આપણે એ સમજવું જોઈએ કે મૅનોપૉઝ શું હોય છે અને ભારતીય મહિલાઓમાં તે સરેરાશ કંઈ ઉંમરે થાય છે.

સ્ત્રીરોગનિષ્ણાત ડૉક્ટર એસએન બસુના જણાવ્યા પ્રમાણે, "મહિલાના શરીરમાં અંડાશય કામ કરવાનું બંધ કરી દે ત્યારે તેઓ મૅનોપૉઝમાં આવે છે. ગર્ભાશયની કોથળી પાતળી થઈ જાય છે અને રક્તસ્ત્રાવ બંધ થઈ જાય છે."

"કોઈ મહિલામાં મૅનોપૉઝ થયું છે કે નહીં તે જાણવા માટે તેમના પર એક બ્લડ ટેસ્ટ (એફએચએસ લેવલ) કરવામાં આવે છે. જો તેનું સ્તર 30થી ઉપર હોય તો મહિલા મૅનોપૉઝમાં આવી ગઈ છે."

મૅનોપૉઝ ક્યારે ગણવામાં આવે?

દુનિયાભરમાં મહિલાઓમાં મૅનોપૉઝ માટે સરેરાશ ઉંમર 49થી 51 વર્ષ ગણવામાં આવે છે.

ભારતીય મહિલાઓમાં 47-49 વર્ષની ઉંમરે મૅનોપૉઝ આવી જાય છે. એટલે કે વિશ્વભરની મહિલાઓની તુલનામાં ભારતીય મહિલાઓમાં મૅનોપૉઝ વહેલું આવી જાય છે.

ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે કોઈ પણ મહિલામાં ગર્ભાવસ્થા એકસરખી નથી હોતી. તેવી જ રીતે મૅનોપૉઝ પણ એકસરખું હોતું નથી.

મૅનોપૉઝ અગાઉ કેટલીક મહિલાઓને સામાન્ય માસિક આવે છે અને તે બંધ થઈ જાય છે. કેટલીક મહિલાઓમાં માસિકસ્ત્રાવ ધીમેધીમે બંધ થાય છે. કેટલીક મહિલાઓમાં પિરિયડના સાઇકલમાં ફેરફાર થાય છે અને તેનું અંતરાલ વધી જાય છે.

આવા સમયને પેરિમૅનોપૉઝ કહેવામાં આવે છે. તેનો સમયગાળો કેટલાક મહિનાથી લઈને ત્રણ-ચાર વર્ષ સુધીનો હોઈ શકે છે.

કોઈ મહિલાને છેલ્લા માસિક પછી 12 મહિના સુધી પિરિયડ ન આવે તો તે મૅનોપૉઝમાં આવી ગયાં છે તેમ માની લેવામાં આવે છે.

પરંતુ મૅનોપૉઝ પછી કોઈ મહિલાને રક્તસ્રાવ થાય તો તેને અસામાન્ય ગણવામાં આવે છે.

કૅન્સરની શંકા

સ્ત્રીરોગનિષ્ણાત ભાવના ચૌધરી મૅનોપૉઝ પછી રક્તસ્રાવ (બ્લિડિંગ)નું કારણ જણાવતા કહે છે કે ઘણી વખત ઉંમર વધવાની સાથે મહિલાઓનાં જનનાંગ સુકાઈ જવાં, ગર્ભાશયના મુખ પાસે ગાંઠ થવી, ગર્ભાશયની કોથળી જાડી અથવા પાતળી થવી, દવાઓથી થતી આડઅસરો અથવા ઇન્ફૅક્શન વગેરે સમસ્યા થઈ શકે છે.

મૅનોપૉઝ પછી રક્તસ્રાવના ઘણી વખત મામૂલી કારણો પણ હોઈ શકે છે. કેટલીક વખત તે કૅન્સર જેવી જીવલેણ બીમારીના સંકેત હોઈ શકે છે.

ડૉ. એસએન બસુ કહે છે, "મૅનોપૉઝ પછી તમને હળવા બ્લિડિંગના ડાઘા દેખાય કે ભારે રક્તસ્ત્રાવ અથવા કોઈ પણ પ્રકારનો રક્તસ્ત્રાવ થાય તો તરત ડૉક્ટરની સલાહ લો, કારણ કે આવા મામલામાં કૅન્સર હોવાની 10 ટકા જેટલી શક્યતા રહે છે. આ કૅન્સર ગર્ભાશય અથવા તેના મુખ પર અથવા અંડાશયમાં કે વજાઈના (યોનિ)માં હોઈ શકે છે."

ડૉક્ટરની સલાહ છે કે જ્યારે પણ તમને આવાં લક્ષણ જોવા મળે ત્યારે તેની તપાસ કરાવો. તેમાં લોહીની તપાસ, પેપ-સ્મીયર, ઍન્ડોમિટ્રિયલ બાયોપ્સી, સોનોગ્રાફી અને ડીએનસી વગેરે સામેલ છે.

ડૉક્ટર એમ પણ જણાવે છે કે ઘણી વખત મહિલાઓ માની લે છે કે તેમને બે-ત્રણ મહિના સુધી માસિક આવ્યું ન હોય તો તેઓ મૅનોપૉઝમાં આવી ગઈ છે. તેથી તેઓ ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ બંધ કરી દે છે.

તેથી ઘણી વખત મહિલાઓ એવી ઉંમરે ગર્ભવતી બને છે જ્યારે તેમને બાળકની કોઈ જરૂર હોતી નથી.

ડૉક્ટર જણાવે છે કે તેમની પાસે એવી સમસ્યાઓ સાથે પણ પતિ-પત્ની આવે છે જેમાં ઘણી વખત ગર્ભપાત કરાવવો બહુ મુશ્કેલ થઈ જાય છે. તેમના માટે આ સ્થિતિ ઘણી મુશ્કેલીભરી હોય છે.

તેથી તેઓ સલાહ આપે છે કે મહિલા મૅનોપૉઝમાં આવી ગઈ છે તેવું તબીબી રીતે પુરવાર ન થાય ત્યાં સુધી દંપતીએ સાવધાની રાખવી જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો