કેરળનાં આર્યા રાજેન્દ્રન બન્યાં દેશનાં સૌથી નાની વયનાં મેયર

કેરળનાં માત્ર 21 વર્ષનાં આર્યા રાજેન્દ્રન તિરુવનંતપુરમના મેયર બન્યાં છે.

આની સાથે જ તેઓ દેશનાં સૌથી નાની ઉંમરનાં મેયર પણ બની ગયાં છે. આ પહેલાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ 27 વર્ષની ઉંમરે નાગપુર નગરનિગમના મેયર બન્યા હતા.

આર્યાને મેયર બનાવવાનો નિર્ણય તેમના પક્ષ સીપીએમએ લીધો. તે બી.એસ.સી. (ગણિત)ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

આર્યા સીપીએમના વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઇન્ડિયા (એસએફઆઈ)ની રાજ્યસમિતિનાં સભ્ય છે.

'લોકોને શિક્ષિત નેતૃત્વની ઇચ્છા'

ત્રિવેન્દ્રમની ઍલ સેઇન્ટ કૉલેજમાંથી અભ્યાસ કરી રહેલાં આર્યા તિરુવનંતપુરમના મુદવાનમુગર વૉર્ડમાંથી વિજેતા બન્યાં હતાં.

તેમણે યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટના ઉમેદવાર શ્રીકાલાને 2872 મતથી હરાવ્યા હતા.

આર્યા રાજેન્દ્રન પક્ષની બાળશાખા 'બાલસંગમ'નાં પ્રમુખ છે અને વિસ્તારની સમિતિના પણ સભ્ય છે.

આર્યા રાજેન્દ્રને કહ્યું હતું, "લોકો મને કૉલેજની વિદ્યાર્થીની ગણતા હતા અને તેમનું નેતૃત્વ શિક્ષિત વ્યક્તિ કરે તે ઇચ્છતા હતા માટે તેમણે મને તક આપી છે."

"હું મેયર તરીકે પક્ષની પસંદ છું અને મેયર તરીકે સારું કામ કરવા પ્રયત્ન કરીશ."

તેમની પક્ષે બે લોકોને મેયર બનાવવાનું વિચાર્યું હતું પરંતુ આ બંને ઉમેદવાર ચૂંટણીમાં હારી જતાં આર્યાને મેયર બનાવવાનું નક્કી કરાયું હતું.

ઇલેક્ટ્રિશિયન પિતા અને એલઆઈસી એજન્ટ માતાનું સંતાન

આર્યા રાજેન્દ્રન રાજકારણની વચ્ચે પણ પોતાનું શિક્ષણ પૂર્ણ કરવાનું વિચારી રહ્યાં છે.

આર્યાના પિતા ઇલેક્ટ્રિશિયન છે અને માતા એલઆઈસી એજન્ટ છે.

તિરુવનંતરપુરમમાં હાલમાં જ કૉર્પોરેશનની ચૂંટણીમાં સત્તાધારી સીપીએમના નેતૃત્વવાળા ગઠબંધને 100માંથી 52 બેઠક મળી હતી.

જ્યારે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ 35 બેઠકો પર જીત મેળવી હતી.

તો કૉંગ્રેસ અને યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રેન્ટનો દસ બેઠક પર વિજય થયો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો