કોરોના વાઇરસ: ગુજરાતમાં મહામારીમાં શાળાઓ ખૂલશે તો બાળકો 'સુપરસ્પ્રેડર' બનશે?

ઇમેજ સ્રોત, Hindustan Times/GETTY
- લેેખક, હરિતા કાંડપાલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત સરકારે દિવાળી પછી 23 નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કૉલેજો ખોલવાની જાહેરાત કરી છે.
ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, "કોવિડ મહામારીને કારણે લૉકડાઉન લાગુ કરવું પડ્યું હતું અને માર્ચ મહિનાથી શાળા અને કૉલેજો બંધ હતી, પંરતુ શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે એટલા માટે ઑનલાઇન લર્નિંગની વ્યવસ્થા કરી હતી. જોકે બધી જ વ્યવસ્થા ધીમે-ધીમે અનલૉક થઈ રહી છે એ જ રીતે શિક્ષણકાર્ય પણ તબક્કાવાર શરૂ થાય એનો નિર્ણય કરવામાં આવ્યો છે."
તેમણે કહ્યું, "કૅબિનેટમાં આ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો કે દિવાળી પછી 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક સ્કૂલ, કૉલેજ - યુનિવર્સિટીમાં શિક્ષણ કાર્ય શરૂ થશે. ધોરણ 9-12 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવામાં આવશે તથા કૉલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણ કાર્ય શરૂ થશે."
જોકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે "આ વિષયમાં શિક્ષણવિભાગે નિષ્ણાતો, શાળા સંચાલકો, વાલીઓની સાથે બેઠકો કરીને આખરી નિર્ણય કર્યો છે."
પરંતુ આરોગ્ય નિષ્ણાતો ચેતવે છે કે કોરોના સંક્રમણને લઈને આપવામાં આવેલી માર્ગદર્શિકા - જેમકે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું અને સૅનિટાઇઝરના નિયમોનું પાલન ચોક્કસપણ કરાવવામાં નહીં આવે તો આ નિર્ણય 'ડિઝાસ્ટર' સાબિત થઈ શકે છે.

આરોગ્ય નિષ્ણાતોની ચિંતા

ઇમેજ સ્રોત, Hindustan Times/Getty
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના સુરત ચૅપ્ટરના પ્રમુખ ડૉ હિરલ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે જો બેદરકારી દાખવવામાં આવી તો કોરોના મહામારી વચ્ચે સ્કૂલો ખોલવી એક 'ડિઝાસ્ટર' બની શકે છે.
ડૉ હિરલ શાહે ચેતવણી આપી કે બાળકો સુપર સ્પ્રેડર સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે સરકારે જોવું પડશે કે નિયમોનું પાલન સારી રીતે થાય અને જો શક્ય હોય તો હાલ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે જ શાળાઓ ખોલવામાં આવે, ધોરણ 9 અને 11ના બાળકોને હાલ ન બોલાવવામાં આવે. બાળકો સ્કૂલોમાં જઈને પાછા ઘરે આવશે તો માતા-પિતા અથવા દાદા-દાદીમાં પણ સંક્રમણ ફેલાવી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ચિંતાને લઈને તેમણે અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલના બી. જે. મેડિકલ કૉલેજના વિભાગાધ્યક્ષ ડૉ. કમલેશ ઉપાધ્યાયને આ અંગે રજૂઆત પણ કરી હતી.
અમદાવાદમાં વરિષ્ઠ ડૉક્ટર અને અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન સાથે પણ સંકળાયેલાં ડૉ મોના દેસાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે હાલ અમદાવાદમાં કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે ત્યારે બાળકો અને શિક્ષકોને કોરોનાથી સુરક્ષિત રાખવા એક પડકાર છે.
હાલમાં આંધ્રપ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં શાળા ખૂલી પરંતુ કોરોના સંક્રમણ વધતા ફરી સ્કૂલો બંધ કરવાની ફરજ પડી હતી. મીડિયા અહેવાલો મુજબ આંધ્રપ્રદેશમાં 800થી વધારે શિક્ષકો અને 500થી વધારે બાળકો કોરોના સંક્રમિત મળ્યાં હતાં.
આ દાખલો આપતા ડૉ હિરલ શાહ કહે છે કે "જ્યારે આપણી સામે આ બાબત આવી છે કે કેવી રીતે રાજ્યોમાં સ્કૂલો બંધ કરવી પડી છે, એ એક સંકેત છે. એમ પણ શિયાળો આવતા વાઇરસ પ્રબળ થતાં હોય છે. યુરોપમાં પણ જોવા મળ્યું છે કે લૉકડાઉન ફરી લાગુ કરવાની જરૂર પડી."
જોકે શાળા જેટલા કલાક સુધી ચાલશે, જેટલો સમય વિદ્યાર્થીઓ સ્કૂલમાં રહેશે ત્યારે તેમણે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
ડૉ મોના દેસાઈ કહે છે, "5-6 કલાક સુધી માસ્ક પહેરવું સારું નથી હોતું. બાળકો માટે આટલા કલાક માસ્ક પહેરવું પણ મુશ્કેલ છે. બાળકો અને વૃદ્ધજનો અત્યાર સુધી સૌથી સુરક્ષિત રહ્યાં છે, બાળકો તો મોટાભાગે ઘરે જ રહ્યાં છે. હવે જ્યારે તેઓ બહાર નીકળશે તો અનેક પ્રશ્નોનો સામનો કરવો પડશે."
શાળાએ જવા માટે બસ કે રિક્ષા વાપરતા બાળકો અને તેમના વાલીઓ માટે આ પણ એક પ્રશ્ન હશે કારણકે બધા વાલીઓ પાસે પોતાનાં બાળકને શાળાએ લાવવા અને લઈ જવાની વ્યવસ્થા નહીં હોય.
આ બાબતે ડૉ દેસાઈ કહે છે કે "જો બાળકને રિક્ષામાં કે બસમાં જવું પડે તો આ ખૂબ જોખમકારક છે કારણકે રિક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન મુશ્કેલ છે."
તેઓ બાળકો સુપર સ્પ્રેડર બને એવી આશંકા વ્યક્ત કરે છે કારણકે 14-15 વર્ષનાં વિદ્યાર્થીઓમાં મોટા પ્રમાણમાં એવા બાળકો હોય જેમનામાં કોરોના સંક્રમણના લક્ષણ ન દેખાય પરંતુ તેઓ પોતાની આજુબાજુ જેમકે પરિવારજનોમાં વાઇરસ ફેલાવી શકે છે.
ગુજરાત વાલી મંડળના પ્રમુખ જયેશ પટેલે પણ શાળા ખોલવાનો નિર્ણયને વિદ્યાર્થીઓ માટે જોખમી ગણાવ્યો છે. તેમણે યોગ્ય વ્યવસ્થા અને તેનાં ઇન્સપેક્શનની વ્યવસ્થા કરવાની માગ કરી.
શાળાએ મોકલવા માટે વાલીઓની પરવાનગી ફરજિયાત કરવામાં આવી છે અને હાજરી મરજિયાત ગણવામાં આવશે એમ પણ સરકારે કહ્યું છે.
આ અંગે સરકાર પર જયેશ પટેલે કહ્યું કે, સરકાર વાલીઓ પર જવાબદારી નાખી રહી છે અને પોતે જવાબદારીમાંથી છટકી રહી છે, વિદ્યાર્થીઓ સંક્રમણમાંથી બચેલા રહે એ માટેની જવાબદારી વિદ્યાર્થીઓનાં વાલીઓ અને સરકાર બંનેની છે.
જોકે, વાલી મંડળનો મત રાજ્યના બધા વાલીઓનું પ્રતિનિધિત્વ નથી કરતો.
હાલ ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ માટે અત્યારે શાળા ખોલવાનો નિર્ણય નથી કરવામાં આવ્યો, પરંતુ આરોગ્ય નિષ્ણાતો આ અંગે ચેતવે છે.
ડૉ હિરલ શાહ કહે છે કે જો આવતા વર્ષ સુધીમાં રસી આવવાની વાતો થઈ રહી છે તો જાન્યુઆરી મધ્ય સુધી સરકારે રાહ જોવી જોઈએ.
વિવિધ આરોગ્યકર્મીઓ જે ચિંતા વ્યક્ત કરે છે તે અંગે બીબીસીએ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સાથે વાતચીત કરવાની કોશિશ કરી પરંતુ વાતચીત થઈ શકી નથી. તેમનું મંતવ્ય પ્રાપ્ત થતા અહીં સામેલ કરી દેવામાં આવશે.
સરકારે કહ્યું 'ખૂબ સરસ રીતે નિયમોનું પાલન થશે'

ઇમેજ સ્રોત, Hindustan Times/GETTY
ગુજરાતમાં શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટી ખોલવાની જાહેરાત કરતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યું કે ઑનલાઇન શિક્ષણની વ્યવસ્થા પણ ચાલુ રહેશે, શાળા ખૂલશે તો ભારત સરકારની એસઓપી (સ્ટૅન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર) લાગુ થશે. રાજ્યમાં આવેલી તમામ બૉર્ડ્સની સરકારી, અર્ધસરકારી, ખાનગી સ્કૂલો તથા અન્ય શાળાઓને આ એસઓપી લાગુ થશે.
"શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહીં ગણવામાં આવે, વાલીઓની લેખિત મંજૂરી પણ સંસ્થાઓએ લેવાની રહેશે. થર્મલ ગનથી શિક્ષક વિદ્યાર્થીઓની તપાસ, સાબુ વડે હાથ ધોવાની વ્યવસ્થા, સોશિયલ ડિસ્ટન્સિંગની વ્યવસ્થા, આ બધું શાળાના આચાર્યે ધ્યાન રાખવાનું રહેશે. દરેક વાલીને એક ફૉર્મ આપવામાં આવશે, વાલીઓને એસઓપીનું પાલન કરવાની સૂચનાઓ પણ પહોંચાડવામાં આવશે. ઑડ-ઇવન સ્કીમ પ્રમાણે શાળાઓ ખોલવામાં આવશે."
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, "શાળા ખોલતી વખતે પૂરતું ધ્યાન લેવામાં આવશે, મધ્યાહ્ન ભોજનની જગ્યાએ સબસિડી ડિસેમ્બર સુધી વિદ્યાર્થીનાં ખાતામાં પહોંચે તે નક્કી કરવામાં આવશે."
હાલ શાળા 9થી 12 સુધીના ધોરણના વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવશે અને ધોરણ 1થી 8ની શરૂઆત કરવા અંગે પણ આવનારા દિવસોમાં નિર્ણય કરવામાં આવશે.
શિક્ષકો માટે સ્કૂલે આવવાની કોઈ વયમર્યાદા નક્કી કરવામાં નથી આવી એટલે જે શિક્ષકો નોકરી કરે છે તેમણે સ્કૂલે આવવાનું રહેશે.
શાળાઓ અને કૉલેજોમાં વિસ્તૃત નિયમોની જાહેરાત નથી કરવામાં આવી.

જ્યાં શાળા ખૂલી ત્યાં ફરી બંધ કરવાનો વારો આવ્યો…

ઇમેજ સ્રોત, Anadolu Agency/GETTY
કેન્દ્રીય માનવસંસાધન મંત્રાલયે 15 ઑક્ટોબરથી સ્કૂલો ખોલવા અંગે દિશાનિર્દેશ બહાર પાડ્યા હતા પરંતુ કેટલાક રાજ્યોમાં શાળાઓ ખોલ્યા પછી પણ સંક્રમણ વધતા શાળાઓ ફરી બંધ કરવાનો વારો આવ્યો છે.
આંધ્ર પ્રદેશમાં ધોરણ 9 અને 10નાં વિદ્યાર્થીઓ તથા 15 અને 16 વર્ષનાં વિદ્યાર્થીઓ માટે સરકારી સ્કૂલો ખોલી છે. અહેવાલો અનુસાર આંધ્રપ્રદેશમાં સ્કૂલ ખોલ્યા પછી 879 શિક્ષકો અને 575 વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે.
આંધ્રપ્રદેશના પાડોશી રાજ્ય ઓડિશાએ 16 નવેમ્બરથી ધીમે-ધીમે સ્કૂલો ફરીથી ખોલવાનો નિર્ણયને ટાળી દીધો છે. હવે ઓડિશામાં સ્કૂલો 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે.
ઉત્તરાખંડમાં પણ બીજી નવેમ્બરથી ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવામાં આવી હતી, ત્યાં પૌડી ગઢવાલ જિલ્લાની 23 શાળાઓમાં 80 શિક્ષકો કોરોના પૉઝિટિવ થયા છે. સ્કૂલો ખોલવાના પાંચ દિવસ પછી કોરોના વાઇરસ સંક્રમણ વધવાને કારણે પાંચ બ્લૉક્સમાં 84 શાળાઓ બંધ કરવી પડી હતી. મિઝોરમમાં પણ સંક્રમણ વધતા શાળાઓ બંધ કરવી પડી હતી.
તમિલનાડુમાં 16 નવેમ્બરથી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સરકાર, સરકારી સહાય મેળવતી સ્કૂલો અને ખાનગી સ્કૂલો ખૂલવાની છે. ગોવામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 21 નવેમ્બરથી સ્કૂલો ખૂલશે.
દિલ્હીમાં સ્કૂલો ખોલવાની ચર્ચા હતી પરંતુ દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ઑક્ટોબરમાં જાહેરાત કરી હતી કે આગલા નિર્દેશ સુધી સ્કૂલો ખોલવામાં નહીં આવે. દિલ્હીમાં હાલ કોરોના સંક્રમણનો માર વધ્યો છે.

શું છે કેન્દ્ર સરકારની એસઓપી?

ઇમેજ સ્રોત, Hindustan Times
કેન્દ્રીય માનવસંસાધન મંત્રાલય દ્વારા સ્કૂલો ખોલવા અંગે જાહેર કરવામાં આવેલી એસઓપી પ્રમાણે 15 ઑક્ટોબર પછી શાળાઓ અને કોચિંગ સંસ્થાન તબક્કાવાર રીતે ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી. જોકે, શાળાઓ અને શિક્ષણ સંસ્થાન ખોલવાનો નિર્ણય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર છોડવામાં આવ્યો છે.
મંત્રાલયનું કહેવું છે કે રાજ્યો ઇચ્છે તો સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર (એસઓપી)નું પાલન પોતાની સ્થાનિક જરૂરિયાતના હિસાબથી કરી શકાય છે.
30 સપ્ટેમ્બરે ગૃહમંત્રાલયના આદેશ મુજબ, "રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો 15 ઑક્ટોબર પછી તબક્કાવાર તરીકે શાળા ખોલવાનો નિર્ણય કરી શકે છે. આના માટે તેમણે શાળા અને કોચિંગ સંસ્થાનના પ્રબંધન સાથે વાત કરવાની રહેશે. આના માટે એસઓપી તૈયાર કરે જે શિક્ષા મંત્રાલયની એસઓપી પર આધારિત હોવી જોઈએ. "
ડિપાર્ટમેન્ટ ઑફ સ્કૂલ એજ્યુકેશન ઍન્ડ લિટરસી પ્રમાણે જે પણ સ્કૂલો ખૂલશે તેમણે રાજ્ય સરકારોનાં નિયમોનું પાલન કરવાનું રહેશે, જે અમારી એસઓપી પર આધારિત હશે.
સ્ટાન્ડર્ડ પ્રોસિજરને બે ભાગોમાં વહેંચવામાં આવી છે. પ્રથમ- સ્વાસ્થ્ય, સફાઈ અને સુરક્ષાથી જોડાયેલા નિયમો. અને બીજું-સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો.
શિક્ષણ મંત્રાલયની ગાઇડલાઇન્સ મુજબ સ્કૂલો, શિક્ષણ સંસ્થાનો ખોલતી વખત સફાઈ અને સુરક્ષાની તૈયારીઓ કરવાની રહેશે. સૅનિટાઇઝેશન, હાથ સાફ કરવાની ઉચિત વ્યવસ્થા કરવાની રહેશે.
પ્રવેશ અને બહાર નીકળવાની સમુચિત વ્યવસ્થા, હૉસ્ટલની સાફ-સફાઈ અને તેના સૅનિટાઇઝેશન અંગેની જાણકારીઓ સરકારની સ્ટાન્ડર્ડ પ્રોસિજર સંબંધિત ગાઇડલાઇનમાં આપવામાં આવી છે.
સ્ટાન્ડર્ડ પ્રોસિજરમાં સ્કૂલ ખૂલ્યા પછી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની માહિતી પણ આપવામાં આવી હતી. જેમાં, બે લોકો વચ્ચે છ ફૂટનું અંતર અનિવાર્ય છે, ક્લાસરૂમ, લૅબ અને ખેલના મેદાનમાં પણ માસ્ક પહેરવાનું ફરજિયાત હશે. દરેક જગ્યાએ હાથ ધોવાની વ્યવસ્થા. પ્રવેશ દ્વાર પર સ્ક્રીનિંગની વ્યવસ્થા હોવી જોઈએ.

વાલીઓની સહમતી ફરજિયાત

ઇમેજ સ્રોત, Hindustan Times/GETTY
ગાઇડલાઇન્સની અમુક બાબતો આ રીતે છે-
- સૌથી મહત્ત્વપૂર્ણ વાત બાળકો વાલીઓની લેખિત મંજૂરી પછી જ સ્કૂલે આવી શકશે.
- ગાઇડલાઇન્સ કહે છે કે ક્લાસમાં હાજરીના નિયમોને લઈને રાહત આપવામાં આવશે.
- ઑનલાઇન ક્લાસનો વિકલ્પ પણ રહેશે.
- મધ્યાહ્ન ભોજન બનાવવા અને તેને પીરસવાને લઈને તકેદારી વર્તવાના નિયમોની માહિતી ગાઇડલાઇન્સમાં આપવામાં આવી છે.
- નવા દિશાનિર્દેશોમાં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, સ્કૂલોના પ્રમુખ, અધ્યાપકોની જવાબદારીનો વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- આ સિવાય એક યુનિસેફ તરફથી સેલ્ફ સ્કૂલ એન્વાયરમેન્ટનું એક ચેક-લિસ્ટ પણ સ્કૂલ અધ્યાપકો અને અભિભાવકોને આપવામાં આપશે



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














