You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉહ્નસને ભારતની મુલાકાત રદ કરી - BBC TOP NEWS
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉહ્નસને ભારતની આગામી મુલાકાત રદ કરવાની જાહેરાત કરી છે.
તેઓ 26 જાન્યુઆરીના રોજ યોજાનારા ગણતંત્રદિવસના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવાના હતા.
બ્રિટનના વડા પ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બોરિસ જૉહ્નસને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી અને દુખ વ્યક્ત કર્યું હતું.
નિવેદન પ્રમાણે બ્રિટનના વડા પ્રધાને આશા વ્યક્ત કરી છે કે તેઓ આ વર્ષે યોજાનારા જી-7 શિખર સંમેલન પહેલાં ભારતની મુલાકાત લઈ શકે છે.
પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂકવા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન
ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવવાને લગતી પ્રવૃત્તિ પર શહેર અને તાલુકામાં પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માગ સાથે જાહેરહિતની એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર કોરોના વાઇરસનું સંક્રમણ ઘટે તે માટે આ પ્રકારના પ્રતિબંધની માગ કરવામાં આવી છે.
પતંગ ઉડાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પતંગ અને દોરા પર પણ પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે.
ઉપરાંત 9 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી દરમિયાન કોઈપણ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ મૂકવાની માગ કરાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ડ્રોન સર્વેલન્સ કરવાની પણ માગ કરાઈ છે.
ગુજરાત હાઈકોર્ટે આ જાહેરહિતની અરજીને કોરોના વાઇરસ અને લૉકડાઉનને લઈને કરવામાં આવેલી સૂઓ મોટો સાથે જોડવાનું કહ્યું છે. આ અરજી પર સુનાવણી હવે 8 જાન્યુઆરીએ થશે.
ગુજરાત હાઈકોર્ટે આ અંગે સરકાર પાસેથી પણ જવાબ માગ્યો છે.
પરિણીત સ્ત્રી સાથેનાં સંબંધમાં વ્યક્તિ 24 કલાક ગટરમાં રહ્યો
ખેડામાં પરિણીત સ્ત્રી સાથે સંબંધ રાખનાર વ્યક્તિને મહિલાનાં ભાઈઓએ જબરજસ્તી કરી, કોથળામાં પૂરીને ગટરમાં નાખી દીધી હોવાની ઘટના બની છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર આ વ્યક્તિ 24 કલાક સુધી ગટરમાં રહી હતી. જ્યારે બે લોકો રસ્તા પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની બૂમો સંભળાતા તેમણે તેમને બહાર કાઢ્યા હતા.
ગટરમાં રહેનાર વ્યક્તિ ખેડાના કપડવંજ તાલુકાના ચિખલોદ ગામના વતની છે. આ મામલે બે વ્યક્તિઓ સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે.
એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે કે શનિવારે બે લોકો તેમને મળવા માટે બોલાવ્યા હતા. પછી તેમણે પીડિતને ત્યાં સુધી માર માર્યો કે તે બેહોશ ના થઈ જાય. બેહોશ થતા તેમને કોથળામાં પૂરીને ગટરમાં નાખી દેવામાં આવ્યા હતા.
MSP આંતરરાષ્ટ્રીય કિંમત અને માર્કેટ કિંમત કરતાં વધુ છે તે સમસ્યા છે : નીતિન ગડકરી
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એમએસપીના ભાવ આંતરરાષ્ટ્રીય અને માર્કેટ પ્રાઇસ કરતાં વધારે છે, તે સમસ્યા છે.
નીતિન ગડકરીને ખેડૂત આંદોલન વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "આપણે ગ્રીન રિવોલ્યુશન પછી સરપ્લસમાં ચાલી રહ્યા છીએ. 280 લાખ ટન ચોખા આપણા ગોડાઉનમાં પડ્યાં છે. આપણે ચોખા આખી દુનિયાને આપી શકીએ છીએ. ઉદ્દાહરણ તરીકે મકાઈની એમએસપી 1700 રૂપિયા છે જેની માર્કેટ કિંમત 1100 રૂપિયા ગત વર્ષે હતી."
"આપણે 60 લાખ ટન સુગરની નિકાસ કરી. 600 કરોડની સબસિડી આપી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખાંડની કિંમત 22 રૂપિયા છે અને આપણે 34 રૂપિયા એક કિલો શેરડીના આપી રહ્યા છીએ. આપણી એમએસપી આંતરરાષ્ટ્રીય અને માર્કેટ ભાવથી વધારે છે તે સમસ્યા છે."
તેમણે વધુમાં કહ્યું, "હું છેલ્લાં 12 વર્ષથી ઇથેનોલની વાત કરું છું. પરંતુ અનાજને ફ્યૂલમાં ફેરવવાની પરવાનગી મળતી નથી. ઇથેનોલ ગ્રીન ફ્યૂલ છે જો આપણે આપણા અર્થતંત્રને બનાવીશું તો ખેડૂતોને ફાયદો થશે."
તેમણે સમસ્યાનું મૂળ કારણ એમએસપી અને સરપ્લસ અનાજ અંગે કહ્યું, "સમસ્યાનું મૂળ કારણ સરપ્લસ અનાજ અને માર્કેટ પ્રાઇસ કરતા ઊંચી એમએસપી છે."
ગટરના પાણી પરથી કોરોના સંક્રમણની ઝડપ પર ગાંધીનગરમાં સંશોધન
ગુજરાતમાં થયેલાં એક સંશોધનમાં જાણવા મળ્યો છે કે ગટરના પાણીના સર્વેલન્સથી સ્થાનિક વહીવટીતંત્રને ખ્યાલ આવી શકે છે કે આગામી બે અઠવાડિયા સુધીમાં કોરોના વાઇરસના કેસ વધી શકે છે કે ઘટી શકે છે. જોકે, આ રીતે સંશોધન દુનિયાના અનેક દેશોમાં થઈ રહ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર આ અંગેનું સંશોધન ગાંધીનગરમાં ગટરના ચાર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કરવામાં આવ્યું હતું.
આઈઆઈટી ગાંધીનગર અને ગુજરાત બાયૉટેકનૉલૉજી રીસર્ચ સેન્ટરે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સાથે મળીને આ સંશોધન કર્યું હતું.
આ સંશોધન પ્રમાણે ગટરના પાણીમાં રહેલાં કોરોના વાઇરસના જિનેટિક લોડ અને જિલ્લાકક્ષાએ આવતા કોરોના વાઇરસના કેસનો સંબંધ બાંધી શકાય છે અને આગામી સમયની ચેતવણી આપવા માટે ગટરના પાણીનું સર્વેલન્સ મહત્વનું સાબિત થઈ શકે છે.
સંશોધકોએ કહ્યું છે કે આ હાલના સમયની જરૂરિયાત છે. ગટરના પાણીના સર્વેલન્સને કોરોના વાઇરસની મહામારીના મૉનિટરિંગમાં મહત્વનું બનાવવું જોઈએ. તેનાથી કોરોના વાઇરસના હોટસ્પૉટને શોધવામાં મદદ મળશે અને સમસ્યા સામે લડવા માટે બે અઠવાડિયાનો સમય પણ મળશે.
અનુભવી ન હોવાનો આરોપ ન લગાવો, અમે અનેક રસી બનાવીએ છીએ : ભારત બાયૉટેક
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર રવિવારે ડ્રગ કંટ્રોલર ઑફ ઇન્ડિયાએ જે બે રસીને મંજૂરી આપી છે.
તેમાં એક રસી દેશમાં બનેલી 'સ્વદેશી' રસી ભારત બાયૉટેક કંપનીની કોવૅક્સિન છે.
ભારત બાયૉટેકના ત્રીજા ટ્રાયલના ડેટા હાલ સુધી આવ્યા ન હોવા છત્તાં તેને મંજૂરી મળતા કેટલાંક વૈજ્ઞાનિકોએ તેની મંજૂરી પર પ્રશ્ન ઉભા કર્યા હતા.
ભારત બાયૉટેકના ચૅરમેન કૃષ્ણ ઇલ્લાએ કહ્યું, "અમારા ઉપર અનુભવી ન હોવાના આરોપ લાગ્યા. અમે અનેક રસી બનાવીએ છીએ."
તેમણે વધુમાં કહ્યું, "આ કહેવું ખોટું છે કે અમે ડેટાને લઈને પારદર્શક નથી. અમારી પર સવાલ ઉઠાવવા ખોટા છે કારણ કે અમે પારદર્શી રીતે કામ કરી રહ્યા છીએ. એક બીજી કંપનીએ કહ્યું છે કે અમારી વૅક્સિન પાણીની જેમ સુરક્ષિત છે આ કહેવું ખોટું છે."
કૃષ્ણા ઇલ્લાએ કહ્યું કે વૅક્સિનનો ડેટા આગામી માર્ચ મહિના સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો