ખેડૂત આંદોલન : શું ગુજરાતમાં ખેડૂતોને ખુશ કરવા ભાજપ કાર્યક્રમો ચલાવી રહ્યો છે?

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હીની સરહદે કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિકાયદા સામે ચાલી રહેલા આંદોલનને એક મહિનો થવા આવ્યો છે. હજુ પણ ખેડૂતો પોતાની માગણીઓ પર અડગ છે.

ખેડૂતોની માગ છે કે નવા ત્રણેય કૃષિકાયદા રદ કરવામાં આવે, તેઓ આ કાયદાને "ખેડૂતવિરોધી" ગણાવે છે.

તો સામે પક્ષે કેન્દ્ર સરકાર સતત કહી રહી છે કે આ "કાયદાઓ ખેડૂતોના હિતમાં છે, તેનાથી ખેડૂતોને લાભ" થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્ર સરકારના મંત્રીઓ અને નેતાઓ નવા કૃષિકાયદા સંદર્ભે સરકારનો પક્ષ મૂકી રહ્યા છે.

ત્યારે 25 ડિસેમ્બરે સરકાર દ્વારા "સુશાસન દિવસ" નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ તાલુકાઓમાં ખેડૂતોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં પણ તાલુકાકક્ષાએ આ કાર્યક્રમ યોજવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

ગુજરાત પ્રદેશ ભાજપની પ્રેસ રિલીઝ અનુસાર, 25 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બપોરે બાર વાગ્યે ખેડૂતોને કૃષિકાયદાના મહત્ત્વ વિશે સમગ્ર દેશની જનતાને સંબોધન કરવામાં આવશે.

આ જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે "પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ" યોજના હેઠળ નવ કરોડ ખેડૂતોનાં ખાતાંમાં 18 હજાર કરોડ રૂપિયા એક જ ક્લિકમાં જમા કરવામાં આવશે.

હાલમાં દિલ્હીની સરહદે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને આ સમયે જ કાર્યક્રમનું આયોજન થતાં વિપક્ષ તેને રાજકીય રીતે જુએ છે.

ગુજરાતમાં ખેડૂતો "નવા કૃષિકાયદાથી ખુશ છે અને કોઈ વિરોધ નથી" એવું ગુજરાતમાં સરકાર કહી રહી છે.

ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું ખેડૂતોને ખુશ કરવા માટે આ કાર્યક્રમ કરાઈ રહ્યો છે કે સરકાર નવા કૃષિકાયદાના લાભ અંગે ખેડૂતોને અગાઉથી સમજાવવામાં નિષ્ફળ રહી છે?

ગુજરાતમાં શું છે કાર્યક્રમ?

ગુજરાત ભાજપની પ્રેસ રિલીઝ અનુસાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રદેશ ભાજપ સંગઠન અને સરકાર દ્વારા 25 ડિસેમ્બરે વિવિધ કાર્યક્રમો યોજીને ભારતરત્ન, દેશના પૂર્વ વડા પ્રધાન વાજપેયીના જન્મદિનને "સુશાસન દિવસ" તરીકે ઉજવવામાં આવશે.

નરેન્દ્ર મોદી બપોરે 12.00 કલાકે દેશભરના ખેડૂતોને સંબોધન કરવાના છે. કાર્યક્રમનું રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં LED સ્ક્રિન દ્વારા નિહાળવાનો કાર્યક્રમ ભાજપ દ્વારા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિત સરકારના મંત્રીઓ, અધિકારીઓ, પ્રદેશ અગ્રણીઓ વિવિધ સ્થાને ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમ અંગે વાત કરતાં ભાજપના કિસાન મોરચાના બાબુભાઈ જેબલિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે ગુજરાત સરકારના કાર્યક્રમમાં સુશાસન દિવસ નિમિત્તે રાજ્ય સરકારની કેટલીક યોજનાઓ લૉન્ચ થવાની છે. લાભાર્થી ખેડૂતોને વિતરણ પણ કરાશે.

તેઓએ કહ્યું કે, "વડા પ્રધાન મોદીનું ભાષણ ખેડૂતોને લાઇવ દર્શાવવામાં આવશે. ગુજરાતના 200 તાલુકાઓમાં કાર્યક્રમ છે. દરેક તાલુકાઓમાં સોશિયલ ડિન્સન્સિંગના પાલન સાથે 400 ખેડૂતો હાજર રહેશે."

રાજકીય રીતે આ કાર્યક્રમ શું દર્શાવે છે?

આ દરમિયાન ગુરુવારે કિસાન મજદૂર સંઘ બાગપતના 60 ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ કૃષિભવન આવીને કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરને મળ્યું હતું.

પ્રતિનિધિઓ સાથેની મુલાકાત બાદ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું, "બાગપતના ખેડૂતોએ કેન્દ્રના કૃષિકાયદાના સમર્થનમાં મને એક પત્ર આપ્યો છે. તેઓએ મને કહ્યું કે સરકારે કોઈ દબાણમાં આવીને કાયદામાં ફેરફાર કરવો જોઈએ નહીં."

જાણીતા રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યના મતે, સરકાર એવું નથી દેખાડવા માગતી કે તે કોઈ પણ આંદોલનથી ડરે છે અને તેની નીતિઓમાં ફેરફાર કરશે. સરકાર પોતાની વાત પર અડગ છે.

જગદીશ આચાર્ય બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે સરકાર પોતાની "લોખંડી ઇચ્છાશક્તિવાળી ઇમેજ"ને બગડવા દેવા માગતી નથી.

તેઓ વધુમાં કહે છે, "દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને તોડવા અને નબળું પાડવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે."

"નરેન્દ્ર મોદી પણ અનેક વાર ખેડૂતોના મુદ્દે અલગઅલગ મંચ પરથી બોલ્યા છે કે આ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે વગેરે વગેરે. એટલે આ કાર્યક્રમમાં પણ તેઓ અગાઉ કહેલી વાતો જ કરવાના છે."

"અનેક ખેડૂતો વડા પ્રધાનના ભાષણને સાંભળે એટલે સરકાર એવું દર્શાવવા માગે છે કે કરોડો લોકોએ નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળ્યું છે, કાયદાઓ ખેડૂતો માટે સારા છે અને આંદોલનકારીઓને કોઈને ગુમરાહ કરી દીધા છે."

તો વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર અમિત ધોળકિયા કહે છે કે ખેડૂત આંદોલનને ધીમેધીમે નબળું પાડવા માટેની આ એક વ્યૂહરચના છે. અને ખેડૂતોને સરકાર તરફથી જે ફાયદાઓ થવાના છે તેનાથી વાફેક કરવાની વાત છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ છેલ્લા એક-બે મહિનાથી ખેડૂત આંદોલન અંગે જે વિધાનો કરી રહ્યા છે, એ દર્શાવે છે કે સરકારને એવું લાગી રહ્યું છે કે ખેડૂતોમાં અત્યારે નારાજગી છે."

"સામાન્ય રીતે નરેન્દ્ર મોદી કે અમિત શાહ વાટાઘાટ માટે તૈયાર નથી થતા હોતા, તેમનો હંમેશાં નિર્ણાયક અભિગમ રહેતો હોય છે. પણ છેલ્લા એક-બે મહિનાથી તેઓએ કૂણું વલણ અપનાવ્યું છે."

તેઓ વધુમાં કહે છે, "તેમને (સરકાર) લાગે છે કે આ ખેડૂત આંદોલનથી ભવિષ્યમાં રાજકીય રીતે નુકસાન થઈ શકે છે. ગુજરાત નહીં પણ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં વગેરેમાં અને કંઈક અંશે મહારાષ્ટ્રમાં."

ધોળકિયા માને છે કે આ કાયદામાં જે જોગવાઈઓ છે, એ લાંબા ગાળે ખેડૂતોને લાભદાયી છે. વચેટિયાઓને દૂર કરવાથી ખેડૂતો અને ગ્રાહકોને પણ ફાયદો થશે.

શું ખેડૂતોને "ખુશ" કરવાનો આ કાર્યક્રમ છે?

દિલ્હીની સરહદે ખેડૂતોએ શરૂ કરેલા આંદોલન પછી સરકારે ખેડૂતનેતાઓ સાથે વાતચીત પણ કરી હતી, જોકે તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.

બાદમાં સરકાર તરફથી અલગઅલગ માધ્યમોથી નવા કૃષિકાયદાના ફાયદા અંગે વાતો પણ કરવામાં આવી રહી છે.

ગુજરાત ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળા આ કાર્યક્રમને સુશાસનના એક ભાગ રૂપ ગણાવે છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "ખેડૂતો માટેની અનેક યોજનાઓ માટે અનેક કાર્યક્રમો અવિરત ચાલુ જ હોય છે. ગુજરાતમાં વર્ષોથી ખેડૂતો માટેના કાર્યક્રમો ચાલુ જ હોય છે."

"નરેન્દ્રભાઈ વડા પ્રધાન બન્યા પછી એમણે ખેડૂતોની આવક બમણી કરવા માટે જે નેમ લીધી, એ સંદર્ભમાં પીએમ કિસાન સન્માનનિધિ યોજના શરૂ કરી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 72 હજાર કરોડ ખેડૂતોનાં ખાતામાં પૈસા જમા થયા છે. 25 ડિસેમ્બરે સુશાસન દિવસ છે એટલે શુદ્ધ રૂપિયો ખેડૂતોના ખાતામાં સીધો જમા થાય, એ હેતુથી આ કાર્યક્રમ છે."

પ્રશાંત વાળા કહે છે કે ગુજરાતમાં ગામડેગામડે ખેડૂત વધુ સમૃદ્ધ છે, વધુ સુખી છે. છેલ્લાં 22 વર્ષના ભાજપના શાસનમાં એ લોકોએ ફળ ચાખ્યાં છે.

"કૉંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ખેડૂતોની દશા શું હતી? ગુજરાતના ખેડૂતોને ક્યાંય પ્રશ્ન જ નથી. ગુજરાતમાં કૉંગ્રેસે ખેડૂતોને ઉશ્કેરવાના પ્રયત્નો કર્યા પણ એ ફાવ્યા નથી."

"કૉંગ્રેસે બંધનું એલાન કર્યું હતું, પણ ગુજરાતનો એક પણ ખેડૂત એમાં જોડાયો નથી, એટલું જ નહીં કૉંગ્રેસના કાર્યકરો પણ જોડાયા નહોતા."

તો ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારના મતે ભાજપ સરકારે "ખાટલા પરિષદ"ના અખતરા કર્યા જ છે. ભારતીય જનતા પાર્ટીએ આ કાયદાઓ અંગે સમજણ આપવા માટે કોશિશ કરી હતી. પણ ખાટલા પરિષદ નિષ્ફળ રહી હતી, કોઈ ખેડૂતોએ ખાટલો ઢાળ્યો નહોતો.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે, "નરેન્દ્ર મોદીના દાવાઓ સાચા હોય અને ગુજરાતના ખેડૂતો કાયદાના સમર્થનમાં હોય તો કલમ 144 દૂર કરી બતાવે અને ખેડૂત સંગઠનોને દેખાવો કરવા માટે કે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે લોકશાહી પદ્ધતિથી વિરોધ કરવા માટે મંજૂરી આપે. પછી અભ્યાસ કરી લે કે ખેડૂતો સમર્થનમાં છે કે કેમ."

તેઓ વધુમાં કહે છે, "વિશ્વની આ પહેલી સરકાર છે જે કાયદો બનાવ્યા પછી તેના ફાયદા ગણાવવા નીકળી છે. જો કાયદાના ફાયદા હોત તો પહેલાં દેશની સંસદમાં સમજાવવા દેવા જોઈતા હતા. તો આખો દેશ જાણી લેત."

કિસાન સંઘ અંગે વાત કરતાં તેઓ કહે છે, "કિસાન સંઘ એ ભાજપ-આરએસએસની એક ખેડૂત શાખા છે. એમને કોઈ ખેડૂત સંગઠનનું સમર્થન નથી. આ ભાજપપ્રેરિત ઊભા કરેલા લોકો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો