ગુજરાતમાં લૉકડાઉન બાદ પહેલી વખત શાળાઓ શરૂ, શું આ યોગ્ય પગલું છે?

બાળક

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી ગુજરાતી

સોમવાર 11 જાન્યુઆરીથી ગુજરાતમાં ધોરણ 10 અને 12 તથા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વર્ગોનું છેલ્લા વર્ષનું શૈક્ષિણક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

કોરોના વાઇરસના સંક્રમણને પગલે લૉકડાઉન લાદવામાં આવ્યું, એ બાદ પહેલી વખત આ નિર્ણય લેવાયો છે.

ગુજરાત 14મું રાજ્ય છે, જેણે ફરીથી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી બિહાર, આસામ, કેરળ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઝારખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ત્રિપુરા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને સિક્કિમમાં શાળાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે. આ રાજ્યોમાં ધોરણ 9 - 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

એનડીટીવીના અહેવાલ અનુસાર પુડ્ડુચેરીમાં પણ શાળાઓ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનાં સૌથી વધુ કેસો જ્યાં નોધાયા છે એ પૂણેમાં પણ શાળાઓ અને કૉલેજો કરીથી શરૂ થઈ ગયા છે. પૂણે સાથે નાગપુરમાં શાળાઓ ખૂલી ગઈ છે પરતું માત્ર ધોરણ 9- 12ના વિદ્યાર્થીઓ માટે.

line

શું શાળાઓ ખૂલવી જોઈએ?

1

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 1

કેન્દ્ર સરકારે કોરોનાની બે વૅક્સિનને મંજૂરી આપી દીધી છે અને કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. પરંતુ શું શાળાઓ ફરીથી શરૂ કરવી એ યોગ્ય પગલું છે?

બીબીસી સાથેની વાતચીતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવળંકર કહે છે, "શાળાઓ ખૂલવી જોઈએ પરતું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ. કારણકે તમે કેટલા સમય સુધી શાળાઓ બંધ રાખશો? ભારતનો કોરોનાનો ગ્રાફ જોઈએ તો 90,000 કેસોથી આજે આપણે બહુ સારી સ્થિતિમાં આવ્યા છીએ અને શાળાઓ - કૉલેજો શરૂ કરી શકાય છે."

તેઓ જણાવે છે કે, "ક્લાસરૂમમાં સારું વૅન્ટિલેશન હોવું જોઈએ જેથી હવાની અવર-જવર થઈ શકે. હવાની અવર-જવરથી સંક્રમિત થવાનું જોખમ ઘટાડી શકાય છે. વિદ્યાર્થીઓને અલગ-અલગ બેસાડવાં જોઈએ. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓને, જેમના ઘરે ઘરડાં લોકો છે."

"વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંક્રમિત થવાનું પણ જોખમ છે પરતું જો કોરોના વાઇરસના પ્રૉટોકૉલનું પાલન કરવામાં આવે તો તેનાથી બચી શકાય છે. શાળાઓએ પણ આ દિશામાં કામ કરવું પડશે."

માવળંકર પણ સ્વીકારે છે કે ઑનલાઇન શિક્ષણ કેટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને તેનાથી કેટલો લાભ થઈ રહ્યો છે તે વિશે હજી પણ શંકા છે. એટલા માટે શાળાઓ ખૂલે એ જરૂરી છે.

2

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 2

શિક્ષણવિદ્ રોહિત શુક્લ કહે છે, "શાળાઓ ખૂલવી બહુ જરૂરી છે કારણકે બાળકોનો સામાજિક અને માનસિક વિકાસ અટકી ગયો છે. ઑનલાઈન શિક્ષણમાં જોઈએ એટલી સારી રીતે ભણી શકાય નહીં. અભ્યાસ બગડવાથી બાળકનું સંપૂર્ણ વર્ષ બગડી જાય છે, જે ગંભીર બાબત છે."

"શાળા બંધ થવાના કારણે શિક્ષણને બહુ મોટી ખોટ ગઈ છે. આઈઆઈએમના એક અભ્યાસમાં પણ પુરવાર થયું છે કે પ્રાથમિક શિક્ષણ બંધ થવાના કારણે ઘણાં બાળકોને મધ્યાહન ભોજન નથી મળ્યું."

તેઓ જણાવે છે કે શાળા બંધ થતાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પર સૌથી વધુ અસર થઈ છે. ઘણા વિદ્યાર્થીઓ હજી પણ ટ્રોમામાં છે. રાજ્ય સરકાર સ્ટાર્ન્ડડ ઑપરેટિવ પ્રોસિજર (એસઓપી)ની જાહેરાત કરીને શાળાઓ શરૂ કરી શકી હોત.

"ઉત્તર યુરોપમાં શાળાઓએ પુરવાર કરી બતાવ્યું છે કે સાવચેતી રાખીને બાળકોને ભણાવી શકાય છે. તે જ રીતે કોરોના વાઇરસના દરેક પ્રૉટોકૉલનું પાલન કરીને ભારતમાં પણ શિક્ષણકાર્ય શરૂ કરી શકાય છે."

ઑલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહ કહે છે, "ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થાય એ બાળકો માટે સારી વાત છે અને વાલીમંડળ તેનું સ્વાગત કરે છે. પરતું શાળાએ દરેક સાવચેતી રાખવી જોઈએ જેથી બાળકોને કોઈ પણ પ્રકારનો ચેપ ન લાગે. અમે આ વિશે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ જણાવ્યું છે અને તેમણે અમને ખાતરી આપી છે કે શાળાઓમાં બધી કાળજી લેવામાં આવશે."

line

શું કહે છે શાળા સંચાલકો?

3

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 3

ખાનગી શાળાસંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખૂલે એ બહુ જરૂરી છે. મે મહિનામાં બોર્ડની પરીક્ષાઓ છે અને જો શાળા ખૂલે તો વિદ્યાર્થીઓ સારી રીતે રિવિઝન કરી શકે છે."

"દેશના ઘણાં રાજ્યોમાં ધોરણ 9 - 12ના વર્ગો શરૂ થઈ ગયા છે અને એટલે ગુજરાતમાં પણ ખૂલવું જોઈએ. શાળામાં ધોરણ 9 -12નાં વિદ્યાર્થીઓ પાસે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડ પ્રૉટોક઼ૉલનું સારી રીતે પાલન કરાવી શકાય છે."

"રાજ્યમાં શાળાઓએ નક્કી કર્યું છે કે અડધા વિદ્યાર્થીઓને સોમવાર, બુધવાર અને શુક્રવાર બોલાવવામાં આવશે અને બાકીના વિદ્યાર્થીઓને અન્ય દિવાસોમાં બોલાવવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ ન થાય તે માટે વિદ્યાર્થીઓને રિસેસ આપવામાં આવશે નહીં."

તેઓ જણાવે છે કે શાળા શરૂ થયા બાદ સંક્રમણ ન ફેલાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે એસઓપી જાહેર કરવામાં આવી છે, તે શાળાઓ ચુસ્ત રીતે પાલન કરશે. એક ક્લાસમાં 18 થી 20 વિદ્યાર્થીઓ હશે.

મંડળ અનુસાર ગુજરાતમાં 15860 ખાનગી શાળઓ અને 34000 સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ છે, જેમાં 1.75 કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

સ્કૂલ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ કહે છે, "શાળાઓ શિક્ષણકાર્ય શરૂ કરવા તૈયાર છે. 6 નવેમ્બર 2019માં અમે શાળાઓ શરૂ કરવા તૈયાર હતા પરંતુ કોરોના વાઇરસનું સંક્રમણ વધતા નિર્ણય મોકૂફ રાખવો પડ્યો હતો."

"શાળાઓ સેનિટાઇઝેશન અને બીજી વ્યવસ્થાઓ કરશે, જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ચેપ ન લાગે. અમે એ પણ ધ્યાન રાખીશું કે વિદ્યાર્થીઓ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરે અને હાથ સેનિટાઇઝ કરે."

"જો ધોરણ 10 અને 12ના વર્ગો સારી રીતે શરૂ થઈ જાય ત્યારબાદ ધોરણ 9 અને 11 શરૂ કરવામાં આવશે. આ શૈક્ષિણક વર્ષમાં ધોરણ 6, 7 અને 8ના વર્ગો શરૂ થાય તેની શક્યતા ઓછી છે."

શું વાલીઓ બાળકોને શાળાએ મોકલવા તૈયાર છે? તેના જવાબમાં જતીન ભરાડે કહે છે, "70 ટકા વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા તૈયાર છે કારણકે વાલીઓને પણ પોતાના બાળકના શિક્ષણને લઈને ચિંતિત છે."

line

શાળા ખૂલ્યાં બાદ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સંક્રમિત મળી આવ્યાં

બાળકો

ઇમેજ સ્રોત, Getty Images

કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને હરિયાણામાં શાળાઓ ખૂલ્યાં બાદ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સંક્રમિત થવાના કિસ્સા નોંધાયાં હતા. ધ ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર 1જાન્યુઆરી 2021માં કર્ણાટકમાં શાળાઓ શરુ થયા બાદ 50 શિક્ષકો કોરોના વાઇસરથી સંક્રમિત મળી આવ્યાં હતા.

અહેવાલ અનુસાર બેલવાગી જિલ્લામાં 22 શિક્ષકો કોરોના પૉઝિટિવ મળી આવતા તેમને હોમ-ક્વોરૅન્ટિનમાં મોકલી આપવામાં આવ્યાં હતાં.

અહેવાલ અનુસાર ચિત્રાદુર્ગા જિલ્લામાં 6 શિક્ષકો કોરોના પૉઝિટિવ મળી આવતા સાત શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. ચિલમંગલુરુમાં ચાર વિદ્યાર્થીઓ અને પાંચ શિક્ષકો કોરોના પૉઝિટિવ મળી આવતા વહીવટીતંત્ર દ્વારા શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી.

નવેમ્બર 2020માં શાળા શરૂ કરવાનાં ત્રણ દિવસની અંદર આંધ્ર પ્રદેશમાં 829 શિક્ષકો અને 575 વિદ્યાથીઓ કોરોનાથી સંક્રમિત હોવાના મળી આવ્યા હતા. રાજ્ય સરકારના આદેશ બાદ 2 નવેમ્બરના રોજ ધોરણ 9 અને 10ના વર્ગો શરૂ થયા હતા.

હરિયાણામાં પણ રાજ્ય સરકારે 2 નવેમ્બર 2020ના રોજ ધોરણ 9 -12ના વર્ગો શરૂ કર્યા હતા. બે અઠવાડિયા બાદ 150 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો કોરોના પૉઝિટિવ મળી આવતા રાજ્ય સરકારને જે-તે શાળા બંધ કરવાની ફરજ પડી હતી.

ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર રેવાડી જિલ્લાના 13 શાળાનાં 91 વિદ્યાર્થીઓ, જિંદ જિલ્લાનાં જુદી-જુદી શાળાના 30 વિદ્યાર્થીઓ અને 10 શિક્ષકો અને ઝજર જિલ્લાનાં 34 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો કોરોના પૉઝિટિવ મળી આવ્યા હતા.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો