MBBS : એ પિતા જેમણે દીકરીઓની પ્રેરણાથી 64 વર્ષે ડૉક્ટરીનો અભ્યાસ શરૂ કર્યો

    • લેેખક, સંદીપ સાહુ
    • પદ, ભુવનેશ્વરથી બીબીસી હિન્દી માટે

ઓડિશામાં એક નિવૃત્ત અધિકારીએ આ વર્ષે નીટની પરીક્ષા પાસ કરીને એમબીબીએસનો અભ્યાસ શરૂ કર્યો છે. સેવાનિવૃત્ત બૅન્ક અધિકારી જયકિશોર પ્રધાને 64 વર્ષની વયે આ કારનામું કર્યું છે.

તેઓ પોતાની દીકરીનાં સપનાને પૂરું કરવા માટે મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. પ્રધાને ન માત્ર ઉંમરનો બાધ પાર કર્યો છે, પણ એક દુર્ઘટનામાં થયેલી અપંગતાથી પણ બહાર આવ્યા છે.

વર્ષ 2013માં એક કારદુર્ઘટનામાં તેમનો એક પગ કામ કરતો બંધ થઈ ગયો હતો.

પગમાં લાગેલી સ્પ્રિંગની મદદથી તેઓ ચાલી તો શકતા હતા, પણ સરળતાથી નહીં. જયકિશોરે બીબીસીને જણાવ્યું કે ડૉક્ટર બનવાની ઇચ્છા તેમને બાળપણથી હતી. વર્ષ 1974-75માં બારમું પાસ કરીને તેઓએ મેડિકલની પરીક્ષા આપી હતી, પણ સફળ નહોતા થયા.

એ સમયે મેડિકલની પરીક્ષા માટે એક વર્ષ વધુ બગાડવા કરતાં તેઓએ બીએસસીમાં પ્રવેશ લઈને આગળનો અભ્યાસ કરવાનું યોગ્ય માન્યું.

તેઓએ ભૌતિકવિજ્ઞાન (ફિઝિક્સ) ઑનર્સની સાથે ગ્રેજ્યુએશન કર્યું અને પછી સ્ટેટ બૅન્કમાં નોકરી લીધી.

વર્ષ 1982માં પ્રધાનના પિતા બીમાર થયા તો તેમની સારવાર માટે તેમને બુર્લાની સરકારી મેડિકલ કૉલેજમાં દાખલ કર્યા, જ્યાં બે વાર તેમનું ઑપરેશન થયું. સારવાર પછી પણ તેઓ સાજા ન થયા ત્યારે તેઓએ પિતાને વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજમાં ભરતી કર્યા, જ્યાંથી તેઓ સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા.

ડૉક્ટરનો અભ્યાસ

પોતાના પિતાની સારવાર માટે હૉસ્પિટલમાં રહેતા પ્રધાનના મનમાં ડૉક્ટર બનવાની ઇચ્છા ફરી જાગી. પણ ત્યારે તેઓ ડૉક્ટરનો અભ્યાસ કરવા માટેની ઉંમરની સીમા પાર કરી ચૂક્યા હતા. આથી એ સમયે તેઓએ મનને મારી નાખ્યું.

પ્રધાન ભલે ડૉક્ટર ન બની શક્યા પણ 30 સપ્ટમ્બર, 2016માં સેવાનિવૃત્ત થયા બાદ તેઓએ પોતાની જોડિયાં પુત્રીઓના માધ્યમથી પોતાનું સપનું પૂરું કરવાનું વિચાર્યું.

તેઓએ પોતાની દીકરીઓને ડૉક્ટરનો અભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યા અને તેમને તૈયારીમાં મદદ પણ કરી.

તેમની મહેનત, લગન અને પ્રેરણા રંગ લાવી અને તેમની બંને દીકરીઓ બીડીએસ (ડેન્ટલ સાયન્સ)ની પરીક્ષામાં પાસ થઈ ગઈ.

પરંતુ વર્ષ 2019માં "નીટ"ની પરીક્ષામાં વયમર્યાદાને પડકાર આપતી એક અરજી પર સુપ્રીમ કોર્ટે કેસના અંતિમ નિર્ણય સુધી વયમર્યાદાની સીમા હઠાવી દીધી, ત્યારે પ્રધાને ફરી એક વાર તક ઝડપી અને એ વર્ષે તેઓ "નીટ"ની પરીક્ષામાં બેઠા. પણ એ સમયે પણ તેમને સફળતા ન મળી.

તેઓ કહે છે, "સાચું કહું તો મેં ગત વર્ષે "નીટ"ની પરીક્ષા માટે અલગથી કોઈ તૈયારી નહોતી કરી, પણ પુત્રીઓની જીદને કારણે હું પરીક્ષામાં બેસી ગયો હતો. એ વખતે મને સફળતા ન મળી, પણ એક ફાયદો ચોક્કસ થયો."

"હું જાણી ગયો કે "નીટ"ની પરીક્ષા કેવી હોય છે, તેમાં કેવા સવાલો હોય છે. આ વખતે હું સારી તૈયારી સાથે પરીક્ષામાં બેઠો અને સફળ થયો."

પુત્રીનું મૃત્યુ

પ્રધાને સપ્ટેમ્બરમાં "નીટ"ની પરીક્ષા આપી અને ડિસેમ્બરમાં તેનું પરિણામ આવ્યું. પણ આ દરમિયાન તેમના પરિવારમાં એક એવી દુર્ઘટના સર્જાઈ, જેણે તેમને હલબલાવી નાખ્યા.

ગત નવેમ્બરે એક દુર્ઘટનામાં તેમની જોડિયાં પુત્રીઓમાંથી એક મોટી પુત્રીનું મૃત્યુ થઈ ગયું.

તેઓ કહે છે, "મને એમબીબીએસના અભ્યાસ માટે સૌથી વધુ તેણે જ પ્રેરિત કર્યો હતો, આજે તે જીવિત હોત તો સૌથી વધુ ખુશ થાત. પણ મારું એ દુર્ભાગ્ય છે કે પરિણામ આવતાં પહેલાં તે જીવિત ન રહી."

આ કહેતા પ્રધાન ભાવુક થઈ જાય છે અને તેમના અવાજમાં તેની પીડા સ્પષ્ટ છલકે છે.

ગત ગુરુવારે પ્રધાને બુર્લા શહેરસ્થિત સરકારી મેડિકલ કૉલેજ "વીર સુરેન્દ્ર સાયે ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ઍન્ડ રિસર્ચ" એટલે કે "વિમસાર"માં પ્રવેશ લીધો.

પણ હજુ ક્લાસ શરૂ થયા નથી. સંજોગવશ આ કૉલેજ તેમના નિવાસસ્થાન અતાબીરાથી માત્ર 15 કિલોમીટર દૂર છે. પ્રધાને હજુ નક્કી નથી કર્યું કે તેઓ ઘરે રહીને અભ્યાસ કરશે કે હૉસ્ટેલમાં રહીને.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો તેમને "વિમસાર"ની જગ્યાએ કોઈ અન્ય રાજ્યની મેડિકલ કૉલેજમાં પ્રવેશ મળત તો પણ તેઓ એમબીબીએસનો અભ્યાસ કરત?

તો તેઓએ તત્કાળ કહ્યું, "હા, ચોક્કસ કરત, કેમ કે આ માત્ર મારું સપનું નથી, મારી ગુમાવેલી દીકરીનું પણ સપનું હતું."

ડૉક્ટરોની જેમ પ્રૅક્ટિસ કરશે

પોતાનાં બાળકોની ઉંમરના નવયુવાનો સાથે અભ્યાસ કરવો અને પોતાનાથી નાની ઉંમર લોકોને પોતાના શિક્ષક માનવું જરા અટપટું નહીં લાગે?

આ સવાલના જવાબમાં પ્રધાન કહે છે, "હું મારા તરફથી કોશિશ કરીશ કે મારી સાથે ભણતાં વિદ્યાર્થીઓ મને પોતાનો ક્લાસમૅટ સમજે અને મારી સાથે એવો જ વ્યવહાર કરે. જ્યાં સુધી શિક્ષકનો સવાલ છે તો તેઓ મારા ગુરુ હશે, ભલે તે મારાથી નાની ઉંમરના હોય."

ડૉક્ટરનો અભ્યાસ પૂરો કરીને શું તેઓ અન્ય ડૉક્ટરોની જેમ પ્રૅક્ટિસ કરશે, આ સવાલના જવાબમાં પ્રધાનનું કહેવું હતું, "આને વ્યવસાય બનાવવાની ઇચ્છાથી હું પરીક્ષામાં બેઠો નહોતો. બૅન્કની નોકરીની સાથે મારું વ્યાવસાયિક જીવન સમાપ્ત થઈ ગયું છે."

"ડૉક્ટરીથી રોજરોટી કમાવવાનો મારો ઈરાદો નથી. મને જે પેન્શન મળે છે, તેનાથી ગુજરાન ચાલે છે. હું ડૉક્ટર એટલા માટે બનવા માગું છું કે પોતાના વિસ્તારમાં જે ગરીબો છે તેમની મદદ કરી શકું, જેમની પાસે સારવાર માટે પૈસા નથી હોતા. જો આવું કરી શકીશ તો પોતાને ભાગ્યશાળી સમજીશ."

પ્રધાને ભલે રેકૉર્ડ બનાવવા માટે ડૉક્ટર બનવાનું ન વિચાર્યું હોય, શક્ય છે કે આ ઉંમરમાં આ અનોખી સફળતા માટે તેમને કોઈ રેકૉર્ડ બુકમાં સ્થાન મળી જાય.

પ્રધાને એ સાબિત કરી આપ્યું કે જો કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે નક્કી કરી લો અને તેને પ્રાપ્ત કરવા માટે લગનથી મહેનત કરો તો તેમાં ઉંમર અડચણરૂપ બનતી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો